Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > શાંતિ-સમજૂતીને લઈને ગબારા ચાલુ, શૅરબજાર ૧૦૭૪ પૉઇન્ટ ઊંચકાયું

શાંતિ-સમજૂતીને લઈને ગબારા ચાલુ, શૅરબજાર ૧૦૭૪ પૉઇન્ટ ઊંચકાયું

Published : 26 May, 2026 09:03 AM | IST | Mumbai
Anil Patel

એશિયા ખાતે જપાન, તાઇવાન, સિંગાપોર તથા થાઇલૅન્ડ નવા શિખરે : ડૉલર સામે રૂપિયામાં સુધારાની આગેકૂચ : બાયબૅક માટે પાંચ જૂનની રેકૉર્ડ-ડેટ નક્કી થતાં વિપ્રો વૉલ્યુમ સાથે વધ્યો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


નિફ્ટી ખાતે અદાણી એન્ટર., અપોલો હૉસ્પિટલ, ગ્રાસિમ અને હિન્દાલ્કો નવી ઊંચી સપાટીએ ગયા : HDFC, ICICI, ઍક્સિસ બૅન્ક, સ્ટેટ બૅન્ક તથા કોટક બૅન્કને કારણે સેન્સેક્સને કુલ ૬૧૦ પૉઇન્ટનો ફાયદો : સારાં પરિણામોના જોરમાં આઇશર ૪૩૨ રૂપિયા ઊછળીને નિફ્ટીમાં ટૉપ ગેઇનર : માથે રિઝલ્ટ વચ્ચે પ્રીમિયર એક્સપ્લોઝિવ્સ ૧૨ ગણા કામકાજ સાથે ૨૦ ટકાની ઉપલી સર્કિટે બંધ

શાંતિ-સમજૂતીના મામલે સંતાકૂકડી ચાલુ છે. ડીલ નજીકમાં હોવાની વાતો કરતાં-કરતાં ટ્રમ્પે હમણાં કહ્યું છે કે અમેરિકાના અંકુશ ચાલુ રહેશે અને બ્લૉકેડ કે દરિયાઈ નાકાબંધી હમણાં નહીં હટે. સરવાળે ૩ માસથી ચાલતી વૉર પર પૂર્ણવિરામની આશા ફરી એક વાર ઠગારી નીવડી છે. દરમ્યાન બ્રેન્ટ ક્રૂડ આગલા બંધથી સાડાપાંચ ટકા ગગડી ૯૮ ડૉલરની અંદર ઊતરી ગયું હતું એ હાલ ૯૮.૫૦ ડૉલર છે. રિઝર્વ બૅન્કના નવા હસ્તક્ષેપમાં બાઉન્સબૅક થઈને આગલા દિવસે ૯૫.૭૦ બંધ રહેલો રૂપિયો ગઈ કાલે ડૉલર સામે મજબૂતીમાં ૯૫.૧૦ થઈ છેલ્લે રનિંગમાં ૯૫.૨૫ દેખાયો છે. એશિયા ખાતે જૅપનીઝ નિક્કી ૬૫૪૦૯ની સર્વોચ્ચ સપાટી નોંધાવી ૨.૮ ટકા ઊછળી ૩૫૧૪૦ બંધ થયો છે. તાઇવાન ૪૩૬૪૬ની ટૉપ બનાવી ૩.૩ ટકા વધીને ૪૩૬૪૪ થયું છે. સિંગાપોર ૫૧૦૨ના બેસ્ટ લેવલે જઈ નજીવા સુધરે ૫૦૭૫ રહ્યું છે. થાઇલૅન્ડ ૧૫૫૯ની ત્રણેક વર્ષ નજીકની ટૉપ બનાવી પોણો ટકો વધી ૧૫૫૦ હતું તો હૉન્ગકૉન્ગ ૦.૯ ટકા, ચાઇના એક ટકો, ઇન્ડોનેશિયા પોણો ટકો અપ હતાં. સાઉથ કોરિયા રજામાં હતું. યુરોપનાં બજારો રજામાં હતાં.



સેન્સેક્સ આગલા બંધથી ૭૨૬ પૉઇન્ટ મજબૂત ૭૬૧૩૬ ખૂલી છેવટે ૧૦૭૪ પૉઇન્ટ વધી ૭૬૪૮૯ તથા નિફ્ટી ૩૧૨ પૉઇન્ટ વધી ૨૪૦૩૨ બંધ થયો છે. શૅરઆંક નીચામાં ૭૬૦૯૭ અને ઉપરમાં ૭૬૫૫૯ થયો હતો. સ્ટ્રૉન્ગ માર્કેટબ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૨૨૭૧ શૅર સામે ૧૦૪૬ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૫.૮૩ લાખ કરોડ વધી ૪૬૮.૬૯ લાખ કરોડ થયું છે. ટેલિકૉમ ઇન્ડેક્સ ૩૫૦૨ની વિક્રમી સપાટી બનાવી ૧.૯ ટકા વધીને ૩૪૯૫ હતો. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૧૦ દિવસમાં ચોથી વખતનો વધારો થઈ ચૂક્યો છે. આ સિલસિલો ચાલુ રહેવાનો છે. ગઈ કાલે ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ દોઢ ટકા, એનર્જી ઇન્ડેક્સ ૧.૧ ટકા, પાવર એક ટકો, ઑટો ઇન્ડેક્સ પોણાબે ટકા, બૅન્ક નિફ્ટી ૨.૩ ટકા, ફાઇનૅન્સ ઇન્ડેક્સ બે ટકા વધ્યા હતા. IT નહીંવત્ સુધારામાં હતો.


ગઈ કાલે HDFC બૅન્ક ૨.૭ ટકા, ICICI બૅન્ક ૨.૧ ટકા, ઍક્સિસ બૅન્ક બે ટકા, કોટક બૅન્ક ૨.૨ ટકા તથા સ્ટેટ બૅન્ક ૨.૨ ટકા વધી બજારને કુલ ૬૧૦ પૉઇન્ટ લાભદાયી નીવડી છે. બજાજ ફાઇનૅન્સ ૨.૮ ટકા તથા બજાજ ફિનસર્વ ૨.૪ ટકા વધતાં એમાં બીજા ૭૮ પૉઇન્ટનો ઉમેરો થયો હતો. લાર્સન ૨.૭ ટકા વધીને ૪૦૩૩ હતો. હેવીવેઇટ રિલાયન્સ ૦.૯ ટકા સુધરી ૧૩૬૭ હતો. નિફ્ટી ખાતે આઇશર ૬.૨ ટકા કે ૪૩૨ રૂપિયા, અદાણી એન્ટર ૪.૯ ટકા કે ૧૩૨ રૂપિયા તથા તાતા મોટર્સ પૅસેન્જર ૨.૭ ટકા ઊંચકાયા હતા. વિપ્રો ૧.૮ ટકા વધ્યો છે. મેક્સ હેલ્થકૅર ૨.૨ ટકા, હિન્દાલ્કો ૦.૯ ટકા, ONGC ૧.૭ ટકા અને બજાજ ઑટો અડધો ટકો નરમ હતા. પ્રીમિયર એક્સપ્લોઝિવ્સનાં રિઝલ્ટ્સ ૨૯ મેએ છે. શૅર ગઈ કાલે ૧૨ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની બાવીસ માસની ટોચે ૭૧૪ વટાવી ત્યાં જ બંધ હતો. અન્ય ડિફેન્સ શૅર અપોલો માઇક્રો ૪૨૦ની વિક્રમી સપાટી બતાવી ૧૫.૭ ટકા ઊછળી ૪૧૧ થયો છે. 

