Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > એક એવી ટ્રાવેલ-કંપની જેને મહિલાએ શરૂ કરી ફક્ત મહિલાઓ માટે

એક એવી ટ્રાવેલ-કંપની જેને મહિલાએ શરૂ કરી ફક્ત મહિલાઓ માટે

07 August, 2024 12:30 PM IST | Mumbai
Darshini Vashi

ઝીનલ દોશી છેલ્લાં ૮ વર્ષમાં ૩૦૦થી વધુ ટ્રિપ થકી બે હજાર જેટલી મહિલાઓને પોતાના અનોખા અંદાજમાં એમ્પાવર કરી છે

ઝીનલ દોશી

ઝીનલ દોશી


૧૬ વર્ષની બૅન્કિંગ કારકિર્દી છોડીને ‘ધ ફ્લૅપર લાઇફ’ નામની ટ્રાવેલ-કંપની શરૂ કરનારી ઝીનલ દોશી માત્ર અને માત્ર વિમેન-સેન્ટ્રિક ટ્રિપ જ પ્લાન કરે છે. છેલ્લાં ૮ વર્ષમાં ૩૦૦થી વધુ ટ્રિપ થકી બે હજાર જેટલી મહિલાઓને પોતાના અનોખા અંદાજમાં એમ્પાવર કરનારી ઝીનલનું સ્ટાર્ટઅપ ઘણી રીતે યુનિક છે


મલ્ટિનૅશનલ બૅન્કમાં રીજનલ સેલ્સ મૅનેજરનું પદ અને સારીએવી ફિક્સ મન્થ્લી ઇન્કમ અને ઇન્સેન્ટિવ્સનો મોહ છોડીને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનો વિચાર આવવો એક વાત થઈ, પણ એ વિચારને અમલમાં મૂકીને નવા સ્ટાર્ટઅપ સાથે આવતા તમામ તડકા-છાયાનો સ્વીકાર કરવાની દૃઢતા દેખાડવી એ બીજી વાત થઈ. એના માટે ખરેખર હિંમત જોઈએ. કાંદિવલીના મહાવીરનગરમાં રહેતી ઝીનલ દોશીએ એ હિંમત દેખાડી છે અને એ માટેની તમામ મહેનત કરીને સફળતા પણ મેળવી છે. મહિલાઓ દ્વારા માત્ર મહિલાઓ માટે ટ્રાવેલ પ્લાન કરતી ટ્રાવેલ-કંપની ‘ધ ફ્લૅપર લાઇફ’ ઝીનલનું સ્ટાર્ટઅપ છે. ૨૦૧૬માં શરૂ થયેલી આ કંપની એટલી તો રંગેચંગે ચાલી રહી છે કે અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ ગ્રુપ-ટૂર્સ અને એમાં લગભગ બે હજાર મહિલાઓને ઘરનો ઉંબરો ઓળંગાવીને પ્રવાસ દ્વારા એમ્પાવર કરવાનું કામ થઈ શક્યું છે.



