આ કાર્યક્રમમાં ઍક્ટર સ્વરૂપ સંપત રાવલ, ગાયિકા હેમા દેસાઈ અને લેખક સ્નેહા દેસાઈ મુખ્ય અતિથિ તરીકે પધારશે
વિલે પાર્લેનું નાગર ભગિની ગરબા મંડળ
વિલે પાર્લેના નાગર ભગિની ગરબા મંડળનાં ૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તેમનો સ્વર્ણિમ જયંતી ઉત્સવ ‘સ્વર્ણિમા’ જુહુ વિલે પાર્લે જિમખાનામાં આજે સાંજે પાંચ વાગ્યે ઊજવવામાં આવશે. પ્રાચીન, અર્વાચીન, લોકઢાળ કે શાસ્ત્રીય સુગમ સંગીત પર આધારિત ગવાતા માતાજીના ગરબા નવી પેઢીના આધુનિકીકરણ અને વહેણમાં ભુલાઈ ન જાય એવો એક યજ્ઞ શરૂ કરવા માટે આ મંડળની સ્થાપના ૧૯૭૫માં સુલેખા બક્ષીએ કરી હતી. નાગરોની બેઠા ગરબાની પરંપરા જળવાઈ રહે અને આવનારી પેઢીઓને પણ એ પરંપરા ઉત્સાહપૂર્વક જાળવવાનું મન થાય એવા સતત પ્રયાસ કરતા આ મંડળને ૨૦૦૦ના વર્ષથી કો-ઑર્ડિનેટર તરીકે ડૉ. રાજશ્રી ત્રિવેદી સંભાળે છે.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઍક્ટર-ડિરેક્ટર અને શિક્ષણવિદ સ્વરૂપ સંપત રાવલ, ગાયિકા હેમા દેસાઈ અને ઍક્ટર તથા લેખક સ્નેહા દેસાઈ પધારશે. આ મંડળનાં સિનિયર મેમ્બર ઉન્નતિ હાથી કહે છે, ‘આ કાર્યક્રમમાં બેઠા ગરબાની સાથોસાથ નાટક, સિનિયર સિટિઝનો દ્વારા દીવડારાસ અને યુવાનોના ગરબાનો સ્ટેજ-પર્ફોર્મન્સ પણ થશે.’
ADVERTISEMENT
ઉજવણી વિશે વિસ્તારપૂર્વક વાત કરતાં ડૉ. રાજશ્રી ત્રિવેદી કહે છે, ‘આ વર્ષે મંડળે ૫૦ વર્ષ પૂરાં કર્યાં એ નિમિત્તે અમે આખું વર્ષ કોઈ ને કોઈ ઉજવણી ચાલુ રાખી હતી જેમાં અમે એક સ્વરોક્તિ એટલે કે બેઠા ગરબાની સાથોસાથ એકોક્તિ પણ ભજવી હતી. એ સિવાય નાનાં બાળકોને અમારા કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હતું જેથી નવી પેઢીમાં આપણા સંસ્કાર રેડી શકાય. વળી સ્વર્ણિમ જયંતી નિમિત્તે અમારા જૂનાં સભ્ય સ્વર્ગીય હંસુ મહેતા તરફથી તેમના પરિવારે બાજઠની લહાણી પણ કરી હતી.’
આ મંડળે ‘પગલાં પાડોને આદીશ્વરી’ નામની પોતાના ૨૯ ગરબાઓની એક CD પણ બહાર પાડી છે જેમાં આ બહેનોએ ગયેલા ગરબાઓનો સમાવેશ છે. આ મંડળનાં સ્થાપક સુલેખા બક્ષી કહે છે, ‘હાલમાં અમારા મંડળમાં ૬૦થી વધુ સભ્યો છે જેમને તેમના પરિવાર સાથે અમે આમંત્રણ આપ્યું છે. બધા ભેગા મળીને આ દિવસની ઉજવણીમાં ભાગ લેશે.’
મંડળનાં સૌથી સિનિયર મેમ્બર ૮૨ વર્ષનાં કેતકી મહેતા કહે છે, ‘અમારા મંડળમાં કોઈ પણ પ્રકારની ફી લીધા વગર નવરાત્રિના નવેનવ દિવસ મંડળનાં જુદાં-જુદાં સભ્યોના ઘરે બેઠા ગરબા ગાવાની પરંપરા છેલ્લાં ૫૦ વર્ષથી જાળવવામાં આવી રહી છે. અમને જોઈને આનંદ થાય છે કે જે પેઢીએ આ મંડળ શરૂ કર્યું હતું એના પછીની બીજી પેઢી અત્યારે એ ચલાવે છે. અમારો પ્રયત્ન છે કે પેઢી દર પેઢી આ પરંપરા જળવાઈ રહે, કારણ કે એ આપણી ધરોહર છે.’


