ગરમીના દિવસોમાં હાર્ટ-પેશન્ટ્સે એક્સ્ટ્રા કૅર કરવાની જરૂર છે. વધુપડતો પરસેવો અને લો બ્લડપ્રેશર જેવી સમસ્યાને હળવાશમાં ન લેવી જોઈએ. ગરમીના દિવસોમાં તમારી હાર્ટ-હેલ્થને કેવી રીતે જાળવશો એ એક્સપર્ટ પાસેથી જાણીએ
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે એપ્રિલ-મેમાં જોવા મળતી ગરમી આ વર્ષે માર્ચમાં જ અકળાવી રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમી હૃદયના સ્ટ્રેસને બમણું કરે છે. તાપમાન વધે ત્યારે શરીર પોતાને ઠંડું રાખવા માટે લોહીનો પ્રવાહ ત્વચા તરફ વધારે છે જેને કારણે હૃદયને સામાન્ય કરતાં બેથી ચારગણી વધુ મહેનત કરવી પડે છે ત્યારે આવા સમયમાં હૃદયરોગીઓને મળતી વૉર્નિંગ-સાઇન્સને કઈ રીતે ઓળખવી જોઈએ અને એનાથી બચવા શું તકેદારી રાખવી જોઈએ એ જાણીએ.
વૉર્નિંગ-સાઇન્સને ઓળખો
ADVERTISEMENT
નાણાવટી અને ગોદરેજ જેવી હૉસ્પિટલ્સ સાથે સંકળાયેલા અનુભવી કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. હિરેન ગાલા ઉનાળા દરમિયાન શરીર દ્વારા મળતાં કેવાં સિગ્નલ્સને અવગણવાં ન જોઈએ એ વિશે જણાવતાં કહે છે, ‘હાર્ટ-પેશન્ટ્સે દરેક સીઝનમાં વાતાવરણને કારણે ખોરાક અને લાઇફસ્ટાઇલ પર બહુ ધ્યાન આપવું જોઈએ. જો એ ન આપવામાં આવે તો બીજી ગંભીર સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. ઉનાળાની ગરમીમાં મોટા ભાગના લોકોને લો બ્લડપ્રેશરની સમસ્યા બહુ વધી જાય છે. એકાએક બ્લડપ્રેશર ઘટે એટલે મગજ અને હૃદય જેવાં મહત્ત્વનાં અંગો સુધી લોહી પહોંચવાનું ઓછું થાય છે પરિણામે આંખે અંધારાં આવે, ચક્કર આવે અને કોઈક કેસમાં વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. લાંબા સમય સુધી બ્લડપ્રેશર લો રહેવાથી કિડનીનું કાર્ય પણ પ્રભાવિત થાય છે અને હાર્ટની સમસ્યા ઉપરાંત કિડની સંબંધિત બીજા પ્રૉબ્લેમ્સ ઉદ્ભવે છે.’
પાણીનું સંતુલન
હાર્ટ-પેશન્ટ્સને બૉડીમાં હાઇડ્રેશન અને વૉટર-રિટેન્શનનું સંતુલન જાળવવું જરૂરી છે એમ જણાવતાં ડૉ. હિરેન કહે છે, ‘હાર્ટ-પેશન્ટ્સને પાણી મર્યાદિત પીવાનું હોય છે. તેમની હેલ્થ-કન્ડિશનને ધ્યાનમાં રાખીને દિવસ દરમિયાન જેટલું પાણી પીવાનું હોય એ પણ ન પિવાય તો ડીહાઇડ્રેશનની સમસ્યા થાય છે. એમાં લોહી ઘટ્ટ થાય છે અને હૃદયની ધમનીઓમાં લોહીના ગઠ્ઠા થવાની શક્યતા વધે છે. જો હૃદયને પહેલેથી જ પૂરતો ઑક્સિજન ન મળે તો એક્સ્ટ્રા લોડ હાર્ટ-અટૅકનું કારણ બને છે. હાર્ટ-પેશન્ટ્સ માટે પાણીનું પ્રમાણ જાળવવું બહુ જરૂરી છે. જો હૃદય નબળું હોય તો વધુ પાણી પીવાથી એ ફેફસાંમાં ભરાય છે, જેને લીધે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. રોજ સવારે વજન કરવું. જો એક-બે દિવસમાં વજન એક કિલો વધી જાય તો એ શરીરમાં પાણી ભરાયાનો સંકેત છે. આથી ડૉક્ટરની સલાહ મુજબ પ્રવાહીનું પ્રમાણ રાખવું જરૂરી છે.’
