Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એક જ ગલીનાં પાંચ ઘરમાં માતમ

એક જ ગલીનાં પાંચ ઘરમાં માતમ

Published : 26 May, 2026 07:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શનિવારે રાતે એક યુવાને દાપોલી નજીકના હર્ણે બીચ પરથી નીકળતી વખતે પપ્પાને ફોન કર્યો હતો, તેમણે ચેતવ્યા પણ ખરા કે ઘાટનો રસ્તો છે એટલે રાતે ન નીકળો

અકસ્માતમાં જીવ ગુમાવનારા એક જ ગલીમાં રહેતા પાંચ યુવાનો.

અકસ્માતમાં જીવ ગુમાવનારા એક જ ગલીમાં રહેતા પાંચ યુવાનો.


પિકનિક કરવા ગયેલા યુવાનોની જીપ મહાબળેશ્વર અને પોલાદપુર વચ્ચેના ઘાટમાં ૧૦૦૦ ફુટ ઊંડી ખીણમાં પડી, આઠેઆઠનાં મોત : ૨૪ કલાક સુધી ખબર જ ન પડી કે અકસ્માત થયો છે

ભયંકર ગરમીથી છુટકારો મેળવવા કોકણના દાપોલી નજીકના હર્ણે બીચ પર વીક-એન્ડ ઊજવવા ગયેલા સાતારા જિલ્લાના આસગાવના એક જ ગલીમાં રહેતા પાંચ જુવાનનાં એકસાથે અકસ્માતમાં મોત થતાં આખું ગામ હીબકે ચડ્યું હતું અને નાના-મોટા બધા જ શોકાતુર થઈ ગયા હતા. તેમની સાથે જ નજીકના ગામ મર્ઢેના બે અને ખટાવનો એક મિત્ર પણ મોતને ભેટ્યા હતા.



યુવાનો શુક્રવારે રાતે નીકળીને શનિવારે સવારે હર્ણે પહોંચ્યા હતા. કુલ ૮ મિત્રોએ શનિવારે આખો દિવસ બીચ પર ધમાલ કરી હતી. તેમણે દરિયામાં નહાઈને ખાઈ-પીને જલસા કર્યા હતા. એમાંના એક યુવાને ઘરે તેની મમ્મીને ફોન કરીને એ બધું કહ્યું પણ હતું. તેમણે તેમના મોબાઇલ સ્ટેટસ પર પણ મોજમજાના ફોટો મૂક્યા હતા. તેમને ખબર નહોતી કે તેઓ જીવનનો છેલ્લે આનંદ માણી રહ્યા હતા.


રાતે નીકળવાની ના પાડી

યુવાનો શનિવારે રાતે ૧૦ વાગ્યે હર્ણેથી સાતારા આવવા પાછા નીકળવાના હતા. એક યુવાને સાંજે ૭ વાગ્યે તેના પપ્પાને ફોન કરીને કહ્યું પણ હતું. તેના પિતાએ કહ્યું પણ ખરું કે રાતના સમયે ન નીકળો તો સારું, કારણ કે ઘાટનો રસ્તો છે. યુવાને કહ્યું કે ના, કંઈ નહીં થાય, અમે આવી જઈશું. એ તેમની સાથે થયેલી અંતિમ વાતચીત હતી.


જે ધાર્યું હતું થયું

શનિવારે રાતે પાછા ફરતી વખતે મધરાત બાદ તેમની જીપનો મહાબળેશ્વર અને પોલાદપુર વચ્ચેના આંબેનળી ઘાટમાં દાભીળ ગામ પાસે એક તીવ્ર વળાંક પર અકસ્માત થયો હતો અને જીપ અંદાજે ૧૦૦૦ ફુટ ખીણમાં પટકાઈ હતી. જીપમાં પ્રવાસ કરી રહેલા બધા યુવાનોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જોકે અકસ્માત થયો હોવાની જાણ કોઈને થઈ નહોતી.

જાણ ૨૪ કલાક પછી થઈ

યુવાનના પિતા હૉસ્પિટલમાં સિક્યૉરિટી ગાર્ડ છે. તેઓ ચિંતામાં હતા એટલે દિવસ દરમ્યાન તેમણે દીકરાને ૫૦-૬૦ ફોન કર્યા હતા. રિંગ વાગતી હતી પણ તે ફોન ઉપાડતો નહોતો. એથી તેમને બહુ જ ચિંતા થતી હતી. સાંજે ફરી કામ પર જવા નીકળ્યા અને હૉસ્પિટલમાં પહોંચીને ડૉક્ટરને વિગત જણાવી. ડૉક્ટરે બહુ જ હેલ્પ કરી અને એક પછી એક એમ ઘણા પોલીસનો સંપર્ક કર્યા પછી રાતે એક વાગ્યાની આસપાસ પોલીસે એની રીતે ટેક્નિકલ તપાસ કરીને બધા જ યુવાનોના મોબાઇલ ટ્રૅક કરતાં તેમનું લાસ્ટ લોકેશન આંબેનળી ઘાટ અને એ પણ શનિવાર રાતે હોવાનું દર્શાવતા હતા. એથી તપાસ કરવામાં આવી હતી અને આખરે રવિવારે રાતે એક વાગ્યાની આસપાસ તેમની જીપનો અકસ્માત થયો હોવાની જાણ થઈ હતી.

પોલીસ અને પ્રશાસનની દોડાદોડ

અકસ્માતની જાણ થતાં ઉપવિભાગીય પોલીસ-અધિકારી શંકર કાંબળે, તહસીલદાર કપિલ ઘોરપડે, અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર આનંદ રાવડે સહિત સહ્યાદ્રિ ટ્રેકર્સ, પ્રતાપગઢ સર્ચ ઍન્ડ રેસ્ક્યુ ટીમ, મહાબળેશ્વર ટ્રેકર્સ અને મહાડની સેવાભાવી સંસ્થાની રેસ્કયુ ટીમ અને પોલાદપુરની સ્થાનિક રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. એ સિવાય નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સની પણ એક ટીમને બોલાવવામાં આવી હતી. રાતના જ તેમણે ખીણમાં ઊતરવાનું ચાલુ કરીને અકસ્માતગ્રસ્ત જીપ શોધી કાઢી હતી. જીપની આજુબાજુમાંથી જ તેમના મૃતદેહ મળી આવ્યા હતા. એ પછી સ્ટ્રેચરને દોરી બાંધી એક પછી એક મૃતદેહ ઉપર લાવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનોનાં નામ
૧. મહેશ પવાર, ૨. આદિત્ય સાળુંખે, ૩. રિતેશ લોખંડે
૪. સુહાસ લોખંડે, ૫. અંશ ચવાણ, ૬. ઉત્કર્ષ શિંગટે
૭. અનિલ શિંગટે, ૮. નીતિન નાયકોંડે

ગામમાં શોક છવાઈ ગયો 

આ ઘટનાની માહિતી મળતાં આસગાવમાં ભારે શોક છવાઈ ગયો હતો અને તેમના પરિવારોએ કલ્પાંત કરી મૂકતાં વાતવારણ ગમગીન થઈ ગયું હતું. એવું કહેવાય છે કે જે જગ્યાએ ઍક્સિડન્ટ થયો ત્યાં શાર્પ ટર્ન છે. ત્યાં રેલિંગ નથી પણ માટીનો ઢગલો મૂકી દેવાયો છે. એથી આમાં પ્રશાસનની ભૂલ હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો હતો. એવું પણ કહેવાઈ રહ્યું છે કે છોકરાઓ શુક્રવારે નીકળ્યા હતા. રાતના સૂતા નહોતા અને શનિવારે આખો દિવસ દરિયામાં ધમાલ કરીને થાક્યા હતા એટલે શક્ય છે કે જીપ ચલાવી રહેલા યુવાનને ઝોકું આવી ગયું હોય અને અકસ્માત થયો હોય.

Whatsapp-channel Whatsapp-channel

26 May, 2026 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK