Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ખિસ્સામાં કાંદો રાખવામાત્રથી લૂથી બચી શકાય?

ખિસ્સામાં કાંદો રાખવામાત્રથી લૂથી બચી શકાય?

Published : 30 April, 2026 02:41 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

તાજેતરમાં જ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ આવો દાવો કર્યો છે. એવામાં આ એક ખોટી માન્યતા છે કે વાસ્તવિકતા એ એક્સપર્ટ પાસેથી જાણવું ખૂબ જરૂરી બની જાય છે. બાકી એ વાત તો ૧૦૦ ટકા સાચી છે કે ઉનાળામાં કાંદાનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે.

મધ્ય પ્રદેશના શિવપુરીમાં એક જનસભાને સંબોધતી વખતે કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના ખિસ્સામાંથી કાંદો કાઢીને બતાવતાં કહ્યું હતું કે ગરમીથી બચવા માટે તેઓ ઉનાળામાં સાથે કાંદો રાખે છે અને ઍર-કન્ડિશન્ડ કારનો પણ ઉપયોગ નથી કરતા.

મધ્ય પ્રદેશના શિવપુરીમાં એક જનસભાને સંબોધતી વખતે કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના ખિસ્સામાંથી કાંદો કાઢીને બતાવતાં કહ્યું હતું કે ગરમીથી બચવા માટે તેઓ ઉનાળામાં સાથે કાંદો રાખે છે અને ઍર-કન્ડિશન્ડ કારનો પણ ઉપયોગ નથી કરતા.


‘હું મારા ખિસ્સામાં કાંદો રાખું છું જે મારા શરીરનું તાપમાન નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. ૫૦-૫૧ ડિગ્રી ગરમીમાં પણ એનાથી શરીરને ઠંડક મળે છે અને કોઈ સમસ્યા નથી થતી.’

આવું નિવેદન કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપ્યું છે. અત્યારે જે રીતે ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે એવામાં આપણે બધા જ એવા વિવિધ ઉપાયો શોધી રહ્યા છીએ જે શરીરને લૂથી બચાવીને ઠંડક આપે. એવામાં ખિસ્સામાં કાંદો રાખવામાત્રથી લૂથી બચી શકાય એ વાત સરળતાથી માન્યામાં આવે એવી નથી. એટલે આ વિશે આપણે એક્સપર્ટ પાસેથી જ જાણી લઈએ. એની સાથે લૂથી બચવા માટે કાંદાનો કઈ અલગ-અલગ રીતે ઉપયોગ થઈ શકે અને એના બીજા એવા કયા ફાયદા છે જે આપણા શરીરને મળી શકે એ જાણીએ. 



એક્સપર્ટનું શું કહેવું છે?


આયુર્વેદિક એક્સપર્ટ દિનેશ હિંગુ આ વિશે માહિતી આપતાં કહે છે, ‘આયુર્વેદમાં એવું ક્યાંય લખ્યું નથી કે સાથે કાંદો રાખવાથી શરીરને ઠંડક મળે છે. ઊલટાનું કાંદો ઉષ્ણ વીર્ય ધરાવે છે. આ જ કારણ છે કે એ શરીરમાં રહેલા કફ અને વાયુને શાંત કરવામાં મદદ કરે છે. છાતીમાં જામી ગયેલો કફ પ્રકૃતિમાં ઠંડો અને ચીકણો હોય છે. કાંદાનો રસ એના ઉષ્ણ વીર્યને કારણે છાતીના ભાગમાં ગરમી પેદા કરે છે. આ ગરમી જામી ગયેલા ઘટ્ટ કફને ઓગાળે છે. એવી જ રીતે એના ઉષ્ણ વીર્યને કારણે એ વાયુનાશક પણ છે. એટલે જ સાંધાનો દુખાવો, ગૅસ થવો કે પેટ ફૂલવું જેવી સમસ્યા, સ્નાયુઓનો દુખાવો વગેરે મટાડવામાં કાંદો મદદરૂપ બને છે. ઘૂંટણના દુખાવાની સમસ્યામાં કાંદાનો રસ કે પેસ્ટ લગાવવાથી ફાયદો મળતો હોય છે. કાંદાનો વિપાક મધુર છે. ખોરાક સંપૂર્ણપણે પચી ગયા પછી અને લોહીમાં ભળ્યા પછી એની જે અંતિમ અસર લોહી અને કોષો પર થાય એને વિપાક કહેવાય. મધુર વિપાકને કારણે જ એ પાચન પછી શરીરમાં શીતળતા (ઠંડક) આપે છે. એટલે શરીરમાં ઠંડક મેળવવા માટે એનું સેવન કરવું જરૂરી છે. ખિસ્સામાં રાખવાથી કંઈ ન થાય.’

