કોરોનાની ભીતિ વચ્ચે કાંકરિયા કાર્નિવલ માટે એક કલાક ઘટાડવામાં આવ્યો, ૮ વાગ્યા પછી નો એન્ટ્રી , રાતે ૧૦ને બદલે ૯ વાગ્યા સુધી જ યોજાશે કાર્નિવલ
કાંકરિયા કાર્નિવલ
રવિવારે શરૂ થયેલા કાંકરિયા કાર્નિવલમાં ઊમટેલા લોકો.
અમદાવાદ : કોરોનાની દહેશત વચ્ચે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને પ્રારંભ કરાવ્યો છે, પણ ડહાપણની દાઢ ફૂટી હોય એમ કાંકરિયા કાર્નિવલના સમયમાં ફેરફાર કરીને કાર્નિવલનો સમય એક કલાક ઓછો કરી દીધો છે.
સમગ્ર વિશ્વમાં કોરોનાને કારણે વાતાવરણ ડહોળાયું છે ત્યારે લોકોને ભીડભાડથી દૂર રહેવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમ જ માસ્ક પહેરીને નીકળવાની આરોગ્ય વિભાગે અપીલ કરી છે. જોકે આ બધી અપીલ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા કાંકરિયા લેક ફ્રન્ટમાં કાંકરિયા કાર્નિવલનું આયોજન કરીને રવિવારથી કાર્નિવલની શરૂઆત કરી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. ૩૧ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલમાં દરરોજ અવનવા કાર્યક્રમનું આયોજન થયું છે એટલે સ્વાભાવિક છે કે ભીડ થવાની. બીજી તરફ કોરોનાની દહેશત પણ ફેલાઈ છે ત્યારે હવે રહી-રહીને જાગેલા મ્યુનિસિપલ તંત્રએ કાર્નિવલના કાર્યક્રમનો સમય એક કલાક ઘટાડી દીધો છે.
ADVERTISEMENT
કાર્નિવલ રાતે ૧૦ વાગ્યા સુધી ચાલવાનો હતો, પણ હવે સાંજે ૬થી રાતે ૯ વાગ્યા સુધી જ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. આમ હવે સત્તાવાળાઓ કાર્નિવલ એક કલાક વહેલો પૂરો કરશે અને રાતે આઠ વાગ્યા પછી લોકોને એન્ટ્રી નહીં આપવાનો નિર્ણય લેવાયો છે.