નામ પણ ખાસ


ફ્લૅપર એટલે એવી મહિલાઓ જેમના વ્યવહારમાં આધુનિકતા અને સ્વતંત્રતાનો ભાસ થાય. ફ્લૅપર શબ્દ પહેલા વિશ્વયુદ્ધ પછી ૧૯૨૦માં મહિલાઓના સ્વતંત્ર વ્યવહાર માટે પ્રયોજાવાની શરૂઆત થઈ હતી. કંપની માટે આ નામની પસંદગી વિશે વાત કરતાં ઝીનલ કહે છે, ‘હું જે કહેવા અને કરવા માગતી હતી એ વાત કંપનીના નામમાં પણ રિફ્લેક્ટ થાય એ જરૂરી હતું અને ખરેખર અમારી કંપનીના ધ્યેયને રિફ્લેક્ટ કરતો શબ્દ શોધવામાં સરખો એવો સમય લાગ્યો. અહીં ફ્લૅપરની તમે એવી ડેફિનેશન કરી શકો જેમાં મૉડર્ન મહિલા, જે બહાર નીકળે અને પોતાને ગમતી પ્રવૃત્તિને એન્જૉય કરે કારણ કે જાત માટેનો સમય તે ડિઝર્વ કરે છે. ડગલે ને પગલે મેં મારા જીવનમાં જોયું છે કે મહિલાઓના પ્રાયોરિટી લિસ્ટમાં પોતે સૌથી છેલ્લે હોય છે. એમાંય પોતાને ગમતી જગ્યાએ ફરવા જવાનો વિચાર આજે પણ ઘણી મહિલાઓ માટે અઘરો છે. તેને સુરક્ષા મળે અને સાથે મનગમતો પ્રવાસનો અનુભવ મળે એવું કંઈક શરૂ કરવાનો વિચાર મને મારી આસપાસના એન્વાયર્નમેન્ટમાં મળેલા અનુભવો પરથી આવેલો. મનગમતું શૉપિંગ કરવાની સ્વતંત્રતા હોય, પોતાની રીતે ઘરના બધા જ નિર્ણય લઈ શકે એેવી ફૉર્વર્ડ માનસિકતા ધરાવતા પરિવારોમાં પણ મહિલા જો એમ કહે કે મારે ફલાણી જગ્યાએ ફરવા જવું છે તો તેને એકલી જતી અટકાવવામાં આવે. અફકોર્સ, એકલી કેમ જશે, એકલામાં તેની સુરક્ષાનું શું જેવી ચિંતાઓ પરિવારજનોને હોય. એનું રિઝલ્ટ શું આવે? બસ, તેણે રાહ જોવી પડે; જ્યારે તેના પતિને, દીકરાને કે ફ્રેન્ડ્સને ટાઇમ હશે ત્યારે તે ફરવા જઈ શકશે અને એ પણ તેમને અનુકૂળ હોય એવી જ જગ્યાએ. મારે મહિલાઓને પ્રવાસના મામલામાં આત્મનિર્ભર કરવી હતી અને એમાંથી જ જન્મ થયો ‘ધ ફ્લૅપર લાઇફ’નો. અફકોર્સ, એ સમયે પણ ત્રણ-ચાર એવી કંપની હતી જે મહિલા-સેન્ટ્રિક ટ્રિપ ઑર્ગેનાઇઝ કરતી હતી, પણ એટલી પૂરતી નહોતી અને હું જે રીતે આગળ વધવા માગતી હતી એ આ કંપનીની આઇડિયોલૉજી કરતાં જુદું પડતું હતું.’

ઝીનલ બૅન્કમાં કામ કરતી હતી ત્યારે તેણે અન્ય મહિલા કર્મચારીઓની સાથે મળીને લક્ઝરી જયપુર ટ્રિપનું આયોજન કર્યું હતું જેની નાનામાં નાની વ્યવસ્થાની જવાબદારી પણ પોતાના માથે લઈને પૂરી કરી હતી. આ કિસ્સા બાદ તેનામાં અજબ કૉન્ફિડન્સ આવી ગયો હતો અને ફુલટાઇમ ટ્રાવેલ કંપની ચલાવવા માટે તેણે પોતાની જૉબ છોડી દીધી.


ફૅમિલી-સપોર્ટ

બૅન્કિંગની સેફ અને સિક્યૉર્ડ જૉબ છોડવાનો નિર્ણય પહેલાં દેખીતી રીતે જ તેના પરિવારના સભ્યોને માફક નહોતો આવ્યો. ઝીનલ કહે છે, ‘પપ્પા મને લઈને ખૂબ પ્રોટેક્ટિવ છે અને સ્ટાર્ટઅપમાં શરૂઆતમાં કેવી હાડમારી પડે એનો તેમને અંદાજ હતો જ એટલે તેમણે શરૂઆતમાં મારા આ નિર્ણય માટે મને ફરી વિચાર કરવા સમજાવ્યું હતું, પરંતુ હું શ્યૉર હતી કે મારે શું કરવું છે અને શું કામ કરવું છે. જ્યારે તમારો ગોલ ક્લિયર હોય ત્યારે સફળતા નિશ્ચિત હોય છે. મારી ફૅમિલી, મારા હસબન્ડનો મને પૂરો સપોર્ટ મળ્યો એટલે વધુ કૉન્ફિડન્ટ્લી કામ શરૂ કર્યું. પહેલાં એવી જ જગ્યાઓના ટૂર-પ્લાન બનાવ્યા જે જગ્યાઓથી હું પરિચિત હોઉં. જેમ કે હું અઢાર વાર ગોવા જઈ આવી હતી એટલે મારી પહેલી ટ્રિપ ગોવાની હતી. એવી જ રીતે જયપુરની એક ટ્રિપ હતી. જોકે એ પછીયે મારા પહેલા બે ટૂર-પ્લાન કોઈ કસ્ટમર ન આવ્યા એટલે કૅન્સલ કરવા પડ્યા. એ પછીની ટ્રિપમાં માત્ર બે બહેનો જોડાઈ અને ત્રીજી હું. એમ માત્ર ત્રણ લોકોની ગ્રુપ-ટ્રિપ થઈ. જોકે પછી

ધીમે-ધીમે ગાડી પાટે ચડી ગઈ.’

બહાર નીકળવું અઘરું

આપણે કહીએ છીએ જમાનો બદલાયો છે અને મહિલાઓ સશક્ત થઈ છે, પણ ટ્રાવેલના મામલામાં એવું નથી એમ જણાવીને ઝીનલ કહે છે, ‘એક મહિલા ચાહે તે વર્કિંગ હોય કે હાઉસવાઇફ, તેણે એકલા ઘરની બહાર પગ મૂકવો હોય તો દુનિયાભરનું પ્લાનિંગ કરવું પડે. રસોડાથી લઈને બાળકોના ટીચર સાથે વાત કરવાની, ઘરના વડીલોના ડૉક્ટર સાથે, હસબન્ડના ટાઇમટેબલ મુજબની તમામ વ્યવસ્થાઓનો બૅકઅપ પ્લાન બનાવીને તે ઘરની બહાર નીકળી શકતી હોય છે. મેં જ્યારે ૨૦૧૬માં કંપની શરૂ કરી ત્યારે મહિલાઓને તમે પણ એકલા પરિવાર વિના ફરવા જઈ શકો એ વાત સમજાવવી એ જ સૌથી મોટી ચૅલેન્જ હતી. આ જ વાત આજે પણ લાગુ પડે છે. બેશક, પહેલાં કરતાં પરિસ્થિતિ થોડીક સુધરી છે, પરંતુ એ પડકાર હવે સમાપ્ત જ થઈ ગયો છે એવું તો બિલકુલ ન કહી શકાય. જોકે આજની મહિલાઓએ પોતાની જાત માટે સમય ફાળવવા પણ આવો એક બ્રેક લેવો જોઈએ એવું ઘણા લોકોના અનુભવો પરથી કહું છું. સાચું કહું તો વર્ષમાં આવા એકથી બે બ્રેક મહિલાઓ પોતે જ ડિઝર્વ કરે છે. પરિવારે તેમને એ માટેની મોકળાશ આપવી જોઈએ.’

