કૉલેજની ફરિયાદ બાદ પોલીસે બન્ને ક્લાર્કની ધરપકડ કરી : ૧૮+ વિદ્યાર્થીઓ ગુજરાતી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વિદ્યાવિહાર-ઈસ્ટમાં આવેલી કે. જે. સોમૈયા કૉલેજ ઑફ આર્ટ્સ ઍન્ડ કૉમર્સની ફર્સ્ટ યર જુનિયર કૉલેજ (FYJC)માં બોગસ લીવિંગ સર્ટિફિકેટ (LC) અને માર્કશીટના આધારે ૨૪ સ્ટુડન્ટ્સનાં ઍડ્મિશન કરાવનાર કૉલેજના બે ક્લાર્ક સહિત પાંચ જણ સામે તિલકનગર પોલીસે મંગળવારે ફરિયાદ નોંધીને કૉલેજના ક્લાર્ક મહેન્દ્ર પાટીલ અને અર્જુન રાઠોડની ધરપકડ કરી છે. ઍડ્મિશનની પ્રક્રિયા પૂરી થયા બાદ કૉલેજ દ્વારા વિદ્યાર્થીઓનાં LC અને માર્કશીટની સ્ક્રૂટિની કરવામાં આવતાં બોગસ દસ્તાવેજના આધારે ઍડ્મિશન લીધાં હોવાનું જાણવા મળ્યું હતું. એ પછી ત્રણ અઠવાડિયાં પહેલાં કૉલેજે આમાંના કેટલાક વિદ્યાર્થીઓનું ઍડ્મિશન કૅન્સલ કર્યું હતું, જેમાંના ૧૮થી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી છે.
ઍડ્મિશન માટે અમુક વિદ્યાર્થીઓએ આપેલાં LC અને માર્કશીટ બનાવટી હોવાનું જાણવા મળતાં કૉલેજે સ્ક્રૂટિની કમિટી તૈયાર કરી હતી એમ જણાવતાં તિલકનગરના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર દિલીપ માનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સપ્ટેમ્બરમાં ઍડ્મિશનની પ્રક્રિયા પૂરી થયા બાદ કૉલેજ વિદ્યાર્થીઓએ આપેલાં LC અને માર્કશીટની સામાન્ય તપાસ કરી રહી હતી ત્યારે બે-ત્રણ વિદ્યાર્થીઓના દસ્તાવેજ બોગસ હોવાની માહિતી મળી હતી એટલે કૉલેજે સ્ક્રૂટિની કમિટી તૈયાર કરીને સોમૈયા કૉલેજમાં ૨૦૨૪-’૨૫માં ઍડ્મિશન લેનાર કૉમર્સના ૮૪૦ અને આર્ટ્સના ૨૪૦ વિદ્યાર્થીઓના દસ્તાવેજની ઝીણવટપૂર્વક તપાસ કરી હતી જેમાંથી ૨૪ વિદ્યાર્થીઓના દસ્તાવેજ બનાવટી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું એટલું જ નહીં, ઑનલાઇન ઍડ્મિશન લેવા માટે વેબસાઇટ પર આપેલો ઈ-મેઇલ આઇડી પણ બોગસ હોવાનું જાણવા મળ્યું હતું. અંતે કૉલેજ મૅનેજમેન્ટે આ તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને કૉલેજમાં બોલાવીને પૂછપરછ કરતાં તેમણે પૈસા આપીને ઍડ્મિશન કરાવ્યું હોવાની કબૂલાત કરી હતી. એ પછી કોને પૈસા આપ્યા હતા એની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે કૉલેજના ક્લાર્ક મહેન્દ્ર પાટીલ અને અર્જુન રાઠોડે અન્ય વ્યક્તિની મદદથી પૈસા લઈને તેમના બોગસ દસ્તાવેજ બનાવીને ઍડ્મિશન કરાવ્યાં હતાં. અંતે મંગળવારે કે. જે. સોમૈયા કૉલેજ ઑફ આર્ટ્સ ઍન્ડ કૉમર્સના પ્રિન્સિપાલ ડૉ. કિશન પવારે ફરિયાદ કર્યા બાદ અમે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.’
ADVERTISEMENT
કૉલેજ પાસેથી અમે છેલ્લાં પાંચ વર્ષના રેકૉર્ડ મગાવ્યા છે, એ આવ્યા બાદ આરોપીઓ કેટલાં વર્ષથી આ રીતે ઍડ્મિશન કરાવતા હતા એ જાણવા મળશે એમ જણાવતાં દિલીપ માનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કૉલેજના ક્લાર્ક સહિત કમલેશ, જિતુ અને બાબુ સામે ફરિયાદ નોંધી છે. આરોપીઓએ મહારાષ્ટ્ર બોર્ડની માર્કશીટ સાથે બીજાં બોર્ડની પણ બોગસ માર્કશીટ તૈયાર કરી છે. આરોપીની કાર્યપદ્ધતિ જાણવા માટે અમારી ટેક્નિકલ ટીમ કામે લાગી ગઈ છે.’
‘મિડ-ડે’એ આ બાબતે પ્રિન્સિપાલ કિશન પવાર પાસેથી વધુ માહિતી જાણવા સંપર્ક કર્યો હતો, પણ તેમણે ફોન નહોતો ઉપાડ્યો.