અર્હમ યુવા સેવા ગ્રુપ અને કચ્છ મિત્રના આયોજન સાથે સર્વમંગલ ફૅમિલી ટ્રસ્ટ યુએસએના સહયોગે રિક્ષાચાલકોને રિક્ષા અર્પણ કરીને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા
મનુભાઈ
માનવતાને કોઈ જ્ઞાતિ-જાતિ કે દેશના સીમાડા નથી હોતા.
જૈન ધર્મ તે સ્વાર્થનો નહીં, પરમાર્થનો ધર્મ છે.
ADVERTISEMENT
ભાડાની રિક્ષા ચલાવીને કપરી પરિસ્થિતિમાં જીવનનિર્વાહ કરી રહેલા રિક્ષાચાલકો, પોતાની રિક્ષા ચલાવીને એક આત્મનિર્ભર અને સ્વાવલંબી જીવન જીવી શકે એવી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબની કરુણા ભાવનાથી અને પ્રેરણાથી તેમ જ સર્વમંગલ ફૅમિલી ટ્રસ્ટ - યુએસએના મનુભાઈ અને રીકાબહેન શાહના ૬૦૦ રિક્ષાના બહોળા અનુદાનથી કચ્છના બિદડા ગામમાં શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે આયોજિત રિક્ષા વિતરણ સમારોહમાં કચ્છના રિક્ષાચાલકોને ૨૧ રિક્ષા અર્પણ કરવામાં આવતાં સમગ્ર સમાજને આત્મનિર્ભરતાની એક નવી દિશા મળી હતી.
શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ - શાહ કલ્યાણજી માવજી પટેલ - આરોગ્યધામ ખાતે આયોજિત કરવામાં આવેલા રોબોટિક રીહૅબિલિટેશન સેન્ટરના ભૂમિપૂજન તેમ જ અર્હમ સેવા ગ્રુપ અને કચ્છ મિત્રના ઉપક્રમે યોજાયેલા રિક્ષા વિતરણ સમારોહનો આ અવસર મિનિસ્ટર ઑફ હાયર એજ્યુકેશન પ્રફુલભાઈ પાનસરિયા, લોમાલિન્ડા યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડૉ. નીતિનભાઈ શાહ, મૅનેજિંગ ટ્રસ્ટી સૌરાષ્ટ્ર ટ્રસ્ટના હાર્દિકભાઈ મામણિયા, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, મેમ્બર ઑફ પાર્લમેન્ટ વિનોદભાઈ ચાવડા, જયા રીહૅબ સેન્ટરના ડાયરેક્ટર મુકેશભાઈ દોશી, સમસ્ત મહાજનના ગિરીશભાઈ શાહ તેમ જ સર્વમંગલ ફૅમિલી ટ્રસ્ટ યુએસએના મનુભાઈ અને રીકાબહેન શાહની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
રિક્ષા વિતરણ સમારોહના પ્રણેતા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવનાં સુશિષ્યા પૂજ્ય શ્રી પરમ અનન્યાજી મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ પાવનતાજી મહાસતીજી આદિ સાધ્વીવૃંદ સાથે આચાર્ય ચંદનાજીનાં સુશિષ્યા શીલાપીજી આ અવસરે વિશેષ ભાવો સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે રાજકોટ, જૂનાગઢ આદિ અનેક ક્ષેત્રોમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણાથી સેંકડો જરૂરિયાતમંદ સાધર્મિક રિક્ષાચાલકોને જ્યારે રિક્ષા અર્પણ કરીને તેમને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે ત્યારે કચ્છના જરૂરિયાતમંદ રિક્ષાચાલકો આત્મનિર્ભર બની શકે એવા શુભ હેતુ સાથે યોજાયેલા આ અવસરે પૂજ્ય શ્રી પરમ અનન્યાજી મહાસતીજી અને પરમ પાવનતાજી મહાસતીજીએ ઉપસ્થિત સમુદાયને માનવતાનો બોધ આપતાં ફરમાવ્યું હતું કે ‘માનવતાને કોઈ જ્ઞાતિ કે જાતિ નથી હોતી. માનવતા એ માત્ર જોવાનો વિષય નથી, પણ કરવાની અને અનુભવવાની વાત છે. આપણને મળેલો આ મનુષ્યભવ એ માનવતા કરીને અસામાન્ય માનવી બનવા માટે મળ્યો છે. જૈન ધર્મ એ સ્વાર્થનો નહીં, પણ પરમાર્થનો ધર્મ છે. કેરોસીન જેવો સ્વાર્થ ભળે ત્યાં ભડકો કરે, પણ ઘી જેવો પરમાર્થ પડે ત્યાં દીવો કરે.’

સર્વમંગલ ટ્રસ્ટ, યુએસએના ઉદાર હૃદયા અનુદાતા મનુભાઈએ ૬૦૦ રિક્ષાની અર્પણતાના ઉદાર ભાવોને વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણાથી થઈ રહેલા આ સત્કાર્યમાં પ્રથમ ૧૦૦ રિક્ષા કચ્છના ભાવિકોને અર્પણ થઈ રહી છે ત્યારે આવા માનવતાના સત્કાર્યની પ્રેરણા આપનારા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ પ્રત્યે ઉપકારભાવ અને અહોભાવ પ્રગટ કરું છું.’
વિશેષમાં ૬૦૦ રિક્ષાના નવ કરોડ અર્પણ કરનારા મનુભાઈ શાહે સ્વયં પોતે રિક્ષામાં બેસીને નિરાભિમાન ગુણ અને પોતાની અંતરની નિઃસ્પૃહતાનાં દર્શન કરાવ્યાં હતાં.

છેલ્લા બે મહિનામાં મનુભાઈ અને રીકાબહેન શાહ તરફથી ૨૫૦ કરોડ રૂપિયાનું અનુદાન અપાયું છે, પરંતુ એની સાથે આજના દિવસે તેમને પોતે બ્રાહ્મણ, દરબાર, પટેલ, લુહાણા, મોચી સર્વ જ્ઞાતિના ભાવિકોને ૬૦૦ રિક્ષાના અનુદાનની જાહેરાત કરેલી હતી. તેમની આ ઉદાત્ત ભાવના નિહાળીને ઉપસ્થિત જનસમુદાયે તેમને વંદન કર્યા હતા.
આ અવસરે મનુભાઈ અને રીકાબહેન શાહનું ભાવભીનું બહુમૂલ્ય સન્માન કરવામાં આવતાં હર્ષ-હર્ષ છવાયો હતો.
ઉપસ્થિત સૌ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની કરુણા ભાવના અને માનવતા પ્રત્યે વંદિત બન્યા હતા, જ્યારે રિક્ષાચાલકોને મહાનુભાવોના હસ્તે રિક્ષાની ચાવી અર્પણ કરવામાં આવી હતી.