ગ્રીનલામ ઇન્ડસ્ટ્રીઝ મલ્ટિફોલ્ડ નફાવૃદ્ધિમાં વર્ષના શિખરે


હિન્દાલ્કોની ત્રિમાસિક આવક ૨૦.૪ ટકા વધીને ૭૮,૧૩૩ કરોડ થઈ છે. ૪૧૭૧ કરોડની વન-ટાઇમ લૉસને કારણે નેટ નફો ૫૧ ટકા ગગડીને ૨૫૯૩ કરોડ થયો છે. શૅરદીઠ પાંચનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ભાવ ગઈ કાલે ૧૧૧૯નું શિખર બતાવી એક ટકો ઘટી ૧૦૯૯ બંધ થયો છે. નારાયણા હૃદયાલયે ૭૫.૮ ટકા વધારામાં ૨૫૯૪ કરોડની આવક ઉપર સવા સોળ ટકા વૃદ્ધિદરથી ૨૨૮ કરોડ નફો મેળવ્યો છે. શૅર ઉપરમાં ૧૯૬૫ થઈ ૪ ટકા વધી ૧૯૩૦ હતો. સર્દા એનર્જીની આવક સવા ટકો વધી ૧૨૫૪ કરોડ થઈ છે. ચોખ્ખો નફો ૪૬ ટકા જેવો વધી ૧૫૮ કરોડ થયો છે. શૅર ઉપર ૫૭૮ બતાવી સવાચાર ટકા ગગડીને ૫૪૪ રહ્યો છે.

જે. કે. સિમેન્ટ્સની આવક સાડાઆઠ ટકા વધી ૩૮૮૭ કરોડ વટાવી ગઈ છે, પણ નેટ નફો ૮ ટકા ઘટીને ૩૩૧ કરોડ નીચે ગયો છે. શૅર ઉપર ૫૫૭૩ બનાવીને દોઢ ટકો ઘટીને ૫૪૩૪ બંધ થયો છે. સેન્ચુરી પ્લાયબોર્ડ્સની આવક ૨૪.૫ ટકા વધીને ૧૪૯૨ કરોડ તથા નેટ નફો ૪૮.૮ ટકા વધીને ૭૧ કરોડ વટાવી ગયો છે. ભાવ ઉપરમાં ૮૨૫ થઈ પોણાબે ટકા વધીને ૭૭૯ હતો. ગ્રીનલામ ઇન્ડસ્ટ્રીઝે પચીસ ટકા વધારામાં ૮૫૮ કરોડ આવક ઉપર અગાઉના દોઢ કરોડની સામે અનેકગણા વધારામાં ૪૦.૬ કરોડ ચોખ્ખો નફો હાંસલ કર્યો છે. શૅર ૨૮૦ની ટોચે ૫.૫ ટકા વધી ૨૪૯ હતો. કોલ્ટે પાટીલ ડેવલપર્સની આવક ૬૫ ટકા ગગડી ૨૪૯ કરોડ થતાં કંપની ૬૫૩૦ લાખના નફામાંથી ૧૫૮૦ લાખની ખોટમાં આવી ગઈ છે. શૅર નીચામાં ૩૫૩ થઈ સવાત્રણ ટકા ઘટી ૩૮૨ બંધ હતો. 

રામકો સિમેન્ટ્સમાં ૪૫૦ ટકા નફાવૃદ્ધિ કામ ન લાગી

યુનિકેમ લૅબોરેટરીઝની ત્રિમાસિક આવક બે ટકા ઘટીને ૫૭૫ કરોડ થઈ છે. વન-ટાઇમ લૉસ ૧૨૪૦ લાખ થઈ છે. નેટ નફો ૭૯.૪ ટકા ગગડીને ૧૦૯૦ લાખ રહ્યો છે. શૅર નીચામાં ૩૫૦ બતાવી ૪.૬ ટકા ગગડી ૩૫૫ બંધ થયો છે. રામકો સિમેન્ટ્સની આવક ૯ ટકા જેવી વધી ૨૬૧૦ કરોડ થઈ છે. વન-ટાઇમ ગેઇન ૧૦.૮ કરોડથી વધી ૭૪.૨ કરોડ થયો છે. સરવાળે નફો ૪૫૦ ટકાના વધારામાં ૧૫૧ કરોડ નજીક પહોંચ્યો છે. શૅર ઉપરમાં ૯૪૭ બતાવી પોણો ટકો ઘટી ૯૦૫ હતો. ઇન્ડિગો પેઇન્ટ્સની આવક પોણાદસ ટકા વધી ૪૨૫ કરોડને વટાવી ગઈ છે, પણ નેટ નફો માત્ર સવા ટકો વધી ૫૭૭૦ લાખ થયો છે. ભાવ નીચે ૯૬૬ થઈ ૦.૪ ટકા ઘટીને ૯૯૯ હતો.

