10,000+ અત્યાર સુધી આટલા લોકો જોડાયા છે આ યોજનામાં
તાજેતરમાં એક પરિવારના મોભીનું અવસાન થયું ત્યારે પાટીદાર પરિવાર સુરક્ષા કવચના આગેવાનોએ પરિવારજનોને સાંત્વન આપીને ચેક અર્પણ કર્યો હતો.
સુરતના સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટે શરૂ કરી છે પાટીદાર પરિવાર સુરક્ષા કવચ યોજના : આ યોજનાની સભ્ય હોય એવી ૧૮થી પંચાવન વર્ષની ઉંમરની વ્યક્તિનું અવસાન થાય તો તેના પરિવારને ૧૦ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે : સમાજના સહયોગથી જ થાય છે આ કાર્ય, એમાં ૧૮થી પંચાવન વર્ષના લોકો જોડાઈ શકે છે અને તેમણે વયજૂથ મુજબ વર્ષે બે હજારથી ત્રણ હજાર રૂપિયાનું યોગદાન આપવાનું હોય છે
સુરતમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટે આવકારદાયક અને ઉદાહરણરૂપ યોજના અમલમાં મૂકી છે. આ યોજનામાં સભ્ય હોય એવી ૧૮થી પંચાવન વર્ષની વ્યક્તિનું અવસાન થાય તો તેના પરિવારને ૧૦ લાખ રૂપિયાની સહાય કરવામાં આવે છે. તાજેતરમાં આ યોજના અંતર્ગત સરથાણામાં રહેતા રમેશ બાફલીપરાનું અવસાન થયા બાદ પરિવારને પાટીદાર પરિવાર સુરક્ષા કવચ યોજના અંતર્ગત ૧૦ લાખ રૂપિયાની સહાય કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત આ પહેલી સહાય ચૂકવવામાં આવી છે.
ADVERTISEMENT
પાટીદાર પરિવાર સુરક્ષા કવચના પ્રમુખ મનીષ કાપડિયાએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા રમેશ બાફલીપરાનું બ્રેઇનડેડ થવાને કારણે અવસાન થયું હતું. તેઓ એમ્બ્રૉઇડરી મશીન ચલાવીને પોતાના પરિવારનું ગુજરાત ચલાવતા હતા. રમેશભાઈના પરિવારને પાટીદાર પરિવાર સુરક્ષા કવચ યોજના અંતર્ગત ૧૦ લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે. રમેશભાઈની દીકરી નેત્રા અને દીકરો યજ્ઞ અભ્યાસ કરતાં હોવાથી તેઓ આ સહાયથી તેમનો અભ્યાસ પૂરો કરી શકશે તેમ જ ઘરનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થશે. પરિવારના સભ્યોએ અમને કહ્યું હતું કે આ સહાય અમારા પરિવાર માટે આશા અને હિંમત સમાન છે.’
શું છે યોજના?
પાટીદાર પરિવાર સુરક્ષા કવચ યોજનાની વિશે જણાવતાં મનીષ કાપડિયાએ કહ્યું હતું કે ‘સુરતમાં રહેતા પાટીદાર સમાજના ૧૮થી પંચાવન વર્ષ સુધીના લોકો માટે આ યોજના છે. આજના સમયે ઘરના મુખ્ય સભ્યનું અવસાન થાય તો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જતો હોય છે ત્યારે સમાજના લોકોએ આવી સ્થિતિમાં લાચારી ન અનુભવવી પડે અને આર્થિક ટેકો મળી રહે એ માટે આ યોજના એક વર્ષ પહેલાં અમલમાં મૂકી છે. પરિવાર નિરાધાર ન બને અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફરી ઊભો થઈ શકે માટે આ યોજના અમલમાં મૂકી છે. ૧૮થી પંચાવન વર્ષના એજ-ગ્રુપના પાટીદાર સમાજની કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને તે આ યોજનાની સભ્ય હોય તો બારમાની વિધિ પહેલાં તેના પરિવારને ૧૦ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે જેથી પરિવારને લાચારીનો સામનો ન કરવો પડે અને થોડોઘણો આર્થિક આધાર મળી રહે. આ યોજના પાટીદાર પરિવારો માટે સંવેદના સાથે સુરક્ષાનું કવચ બની રહેશે.’
સભ્યોના સહયોગથી ચાલતી યોજના
મનીષ કાપડિયાએ કહ્યું હતું કે ‘આ યોજનામાં સુરતમાં રહેતા પાટીદાર સમાજના ૧૮થી પંચાવન વર્ષના સભ્યો જોડાઈ શકે છે. અત્યાર સુધીમાં ૧૦,૦૦૦થી વધુ સભ્યો નોંધાયા છે. ૧૮થી ૩૦ વર્ષના સભ્ય પાસેથી વર્ષે ૨૦૦૦ રૂપિયા, ૩૧થી ૪૫ વર્ષના સભ્ય પાસેથી ૨૫૦૦ રૂપિયા અને ૪૬થી પંચાવન વર્ષના સભ્યો પાસેથી ૩૦૦૦ રૂપિયા સહયોગ નિધિ લેવામાં આવે છે. તેઓ સમાજમાં આ દાન આપે છે. આ યોજનામાં સામેલ સભ્યનું કોઈ પણ કારણસર મૃત્યુ થાય તો તેના પરિવારને આ ભંડોળમાંથી ૧૦ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ યોજના શરૂ કરી એને એક વર્ષ થવા આવશે.’