આ વાતને સમર્થન આપતાં ડાયટિશ્યન ભાવિ મોદી કહે છે, ‘વાતાવરણમાં જ્યારે પુષ્કળ ગરમી હોય અને શરીર પોતાની જાતને ઠંડું ન રાખી શકે ત્યારે લૂ લાગે છે. આ તમારી આસપાસના તાપમાન અને તમે કેટલું પાણી પીઓ છો એના પર નિર્ભર કરે છે. ખિસ્સામાં રાખેલો કાંદો શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં કોઈ ભૂમિકા ભજવતો નથી. જૂના જમાનામાં લોકો કાંદો સાથે એટલે રાખતા હશે કે જરૂર પડે ત્યારે એ ખાઈ શકાય. કાંદામાં પાણીનું પ્રમાણ વધુ હોય છે અને એમાં પોટૅશિયમ જેવા કુદરતી ક્ષારો હોય છે. કાંદા ખાવાથી શરીરમાં પાણીનું સ્તર જળવાય છે અને ઇલેક્ટ્રોલાઇટ બૅલૅન્સ જળવાય છે જે લૂ સામે રક્ષણ આપી શકે છે. એટલે કે કાંદો હાથમાં કે ખિસ્સામાં રાખવાથી કંઈ થતું નથી, પણ એને ખાવાથી ફાયદો થાય છે. ઉનાળામાં ઠંડક માટે કાંદાનું કચુંબર બનાવીને ખાઈ શકો. દહીંમાં કાંદા-ટમેટા-કાકડીને મિક્સ કરીને રાઈતું બનાવી શકો.’


કાંદો અનેક રીતે ગુણકારી

કાંદાના ફાયદા ફક્ત ઉનાળા પૂરતા મર્યાદિત નથી. આયુર્વેદમાં જણાવાયેલા કાંદાના અન્ય ફાયદાઓ વિશે વાત કરતાં દિનેશ હિંગુ કહે છે, ‘કાંદા શ્રેષ્ઠ પાચક છે. પાચન માટે જઠરાગ્નિ  સક્રિય હોવો જરૂરી છે. કાંદામાં રહેલી તીખાશ મંદ પડી ગયેલી પાચનશક્તિને જાગૃત કરે છે. આયુર્વેદ મુજબ કાંદો એના ઉષ્ણ અને તીક્ષ્ણ ગુણોને કારણે કફ અને મેદના અતિસંગ્રહને ઘટાડવામાં મદદરૂપ થઈને કૉલેસ્ટરોલ મૅનેજમેન્ટમાં સહાયક બને છે. કાંદો કુદરતી મૂત્રવર્ધક ગુણો ધરાવે છે એટલે કે એ પેશાબ (યુરિન) સાફ લાવવામાં અને પેશાબ સંબંધિત સમસ્યાઓમાં મદદરૂપ થાય છે. કાંદાનો રસ માથામાં નાખવાથી વાળ ખરતા અટકે છે અને ખોડો  દૂર થાય છે.’

મૉડર્ન સાયન્સ મુજબ કાંદામાં રહેલાં ન્યુટ્રિઅન્ટ્સ અને એના બેનિફિટ્સ ગણાવતાં ભાવિ મોદી કહે છે, ‘કાંદામાં વિટામિન C, સલ્ફર, ફા​​ઇબર

(પ્રી-બાયોટિક્સ) અને ક્વેરસિટિન જેવાં શરીરનું રક્ષણ કરનારાં તત્ત્વો હોય છે. આપણે જ્યારે કાંદો કાપીએ છીએ ત્યારે આંખમાં જે બળતરા થાય છે એ એમાં રહેલા સલ્ફરને કારણે હોય છે. કાંદામાં રહેલાં તત્ત્વો લોહીનું પરિભ્રમણ સુધારે છે અને બ્લડપ્રેશરને કાબૂમાં રાખવામાં મદદ કરે છે. એ લોહીમાંથી ખરાબ કૉલેસ્ટરોલ ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખે છે. કાંદો શરીરમાં આવતા સોજા ઘટાડે છે અને શરીરના કોષોને નુકસાન થતું બચાવે છે જેનાથી લાંબા ગાળાની બીમારીઓનું જોખમ ઘટે છે. કાંદામાં રહેલાં ખાસ તત્ત્વો લોહીમાં શુગરનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ થાય છે, જે ડાયાબિટીઝમાં ફાયદાકારક છે. કાંદામાં રહેલું ફાઇબર આંતરડાંના સારા બૅક્ટેરિયા માટે ખોરાક પૂરો પાડે છે. એનાથી પાચનતંત્ર મજબૂત બને છે અને પેટ સાફ રાખવાની પ્રક્રિયા સરળ થાય છે. વિટામિન C અને અન્ય તત્ત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. એમાં રહેલા જંતુનાશક ગુણો શરીરને ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે.’

આ માન્યતા આવી ક્યાંથી?

કાંદો ખિસ્સામાં રાખવાથી ગરમી ન લાગે એ વાતમાં કોઈ તથ્ય નથી, પણ સહજ રીતે આપણને એવો સવાલ થાય ખરો કે આ માન્યતા પ્રચલિત કઈ રીતે બની હશે? એનો જવાબ વિવિધ સ્રોતોમાં કંઈક આ રીતે મળે છે...

૧. પ્રાચીન મિયાઝમા થિયરી : વૈજ્ઞાનિક રીતે જર્મ્સની શોધ થઈ એ પહેલાં લોકો એવું માનતા હતા કે રોગો ખરાબ હવા અથવા દુર્ગંધ દ્વારા ફેલાય છે. ડુંગળીમાં રહેલી તીવ્ર ગંધ અને સલ્ફર વિશે એવી માન્યતા હતી કે એ હવામાં રહેલાં ઝેરી તત્ત્વો અથવા રોગ ફેલાવતા અદૃશ્ય કણોને પોતાના તરફ ખેંચી લે છે અથવા એને નષ્ટ કરે છે. આથી પ્લેગ જેવા રોગો વખતે પણ લોકો કાંદો પાસે રાખતા.

૨. ગ્રીષ્મ ઋતુ અને આયુર્વેદિક પ્રભાવ : ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદનો ઊંડો પ્રભાવ છે. આયુર્વેદ મુજબ કાંદો શીતળ પ્રકૃતિનો છે (જ્યારે એને યોગ્ય રીતે ખાવામાં આવે ત્યારે). જૂના જમાનામાં જ્યારે લોકો લાંબી મુસાફરી પગપાળા કે બળદગાડામાં કરતા ત્યારે તેમની પાસે તબીબી સુવિધાઓ નહોતી. લોકો માનતા કે જો કાંદો પોતાની પાસે (ખિસ્સામાં કે પાઘડીમાં) રાખવામાં આવે તો એની ઠંડક શરીરના તાપમાનને વધતું અટકાવશે.

૩. પ્રાયોગિક ઉપયોગમાંથી બનેલી માન્યતા : પહેલાંના સમયમાં ખેડૂતો કે મજૂરો ખેતરમાં કામ કરતા ત્યારે કાંદો તેમની સાથે જ રહેતો કારણ કે એ તેમના ભોજનનો મુખ્ય ભાગ હતો. સમય જતાં આ ઉપચાર એક અંધશ્રદ્ધામાં ફેરવાઈ ગયો કે એને માત્ર સાથે રાખવાથી જ લૂ નહીં લાગે.

૪. સલ્ફરનું શોષણ કરવાની શક્તિ : કાંદામાં સલ્ફરનું પ્રમાણ વધુ હોય છે. એક એવી ખોટી માન્યતા પ્રચલિત થઈ હતી કે કાંદો હવામાંથી ગરમી અથવા નકારાત્મક ઊર્જાને શોષી લે છે. વિજ્ઞાને આ વાત સાબિત કરી નથી, પણ પેઢી દર પેઢી આ વાત એક ઘરગથ્થુ નુસખા તરીકે આગળ વધતી રહી.

સાવચેતી રાખવી જરૂરી

દિનેશ હિંગુ કહે છે, ‘આયુર્વેદ કાંદાને તામસિક શ્રેણીમાં મૂકે છે, કારણ કે એ મનને થોડું ચંચળ બનાવી શકે છે. પિત્ત પ્રકૃતિવાળા લોકોએ વધારે પ્રમાણમાં કાચો કાંદો ન ખાવો જોઈએ, કારણ કે એના ઉષ્ણ વીર્યને કારણે એ ક્યારેક ઍસિડિટી વધારી શકે છે.’

ભાવિ મોદી પણ આ વાત પર ભાર મૂકતાં કહે છે, ‘કાચા કાંદા ખાવાથી પેટમાં બળતરા, ઍસિડિટી અથવા ગૅસની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને જે લોકોને આંતરડાંની તકલીફ હોય અથવા જેમનું પેટ સંવેદનશીલ હોય તેમને આ સમસ્યાઓ થવાની શક્યતા વધુ રહે છે.’

કાંદા-કાચી કેરીનો પનો

આપણે ત્યાં આમનો પનો તો ખૂબ કૉમન છે, પણ ઘણા ઓછા લોકો કાંદા અને કાચી કેરીના પના વિશે જાણતા હશે. આ બન્નેનું કૉમ્બિનેશન બમણી ઠંડક આપે છે. આ ડ્રિન્ક બનાવવા માટે ૫૦૦ ગ્રામ બાફેલી કાચી કેરી, ૧-૨ મધ્યમ ઝીણા સમારેલા કાંદા, એક મુઠ્ઠી ફુદીનાનાં તાજાં પાન, શેકેલા જીરાનો પાઉડર, સંચળ, ગોળ લો. કાચી કેરીને કુકરમાં બાફી લો. ઠંડી થાય એટલે એની છાલ કાઢીને બધો ગર (પલ્પ) એક બાઉલમાં કાઢી લો. આ પલ્પમાં તાજા ફુદીનાનાં પાન ઉમેરીને મિક્સરમાં ક્રશ કરી લો. જો તમને કાંદાનો ક્રન્ચ ગમતો હોય તો એને એકદમ ઝીણા સમારીને સીધા પનામાં ઉમેરો. જો સ્મૂધ ડ્રિન્ક જોઈતું હોય તો કાંદાને પલ્પ સાથે જ મિક્સરમાં પીસી લો. તૈયાર થયેલા મિશ્રણમાં ઠંડું પાણી ઉમેરો. હવે એમાં શેકેલું જીરું, સંચળ, મીઠું અને જો ખટાશ વધુ હોય તો થોડો ગોળ ઉમેરો. ગ્લાસમાં બરફના ટુકડા નાખી, ઉપર ફુદીનાના પાનથી ગાર્નિશ કરીને ઠંડો-ઠંડો પીઓ.

Whatsapp-channel Whatsapp-channel

30 April, 2026 02:41 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK