સ્લો લોકલ સમજીને લગેજ ડબ્બામાં ચડ્યો હતો, પણ સવારના સમયે ભીડ હોવાથી ડોમ્બિવલી સ્ટેશન પર ઊતરી શક્યો નહોતો : GRPએ આરોપીની ધરપકડ કરી
હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા હેમત કાંકરિયા, આરોપી ઝિયા હુસૈન શેખ.
કલ્યાણ-દાદરની ફાસ્ટ લોકલ ટ્રેનમાંથી ડોમ્બિવલી સ્ટેશન પર ભીડને કારણે ઊતરી ન શકતાં ૧૯ વર્ષના ઝિયા હુસૈન શેખે ત્રણ મુસાફરો પર ચાકુથી હુમલો કર્યો હોવાની ચોંકાવનારી માહિતી બુધવારે પ્રકાશમાં આવી હતી. આ મામલે ડોમ્બિવલી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ આરોપી સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે. આરોપી સ્લો લોકલ સમજીને મુમ્બ્રા જવા માટે ટ્રેનના લગેજ ડબ્બામાં ચડ્યો હતો. ડોમ્બિવલી સ્ટેશન આવતાં તેણે ફાસ્ટ ટ્રેન હોવાનું જણાતાં ઊતરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સવારના સમયે ભીડ હોવાથી તે ઊતરી શક્યો નહોતો એટલે ગુસ્સે ભરાઈને પાકીટમાં રાખેલું ચાકુ કાઢીને બીજા પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. એ દરમ્યાન સાતથી આઠ પ્રવાસીઓએ હિંમત બતાવીને તેને પકડીને થાણે સ્ટેશન આવતાં પોલીસના હવાલે કર્યો હતો.
અમારા પર હુમલો કરનારો યુવાન નશામાં હતો અને તે કોઈની વાત સાંભળવા તૈયાર નહોતો એમ જણાવતાં હુમલાનો શિકાર થયેલા રાજેશ ચાંગલાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે સવારે સાડાનવ વાગ્યાની આસપાસ મેં કલ્યાણ-દાદર ફાસ્ટ લોકલના લગેજ ડબ્બામાં મુસાફરી શરૂ કરી હતી. ડોમ્બિવલી સ્ટેશન આવતાં એક યુવાને ઊતરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભીડ ખૂબ જ હોવાથી તે ઊતરી શક્યો નહોતો એટલે ચિડાઈને તેણે અમારી સાથે ધક્કામુક્કી કરી હતી. એવું શા માટે કરી રહ્યો છે એમ પૂછતાં તેણે પોતાના પાકીટમાં રાખેલું ચાકુ કાઢીને મને મારવાની કોશિશ કરી હતી. જોકે મારી બાજુમાં ઊભેલા સહપ્રવાસી હેમંત કાંકરિયાએ ચાકુ પકડી લીધું હતું. ત્યાર બાદ તેણે હેમંતનો હાથ છોડાવીને આસપાસના બીજા પ્રવાસીઓને ચાકુ મારવાનો પ્રયાસ કર્યો હતો. એમાં મારી આંગળી કપાઈ ગઈ હતી. હેમંતને હાથમાં ચાકુ વાગ્યું હતું. તેની સાથે બીજા પ્રવાસીઓ પણ જખમી થયા હતા. એ સમયે અમે બધા પ્રવાસીઓએ ભેગા થઈને તેને પકડી લીધો હતો અને થાણે સ્ટેશન આવતાં પોલીસને સોંપી દીધો હતો. પાછળથી તેનું નામ ઝિયા હુસૈન શેખ હોવાની મને જાણ થઈ હતી.’

