માફી માગી અને વિડિયો ડિલીટ કર્યો
સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી
વિશ્વવંદનીય સંત જલારામબાપા વિશે સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલી ટિપ્પણી માટે માફી માગવી પડી છે. જ્ઞાનપ્રકાશ સ્વામીએ કહ્યું હતું કે જલારામબાપાએ સદાવ્રત ચાલુ કરવા માટે ગુણાતીતાનંદ સ્વામી પાસે આશીર્વાદ લીધા અને તેમનું સદાવ્રત ચાલુ થયું. જલારામબાપા વિશે સ્વામીએ કહેલી વાતનો વિડિયો વાઇરલ થતાં જલારામબાપાના ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જલારામબાપા વિશે કરેલી આવી વાતના વિડિયોને સ્વામીએ હટાવી લેવો પડ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં આવેલા સુરતના અમરોલી વિસ્તારમાં થયેલા એક સત્સંગનો વિડિયો વાઇરલ થયો હતો, જેમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામબાપા વિશે કહ્યું હતું કે...
ADVERTISEMENT
‘જલાભગતે સ્વામી પાસે આશીર્વાદ માગ્યા કે સ્વામી મારું એકમાત્ર લક્ષ્ય, ઇચ્છા અને સંકલ્પ છે કે અહીં કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે તે બધાને અહીં પ્રસાદ મળે, ભોજન મળે.
ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, ‘બહુ સારું, પહેલાં અમને તો જમાડો.’
જલાભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યાં.
સ્વામી બહુ રાજી થઈ ગયા અને કહ્યું, ‘જલાભગત, તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમને માટે તમારા ભંડાર અખૂટ રહેશે, જાઓ.’
આ પ્રકારના સત્સંગનો વિડિયો વાઇરલ થતાં જલારામબાપાના ભક્તોમાં ભારે રોષ ફેલાયો હતો. રઘુવંશી સમાજ પણ આ વિડિયોને લઈને લાલઘૂમ થઈ ગયો અને સ્વામી સામે ભારે અસંતોષ ફેલાયો હતો.
લોકરોષ જોઈને ગઈ કાલે સ્વામી જ્ઞાનપ્રકાશે માફી માગતાં કહ્યું હતું કે ‘જલારામબાપાના મહિમા વિશે આ વાત કરેલી. જલારામબાપાના કાર્ય અને બાપાનું સદાવ્રત ચાલે છે, ભગવાનનો થાળ છે એ અંતર્ગત વાત કરી હતી. એમ છતાં કોઈ પણ સમાજનું કે કોઈ પણ વ્યક્તિનું મારી વાતથી દિલ દુભાયું હોય તો સાચા દિલથી માફી માગું છું’
ત્યાર બાદ સ્વામીએ એ વિડિયો તરત જ હટાવી દીધો હતો.

