Wildfires in Los Angeles: અમેરિકાની આગમાં ૧૬૦૦૦ એકરથી વધુ જમીન બળી ગઈ, પાંચના મોત, ગલોમાં લાગેલી આગ હવે આસપાસના રહેણાંક વિસ્તારો સુધી પહોંચતા ખળભળાટ
તસવીર સૌજન્ય : એએફપી
અમેરિકા (America)ના કેલિફોર્નિયા (California)ના જંગલોમાં લાગેલી આગ હવે ભયંકર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. આ આગ લોસ એન્જલસ (Wildfires in Los Angeles) અને હવે હોલીવુડ હિલ્સ (Hollywood Hills on fire) સુધી ફેલાઈ ગઈ છે. આના કારણે લગભગ એક લાખ લોકોને પોતાના ઘર છોડવાની ફરજ પડી છે. અને અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત પણ થયા છે.
અમેરિકાના કેલિફોર્નિયાના મુખ્ય શહેર લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગ હવે આસપાસના રહેણાંક વિસ્તારો સુધી પહોંચી ગઈ છે. આ આગને કારણે અત્યાર સુધીમાં હજારો ઘર બળીને રાખ થઈ ગયા છે. આ જંગલની આગ કેટલી મોટી બની ગઈ છે તેનો અંદાજ તમે એ વાતથી લગાવી શકો છો કે તેનો ફેલાવો જોઈને હજારો લોકોને પોતાના ઘર છોડવા પડ્યા છે.
ADVERTISEMENT
લોસ એન્જલસ વિસ્તારમાં લાગેલી આગને કારણે, અધિકારીઓએ લાખો લોકોને શક્ય તેટલી વહેલી તકે તેમના ઘર ખાલી કરવા જણાવ્યું છે. ચારે બાજુ ધુમાડા અને ધૂળના વાદળો દેખાય છે.
અભિનેતા સ્ટીવ ગુટનબર્ગ (Steve Guttenberg)એ કેલિફોર્નિયામાં લાગેલી આગને ખૂબ જ ખરાબ ગણાવી છે. તેણે એક વીડિયો શૅર કર્યો અને કહ્યું કે, ‘મેં મારા જીવનમાં અત્યાર સુધી આનાથી ખરાબ કંઈ જોયું નથી.’
પેસિફિક પેલિસેડ્સ, ઇટન અને હર્સ્ટમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. હેલિકોપ્ટરથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. પેલિસેડ્સમાં ૧૫,૦૦૦ એકર, ઈટનમાં ૧૦,૦૦૦ એકર અને હર્સ્ટમાં ૫૦૦ એકરથી વધુ જમીન બળીને રાખ થઈ ગઈ. હજારો અગ્નિશામક દળો આગને કાબુમાં લેવા માટે રોકાયેલા છે. લોસ એન્જલસ ફાયર ચીફ ક્રિસ્ટન ક્રાઉલીએ કહ્યું કે આપણે હજુ સુધી ભયમાંથી બહાર આવ્યા નથી. લોકો પોતાના વાહનો રસ્તા પર છોડીને ભાગવા લાગ્યા. આ વાહનોને ઇમરજન્સી સેવાઓ માટે બુલડોઝરથી તોડી પાડવાનું કહેવામાં આવ્યું હતું. ગેટ્ટી વિલાના મેદાનમાં કેટલાક વૃક્ષો અને વનસ્પતિ બળી ગયા હતા, પરંતુ સ્ટાફ અને સંગ્રહાલયનો સંગ્રહ સુરક્ષિત હતો કારણ કે આસપાસની ઝાડીઓ કાપી નાખવામાં આવી હતી. પરિસ્થિતિ એટલી ભયાનક હતી કે લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટને તેના કર્મચારીઓ પાસેથી મદદ માંગવી પડી જેઓ તેનો સામનો કરવા માટે ફરજ પર ન હતા.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રપતિ જો બિડેન (Joe Biden)એ ઇટાલી (Italy)ની તેમની મુલાકાત રદ કરવી પડી. જ્યારે ગવર્નર ગેવિન ન્યુસમ (Gavin Newsom)એ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને કહ્યું કે, ઘણા ઘરો બળી ગયા છે. તેમણે ત્યાં કટોકટી જાહેર કરી.
તમને જણાવી દઈએ કે, આ આગને કારણે અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયાના અહેવાલ છે. જોકે, આ મૃત્યુ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ આગ સતત ફેલાઈ રહી છે તે વિસ્તારમાંથી અત્યાર સુધીમાં ૭૦ હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. આ ભીષણ આગથી ૧૫૦૦ થી વધુ ઘરોને અસર થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ આગને કારણે અત્યાર સુધીમાં અબજો ડોલરનું નુકસાન થયું છે. જંગલમાં આગ લાગવાની આ ઘટના ગયા મંગળવારે પહેલીવાર નોંધાઈ હતી. ત્યારથી આગ સતત ફેલાઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં આ આગ પાંચ હજાર એકરથી વધુ જમીનને પોતાની ઝપેટમાં લઈ ચૂકી છે. જે વિસ્તારમાં આગ ફેલાઈ રહી છે તે લોસ એન્જલસની પૂર્વમાં, સાન્ટા મોનિકા અને માલિબુના દરિયાકાંઠાના શહેરો વચ્ચે આવેલું છે. ખાસ વાત એ છે કે આ એ વિસ્તાર છે જ્યાં ઘણા ફિલ્મ સ્ટાર્સ અને સંગીત ઉદ્યોગની મોટી હસ્તીઓના ઘર પણ છે.