મહારાષ્ટ્ર સીમલેસની આવક પોણાદસ ટકા ઘટી ૧૨૮૦ લાખ થઈ છે. એમાં નેટ પ્રૉફિટ ૫૭.૫ ટકા ખરડાઈને ૧૦૩ કરોડે આવી ગયો છે. શૅર નીચામાં ૬૦૧ થઈ પોણાબે ટકા ઘટી ૬૨૪ રહ્યો છે. પ્રિસિઝન કેમસાફ્ટ્સની આવક સાડાપાંચ ટકા વધી ૨૦૧ કરોડ થઈ છે, પરંતુ ચોખ્ખો નફો ૭૫ ટકા ગગડી દસ કરોડ થયો છે. શૅર નીચામાં ૧૫૩ બતાવી સાડાછ ટકા તૂટી ૧૫૪ બંધ હતો. યાત્રા ઑનલાઇનની આવક ૨૬ ટકા ઘટીને ૧૮૯ કરોડ થઈ છે, નફો માત્ર એક ટકો ઘટીને ૮૨૦ લાખ આવ્યો છે. શૅર નીચામાં ૯૬ થઈને અડધો ટકો ઘટી ૧૦૧ હતો. મોતીસન્સ જ્વેલર્સની આવક પોણાસોળ ટકા વધી ૧૩૭ કરોડ થઈ છે, નફો પચીસ ટકા ઘટી ૮૩૦ લાખ નોંધાયો છે. શૅર ઉપરમાં ૧૨ બતાવી ૦.૭ ટકા ઘટીને ૧૧.૮૦ રહ્યો છે. ફેસવૅલ્યુ એક રૂપિયાની છે. 

ટોરન્ટ ફાર્મા નફામાં બાવીસ ટકા ઘટાડા વચ્ચે બેસ્ટ લેવલે

NTPC ગ્રીનની ત્રિમાસિક આવક ૪૬.૭ ટકા વધી ૯૧૨ કરોડ વટાવી ગઈ છે, પણ નેટ નફો ૧૫.૫ ટકાના ઘટાડામાં ૧૯૭ કરોડ થયો છે. શૅર ગઈ કાલે નીચામાં ૧૦૦ થઈ સવાબે ટકા ઘટી ૧૦૨ હતો. કંપની નવેમ્બર ૨૦૨૪માં શૅરદીઠ ૧૦૮ના ભાવથી ૧૦,૦૦૦ કરોડનો ઇશ્યુ લાવી હતી. સનફાર્મા દ્વારા પોણાતેર ટકા વધારામાં ૧૪,૬૧૨ કરોડની આવક ઉપર ૨૬.૨ ટકા વૃદ્ધિદરથી ૨૭૧૪ કરોડ નેટ પ્રૉફિટ મેળવી શૅરદીઠ પાંચનું ડિવિડન્ડ જાહેર થયું છે. શૅર ગઈ કાલે નીચામાં ૧૮૨૪ થઈ સામાન્ય ઘટાડે ૧૮૪૧ બંધ હતો. કોલગેટ પામોલિવ તરફથી ૭ ટકા વધારામાં ૧૫૯૫ કરોડની આવક ઉપર બે કરોડના ઘટાડામાં ૩૫૩ કરોડ રૂપિયા નેટ પ્રૉફિટ મેળવી શૅરદીઠ ૪૮નું ડિવિડન્ડ જાહેર થયું છે. શૅર ઉપરમાં ૨૧૯૫ થઈ ૨.૯ ટકા ગગડી ૨૦૯૬ થયો છે.

ટોરન્ટ ફાર્માની ત્રિમાસિક આવક ૪૧.૮ ટકા વધીને ૪૧૯૭ કરોડ થઈ છે. નેટ નફો બાવીસ ટકા જેવા ઘટાડે ૩૮૯ કરોડ નોંધાયો છે. શૅરદીઠ ૯નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ભાવ ૪૭૧૪નું શિખર બનાવી બે ટકા વધીને ૪૫૭૨ રહ્યો છે. આઇશર મોટર્સની આવક ૧૬ ટકા વધી ૬૦૮૦ કરોડ તથા નેટ નફો ૧૨ ટકા વધી ૧૫૨૦ કરોડ થયો છે. શૅરદીઠ ૮૨નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર ઉપરમાં ૭૪૩૫ બતાવી ૬.૨ ટકા ઊછળી ૭૪૧૩ બંધ આવ્યો છે. ફોર્ટિસ હેલ્થકૅરની આવક ૧૭.૮ ટકા વધીને ૨૩૬૫ કરોડ થઈ છે. ત્રિમાસિક ચોખ્ખો નફો ૪૪ ટકા વધીને ૨૭૧ કરોડ વટાવી ગયો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૯૮૪ થઈને એક ટકો સુધરી ૯૭૦ બંધ થયો છે. 

અમદાવાદી SMR જેવેલ્સનો ૬૭ કરોડનો SME ઇશ્યુ આજે

આજે મંગળવારે બે નવાં SME ભરણાં ખૂલશે. અમદાવાદની SMR જેવેલ્સ ૧૦ના શૅરદીઠ ૧૩૫ના અપરબૅન્ડમાં ૬૭ કરોડનો BSE SME ઇશ્યુ લાવી રહી છે. ઇશ્યુમાં ૧૩ કરોડ ઑફર ફૉર સેલ પેટે પ્રમોટર્સ લઈ જશે. માર્કેટમેકર માટે ૩ કરોડના શૅર અનામત છે. ઇશ્યુમાં QIB પોર્શન સાડાનવ ટકા તથા રીટેલ પોર્શન ૪૭.૫ ટકા છે. ૨૦૧૮માં સ્થપાયેલી આ કંપની ડિઝાઇનર હેરિટેજ જ્વેલરી બનાવીને વેચે છે. ૨૦૨૪-’૨૫માં ૧૧૧ ટકા વધારામાં ૨૬૩ કરોડની આવક ઉપર ૧૭૦ ટકા વધારામાં ૧૦૪૧ લાખ નેટ નફો બતાવ્યા પછી ગયા વર્ષના ૯ માસમાં કંપનીએ ૩૦૯ કરોડની આવક તેમ જ ૧૮૫૬ લાખ નેટ નફો દર્શાવી દીધો છે. છેલ્લા ૯ માસમાં દેવું લગભગ બેવડાઈને ૧૬૫૪ લાખ થયું છે. ઇશ્યુમાંથી ૩૦ કરોડ વર્કિંગ કૅપિટલમાં તથા સાડાછ કરોડ દેવાંની પરત ચુકવણીમાં વપરાશે. કંપનીનું પોતાનું કોઈ યુનિટ નથી. તે થર્ડ પાર્ટી સપ્લાય મેળવીને ધંધો કરે છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધીને ૧૮૬૫ લાખ થશે. હરીફાઈના ધંધામાં પણ છેલ્લા પોણાબે વર્ષમાં કંપની એ આવક, ખાસ કરીને નફામાં જે તગડો વધારો બતાવ્યો છે એ હજમ થાય એવો નથી. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી.

જયપુરની રાજનંદિની ફૅશન ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૬૩ના ભાવથી ૧૮ કરોડનો BSE SME IPO આજે કરવાની છે. ઇશ્યુમાં QIB પોર્શન ૪૯.૯ ટકા તથા રીટેલ પોર્શન ૩૫.૧ ટકા છે. ૨૦૧૦માં સ્થપાયેલી આ કંપની વિમેન્સ અપૅરલ્સ બનાવીને વેચે છે.

૨૦૨૪-’૨૫ના વર્ષમાં ૩૨.૫ ટકા વધારામાં ૩૧૨૭ લાખની આવક ઉપર ૧૨૧ ટકાના વધારામાં ૫૦૬ લાખ નફો કર્યા પછી કંપની એ ગયા વર્ષે ૯ માસમાં ૩૧૨૨ લાખની આવક અને ૫૧૪ લાખ નેટ પ્રૉફિટ બતાવ્યો છે. દેવું પોણાબે વર્ષમાં બેવડાઈને ૧૪ કરોડ નજીક પહોંચ્યું છે. ગ્રેમાર્કેટમાં ૮થી શરૂ થયલું પ્રીમિયમ હાલ ૬ રૂપિયા છે. 

Whatsapp-channel Whatsapp-channel

26 May, 2026 09:03 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK