Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૪ વર્ષની દીકરી અને બે વર્ષના દીકરા સાથે ૨૬ વર્ષની ગુજરાતી યુવતી ગુમ

૪ વર્ષની દીકરી અને બે વર્ષના દીકરા સાથે ૨૬ વર્ષની ગુજરાતી યુવતી ગુમ

Published : 17 September, 2026 11:42 AM | Modified : 17 September, 2026 11:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પિતાએ અજાણી વ્યક્તિ સામે અપહરણની આશંકા વ્યક્ત કરીને પોલીસ-ફરિયાદ નોંધાવી

 ફાલ્ગુની અને તેનાં બે નાનાં બાળકો.

ફાલ્ગુની અને તેનાં બે નાનાં બાળકો.


વિલે પાર્લે-ઈસ્ટ વિસ્તારમાં રહેતા પંચાવન વર્ષના રાજુ સોલંકીએ પોતાની ૨૬ વર્ષની પરિણીત પુત્રી ફાલ્ગુની અને તેનાં બે નાનાં બાળકો ગુમ થયાં હોવાની ફરિયાદ માહિમ પોલીસ-સ્ટેશનમાં મંગળવારે નોંધાવી છે. પિતાના જણાવ્યા અનુસાર ફાલ્ગુનીનાં લગ્ન ફેબ્રુઆરીમાં માહિમ-વેસ્ટસ્થિત રાહેજા રોડ પર આવેલી વૃંદાવન કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહેવાસી નીલેશ સોલંકી સાથે થયાં હતાં. દંપતીને ૪ વર્ષની પુત્રી અને બે વર્ષનો પુત્ર છે. પિતાના કથન મુજબ ફાલ્ગુનીને તેના પતિ સાથે નાની-નાની બાબતોમાં અવારનવાર ઝઘડા થતા હતા જેના કારણે તે અવારનવાર પોતાના પિયર આવી જતી હતી. પિતાએ ફરિયાદમાં કરેલા ગંભીર આરોપ બાદ માહિમ પોલીસે નજીકના વિસ્તારમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા તેમ જ મોબાઇલ લોકેશનના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટનાક્રમ જણાવતાં પિતા રાજુ સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારથી સોમવાર દરમ્યાન ફાલ્ગુની તેનાં બન્ને બાળકો સાથે મારા ઘરે રોકાવા આવી હતી. સોમવારે રાત્રે મારો પુત્ર યોગેશ ફાલ્ગુની અને તેનાં બન્ને બાળકોને તેના સાસરે મૂકવા ગયો હતો અને મોડી રાત્રે પાછો આવ્યો હતો. જોકે બીજા જ દિવસે એટલે કે મંગળવારે સાંજે સાડાપાંચ વાગ્યે ફાલ્ગુનીના સસરા મનુ સોલંકીનો મને ફોન આવ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે ફાલ્ગુની બપોરે સાડાત્રણ વાગ્યે પિયર જવાનું કહીને ઘરની બહાર નીકળી છે. આ સાંભળી મેં ફાલ્ગુનીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ સંપર્ક થઈ શક્યો નહીં. તમામ સગાં-સંબંધીઓ અને ફાલ્ગુનીની બહેનપણીઓને ત્યાં પૂછપરછ કરવા છતાં ફાલ્ગુની કે તેનાં બાળકોનો કોઈ પત્તો ન મળતાં આખરે અમે માહિમ પોલીસ-સ્ટેશને પહોંચ્યા હતા. અમને શંકા છે કે કોઈ અજાણી વ્યક્તિએ ફાલ્ગુનીને લલચાવી-ફોસલાવીને બન્ને બાળકો સાથે કિડનૅપ કરી લીધી છે.’ 



માહિમ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુમ થનાર ફાલ્ગુનીએ સફેદ અને વાદળી રંગનો ડ્રેસ પહેર્યો છે, જ્યારે દીકરીએ લાલ ટી-શર્ટ અને બ્લુ જીન્સ તથા દીકરાએ પીળું ટી-શર્ટ અને લાલ પૅન્ટ પહેરેલું છે. આ કેસમાં અમે ફાલ્ગુની જ્યાંથી ગુમ થઈ હતી અે વિસ્તારના CCTV કૅમેરાનાં ફુટેજ સ્કૅન કરી રહ્યાં છીઅે તેમ જ તેના પતિ અને સાસુ-સસરાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2026 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK