ચાલો જાણીએ આજના હાઈ-ટેક જમાનામાં આ ગિલ્ટના ચક્રમાંથી બહાર નીકળીને ફરીથી હેલ્ધી રિલેશનશિપ કેવી રીતે બનાવવી.
પ્રતીકાત્મક તસવીર
પહેલાંના સમયમાં સંબંધોમાં અંતર હતું પણ આદર હતો. આજે સ્માર્ટફોનને લીધે આપણે ૨૪ કલાક એકબીજા સાથે જોડાયેલા તો છીએ, પણ શું આપણે ખરેખર નજીક છીએ? વૉટ્સઍપ પર જોવાયેલો કે ન જોવાયેલો મેસેજ જ્યારે ઝઘડાનું કારણ બને અથવા તારી પાસે તો મારા માટે ટાઇમ જ નથી જેવા મેસેજથી જ્યારે પાર્ટનરને ગિલ્ટી ફીલ કરાવવામાં આવે ત્યારે સમજવું કે પ્રેમની જગ્યાએ હવે પજવણી શરૂ થઈ ગઈ છે. જૂના અહેસાન ગણાવવા, સોશ્યલ મીડિયા પર ઇગ્નૉર થવાનો ડર અને વાત-વાતમાં સામેની વ્યક્તિને તું જ ખોટી છે એવું સાબિત કરવાની આ માનસિક રમત સંબંધોને અંદરથી પોલા કરી રહી છે. ચાલો જાણીએ આજના હાઈ-ટેક જમાનામાં આ ગિલ્ટના ચક્રમાંથી બહાર નીકળીને ફરીથી હેલ્ધી રિલેશનશિપ કેવી રીતે બનાવવી.
તમે કોઈની સાથે વાત કરવા માગતા હો; પણ સામેથી એવો જવાબ આવે કે છેવટે તને મારી યાદ તો આવી, મેસેજ જોઈ લીધો પણ રિપ્લાય આપવાની તકલીફ ન લીધીને? આ બધું બહુ કૉમન થઈ ગયું છે. આપણે ઇચ્છીએ છીએ કે પાર્ટનર આપણને તરત જ રિસ્પૉન્સ આપે, આપણી દરેક વાત માને અને જો એમ ન થાય તો આપણે તરત જ ઇમોશનલ અત્યાચારનાં હથિયારો બહાર કાઢીએ છીએ. કોઈને ગિલ્ટી ફીલ કરાવવું એટલે તેને એવો અહેસાસ કરાવવો કે તે કંઈક ખોટું કરી રહ્યો છે એ આજકાલ સંબંધોમાં કાચબાની જેમ ધીમેથી ઘૂસી ગયું છે. આપણે સીધેસીધું એવું નથી કહી શકતા કે પ્લીઝ, મારા માટે થોડો ટાઇમ કાઢને. એને બદલે આપણે ટોણા મારવાનું શરૂ કરીએ છીએ કે તારા ફ્રેન્ડ્સ માટે તો તારી પાસે બહુ ટાઇમ હોય છે; બસ, મારા માટે જ નથી હોતો.
ADVERTISEMENT
આ સાંભળીને સામેની વ્યક્તિને તમારા પર પ્રેમ આવવાને બદલે તે તમારાથી વધુ દૂર ભાગશે. આવી સ્થિતિને સાઇકોલૉજિકલ ભાષામાં ગિલ્ટ-ટ્રિપિંગ કહેવાય છે. સોશ્યલ મીડિયાને કારણે આપણે એકબીજાની પર્સનલ સ્પેસમાં એટલા ઘૂસી ગયા છીએ કે સામેની વ્યક્તિને શ્વાસ લેવાની પણ જગ્યા નથી આપતા. જો તે ઑનલાઇન હોય અને આપણને મેસેજ ન કરે તો આપણને એવું લાગે છે કે જાણે આપણું અપમાન થઈ ગયું. જોકે શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સતત ચાલતી ખેંચતાણ તમારા પાર્ટનરના મગજ પર કેવી અસર કરે છે? તે વ્યક્તિ પ્રેમથી નહીં, એક મજબૂરી કે જવાબદારી સમજીને તમારી સાથે રહેવા લાગે છે અને જ્યાં મજબૂરી આવે ત્યાંથી પ્રેમની એક્ઝિટ નક્કી છે.
ગિલ્ટ-ટ્રિપિંગ પાછળની સાઇકોલૉજી
કોઈ પણ વ્યક્તિ સાથે સીધી વાત કરવાને બદલે સામેની વ્યક્તિને ગિલ્ટી ફીલ કરાવવા પાછળની સાઇકોલૉજીને સમજાવતાં કાઉન્સેલિંગ સાઇકોલૉજિસ્ટ અને રિલેશનશિપ કોચ હિતાક્ષી વ્યાસ કહે છે, ‘સાઇકોલૉજિકલ દૃષ્ટિએ જોઈએ તો આની પાછળ મુખ્યત્વે અસલામતી અને નિયંત્રણ કરવાની વૃત્તિ રહેલી હોય છે. ઘણી વાર જે વ્યક્તિના બાળપણમાં લાગણીઓ વ્યક્ત કરવાને બદલે મૌન રહીને કે ગુસ્સો કરીને કામ કઢાવવામાં આવતું હોય તે વ્યક્તિ પુખ્ત વયે પણ આ જ પદ્ધતિ અપનાવે છે. તેને લાગે છે કે જો તે સામેની વ્યક્તિને ખરાબ અનુભવ કરાવશે તો જ તેનું કામ થશે.’
વ્યક્તિને જ્યારે પોતાની લાગણીઓ ખુલ્લી મૂકતાં રિજેક્શનનો ડર લાગે ત્યારે તે પરોક્ષ રીતે વાત કરે છે. આ એક ડિફેન્સ મેકૅનિઝમ છે. સીધી રિક્વેસ્ટ કરવાને બદલે ટોણા મારવા પાછળનું કારણ એ છે કે જો સીધી વાતમાં સામેવાળો ના પાડશે તો દુઃખ થશે, પણ ટોણા મારવાથી સામેવાળી વ્યક્તિ બચાવપક્ષમાં આવી જશે અને તમારી વીકનેસ છુપાઈ જશે. આ એક કમ્યુનિકેશન પૅટર્ન છે. સોશ્યલ મીડિયાએ સંબંધોમાં ડિજિટલ ઍન્ગ્ઝાયટી ઉમેરી છે. મેસેજ સીન થયા પછી રિપ્લાય ન આવવો એ અત્યારે ઝઘડાનું સૌથી મોટું કારણ છે. લગભગ ૮૦ ટકા ગેરસમજ માત્ર અધૂરા સંવાદને કારણે થાય છે. પ્રેમમાં ૨૪ કલાક અવેલેબલ રહેવું અનિવાર્ય નથી, પણ એકબીજાની સ્પેસનું સન્માન કરવું અનિવાર્ય છે.
તમે જ્યારે દલીલ વખતે જૂના ઉપકારો ગણાવો છો ત્યારે પ્રેમ મટીને એ એક સોદો બની જાય છે. આનાથી પાર્ટનરના મનમાં સન્માન ઘટવા લાગે છે. યાદ રાખો કે પ્રેમમાં કરેલાં કાર્યોની કોઈ એક્સપાયરી ડેટ કે વ્યાજ હોતું નથી. જો તમે માત્ર સામેવાળાને દુઃખ ન થાય એ માટે જ સાથે હો તો તમે ગિલ્ટ-ટ્રિપિંગનો શિકાર છો. આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવા માટે આઇ (I) સ્ટેટમેન્ટનો ઉપયોગ કરો. તેં મને મેસેજ ન કર્યો કહેવાને બદલે મને એવું લાગ્યું કે તું મને ઇગ્નૉર કરે છે એમ કહેવું વધુ અસરકારક છે.
લગભગ ૪૫ ટકા ભારતીય વર્કિંગ કપલ્સ એવું અનુભવે છે કે સોશ્યલ મીડિયાને કારણે તેમની પર્સનલ સ્પેસ ઘટી રહી છે. એક સર્વે મુજબ ભારતમાં દર ત્રણમાંથી એક વ્યક્તિ પોતાના પાર્ટનરના ઑનલાઇન સ્ટેટસ પર નજર રાખે છે જે ગિલ્ટ-ટ્રિપિંગનું મુખ્ય કારણ બને છે. જે કપલ્સ નો-ફોન ઝોનનો નિયમ પાળે છે તેમનામાં માનસિક તનાવનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે.
કનેક્શનનું શૉર્ટકટ કે મેન્ટલ પ્રેશર?
કાઉન્સેલર અને કપલ થેરપિસ્ટ જીનિશા ભટ્ટ કહે છે, ‘ઘણી વાર લોકો એવા વાતાવરણમાં મોટા થયા હોય છે જ્યાં સીધો સંવાદ કરવાને બદલે ઇનડાયરેક્ટ વાતો મનાવવામાં આવતી હોય. તેમના માટે ગિલ્ટ એ સામેવાળી વ્યક્તિ સાથે જોડાવા માટેનો એક શૉર્ટકટ બ્રિજ બની જાય છે. તેમને જ્યારે પાર્ટનર પાસેથી રીઅશ્યૉરન્સ એટલે કે આશ્વાસન જોઈતું હોય અને એ ન મળે ત્યારે તેઓ સામેવાળા પર એવું પ્રેશર ક્રીએટ કરે છે કે જેન્યુઇન કનેક્શન બનવાને બદલે એક પ્રકારનો ગૂંગળામણભર્યો માહોલ પેદા થાય છે.
જે વ્યક્તિ સતત ગિલ્ટ-ટ્રિપિંગનો શિકાર બને છે તેને પોતાની ક્ષમતા અને નિર્ણયો પર શંકા થવા લાગે છે. તે હંમેશાં ચિંતામાં રહે છે કે ક્યાંક પાર્ટનર ખોટું ન લગાડી દે જેનાથી તેને માનસિક થાક લાગે છે. સામેવાળાની જરૂરિયાતો સંતોષવાના ચક્કરમાં તે પોતાની ફ્રીડમ ખોઈ બેસે છે. હેલ્ધી અફસોસ અને મૅનિપ્યુલેટિવ ગિલ્ટ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. જો તમે કોઈ પ્લાન લૉજિકલ કારણસર કૅન્સલ કર્યો હોય અને પાર્ટનરને અગાઉથી જાણ કરી હોય, એમ છતાં જો તે તારા માટે હું મહત્ત્વની જ નથી કહીને બ્લેમ-ગેમ રમે તો એ મૅનિપ્યુલેટિવ ગિલ્ટ છે. હેલ્ધી અફસોસમાં સુધારવાની સ્પેસ હોય છે, જ્યારે મૅનિપ્યુલેશનમાં માત્ર દોષારોપણ જ હોય છે.’
શું છે સૉલ્યુશન?
સમસ્યાના સમાધાન વિશે વાત કરતાં જીનિશા ભટ્ટ કહે છે, ‘ગિલ્ટ-ટ્રિપિંગના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવા માટે કોઈ પણ પ્રતિક્રિયા આપતાં પહેલાં એક ક્ષણ માટે થોભો. ગિલ્ટી ફીલ કરવાને બદલે તમારી જાતને પૂછો કે શું મેં ખરેખર કંઈ ખોટું કર્યું છે કે પછી સામેવાળી વ્યક્તિની અપેક્ષાઓ અવાસ્તવિક છે? ઘણી વાર આપણે સામેવાળાના હાઈ સ્ટાન્ડર્ડમાં ખરા નથી ઊતરતા એટલે આપણને ગુનેગાર ઠેરવવામાં આવે છે. આ તફાવત સમજવો એ માનસિક શાંતિ તરફનું પહેલું ડગલું છે.’
સંબંધમાં સ્પષ્ટતા એ કડવાશ નથી પણ સુરક્ષા છે. તમારા પાર્ટનરને નમ્રતાથી કહો કે હું તને પ્રેમ કરું છું, પણ ૨૪ કલાક અવેલેબલ રહેવું મારા માટે શક્ય નથી. તમે જ્યારે મર્યાદાઓ સ્પષ્ટ કરો છો ત્યારે સામેવાળી વ્યક્તિને પણ ખ્યાલ આવે છે કે ક્યાં અટકવાનું છે. મૅનિપ્યુલેશનનો શિકાર બનેલી વ્યક્તિની સૌથી મોટી ભૂલ એ છે કે તે પોતાની જાતને સાચી સાબિત કરવા માટે લાંબીલચક સ્પષ્ટતાઓ કરવા લાગે છે. યાદ રાખો કે તમે જેટલું વધારે સમજાવશો, સામેવાળી વ્યક્તિ એમાંથી એટલા જ નવા મુદ્દા પકડીને તમને વધુ ગિલ્ટી ફીલ કરાવશે. તમે જ્યારે સાચા હો ત્યારે વારંવાર સફાઈ આપવાનું બંધ કરો. નાને ના જ રહેવા દો. બીજાની લાગણીઓનું સન્માન કરો, પણ તેને તમારી માનસિક શાંતિની કિંમતે સાચવવાની જવાબદારી તમારી નથી. ગુડ પાર્ટનર બનવાનો અર્થ એ નથી કે તમે તમારી જાતને ઓગાળી દો.
ગિલ્ટ-ટ્રિપિંગના શિકાર છો? સેલ્ફ-ચેક કરો
પોતાને આ પ્રશ્નો પૂછો...
તમારા પાર્ટનર સાથે વાત કરતાં પહેલાં તમારે શબ્દોની પસંદગીમાં બહુ વિચાર કરવો પડે છે?
તમે કોઈ પ્લાન કૅન્સલ કરો ત્યારે શું તમને પેટમાં ફાળ પડે છે અથવા ઍન્ગ્ઝાયટી થાય છે?
શું તમે સામેવાળી વ્યક્તિને ખુશ રાખવા માટે તમારી પોતાની ઇચ્છાઓ કે જરૂરિયાતો સાથે સતત કૉમ્પ્રોમાઇઝ કરો છો?
શું તમે ભૂલ ન હોવા છતાં માત્ર ઝઘડો પતાવવા માટે માફી માગો છો?
શું તમને એવું લાગે છે કે તમારા સંબંધનો બધો જ ભાર કે જવાબદારી માત્ર તમારા પર જ છે?
ટોણાને બદલે આઇ સ્ટેટમેન્ટ કેવી રીતે વાપરશો?
તારી પાસે તો મારા માટે ટાઇમ જ નથી એમ કહેવા કરતાં એમ કહો કે મને તારી સાથે સમય વિતાવવો ગમે છે, અત્યારે આપણે થોડી વાત કરી શકીએ?
તારે જે કરવું હોય તે કર, મને શું પૂછવાનું? આવું કહેવાને બદલે એમ કહો કે તારા નિર્ણયોથી મને થોડું અસુરક્ષિત લાગે છે, મને લાગે છે કે આપણે આના પર ફરીથી વિચાર કરવો જોઈએ.
બધા માટે તું હાજર હોય છે, બસ મારા વખતે જ તને કામ યાદ આવે છે. આવા ટોણા મારવાને બદલે કહો કે જ્યારે મને તારી જરૂર હોય અને તું બિઝી હોય ત્યારે મને થોડું એકલવાયું લાગે છે, હું જ્યારે મેસેજ કરું ત્યારે તું બે મિનિટ મારી સાથે વાત કરી શકે? તો મને સારું ફીલ થશે.
હેલ્ધી રિલેશનશિપના ગોલ્ડન રૂલ્સ
મેસેજ સીન થયા બાદ પણ જો રિપ્લાય ન આવે તો એનો અર્થ એ હોઈ શકે કે વ્યક્તિએ ઉતાવળમાં જોયો છે, પણ રિપ્લાય આપવા માટે તે માનસિક રીતે ફ્રી નથી. એમાં ઓવરથિન્ક કરવાની કોઈ જરૂર નથી. તે તમને પ્રેમ કરે છે તો જ્યારે સમય મળશે ત્યારે તમારા મેસેજનો જવાબ આપ્યા વગર નહીં રહે.
જો વાત બહુ મહત્ત્વની હોય તો ચૅટિંગમાં સમય બગાડવાને બદલે સીધો ફોન કરવાની આદત પાડો.
રાત્રે ચોક્કસ સમય પછી એકબીજાને પર્સનલ સ્પેસ આપો અને સતત ઑનલાઇન રહેવાનું દબાણ ન કરો.
લાગણીશીલ કે વિવાદાસ્પદ વાતો ક્યારેય મેસેજ પર ન કરો, કારણ કે એમાં શબ્દોનો ટોન સમજાતો નથી.
પાર્ટનર ક્યારે ઑનલાઇન હતો એ ચેક કરવાનું બંધ કરો. એ ટ્રસ્ટ વધારવામાં મદદ કરશે.
