Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘાટકોપરમાં બે બાળકીના અપહરણનો પ્રયાસ નિષ્ફળ, એક રહેવાસીની સતર્કતાથી આરોપી ઝડપાઈ ગયો

ઘાટકોપરમાં બે બાળકીના અપહરણનો પ્રયાસ નિષ્ફળ, એક રહેવાસીની સતર્કતાથી આરોપી ઝડપાઈ ગયો

Published : 19 March, 2026 07:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩૧ વર્ષના સરજુપ્રસાદ બનવાસીની પાર્કસાઇટ પોલીસે મંગળવારે રાતે ધરપકડ કરી હતી

દામોદર પાર્કમાંથી ધરપકડ કરવામાં આવેલો સરજુપ્રસાદ બનવાસી.

દામોદર પાર્કમાંથી ધરપકડ કરવામાં આવેલો સરજુપ્રસાદ બનવાસી.


ઘાટકોપર-વેસ્ટના દામોદર પાર્કના ગાર્ડનમાં રમતી ૭ વર્ષની બે બાળકીઓને વાતોમાં ભોળવીને તેમનો હાથ પકડીને બહાર લઈ જવાનો પ્રયાસ કરનાર ૩૧ વર્ષના સરજુપ્રસાદ બનવાસીની પાર્કસાઇટ પોલીસે મંગળવારે રાતે ધરપકડ કરી હતી. મૂળ મધ્ય પ્રદેશના દિંડોરીમાં રહેતો સરજુપ્રસાદ બાળકીઓને સોસાયટીના ગેટની બહાર લઈ જતો હતો ત્યારે સ્થાનિક રહેવાસી મોહમ્મદ ઝકરિયાની નજર તેના પર પડી હતી. તેણે તાત્કાલિક તેને અટકાવીને પૂછપરછ કરવાનો પ્રયાસ કરતાં સરજુપ્રસાદે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અન્ય લોકોએ તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો. મુંબઈમાં તેનું કોઈ સ્થાયી રહેઠાણ ન હોવાનું બહાર આવ્યું છે અને તેના ઇરાદા વિશે પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.

દામોદર પાર્કમાં રહેતા મોહમ્મદ ઝકરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે રાતે આશરે ૮ વાગ્યે હું સોસાયટીના પાર્કિંગમાંથી મારી કારમાં બહાર જઈ રહ્યો હતો ત્યારે ગાર્ડનમાં રમતી મારી ઓળખીતી બાળકીઓ સાથે એક અજાણ્યો યુવક વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનું મેં જોયું હતું. એ પછી મને શંકા જતાં મેં કારમાં બેસીને થોડો સમય તેની હરકતો જોઈ હતી. થોડા જ સમયમાં તે યુવક ૭ વર્ષની બે બાળકીઓનો હાથ પકડીને તેમને સોસાયટીના ગેટ તરફ લઈ જઈ રહ્યો હતો. ગેટની બહાર નીકળવાની તૈયારીમાં હતો ત્યારે મેં તેને અટકાવીને તેની પૂછપરછ કરી ત્યારે તેણે બાળકીઓનો હાથ છોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સોસાયટીના અન્ય લોકોની મદદથી તેને પકડી લેવામાં આવ્યો હતો. સોસાયટીમાં કોઈ પણ વ્યક્તિ તેને ઓળખતું નથી અને તે કેમ આવ્યો હતો તેમ જ બાળકીઓને ક્યાં લઈ જવાનો હતો એ વિશે તે યોગ્ય જવાબ આપી શક્યો નહોતો. અંતે અમે તેને પોલીસને સોંપી દીધો હતો.’



પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંતોષ ઘાટેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી સામે અપહરણનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની હરકતો શંકાસ્પદ જણાઈ છે. તે મૂળ મધ્ય પ્રદેશનો છે. અહીં શા માટે આવ્યો હતો એનો કોઈ જવાબ તેણે અમને આપ્યો નથી. આ કેસમાં મધ્ય પ્રદેશ પોલીસ તેમ જ મુંબઈ અને રાજ્યના અન્ય વિસ્તારમાંથી ગુમ થયેલાં બાળકોના કેસમાં તેની સંડોવણી છે કે નહીં એની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2026 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK