મહિલાઓને ખબર પડી ગઈ એટલે ઘાટકોપર સ્ટેશન પર ઊતરીને ભાગી ગયો
લોકલ ટ્રેનમાં બુરખામાં પુરુષ આરોપી.
ઘાટકોપર સ્ટેશન નજીક છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) લોકલમાં મહિલાઓની સુરક્ષા અંગે ફરી એક ચિંતાજનક ઘટના શુક્રવારે સવારે સામે આવી હતી. CSMT ફાસ્ટ લોકલમાં ભીડનો લાભ લઈને એક પુરુષ બુરખો પહેરીને મહિલાઓના ડબ્બામાં પ્રવેશી ગયો હતો. આ ઘટના સવારના વ્યસ્ત સમયગાળા દરમ્યાન બની હતી. શરૂઆતમાં કોઈને શંકા નહોતી ગઈ, પરંતુ મુસાફરી દરમ્યાન તેની હલચલ શંકાસ્પદ લાગતાં કેટલીક મહિલાઓએ ધ્યાન આપ્યું હતું. ત્યાર બાદ તે પુરુષ હોવાનું સ્પષ્ટ થતાં મહિલાઓમાં ભય અને ગભરાટ ફેલાયો હતો જેનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ ઘટના બાદ તરત મહિલાઓએ રેલવે હેલ્પલાઇનને માહિતી આપતાં આરોપી ઘાટકોપર સ્ટેશન પર ટ્રેન સ્લો થતાં ટ્રેનમાંથી કૂદી ફરાર થઈ ગયો હતો. આરોપી સામે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ ફરિયાદ નોંધીને એની તપાસ શરૂ કરી છે. આરોપીને શોધવા માટે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ પણ વિવિધ માધ્યમથી તપાસ શરૂ કરી છે.
કુર્લા GRPએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીએ પૂરો બુરખો પહેરીને પોતાને મહિલા તરીકે છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. લોકલમાં ભારે ભીડ હોવાથી શરૂઆતમાં કોઈને શંકા નહોતી ગઈ, પરંતુ કેટલીક મહિલાઓને તેની હરકતો દેખાતાં તેમણે એકબીજાને ચેતવણી આપી હતી. તે પુરુષ હોવાનું બહાર આવતાં જ મહિલાઓએ તાત્કાલિક રેલવે કન્ટ્રોલને જાણ કરી હતી એટલે GRP અને RPFની ટીમો ઘાટકોપર સ્ટેશન પર પહોંચી હતી, પરંતુ આરોપી એ પહેલાં જ ટ્રેનમાંથી કૂદીને ભાગી ગયો હતો. પરિણામે તાત્કાલિક તેની ધરપકડ શક્ય બની નહોતી. આરોપીને શોધવા સ્ટેશન પરના તથા લોકલ કોચના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજની તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીની ઓળખ કરવા અને તેને પકડવા માટે વિશેષ ટીમો રચવામાં આવી છે.’