વધુપડતો પરસેવો છે રેડ સિગ્નલ
વધુપડતો પરસેવો નીકળવો પણ અસામાન્ય છે એ વાતને જણાવતાં ડૉ. હિરેન કહે છે, ‘હજી એક વૉર્નિંગ-સાઇન એ પણ છે કે ગરમી હોવા છતાં શરીર ઠંડું પડવું અથવા પંખાની નીચે બેઠા હો તો પણ પરસેવાથી રેબઝેબ થઈ જાઓ તો આ નૉર્મલ નથી. તમારે તાત્કાલિક ડૉક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ. પરસેવામાં નીકળતું પાણી શરીરનાં મિનરલ્સ હોય છે. એ ઓછાં થાય એટલે હાર્ટનાં ફંક્શન્સમાં લોડ આવવાથી આ સમસ્યા ઉદ્ભવી શકે છે. ગરમીમાં એવું પણ બને કે પૂરતું પાણી પીવા છતાં યુરિન ઓછું પાસ થાય છે અથવા ઘાટા પીળા રંગનું આવે છે, એ કિડની પર લોડ આવવાનો સંકેત છે. તાપમાન વધવાને કારણે મસલ્સમાં ક્રૅમ્પ અને સખત સુસ્તી ફીલ થવાની સાઇન્સ પણ અસામાન્ય જ છે. ઘણી વાર હાર્ટબીટ બહુ જોર-જોરથી ધડકે એવી ફીલિંગ આવે છે, એનો મતલબ તમારા હૃદયના ધબકારા અનિયમિત છે. આવી સ્થિતિમાં કિડની-ફિલ્ટરેશનના કાર્યમાં ખલેલ પહોંચે છે. લાંબા સમય સુધી આવી સ્થિતિ રહે તો કિડની ડૅમેજ થવાનું જોખમ વધી જાય છે.’
શું ધ્યાન રાખવું?
ગરમીમાં હાર્ટ-પેશન્ટ્સને ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે જણાવતાં ડૉ. હિરેન કહે છે, ‘જો તમારું હૃદય પમ્પિંગ ઓછું કરે તો વધુ પાણી ફેફસાંમાં ભરાઈ શકે છે. ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલી ૨૪ કલાકની પ્રવાહી-લિમિટને ચુસ્તપણે વળગી રહેવું જરૂરી છે. એમાં પાણી સાથે દાળ, છાશ અને લીંબુ શરબત જેવાં પીણાંનો સમાવેશ થાય છે. સાદું પાણી પીવાને બદલે શરીરમાં મિનરલ્સનું સ્તર જળવાઈ રહે એ માટે નારિયેળ પાણી સર્વોત્તમ છે. આ ત્યારે જ પી શકાય જ્યારે કિડનીની તકલીફ ન હોય. આહારમાં પણ ઠંડક આપે એવા અને પાચનમાં હળવા હોય એવા જ ફૂડનો સમાવેશ કરવો. મીઠું શરીરમાં પાણી પકડી રાખે છે અને બ્લડપ્રેશર વધારે છે. ઉનાળામાં વધુપડતું મીઠું લેવાથી સોજા ચડી શકે છે. તરબૂચ, કાકડી, દૂધી અને ટીંડોળા જેવી શાકભાજી-ફળો લો. એ કુદરતી રીતે શરીરને ઠંડું રાખે છે અને ફાઇબર પણ આપે છે. ACવાળા રૂમમાંથી એકાએક કાળઝાળ તડકામાં બહાર નીકળવું નહીં. આનાથી હૃદયની રક્તવાહિનીઓ પર સ્ટ્રેસ આવી શકે છે. ગરમીમાં કપડાં સુતરાઉ અને હળવા રંગનાં પહેરવાં. આનાથી હવાની અવરજવર જળવાય છે, જેનાથી શરીરનું કુદરતી કૂલિંગ મેકૅનિઝમ વ્યવસ્થિત કામ કરી શકે. ગરમીમાં નૅચરલી બ્લડપ્રેશર લો થતું હોય છે ત્યારે મોટા ભાગના પેશન્ટ્સ દવાના એ જ ડોઝ ચાલુ રાખે છે જેનાથી તેમને ચક્કર આવી શકે અથવા અશક્તિ લાગી શકે છે. તેથી જરૂર પડ્યે સીઝન ચેન્જ થાય એટલે દવામાં ફેરફારની જરૂર પડે કે નહીં એ બાબતે ડૉક્ટરને કન્સલ્ટ કરી લેવું. સવારે ૧૧ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ઍક્ટિવિટી પણ બહુ મર્યાદિત રાખવી. હળવી કસરત કરી શકાય, પણ ઉનાળામાં જિમની વેઇટટ્રેઇનિંગ જેવી હેવી એક્સરસાઇઝ હૃદયના ધબકારાને વધારી શકે છે.’
