ડ્રગ કૅસ : હિરોઇનોની લાઇન લાગી એનસીબી ઑફિસમાં
દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર
સુશાંતસિંહ રાજપૂતના કેસ સાથે સંબંધિત ડ્રગ્સ-કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના અધિકારીઓએ બૉલીવુડની અભિનેત્રી દીપિકા પાદુકોણની પાંચ કલાક પૂછપરછ કરી હતી. દીપિકાની સેલિબ્રિટી મૅનેજર કરિશ્મા પ્રકાશની હાજરીમાં સહિયારી પૂછપરછ પણ કરવામાં આવી હતી. કરિશ્મા પ્રકાશની ડ્રગ્સની ઉપલબ્ધિ બાબતે ‘ડી’ નામની વ્યક્તિ સાથે વૉટ્સઍપ-ચૅટના સંદર્ભમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો તપાસ કરી રહી છે.
ગઈ કાલે સવારે ૯.૫૦ વાગ્યે દીપિકા પાદુકોણ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના ગેસ્ટ હાઉસમાં પહોંચી હતી અને બપોરે ૩.૫૦ વાગ્યે બહાર નીકળી હતી. દીપિકા અને કરિશ્મા બન્નેને ૩.૪૦ વાગ્યે ત્યાંથી રવાના થવાની પરવાનગી આપવામાં આવી હતી. કરિશ્મા ગેસ્ટ હાઉસમાંથી પહેલા બહાર આવી હતી. દીપિકા અને કરિશ્મા બન્ને જુદી-જુદી કારોમાં નીકળી હતી.
કહેવાય છે કે દીપિકાના પતિ અભિનેતા રણવીર સિંહે પૂછપરછ દરમ્યાન હાજર રહી શકાય કે નહીં, એવું નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના અધિકારીઓને પૂછ્યું હતું, પરંતુ બ્યુરોના અધિકારીઓએ આવી કોઈ વિનંતિ કરવામાં ન આવી હોવાનું જણાવ્યું હતું. ડ્રગ્સ કેસમાં અભિનેત્રીઓ સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને પણ બ્યુરોના અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે. સુશાંત અપમૃત્યુ કેસની તપાસના ભાગરૂપે ડ્રગ્સ પ્રકરણ બાબતે અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિકને પૂછપરછ તેમ જ તપાસમાં મળેલી માહિતી અનુસાર બૉલીવુડના અન્ય કલાકારો તથા પ્રોફેશનલ્સની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
એનસીબીમાં શ્રદ્ધા કપૂરને ૬ અને સારા અલી ખાનને સાડાચાર કલાક સવાલ-જવાબ કરાયા
સુશાંત સિંહ રાજપૂત અપમૃત્યુ કેસના અનુસંધાનમાં ડ્રગ્સ કેસમાં ગઈ કાલે અભિનેત્રીઓ સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની દક્ષિણ મુંબઈના બૅલાર્ડ એસ્ટેટ સ્થિત ઝોનલ ઑફિસમાં પૂછપરછ કરવામાં આવી હતી. શ્રદ્ધા કપૂર બપોરે બાર વાગ્યે બ્યુરોની ઝોનલ ઑફિસમાં પહોંચીને લગભગ છ કલાક પૂછપરછ બાદ સાંજે ૫.૫૫ વાગ્યે બહાર નીકળી હતી. સારા અલી ખાન બપોરે એક વાગ્યે ત્યાં પહોંચી હતી. સારાની પૂછપરછ સાડાચાર કલાક ચાલી હતી. એ સાડા પાંચ વાગ્યે બ્યુરોની ઝોનલ ઑફિસમાંથી રવાના થઈ હતી.
દરમ્યાન મુંબઈ પોલીસના ઝોન-૧ના નાયબ કમિશનર સંગ્રામસિંહ નિશાનદારે પ્રસાર માધ્યમોના સંવાદદાતાઓ અને ફોટોગ્રાફર્સને બ્યુરોની તપાસ-પૂછપરછ માટે આવતા બૉલીવુડના કલાકારોનાં વાહનોનો પીછો નહીં કરવાનો અનુરોધ કર્યો હતો. આ રીતે પીછો કરવાથી પ્રસાર માધ્યમોના પ્રતિનિધિઓના અને રસ્તે ચાલતા કે વાહનોમાં પ્રવાસ કરતા અન્ય લોકોના જીવનું જોખમ પણ ઊભું થતું હોવાનું નિશાનદારે જણાવ્યું હતું. આ રીતે બૉલીવુડના સ્ટાર્સ કે અન્યોનો પીછો કરનારા વાહનો જપ્ત કરવામાં આવશે અને તેના ડ્રાઇવર સામે કડક પગલાં લેવામાં આવશે.

