Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > મૅરિટલ રેપના કાયદાથી બેડરૂમની વાતો કોર્ટ-રૂમ સુધી પહોંચે પહેલાં નિષ્ણાતો સાથે ચર્ચા કરીને આનો નિર્ણય લેવાય

મૅરિટલ રેપના કાયદાથી બેડરૂમની વાતો કોર્ટ-રૂમ સુધી પહોંચે પહેલાં નિષ્ણાતો સાથે ચર્ચા કરીને આનો નિર્ણય લેવાય

Published : 10 October, 2024 03:11 PM | Modified : 10 October, 2024 03:18 PM | IST | Mumbai
Dr. Prakash Kothari

ફિઝિકલ રિલેશનશિપમાં આગળ વધવા દેવું કે નહીં એ અધિકાર માત્ર અને માત્ર મહિલાઓના છે અને એમાં કોઈની જબરદસ્તી ચાલી ન શકે. કહે છેને, No means no. ‘ના’નો બીજો કોઈ અર્થ નથી નીકળતો.

મૅરિટલ રેપ જેવી ઘટના

મારી વાત

મૅરિટલ રેપ જેવી ઘટના


અત્યારે મૅરિટેલ રેપનો મુદ્દો ચર્ચામાં છે. સેન્ટ્રલ ગવર્નમેન્ટે પોતાનું સ્ટૅન્ડ ક્લિયર કરતાં સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે મૅરિટલ રેપ માટે અલગ કાયદો બનાવવાની આવશ્યકતા નથી. દિલ્હી અને કર્ણાટક હાઈ કોર્ટમાં આ પ્રકારના કેસમાં અલગ-અલગ જજમેન્ટ આવ્યાં અને એ પછી આ આખી વાત વધારે ચગી. મારું કહેવું એટલું છે કે ગવર્નમેન્ટના સ્ટૅન્ડને જોવાને બદલે પહેલાં આ આખા વિષયને, વાતને જરા જુદા દૃષ્ટ‌િકોણથી જોવાની જરૂર છે. આ પ્રકારના લૉ વિશે વિચારતાં પહેલાં આપણે એના મૂળ એટલે કે સેક્સ એજ્યુકેશન પર ફોકસ કરવું જોઈએ. જ્યાં સુધી આપણે સેક્સ એજ્યુકેશન લોકો સુધી પહોંચાડીશું નહીં ત્યાં સુધી પુરુષોની માનસિકતામાં ચેન્જ નહીં આવે. 


ફિઝિકલ રિલેશનશિપમાં આગળ વધવા દેવું કે નહીં એ અધિકાર માત્ર અને માત્ર મહિલાઓના છે અને એમાં કોઈની જબરદસ્તી ચાલી ન શકે. કહે છેને, No means no. ‘ના’નો બીજો કોઈ અર્થ નથી નીકળતો. જો આ વાત સમજાઈ જશે તો ફીમેલ સાથેના બીજા દુર્વ્યવહારમાં પણ ફરક આવશે, રેપની ઘટનાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળશે અને જે ટૉપિક પર ચર્ચા કરીએ છીએ એ, મૅરિટલ રેપ જેવી ઘટનાનું પ્રમાણ કદાચ નહીંવત્ થઈ જશે. સેક્સ એજ્યુકેશન જ સમજાવશે કે પ્રેમની પરાકાષ્ઠા સંભોગ હોઈ શકે પણ સંભોગની પરકાષ્ઠા પ્રેમ ન હોઈ શકે. સેક્સ એજ્યુકેશન ‘કેમ વર્તવું?’ એ નહીં પણ ‘કેમ ન વર્તવું?’ એ શીખવે છે.



હું જ્યારે KEM હૉસ્પિટલમાં હતો ત્યારે મૅરિટલ રેપના ઘણા કેસ આવતા. દારૂ પીને બળાત્કાર જેવું પાશવી વર્તન કર્યું હોય અને સવારે પતિને કંઈ યાદ ન હોય. લોઅર સ્તરના લોકોમાં આવું વધારે જોવા મળે છે. હા, મારી આટલાં વર્ષની કરીઅર દરમ્યાન મેં એ પણ નોટિસ કર્યું છે કે ગુજરાતી ફૅમિલીઓમાં પણ આવું બને છે પણ પ્રમાણ ઓછું છે. એક બહુ જાણીતા ગુજરાતી ફૅમિલીના કપલની વાત કહું તો તેની વાઇફની કમ્પ્લેઇન્ટ હતી કે હસબન્ડને પોતાના સૅટિસ્ફૅક્શનમાં જ રસ છે, આવું તો રેપિસ્ટ કરે! વાત્સ્યાયનની દૃષ્ટ‌િએ આ સાચું છે પણ કોર્ટ કેમ નક્કી કરશે કે આ રેપ છે કે નહીં? આ પ્રકારના કેસમાં તો મારઝૂડ પણ નથી થઈ.


