યુવા કલાકારોએ ગુજરાતનાં વિવિધ સ્થળોએ તેમ જ ઉજ્જૈનમાં આવેલા મંદિરમાં બિરાજતાં હરસિદ્ધિ માતાજીની બનાવી કલાકૃતિઓ
હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન કરવા આવેલા માઈભક્તો.
નવરાત્રિના પાવન અવસરે નર્મદા જિલ્લામાં રાજપીપળામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરે અગણિત માઈભક્તો માતાજીનાં દર્શન માટે ઊમટી રહ્યા છે ત્યારે માતાજીના મંદિરે હરસિદ્ધિ માતાજીની કલાત્મક રંગોળીઓ માઈભક્તોમાં દર્શન સાથે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
રાજપીપળામાં આવેલા હરસિદ્ધિ માતાજીના મંદિરે શ્રદ્ધા, કળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. હરસિદ્ધિ માતાજીનાં દર્શન અને તેમની આરાધના કરવા માટે અગણિત માઈભક્તો ઊમટી રહ્યા છે. મંદિરમાં દર્શન કરવા માટે માઈભક્તો હાથમાં ધજા સાથે પદયાત્રા કરીને આવી રહ્યા છે. માતાજીના મંદિર તરફ જતા માર્ગો માતાજીના જયઘોષથી ગુંજી રહ્યા છે. મંદિરમાં આવતા માઈભક્તો માતાજીનાં દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
ADVERTISEMENT

હરસિદ્ધિ માતાજીની વિવિધ રંગોળીનાં દર્શન.
નવરાત્રિના પાવન અવસરે માતાજીનાં દર્શન ઉપરાંત માતાજીની કલાત્મક રંગોળીએ દિવ્ય વાતાવરણ સર્જ્યું છે. મંદિરમાં આવેલા હૉલમાં રંગોળીનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. નર્મદા જિલ્લાના પ્રતિભાશાળી યુવા કલાકારોએ ગુજરાતના રાજપીપળા, કોયલા ડુંગર અને લાડોલમાં આવેલાં હરસિદ્ધિ માતાજીનાં મંદિરમાં તેમ જ ઉજ્જૈનના મંદિરમાં બિરાજતાં હરસિદ્ધિ માતાજીની કૃતિઓ તેમ જ માતાજીનાં ૯ સ્વરૂપોની કલાત્મક કૃતિઓ રંગોળીના માધ્યમથી તૈયાર કરી છે. આ કલાકૃતિઓને જોવા માટે માઈભક્તો આવી રહ્યા છે અને કલાકારોની કૃતિઓને બિરદાવી રહ્યા છે.
