જગન્નાથજીએ સોનાવેશ ધારણ કર્યો હતો. મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના આ રૂપના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. વર્ષમાં એક વખત ભગવાન જગન્નાથાજી સોનાવેશ ધારણ કરે છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અમદાવાદમાં હવે ભગવાન જગન્નાથજીની 146મી યાત્રાને ગણતરીના જ કલાકો બાકી છે. પોલીસ વિભાગે પણ રથાયાત્રા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અમદાવાદમાં અષાઢી બીજ મંગળવારના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે ત્યારે 18 કિલોમીટરના રૂટમાં રણછોડરાયનો રથ ફરશે. આ રથ ફરીને નીજ મંદિર પરત આવશે. આ દિવસે રથયાત્રાના રૂટની વ્યવસ્થાના ભાગરૂપે કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવશે. જ્યારે કેટલાક રસ્તાઓ માટે ડાઇવર્ઝન પણ આવામાં આવનાર છે.
જગન્નાથજીની રથયાત્રા સાથે ઘણી બધી ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવતી હોય છે. તે પણ શરૂ થઈ ગઈ છે. ગઇકાલે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આજે ભગવાન જગન્નાથજીએ સોનાવેશ ધારણ કર્યો હતો. મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના આ રૂપના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા.
ADVERTISEMENT
વર્ષમાં એક વખત ભગવાન જગન્નાથાજી સોનાવેશ ધારણ કરે છે. આ પ્રસંગે સોનાના આભૂષણોથી ભગવાનને શણગારવામાં આવે છે. આજે યજમાનો દ્વારા જગન્નાથજીના સોનાવેશની પૂજા કરવામાં આવી હતી. વહેલી સવારથીજ ભક્તોનું ઘોડાપૂર જગન્નાથ મંદિરે જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે મોરની ડિઝાઇનના ઘરેણા આ પ્રસંગ માટે ખાસ બનાવવામાં આવ્યા હતા.
ગુલાબી વાઘા અને સોનાના ઘરેણા ધારણ કરેલા ભગવાન જગન્નાથજીના દર્શન કરીને ભક્તો રાજીના રેડ થયા હતા. ઉપરાંત ભગવાન જગન્નાથજી માટે ચોકલેટનો રથ પણ બનાવવામાં આવ્યો હતો. જે આજે વિધિ દરમિયાન એક ભક્ત દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ જય બજરંગ યુવક મિત્ર મંડળે ભગવાન જગન્નાથજીને 500 ગ્રામની ગાય અર્પણ કરી હતી. આ ગ્રૂપ દ્વારા છેલ્લા 10 વર્ષથી ભગવાનને ચાંદીની ગાય અર્પણ કરવામાં આવે છે. આ વર્ષે પણ તેમણે છેલ્લા 10 વર્ષથી ચાલી આવતી આ પ્રથાને જાળવી રાખીને ઉત્સવનું માન વધાર્યું છે. વિશેષ કે જગન્નાથનો રથ આ વખતે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રામાં નવા સ્વરૂપમાં જોવા મળવાનો છે.
રથયાત્રાને થોડાક જ કલાક બાકી હોવાથી આજે મંદિર પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજન કરવામાં આવ્યું હતું. આ વખતે 72 વર્ષ જૂના રથોને પૂરી જેવો રથનો લુક આપવામાં આવ્યો છે. જે રથ પર બિરાજમાન થઈને ભગવાન નગરચર્યા પર નિકળવાના છે તે રથનો નવો લુક રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર જમાવશે એમાં કોઈ જ બેમત નથી.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે 18 જૂનના રોજ ભગવાન જગન્નાથ મામાના ઘરેથી પરત ફર્યા હતા. ત્યારે ગર્ભગૃહમાં તેમની રંગેચંગે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 7:30 વાગ્યે ભગવાનની નેત્રોત્સવ પૂજન વિધિ કરવામાં આવી હતી. ભગવાનની નેત્રોત્સવ પૂજન વિધિ અને ધ્વજારોહણ દરમ્યાન પણ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ નેત્રોત્સવ વિધિમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઇ બળદેવનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
સવારથી નેત્રોત્સવની વિધિ શરૂ કરવામાં આવી હતી. એવી લોકવાયકા છે કે, નગરના નાથ મામાના ઘર સરસપુરથી પરત જમાલપુર મંદિરમાં આવે છે. ભગવાન જ્યારે મામાના ઘરેથી પરત આવે છે ત્યારે તેમને આંખો આવેલી હોય છે. એટલે ગર્ભગૃહમાં પ્રવેશ બાદ ભગવાનની આંખે ચંદનનો લેપ લગાવીને પાટા બાંધવામાં આવે છે.