Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પ્રખ્યાત ચેમ્બુર ગૃહ ઉદ્યોગમાં મૅનેજર દ્વારા જ ચોરી

પ્રખ્યાત ચેમ્બુર ગૃહ ઉદ્યોગમાં મૅનેજર દ્વારા જ ચોરી

Published : 08 February, 2026 07:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચેમ્બુર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેશ કેવલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘CCTV કૅમેરાનાં ફુટેજના આધારે ચોરી સ્પષ્ટ થતાં અમે આરોપી નિલય ગડાની ધરપકડ કરી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ચેમ્બુર-ઈસ્ટમાં જૈન સંઘ સંચાલિત પ્રસિદ્ધ ચેમ્બુર ગૃહ ઉદ્યોગ નામની મીઠાઈ અને ફરસાણની દુકાનમાં કચ્છી મૅનેજરે કુલ દોઢ લાખ રૂપિયાની રોકડની ચોરી કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે શુક્રવારે ચેમ્બુર જૈન સંઘના અધ્યક્ષ લલિત ખીચાએ ચેમ્બુર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે મૅનેજર નિલય ગડાની ધરપકડ કરી છે. દુકાનના અકાઉન્ટમાં પૈસા ઓછા જણાતાં કમિટીના સભ્યોએ જ્યારે CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યા ત્યારે મૅનેજર ૧ અને ૮ ઑક્ટોબર વચ્ચે સાંજના સમયે કૅશ-કાઉન્ટર પરથી ૫૦૦ની નોટનાં બંડલ સેરવતો કૅમેરામાં ઝડપાઈ ગયો હતો. ૧૦ વર્ષથી વિશ્વાસપાત્ર ગણાતા કર્મચારીએ જ આ કૃત્ય આચરતાં ચેમ્બુર જૈન સંઘમાં ચકચાર મચી ગઈ છે.

ચેમ્બુર જૈન સંઘના અધ્યક્ષ લલિત ખીચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દુકાનના વ્યવસ્થાપન માટે નિમાયેલી ૯ સભ્યોની કમિટીને ૨૦ ઑક્ટોબરના રોજ હિસાબમાં તફાવત જણાતાં આ તપાસ હાથ ધરવામાં આવી હતી. CCTV કૅમેરાનાં ફુટેજ તપાસતાં એમાં સ્પષ્ટ થયુ હતું કે ૧ ઑક્ટોબરે સાંજે અને ૮ ઑક્ટોબરે સાંજે મૅનેજર નિલયે અત્યંત ચાલાકીથી રોકડની ચોરી કરી હતી. જ્યારે કમિટી દ્વારા નિલયની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે પ્રાથમિક રીતે દોઢ લાખ રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તે પોતે પણ જૈન સમાજમાંથી આવતો હોવાથી અને લાંબા સમયથી સંસ્થા સાથે જોડાયેલો હોવાથી સંસ્થાએ શરૂઆતમાં પોલીસ-ફરિયાદ કરવાનું ટાળ્યું હતું અને તેના પરિવારને બોલાવી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સંસ્થાના હોદ્દેદારોને શંકા છે કે આ ચોરીનો આંકડો માત્ર દોઢ લાખ સુધી મર્યાદિત નથી, પરંતુ ભૂતકાળમાં પણ તેણે મોટી રકમની હેરાફેરી કરી હોઈ શકે છે. જ્યારે તેની પાસે પાછલા હિસાબોની વિગતો માગવામાં આવી ત્યારે નિલયે ગોળ-ગોળ જવાબો આપીને વિગતો આપવાનું ટાળ્યું હતું. તેના આવા વર્તનથી ચોરી પાછળ અન્ય કોઈ વ્યક્તિનો હાથ છે કે કેમ એની ઊંડી તપાસ કરવા માટે અંતે કમિટીએ સર્વાનુમતે 
પોલીસ-ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો.’



ચેમ્બુર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેશ કેવલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘CCTV કૅમેરાનાં ફુટેજના આધારે ચોરી સ્પષ્ટ થતાં અમે આરોપી નિલય ગડાની ધરપકડ કરી છે. આ કેસમાં આરોપીએ છેલ્લાં ૬ વર્ષના કાર્યકાળ દરમ્યાન અન્ય કોઈ નાણાકીય ગેરરીતિ કરી છે કે કેમ એની તપાસ કરવામાં આવી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

08 February, 2026 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK