BKCના ડાયમન્ડના વેપારીનો સેલ્સમૅન ૯૯.૮૫ લાખ રૂપિયાના હીરા લઈને રફુચક્કર
સેલ્સમૅન સાવન ઇટાલિયા
વિલે પાર્લે-ઈસ્ટમાં રહેતા અને બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં સિંગલ કટ નામે ડાયમન્ડનો વ્યવસાય કરતા ૪૧ વર્ષના રાજેશ ઘામેલિયા પાસે સેલ્સમૅનનું કામ કરતો ૨૭ વર્ષનો સાવન ઇટાલિયા ૯૯.૮૫ લાખ રૂપિયાના હીરા લઈને રફુચક્કર થઈ ગયો હોવાની ફરિયાદ BKC પોલીસ-સ્ટેશનમાં રવિવારે નોંધાઈ હતી. ડિસેમ્બરની શરૂઆતમાં સાવન દિલ્હી અને જયપુરની બે પાર્ટીઓને ડાયમન્ડ જોઈતા હોવાનું કહીને રાજેશભાઈ પાસેથી જાંગડ પાવતી પર ડાયમન્ડ લઈને રફુચક્કર થઈ ગયો હતો. ત્યાર બાદ સાવનનો ફોન સતત સ્વિચ્ડ-ઑફ જોતાં વધુ તપાસ કરતાં તે હીરા લઈને ભાગી ગયો હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
સાવન આવું કરે એ માનવામાં જ નહોતું આવતું, ઘણા દિવસ સુધી તેનો ફોન સ્વિચ્ડ-ઑફ આવતાં મને હીરા કરતાં તેની વધુ ચિંતા હતી, દસેક દિવસ સુધી તો મને રાતે ઊંઘ પણ નહોતી આવતી એમ જણાવતાં રાજેશ ઘામેલિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાવન મારી પાસે છેલ્લાં બે વર્ષથી નોકરી કરતો હતો. તેના પર મને ઘણો વિશ્વાસ હતો. આ પહેલાં મેં તેને પાંચ કરોડ રૂપિયાના હીરાનું જોખમ આપ્યું હતું ત્યારે પણ તેણે દાનત નહોતી બગાડી. એ વિશ્વાસ સાથે જ મેં તેના પપ્પાને દુકાન શરૂ કરવા માટે ફાઇનૅન્સ કર્યું હતું. ૩ ડિસેમ્બરે બપોરે સાવને દિલ્હી અને જયપુરની પાર્ટીને ડાયમન્ડનો માલ જોઈતો હોવાની રજૂઆત મને કરી હતી. મને તેના પર વિશ્વાસ હોવાથી મેં તાત્કાલિક તેને માલ લઈ લેવાનું કહ્યું હતું અને તેણે ૯૯.૮૫ લાખ રૂપિયાના હીરા જાંગડ પાવતી પર મારી પાસેથી લીધા હતા. ત્યાર બાદ તેને ૬ ડિસેમ્બરે ફોન કર્યો હતો અને એ સમયે તેણે વહેલી તકે વ્યવહાર પૂરો થશે એવી ખાતરી આપી હતી. ત્યાર બાદ સતત ટાળંટાળ કરતો હતો. થોડા દિવસ પછી તો તેણે પોતાનો ફોન સ્વિચ્ડ-ઑફ કરી દીધો હતો એટલે મને તેની ચિંતા થતાં હું તેના ઘરે ગયો હતો, પણ તે ઘરે નહોતો. વધુ તપાસ કરતાં જે પાર્ટીના નામે ડાયમન્ડ લઈ ગયો હતો એ પાર્ટીને ફોન કર્યો તો તેમણે ડાયમન્ડ ન મળ્યા હોવાનું કહ્યું હતું. અંતે મને ખાતરી થઈ ગઈ કે સાવન હીરા લઈને નાસી ગયો છે. એ પછી મેં પોલીસ-સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જિંદગીભર મેં ક્યારેય પોલીસ-સ્ટેશન નથી જોયું, પણ સાવને મને પોલીસ-સ્ટેશન જોવા મજબૂર કર્યો.’
ADVERTISEMENT
આરોપીની વધુ તપાસ માટે અમે તેની કૉલ રેકૉર્ડ ડિટેઇલ તપાસી રહ્યા છીએ એમ જણાવતાં BKCના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મામલે અમે ફરિયાદ નોંધીને ડાયમન્ડ લઈ જનાર નોકરની તપાસ કરી રહ્યા છીએ. તે મળ્યા પછી બધી બાબત જાણવા મળશે.’