માલેગાંવમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શરદ પવાર પર ફરી કર્યો શાબ્દિક હુમલો
ગઈ કાલે ત્ર્યંબકેશ્વર મંદિરમાં પત્ની સોનલ સાથે પૂજા કરી રહેલા ગૃહ પ્રધાન અમિત શાહ.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને શરદ પવાર મોકો મળે છે ત્યારે એકબીજા પર શાબ્દિક પ્રહાર કરવાનું ચૂકતા નથી. ગઈ કાલે અમિત શાહ મહારાષ્ટ્રના માલેગાંવની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે એક કાર્યક્રમમાં બોલતી વખતે ફરી શરદ પવારને નિશાના પર લીધા હતા. અમિત શાહે કહ્યું હતું કે ‘મારે શરદ પવારને એક સવાલ પૂછવો છે. તેમણે મારા સવાલનો જવાબ આપવો જોઈએ. પવારસાહેબ તમે દસ વર્ષ કેન્દ્રમાં કૃષિપ્રધાન હતા એ સમયે સહકાર મંત્રાલય પણ તમારી પાસે હતું. ત્યારે તમે મહારાષ્ટ્રનાં સાકરનાં કારખાનાં કે ખેડૂતો માટે શું કર્યું? માર્કેટિંગ નેતા બનીને ફરવું સરળ છે, પણ એની સાથે જમીન પર રહીને કામ કરવું પણ જરૂરી છે. સહકાર ક્ષેત્રને ખરા અર્થમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યાય આપ્યો છે. કૃષિ મંત્રાલયમાંથી સહકાર મંત્રાલય અલગ કર્યું. સાકરનાં કારખાનાં માટે જુદી-જુદી યોજના લાવવામાં આવી. આથી આજે સાકરનાં કારખાનાંની સ્થિતિમાં સુધારો થયો છે. માત્ર નેતા બનીને ખેતી સુધરી ન શકે.’