ઘરની સમસ્યાઓ, પારિવારિક પ્રશ્નો, બાળકોને લઈને થતી ચિંતા, મેનોપૉઝ જેવા હેલ્થ-ઇશ્યુઝને કારણે પોતાનામાં આવતા બદલાવો કે પછી પાર્ટનર સાથેના વિવાદો એેવી ઘણી વાતોમાં અંદરોઅંદર મૂંઝાતી મહિલાઓ ઝીનલ સાથેની ટ્રિપમાં જોડાયા પછી હળવીફૂલ થઈને પાછી ફરે છે. કેટલાક દાખલા આપતાં ઝીનલ કહે છે, ‘કોઈ પણ મહિલા સેન્ટ્રિક ટ્રિપમાં અન્ય મહિલાઓ સાથે સ્વતંત્ર રીતે પ્રવાસ પર નીકળે છે ત્યારે તેના વિચારોને વહેવા માટે મોકળાશ મળે છે. તેના માટે આ પ્રવાસ થેરપીનું કામ કરે છે. આપસમાં અન્ય મહિલાઓ સાથે એનું શૅરિંગ થાય, ક્યાંક સૉલ્યુશન મળે તો ક્યાંક હળવાશ મળે. ખૂલીને વાત કરી શકવાની એ મોકળાશને કારણે એ સેન્સ ઑફ ફ્રીડમનો જ પોતાનો એક પાવર હોય છે. મને યાદ છે ૫૫ વર્ષનાં એક બહેન અમારી સાથે ટ્રિપમાં હતાં. ટ્રિપ પૂરી કર્યા પછી તેમણે નક્કી કર્યું કે હવે હું મારી દીકરીને ક્યાંક બહાર જવું હોય તો રોકીશ નહીં, કારણ કે ફરવું જીવનને મહેકતું રાખવા માટે જરૂરી છે. અરે વધુ તો શું કહું, મેં પોતે મારામાં અઢળક બદલાવો આ ટ્રાવેલ-કંપની શરૂ કર્યા પછી જોયા છે. એ ઝીનલ જે બૅન્કમાં જૉબ કરતી હતી અને એ ઝીનલ જે આજે મહિલાઓના પ્રવાસ ડિઝાઇન કરે છે એ બન્ને વચ્ચે ઘણો ફરક આવ્યો છે એવું મારા પરિવારજનો પણ કહે છે. તેમને મારા માટે પારાવાર પ્રાઉડ ફીલ થાય છે. મારામાં હવે ઍક્સેપ્ટન્સ લેવલ વધ્યું છે. મને લોકોના જજમેન્ટની પરવા નથી રહી. દરેક પરિસ્થિતિ અને દરેક સંજોગને હું સહજ રીતે સ્વીકારી શકું છું. હું મારામાં સશક્ત છું એ આત્મવિશ્વાસ જુદા જ સ્તરનો છે. મહિલાઓ પોતાની શક્તિથી, પોતાના સ્ત્રીત્વમાં રહેલા પાવરથી પરિચિત થાય છે જ્યારે તેઓ પોતાની રીતે અજાણી મહિલાઓ સાથે પ્રવાસ પર નીકળતી હોય છે.’

દરેક એજ-ગ્રુપ

૧૪ વર્ષની ઉંમરથી લઈને ૫૫-૬૦ વર્ષની મહિલાઓ પણ ઝીનલ સાથે ટ્રિપમાં જોડાતી હોય છે.  ઝીનલ કહે છે, ‘એક તો અમે ઍડ્વેન્ચર-ટૂર કે વાઇલ્ડલાઇફ સફારી ટૂર્સ કરીએ છીએ એ અમારી યુનિકનેસ છે, પરંતુ એ સિવાય અમે એજ-ડિફરન્સવાળાને સાથે ટૂર કરાવીએ છીએ જેથી બે જુદી-જુદી જનરેશનની મહિલાઓ એકબીજાને સમજે, બન્ને પરસ્પરને જજ કર્યા વિના જ્યારે કોઈ પણ અપેક્ષા વિના સાથે રહે ત્યારે એક જુદી જ સમજણ ડેવલપ થતી હોય છે. ટ્રિપ પરથી પાછા ફર્યા પછી લોકોનાં પોતાના પરિવાર સાથેનાં ઇન્ટરપર્સનલ રિલેશન સુધર્યાં છે એવા અઢળક ફીડબૅક અમને મળતા રહે છે. આવું સાંભળું ત્યારે ખરેખર સંતોષ થાય છે. જે લક્ષ્ય સાથે આ કામ શરૂ કર્યું હતું ક્યાંક એ જ દિશામાં સફળતાનાં એક પછી એક પગથિયાં હું ચડી રહી છું.’

Whatsapp-channel Whatsapp-channel

07 August, 2024 12:30 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK