વેસ્ટર્ન રેલવેના ઍડિશનલ જનરલ મૅનેજરે મીરા-ભાઈંદરના વિધાનસભ્યને લેટર લખીને કહ્યું કે ધસારાના સમયે મીરા રોડ અને દહિસરના પ્રવાસીઓ AC ટ્રેનનો પાસ હોવા છતાં ટ્રેનમાં ચડી ન શકતા હોવાથી તેમનો વિચાર કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે
AC લોકલ ટ્રેન
વેસ્ટર્ન રેલવેના ઍડિશનલ જનરલ મૅનેજરે મીરા-ભાઈંદરના વિધાનસભ્યને લેટર લખીને કહ્યું કે ધસારાના સમયે મીરા રોડ અને દહિસરના પ્રવાસીઓ AC ટ્રેનનો પાસ હોવા છતાં ટ્રેનમાં ચડી ન શકતા હોવાથી તેમનો વિચાર કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે : તેમણે એમ પણ કહ્યું કે આ સમય દરમ્યાન અડધો કલાકમાં પ્રવાસીઓ માટે ભાઈંદરથી નવ ટ્રેન છે
ભાઈંદર રેલવે-સ્ટેશનેથી સવારે ૮.૨૪ વાગ્યાની ચર્ચગેટ તરફની નૉન-AC લોકલ ટ્રેનને ગયા વર્ષની ૨૭ નવેમ્બરે ઍર-કન્ડિશન્ડ (AC) લોકલ ટ્રેન કરવાના નિર્ણયનો સ્થાનિક રહેવાસીઓએ જોરદાર વિરોધ કર્યો હતો અને ACને બદલે ફરી નૉન-AC ટ્રેન કરવાની માગણી કરી હતી. લોકોના વિરોધને ધ્યાનમાં રાખીને મીરા-ભાઈંદરના ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ વેસ્ટર્ન રેલવેને પત્ર લખીને આ વિશે ફેરવિચારણા કરવાની માગણી કરી હતી. જોકે હવે વેસ્ટર્ન રેલવેના ઍડિશનલ જનરલ મૅનેજર પ્રકાશ બુટાનીએ વિધાનસભ્યના પત્રનો જવાબ આપ્યો છે જેમાં તેમણે ભાઈંદરના રહેવાસીઓ માટે સવારે આઠથી સાડાઆઠ વાગ્યા દરમ્યાન એક-બે નહીં પણ ૯ લોકલ ટ્રેન ચર્ચગેટ તરફ જવા માટે ઉપલબ્ધ હોવાનું કહ્યું છે. એટલું જ નહીં, ભાઈંદરથી AC લોકલ શરૂ કરવાના કારણ વિશે પણ તેમણે કહ્યું હતું કે મીરા રોડ અને દહિસરમાં રહેતા લોકોને નૉન-AC જ નહીં, AC લોકલમાં પણ ચડવા નથી મળતું એટલે ભાઈંદરની નૉન-AC ટ્રેનને AC લોકલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
વેસ્ટર્ન રેલવેના ઍડિશનલ જનરલ મૅનેજર પ્રકાશ બુટાનીએ ૬ જાન્યુઆરીએ વિધાનસભ્યને મોકલેલા પત્રમાં લખ્યું છે કે ‘વેસ્ટર્ન રેલવેએ પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૨૦૧૭માં AC લોકલ ટ્રેનની શરૂઆત કરી હતી. નવા ટ્રૅકની ઉપલબ્ધતા નથી એટલે નૉન-AC ૧૨ ડબાની ટ્રેનોને બદલીને AC લોકલ કરવામાં આવી રહી છે. ૨૦૨૪ની ૨૭ નવેમ્બરે વધુ ૧૩ AC લોકલ વેસ્ટર્ન રેલવેમાં ઉમેરવામાં આવતાં આવી ટ્રેનોની સંખ્યા ૯૬થી વધીને ૧૦૯ થઈ છે. સવારે ૭.૫૯ વાગ્યાની વિરારથી ચર્ચગેટ તરફની AC ટ્રેનમાં ખૂબ જ ગિરદી થતી હતી એટલે ભાઈંદર, મીરા રોડ અને દહિસર તેમ જ બોરીવલીથી ચર્ચગેટ તરફ જતા પ્રવાસીઓને મુશ્કેલી થતી હતી. આ સમસ્યાના નિવારણ માટે ભાઈંદરથી સવારે ૮.૨૪ વાગ્યાની નૉન-AC ટ્રેનને AC લોકલ કરવામાં આવી છે. આ ફેરફાર કરવાથી AC ટ્રેનના પ્રવાસીઓને રાહત થઈ છે. ભાઈંદરના પ્રવાસીઓની સુવિધા માટે ૧૬ ડિસેમ્બરથી સવારે ૮ વાગ્યાની ભાઈંદર-ચર્ચગેટ લોકલ ટ્રેનને ૧૨ ડબામાંથી ૧૫ ડબાની કરવામાં આવી છે. આથી આ લોકલ ટ્રેનની ક્ષમતામાં પચીસ ટકાનો વધારો થયો છે.’
સવારના પીક-અવર્સમાં ૧૦.૩૦ વાગ્યા સુધી ચર્ચગેટ તરફ જતી લોકલ ટ્રેનમાં મીરા રોડ અને દહિસરથી પ્રવાસ કરવાનું લગભગ અશક્ય છે. દહિસરથી બોરીવલી બસ કે ઑટોમાં ગણતરીની મિનિટમાં પહોંચી શકાય છે, પણ મીરા રોડના લોકો પાસે બોરીવલી કે ચર્ચગેટ ઝડપથી જવા માટે લોકલ ટ્રેન સિવાય કોઈ વિકલ્પ નથી. રસ્તામાં ટ્રાફિક-જૅમ રહે છે જેથી ઑટો રિક્ષામાં મીરા રોડથી બોરીવલી પહોંચવામાં અડધોથી પોણો કલાક થાય છે.
ભાઈંદરમાં અડધો કલાકમાં ૯ લોકલ |
||||
નંબર |
ડબા |
ક્યાંથી ક્યાં |
ભાઈંદરમાં સમય |
ફાસ્ટ/સ્લો |
૧ |
૧૫ |
ભાઈંદર-ચર્ચગેટ |
૦૮.૦૦ |
ફાસ્ટ |
૨ |
૧૨ |
વિરાર-ચર્ચગેટ |
૦૮.૦૧ |
સ્લો |
૩ |
૧૨ |
વિરાર-બોરીવલી |
૦૮.૦૪ |
સ્લો |
૪ |
૧૫ |
વિરાર-અંધેરી |
૦૮.૦૭ |
ફાસ્ટ |
૫ |
૧૨ |
વિરાર-બાંદરા |
૦૮.૦૮ |
સ્લો |
૬ |
૧૫ |
વિરાર-બોરીવલી |
૦૮.૧૨ |
ફાસ્ટ |
૭ |
૧૫ |
વિરાર-ચર્ચગેટ |
૦૮.૧૭ |
ફાસ્ટ |
૮ |
૧૨ |
વસઈ-ચર્ચગેટ |
૦૮.૨૭ |
ફાસ્ટ |
૯ |
૧૨ |
વિરાર-ચર્ચગેટ |
૦૮.૩૧ |
ફાસ્ટ |