રોહિત પવારે કહ્યું કે એ સિવાય વિલીનીકરણ બાબતે તેમની બીજી શું ઇચ્છા હતી એ પણ ૧૨ ફેબ્રુઆરીએ જણાવીશું
રોહિત પવાર અને પવાર પરિવારના અન્ય સભ્યોએ ગઈ કાલે જિલ્લાપરિષદની ચૂંટણીમાં મતદાન કર્યું હતું.
બારામતીના કાટેવાડીમાં ગઈ કાલે જિલ્લાપરિષદની ચૂંટણીના મતદાનમાં પવાર પરિવારના સભ્યોએ સાથે મળીને મતદાન કર્યું હતું. એ વખતે NCP(SP)ના વિધાનસભ્ય અને અજિત પવારના ભત્રીજા રોહિત પવારે કહ્યું હતું કે ‘અજિત પવારના વિમાન-અકસ્માત બાબતે કેટલીક શંકાઓ છે જે અમે ૧૦ ફેબ્રુઆરીએ પત્રકાર-પરિષદમાં કહીશું અને બન્ને NCPના વિલીનીકરણ બાબતે પણ અજિત પવારનું શું કહેવું હતું, તેમની શું ઇચ્છા હતી એ વિશે ૧૨ ફેબ્રુઆરીએ જણાવીશું. લોકો સામે અનેક બાબતો માંડવી છે.’
રોહિત પવારે ગઈ કાલે મતદાન બાદ કહ્યું હતું કે ‘દાદાજી (શરદ પવાર)ની ઇચ્છા હતી કે પરિવારના બધા જ લોકોએ સાથે જઈને મતદાન કરવું જોઈએ. એથી અમે બધાએ આજે મતદાન કર્યું છે. આવા પ્રયાસ અજિતદાદા પણ કરતા હતા. હાલની દુઃખની ઘડીમાં પરિવાર ૧૩ દિવસ સાથે જ રહેશે. અજિત પવારને પણ એક પરિવાર તરીકે બધાએ સાથે રહેવું જોઈએ એમ લાગતું હતું. આજે નક્કી નહોતું કર્યું એમ છતાં પરિવારના બધા જ સભ્યો એકસાથે મતદાન કરવા આવ્યા હતા.’
ADVERTISEMENT
આ ઉપરાંત શરદ પવાર અને પાર્થ પવાર સાથે રાતના સમયે તેમણે હાલમાં જ બેઠક કરી હતી એ વિશે કહ્યું હતું કે ‘અમારી વચ્ચે કેટલીક ચર્ચાઓ થઈ હતી જે રાજકીય નહોતી. દાદા (અજિત પવાર)ના સ્મરણાર્થે શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ એ બાબતે અમારી વચ્ચે વાતો થઈ હતી.’