મૅરિટલ રેપ માટે જો અલગ કાયદો બનશે તો બેડરૂમની વાતો કોર્ટ-રૂમ સુધી પહોંચશે અને વાતાવરણ વધારે ડહોળાશે, જે ધીમે-ધીમે સેક્સમાંથી પ્રેમને દૂર કરવાનું કામ કરશે. મારું માનવું છે કે લગ્નજીવનમાં કોર્ટ અને કાયદાની પણ આગળ પ્રેમ, મોહબ્બત, ઇશ્ક, લવ, ઇમોશન્સ આવે એટલે તમારે જો આવો કોઈ લૉ લાવવો હોય તો પણ તમારે પહેલાં માનવીય લાગણીઓને સમજવી જોઈશે અને પછી જ તમે એને કાયદાના ઢાંચામાં બેસાડી શકશો. જો મૅરિટલ રેપ માટે અલગ કાયદાની જોગવાઈ કરવામાં આવી તો એનાં ભયસ્થાનો છે અને જો એવું થયું તો ઘમસાણ મચશે. અત્યારે જે પ્રકારે મૅરિટલ લાઇફમાં ઇશ્યુઝ ઊભા થઈ રહ્યા છે એ જોતાં મૅરિટલ રેપને લગતો કાયદો બને તો એનો દુરુપયોગ કરનારાઓ પણ નીકળશે. હું આ સંભાવના જોઈને જ કહું છું, મૅરિટલ ફિઝિકલ રિલેશનશિપની બાબતમાં કોર્ટ વચ્ચે ન પડે એ હિતાવહ છે અને ધારો કે એવું કરવા જેવું લાગતું હોય તો એ માટે આ વિષયના જે માહેર છે તેમને સાથે લઈને નિયમો બનાવવા જોઈએ.

કેમ પ્લેન ઉડાડવાની ટ્રેઇનિંગ આપનારો પ્રોફેશનલ પાઇલટ હોય છે? કેમ સર્જરી શીખવવા માટે સર્જ્યનને જ બોલાવવામાં આવે છે? આજે ઘણા કિસ્સાઓમાં ગુનેગારની મનોદશા સમજવા માટે કેમ સાઇકિયાટ્રિસ્ટને બોલાવીને તેમની એક્સપર્ટ ઍડ્વાઇઝ લેવાય છે? કારણ કે આપણે ઇચ્છીએ છીએ કે ભૂલથી પણ કાચું ન કપાઈ જાય. જો બધી જગ્યાએ આ માનસિકતા રાખતા હોઈએ તો મૅરિટલ રિલેશનશિપ અને એમાં ઉદ્ભવી શકે એવા મૅરિટલ રેપના મુદ્દામાં પણ એ વ‌િષયના એક્સપર્ટને સાંકળવા જોઈએ અને તેમની સાથે ડિસકશન કરવું જોઈએ.
નિયમ કે કાયદો બને તો સારી જ વાત છે, પણ જો વિષયની ગંભીરતા જાણ્યા વિના નિર્ણય લેવાય તો એ વિવાદાસ્પદ બની શકે. જેમ કે કોર્ટે સજાતીય સંબંધો વિશે જજમેન્ટ આપ્યું પણ એનાં પ્લસ-માઇનસ વિશે કોઈ એક્સપર્ટને પુછાયું હતું? દરેક ક‌િસ્સામાં એવું નથી હોતું કે બે પક્ષના વકીલો દલીલ કરે અને એમાં જેની દલીલ ચડિયાતી એ જ સાચો માની શકાય. ક્રાઇમના કેસમાં કેમ પુરાવાઓ, સાક્ષીઓ અને સબૂત પણ ચકાસવામાં આવે છે? સેક્સ્યુઆલિટીનાં અમુક પાસાંઓ એવાં છે જેમાં કિસ્સાઓ અને વ્યથા બહુ મહત્ત્વનાં બની જાય. હોમોસેક્સ્યુઆલિટીની વાત એ માત્ર કાયદાની વાત નથી, લોકોનાં ઇમોશનની અને તેમનાં હિત-અહિતની વાત છે. એ જ વાત ‘મૅરિટલ રેપ’ જેવા મુદ્દા માટે પણ મહત્ત્વની છે. ઍગ્રી કે આપણા જજો બહુ હોશિયાર છે, લર્નેડ છે પણ એ કાયદા-કાનૂન સમજ્યા હોય, ભણ્યા છે; બીજી બાજુ પ્રેમ, મોહબ્બત, લાગણી કે પછી સેક્સ્યુઅલ ડિઝાયરની વાતો તેમને ન સમજાય એવું બની શકે તો પછી જેને એ વિષયની જાણકારી છે એવા એક્સપર્ટ્સને સાથે લઈને શું કામ આવા સેન્સિટિવ વિષય પર કામ ન કરવું?


ભારત સરકાર દ્વારા પદ‍્મશ્રીથી સન્માનિત વિખ્યાત સેક્સોલૉજિસ્ટ 

ડૉ. પ્રકાશ કોઠારી તેમની પ્રૅક્ટિસ દરમ્યાન મૅરિટલ રેપના સંખ્યાબંધ કેસ હૅન્ડલ કરી ચૂક્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

10 October, 2024 03:18 PM IST | Mumbai | Dr. Prakash Kothari

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK