રાજકોટની સોની બજારમાં કામ કરતા મલિક, સિરાજ, શુકર અલી અને સૈફ નવાઝ અલ-કાયદા બંગલાદેશ સાથે જોડાઈને દેશવિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા હતા
શુકર અલી, અમન મલિક, સૈફ નવાઝ
ઉશ્કેરણીજનક સાહિત્ય, કન્ટ્રી મેડ પિસ્તોલ અને ૧૦ કારતૂસ મળી આવ્યાં, આ ત્રણ જણ તેમના જેવા કટ્ટરપંથી માનસિકતાવાળા માણસોને શોધતા અને જોડાવા પ્રેરિત કરતા હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી
ગુજરાતમાં યુવાનોને આતંકવાદી બનાવવાના અલ-કાયદાના ષડ્યંત્રનો પર્દાફાશ ગુજરાત ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (એટીએસ)એ કર્યો છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા બંગલાદેશ સાથે જોડાઈને રાજકોટમાં બેઠાં-બેઠાં દેશવિરોધી પ્રવૃત્તિઓ કરી રહેલા રાજકોટની સોની બજારમાં કામ કરતા અમન સિરાજ, શુકર અલી અને સૈફ નવાઝની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે.
ADVERTISEMENT
ગુજરાત એટીએસને આ ત્રણ શખ્સો પાસેથી ઉશ્કેરણીજનક સાહિત્ય તેમ જ કન્ટ્રી મેડ પિસ્તોલ અને ૧૦ કારતૂસ મળી આવ્યાં છે. આ ત્રણ જણ તેમના જેવા કટ્ટરપંથી માનસિકતાવાળા માણસોને શોધતા અને તેમની સાથે જોડાવા પ્રેરિત કરતા હોવાની ચોંકાવનારી માહિતી આ ત્રણ શખ્સોની એટીએસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં બહાર આવી છે. ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી હતી કે મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ રાજકોટના સોની બજારમાં નોકરી કરતા અમન સિરાજ, શુકર અલી અને સૈફ નવાઝ અલ-કાયદા સાથે જોડાયેલા છે અને રાજકોટમાં આ તંજીમનો પ્રચાર કરી રહ્યા છે. આ બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાય અને એસ. એલ. ચૌધરીના નેતૃત્વમાં બે ટીમ રાજકોટ મોકલી હતી. આ ટીમ દ્વારા અમન સિરાજ, શુકર અલી અને સૈફ નવાઝને ડીટેઇન કરીને પૂછપરછ કરવામાં આવી હતી.
એટીએસના એસ.પી. ઓમપ્રકાશ જાટે પ્રેસ-કૉન્ફરન્સ યોજીને માહિતી આપતાં કહ્યું હતું કે ‘એટીએસની બે ટીમ છેલ્લા ત્રણ-ચાર દિવસથી વૉચમાં હતી. આ ત્રણ આરોપીઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે અમન એકાદ વર્ષથી ટેલિગ્રામ ઍપ્લિકેશનના માધ્યમથી તેના વિદેશી હેન્ડલર અબુ તલ્હા અને ફુરસાન નામની વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવ્યો હતો, જે અલ-કાયદાના બંગલાદેશ સાથે જોડાયેલો છે. આ વ્યક્તિના પ્રેરિત કરવાથી અલ-કાયદા તંજીમમાં જોડાયો હતો. આ વ્યક્તિઓ કનવરસેશન ઍપ્લિકેશનના માધ્યમથી ઉશ્કેરણીજનક સાહિત્ય અને વિડિયો મેળવતાં હતાં અને ઑનલાઇન દ્વારા ઑટોમૅટિક હથિયાર ઑપરેટ કરવાની તાલીમ મેળવી રહ્યા હતા. અમન ટેલિગ્રામ અને કનવરસેશન ઍપ્લિકેશનના માધ્યમથી મુઝમ્મીલ નામની વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો, જેણે અમનને જિહાદ તેમ જ હિજરત માટે પ્રેરિત કરતો હતો અને એના થકી કોઈ મોટા કામને અંજામ આપવા માટે કન્ટ્રી મેડ સેમી ઑટોમૅટિક હથિયાર ખરીદ્યું હતું. અમને તેના પરિચિત સુકુર અલી અને સૈફ નવાઝ કે જેઓ પણ અમન જેવી માનસિકતા ધરાવતા હતા તેમને પણ અલ-કાયદા તંજીમમાં જોડ્યા હતા. આ ત્રણેય આરોપીઓ પોતાના પરિચિત અન્ય બંગાળી કારીગરોને પણ તંજીમમાં જોડાવા પ્રેરિત કરતા હતા. આ આરોપીઓ પાસેથી એક કન્ટ્રી મેડ ઑટોમૅટિક પિસ્તોલ, ૧૦ કારતૂસ તેમ જ પાંચ મોબાઇલ ફોન મળી આવ્યા છે. મોબાઇલ ફોનમાંથી ઉશ્કેરણીજનક સાહિત્ય, વિડિયો, ફોટોગ્રાફ તેમ જ હથિયારની તાલીમનું સાહિત્ય મળી આવ્યું છે. આ ત્રણ આરોપીઓ સામે ગુજરાત એટીએસ પોલીસ-સ્ટેશનમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.’
ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ એટીએસ ટીમને અભિનંદન આપ્યાં
રાજકોટમાં આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા ત્રણ શખ્સો ઝડપાતાં ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાત એટીએસને અભિનંદન આપીને કહ્યું હતું કે ‘ગુજરાત એટીએસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે ત્યારે ગુજરાત એટીએસની ટીમને અભિનંદન આપું છું.’