Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આ ટીનેજરને કેમ સલામ કરવી પડે? : દિવ્યાંગ કૃતાર્થ ગુજરાતીએ પણ કરી દેખાડી ૪૦૦ દિવસના વર્ષીતપની આકરી આરાધના

આ ટીનેજરને કેમ સલામ કરવી પડે? : દિવ્યાંગ કૃતાર્થ ગુજરાતીએ પણ કરી દેખાડી ૪૦૦ દિવસના વર્ષીતપની આકરી આરાધના

Published : 19 April, 2026 07:40 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

ઘાટકોપર-ઈસ્ટના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આવતી કાલે વર્ષીતપના ૫૭૬ તપસ્વીઓ સામૂહિક પારણાં કરશે

મમ્મી-પપ્પા અને નાના ભાઈ સાથે કૃતાર્થ.

મમ્મી-પપ્પા અને નાના ભાઈ સાથે કૃતાર્થ.


૧૬ વર્ષનો કૃતાર્થ જોઈ નથી શકતો તથા બોલી-ચાલી નથી શકતો, પણ મમ્મી અને પપ્પાની પ્રેરણા તથા માર્ગદર્શનથી તે અનેરી આધ્યાત્મિકતામાં રંગાઈ ગયો છે ઃ આવતી કાલે ઘાટકોપરમાં કૃતાર્થ પારણાં કરશે

ઘાટકોપર-ઈસ્ટના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આવતી કાલે વર્ષીતપના ૫૭૬ તપસ્વીઓ સામૂહિક પારણાં કરશે. આ તપસ્વીઓ સાથે ૪૦૦ દિવસનું તપ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં સામેલ છે નાની ઉંમરમાં ડૉક્ટરની ભૂલને કારણે દિવ્યાંગ બની ગયેલો ૧૬ વર્ષનો કૃતાર્થ ગુજરાતી. કૃતાર્થ પારણાં કરશે એ દૃશ્ય અનોખું અને અકલ્પનીય બની રહેશે. આ બધા તપસ્વીઓએ ઘાટકોપર-વેસ્ટના શ્રી ‌ચિંતામણિ પાર્શ્વનાથ જૈન સંઘના નેજા હેઠળ આચાર્ય શ્રી જયશેખર સૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી ૪૦૦ દિવસના વર્ષીતપની આરાધના કરી હતી.



કૃતાર્થનો જન્મ ૨૦૧૦માં થયો હતો. જન્મ વખતે કૃતાર્થ એકદમ તંદુરસ્ત અને દેખાવડો હતો, પરંતુ ૧૦ મહિનાનો થયો ત્યારે અચાનક તેને તાવ આવ્યો હતો. સારવાર દરમ્યાન ડૉક્ટરની બેદરકારી અને ભૂલને કારણે કૃતાર્થની જિંદગી દર્દનાક અને દયનીય બની ગઈ હતી. તેણે આંખની રોશની ગુમાવી દીધી હતી અને સાથોસાથ તેની બોલવા-ચાલવાની શક્તિ પણ હણાઈ ગઈ હતી. જોકે જૈન ધર્મમાં આસ્થા રાખતાં કૃતાર્થના પપ્પા વિશાલ અને મમ્મી તૃપ્તિએ પૂર્વભવના કર્મને દોષ આપીને, કૃતાર્થની શારીરિક અક્ષમતાને અગવણીને પુત્રના કર્મનો ક્ષય થાય એ ભાવ સાથે હિંમત રાખીને તેને ધર્મ તરફ વાળી દીધો છે.


કૃતાર્થની ધર્મમય મમ્મી તૃપ્તિબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કૃતાર્થે આંખ અને હાલવા-ચાલવાની શક્તિ ખોઈ દીધી હતી, પરંતુ કોઈ પુણ્ય પ્રતાપે તેની શ્રવણેન્દ્રિય બરાબર છે એને કારણે અમને તેનામાં ધર્મના સંસ્કાર અને બીજ રોપવામાં સરળતા અને સફળતા મળી હતી. અમે તેને ધર્મનું જ્ઞાન આપતા રહીએ છીએ. તે અમારી સાથે રહીને રોજ સવાર-સાંજ ધર્મનું શ્રવણ કરે છે અને અમે તેને પ્રતિક્રમણ પણ કરાવીએ છીએ. તેણે ગયા વર્ષે પર્યુષણપર્વમાં અઠ્ઠાઈની તપશ્ચર્યા કરી હતી. અમારામાં ગયા વર્ષની ફાગણ સુદ આઠમના‌ દિવસથી વર્ષીતપનો પ્રારંભ કરવામાં આવે છે જેમાં ૪૦૦ દિવસમાં એક દિવસ ઉપવાસ અને એક દિવસ બિયાસણું  કરવાનું હોય છે એટલે કે બે વખત એક જ જગ્યાએ બેસીને જમવાનું હોય છે. વચ્ચે-વચ્ચે બે દિવસના સાથે ઉપવાસ પણ કરવાના અને છેલ્લે અઠ્ઠમ એટલે કે ત્રણ ઉપવાસ કરવાના હોય છે. આ વખતે અમારા સદ્નસીબે અમારા સંઘાણી એસ્ટેટના સંઘમાં સામૂહિક વર્ષીતપની આરાધનાની શરૂઆત કરાવવામાં આવી હતી. ગુરુમહારાજના આશીર્વાદથી અમે કૃતાર્થને આ તપ કરાવવાનું બીડું ઝડપ્યું હતું જે તેણે સફળતાપૂર્વક પૂરું કર્યું હતું. આ ૪૦૦ દિવસના તપમાં કૃતાર્થ ભગવાનની પૂજા કરી શકે એ માટે અમે દેરાસરમાંથી ઘરે ભગવાનની મૂર્તિ લઈ આવતા અને કૃતાર્થ પાસે અષ્ટપ્રકારી પૂજા કરાવતા હતા. તેને રોજ સવાર-સાંજ પ્રતિક્રમણ પણ કરાવતા હતા. એ સિવાય એ દિવસ દરમ્યાન ભગવાનનાં સ્તવન અને ભક્તિગીતો સાંભળતો હતો. અમારા ઘરે મહારાજસાહેબ વહોરવા આવે ત્યારે કૃતાર્થ તેમની પાસે હાથ જોડીને માંગલિકનું શ્રવણ પણ કરતો હતો.’

કૃતાર્થના વર્ષીતપની આરાધનાની અનુમોદના કરતાં અને તેનાં મમ્મી-પપ્પાની હિંમતની પ્રશંસા કરતાં આચાર્ય જયશેખરસૂરીશ્વરજી મહારાજાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજના કલિયુગમાં જ્યારે છોકરાઓ મોબાઇલ અને સોશ્યલ મીડિયા તરફ વળી ગયા છે અને તેમને એના વગર ચાલતું નથી એવા સમયે કૃતાર્થ દિવ્યાંગ હોવા છતાં મમ્મી-પપ્પાની પ્રેરણાથી અને માર્ગદર્શનથી આધ્યાત્મિક માર્ગ તરફ વળી ગયો છે એ અનુમોદનીય છે. તેની વર્ષીતપની આરાધના પછી તો આખા પરિવારે આધ્યાત્મિકતા તરફ વળીને ઘરના વાતાવરણને ધર્મમય બનાવી દીધું છે. પ્રભુએ અને ગુરુભગવંતોએ તેના આત્માને ઉચ્ચ કોટિનો બનાવીને તેના જીવનને ધન્ય બનાવી દીધું છે.’


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2026 07:40 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK