ગાયોનાં મૃત્યુનું સાચું કારણ જાણવા માટે પાંચ ગાયોનું પોસ્ટમૉર્ટમ-એક્ઝામિનેશન કરીને સૅમ્પલ એકત્ર કરવામાં આવ્યાં છે
ગૌશાળામાં ગાયોને અપાઈ રહેલી સારવાર.
સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામમાં આવેલી રામગર બાપુ ગૌશાળામાં બે દિવસમાં ૭૦ ગાયોનાં મૃત્યુની બનેલી ઘટનાથી ગુજરાત સરકાર ઍક્શનમાં આવી છે. બે દિવસમાં એક પછી એક ગાયના મૃત્યુ પાછળ મગફળીના ખોળથી ફૂડ-પોઇઝનિંગ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે.
ગાયોનાં મૃત્યુનું સાચું કારણ જાણવા માટે પાંચ ગાયોનું પોસ્ટમૉર્ટમ-એક્ઝામિનેશન કરીને સૅમ્પલ એકત્ર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત મૃત્યુ પામેલાં પશુઓને આપવામાં આવેલા ઘાસચારા, ખોળ, પાણી અને અન્ય ખોરાકનાં સૅમ્પલ પણ ફૉરિન્સિક સાયન્સ લૅબોરેટરી (FSL)માં મોકલવામાં આવ્યાં છે. પ્રાથમિક દૃષ્ટિએ ગાયોના મોતનું કારણ ફૂડ-પૉઇઝનિંગ હોવાનું અનુમાન છે. હાલ ગૌશાળાની બાકીની ગાયોને સુરિક્ષત રાખવા પગલાં લેવામાં આવી રહ્યાં છે.


