આ મામલે બે જણ સામે મહિલાના વિનંયભગ સહિતની કલમો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસ સ્ટેશનમાં હાજર થયેલાં કિરણ અને શેરિન.
મુલુંડ-વેસ્ટના સિટી ઑફ જૉય ટાવરમાં કૂતરાને ખવડાવવાના મામલે થયેલા વિવાદમાં એક મહિલા સહિત બે જણે કલ્પનગરી વિસ્તારમાં રહેતી બાવીસ વર્ષની ગુજરાતી યુવતીનાં કપડાં ફાડી નાખીને તેની મારઝૂડ કરી હોવાની ફરિયાદ મુલુંડ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. શુક્રવારે રાતે યુવતી તેની મમ્મી સાથે નાના રહેતા હતા એ સોસાયટીમાં ડૉગીને ફૂડ આપવા ગઈ હતી. એ સમયે એ સોસાયટીમાં રહેતાં કિરણ ડિક્રુઝ અને શેરિન ડિક્રુઝે ડૉગીને ફૂડ ખવડાવવાનો વિરોધ કરી યુવતીની મમ્મીને ગાળ ભાંડીને તેમની મારઝૂડ કરી હતી. જોકે એ સમયે પોતાની મમ્મીને બચાવવા જતાં આરોપીઓએ યુવતીનું ટૉપ ફાડી નાખ્યું હતું એવો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે આરોપીને નોટિસ આપીને તપાસ માટે હાજર થવાનો આદેશ આપ્યો હતો.
શુક્રવારે બનેલી ઘટના બાદ મારી દીકરીએ ખૂબ ટેન્શન લઈ લીધું હોવાથી તેની તબિયત ખરાબ થઈ ગઈ છે એવું જણાવતાં યુવતીની મમ્મીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું માત્ર દુપટ્ટો ઓઢીને તેણે બહાર આવવું પડ્યું હતું. એ સમયે ઘણા પુરુષો ત્યાં ઊભા હતા. આવી પરિસ્થિતિમાં ભગવાન કોઈને ન નાખે. હું છેલ્લાં પાંચ વર્ષથી મારી મમ્મીની સોસાયટી ઉપરાંત રાતે પચાસથી વધુ ડૉગીને ફૂડ આપવા જાઉં છું. શુક્રવારે સાંજે પણ હું અને મારી દીકરી બન્ને ડૉગીને ફૂડ આપી રહ્યાં હતાં ત્યારે પહેલાં એક વૉચમૅન આવ્યો હતો જેણે થોડી દલીલો કરી હતી. તેણે ના પાડ્યા પછી બહાર નીકળતી વખતે એક મહિલા અને એક પુરુષ ત્યાં આવી પહોંચ્યાં હતાં અમને ગાળો ભાંડવા માંડ્યાં હતાં. મારી મારઝૂડ કરવા આગળ આવતાં હતાં ત્યારે મેં તમને સમજાવવાની ખૂબ કોશિશ કરી હતી, પણ તેઓ કાંઈ સાંભળવાના મૂડમાં જ નહોતાં. થોડી વાર પછી મહિલા ઝાડુ વડે મને મારવા આવી ત્યારે મારી દીકરી વચ્ચે પડી હતી, પણ મને બચાવવા જતાં મહિલાએ તેનું ટૉપ ખેંચીને ફાડી નાખ્યું હતું. જોકે એ સમયે ત્યાં બીજા લોકો ઊભા હતા એટલે મેં દીકરીને મારો દુપટ્ટો ઓઢાડી દીધો હતો. આવી હરકત બાદ હું ફરિયાદ કરવા પોલીસ-સ્ટેશન પહોંચી હતી. જોકે એ સમયે પોલીસે મારી એક્કેય વાત નહોતી સાંભળી એટલે મેં ઍનિમલ લવર ગ્રુપના મેમ્બરનો સંપર્ક કરતાં પોલીસે મારી ફરિયાદ મંગળવારે નોંધી હતી.’
ઍનિમલ લવર ગ્રુપના સભ્ય હીર રાજપૂતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘યુવતી માત્ર દુપટ્ટાના આધારે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવા ગઈ હતી. જોકે પોલીસે એ વખતે માત્ર NC પર તમામ મૅટરને રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હતો. આ આખી ઘટનાના વિડિયો હોવાથી ઘટનાની માહિતી અને વિડિયો પોલીસ સામે રાખ્યા બાદ પોલીસે ઍક્શન લીધી હતી.’
ADVERTISEMENT
આરોપીને નોટિસ આપીને આ કેસમાં વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે એમ જણાવતાં મુલુંડ પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર વિઠ્ઠલ વાયભિસેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડૉગીને ખવડાવવાના મામલે વિવાદ થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ મામલે બે જણ સામે મહિલાના વિનંયભગ સહિતની કલમો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે.’

