આ કાર્યક્રમમાં ભરવાડ સમાજની ૭૫,૦૦૦થી વધુ બહેનોએ પરંપરાગત હુડો રાસ રમીને વિક્રમ સરજ્યો હતો.
સંત નગાલખા બાપા ઠાકરધામના પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
ગુજરાતમાં ધોલેરા નજીક બાવળિયાળીમાં આયોજિત સંત નગાલખા બાપા ઠાકરધામના પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપજ્ઞાન ગાથામાં ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો-સંદેશથી શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં ભરવાડ સમાજની ૭૫,૦૦૦થી વધુ બહેનોએ પરંપરાગત હુડો રાસ રમીને વિક્રમ સરજ્યો હતો.
ADVERTISEMENT
નરેન્દ્ર મોદીએ વિડિયો-સંદેશમાં કહ્યું હતું કે ‘મહંત રામબાપુજી, સમાજના આગેવાનો અને ઉપસ્થિત હજારો શ્રદ્ધાળુઓને હાર્દિક શુભેચ્છાઓ. ભરવાડ સમાજની પરંપરા અને આ પરંપરાઓને જાળવવા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા સંતો-મહંતો સૌને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરું છું. બાવળિયાળી માત્ર એક ધાર્મિક સ્થળ નથી, ભરવાડ સમાજ અને અન્ય ઘણા લોકો માટે આસ્થા, સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક છે. નગાલખા બાપાના આશીર્વાદ સાથે બાવળિયાળીનું પવિત્ર સ્થળ ભરવાડ સમુદાયને હંમેશાં સાચી દિશા અને અનંત પ્રેરણા પ્રદાન કરે છે.’
હજારો મહિલાઓ દ્વારા કરવામાં આવેલા રાસ પર નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી હતી અને એને વૃંદાવનનું જીવંત સ્વરૂપ ગણાવીને શ્રદ્ધા, સંસ્કૃતિ અને પરંપરાના સુમેળભર્યા મિશ્રણ તરીકે વર્ણવ્યું હતું.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ધોલેરા નજીક બાવળિયાળીમાં સંત નગાલખા બાપા ઠાકરધામના પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપજ્ઞાન ગાથામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ અવસરે મહિલાઓના હુડો રાસને અભૂતપૂર્વ ગણાવીને વિક્રમ રચવા બદલ મહિલાઓ તથા આયોજકોને અભિનંદન આપ્યાં હતાં. વર્લ્ડ રેકૉર્ડ ઑફ ઇન્ડિયા જિનીયસ ફાઉન્ડેશનના પાવન સોલંકીના હસ્તે ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહંત રામબાપુને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

