Health Funda: નબળો આહાર, પ્રોટીનની ઉણપ, તણાવ, ઊંઘનો અભાવ અને બિનઆરોગ્યપ્રદ આદતો જીવનશૈલીના રોગોમાં વધારો થઈ રહ્યો છે તેની પાછળ જવાબદાર છે મુખ્ય ૧૦ કારણો, જેને આપણે મોટેભાગે નજરઅંદાજ કરતા હોઈએ છીએ; ચાલો જાણીએ કયાં છે એ કારણો…
તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા
સુંદર અને ટકાઉ ઘર બનાવવા મજબૂત પાયો, સારી અને યોગ્ય સામગ્રી તેમજ કુશળ કામદારોની જરૂર પડે છે તેમ આપણા શરીરનું સર્વાંગી સ્વાસ્થ્ય જળવાય તે માટે ખોરાક, કસરત અને મનની સ્વસ્થતા જરૂરી છે. ખોરાક આપણા શરીરને ઊર્જા આપે છે. નિયમિત કસરત શરીરને મજબૂત બનાવે છે, સાથે સાથે મનને તેજ અને તણાવમુક્ત રાખે છે. આમ સર્વાંગી સ્વાસ્થ્ય માટે તન અને મન બન્ને સ્વસ્થ હોવા ખૂબ જરુરી છે. સોશ્યલ મીડિયા જ્યારે આંગળીના ટેરવે છે ત્યારે સરળતાથી માહિતી મળી જાય કે, સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું ખાવું જોઈએ? ડાયટિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું? કઈ કસરત કરવી જોઈએ? માનસિક શાંતિ માટે શું જરુરી છે? વગેરે વગેરે બધી જ માહિતી મળી જાય છે. પરંતુ વ્યક્તિ દીઠ દરેક બાબત જુદી-જુદી હોય છે. પણ સર્વાંગી સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો બહુ કૉમન હોય છે. તમને મૂંઝવણ થતી હોય કે સુખાકારી અને સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું કરવું તો ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારી માટે લઈને આવ્યું છે – ‘હેલ્થ ફંડા’ (Health Funda). જેમાં દર શનિવારે ‘હેલ્થ એન ફૂડવિલા’ (Health n Foodvilla)નાં ડાયટિશન અને ફૂડ ન્યુટ્રિશનિસ્ટ, હોલિસ્ટિક ફંક્શનલ હેલ્થ કૉચ ડૉ. રિશિતા બોચિયા જોષી (Dr. Rishita Bochia Joshi) ખોરાક, શારિરીક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને લગતા વિષયો પર આપણી સાથે વાત કરશે.
આજના ‘હેલ્થ ફંડા’ના એપિસોડમાં ડૉ. રિશિતા બોચિયા જોષી વાત કરે છે, સ્વાસ્થ્ય વિશેના એવા ૧૦ કડવા સત્યો જે ભારતીયોએ સ્વીકારવા જ પડશે!
ADVERTISEMENT
ભારત એક એવો દેશ છે જ્યાં ભોજન પ્રત્યેનો પ્રેમ અતૂટ છે, તહેવારો વારંવાર આવે છે અને ‘હજી થોડું લો ને’ એ માત્ર શબ્દો નહીં પણ એક લાગણી છે. આવા માહોલમાં સ્વાસ્થ્યને લગતી ચર્ચાઓ હંમેશા ગૌણ બની જાય છે અને આપણે તેના પર ત્યારે જ ધ્યાન આપીએ છીએ જ્યારે આપણા શરીરમાં કંઈક ખોટું થાય. અત્યારે જ્યારે જીવનશૈલીને લગતા રોગો ભારતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ધીમે-ધીમે વધી રહ્યા છે, ત્યારે સમય આવી ગયો છે કે આપણે આપણા સ્વાસ્થ્ય વિશેની કેટલીક અકળાવનારી છતાં અનિવાર્ય સત્ય હકીકતોનો સ્વીકાર કરીએ.
અહીં સ્વાસ્થ્ય વિશેના એવા ૧૦ કડવા સત્યો જણાવું છું જે દરેક ભારતીયે સમજવા જરૂરી છેઃ
૧. ‘થોડું વધારે વજન’ હોવું તે હાનિકારક નથી એવું માનવું ભૂલભરેલું
ઘણા ભારતીયો વધતી જતી કમર (ચરબી)ને સામાન્ય ગણે છે, ખાસ કરીને લગ્ન પછી અથવા ૩૦ વર્ષની ઉંમર વટાવ્યા બાદ. પરંતુ પેટની આસપાસની ચરબી સીધી રીતે ડાયાબિટીસ, ફેટી લીવર અને હૃદયરોગ સાથે જોડાયેલી છે. આ સમસ્યાઓ હવે પહેલા કરતા ઘણી વહેલી ઉંમરે જોવા મળી રહી છે. ત્યારે તે ચરબી સામાન્ય છે એવું માની લેવું ભૂલભરેલું છે.
૨. ઘરનું રાંધેલું ભોજન હંમેશા સ્વાસ્થ્યપ્રદ (હેલ્ધી) હોતું નથી
આપણને ઘરના ભોજન પર ગર્વ હોય છે, ઘરે જે બનાવીએ તે બધું હેલ્ધી જ હોય એવું માનીએ છે. પરંતુ વધુ પડતું તેલ, મેંદો, ખાંડ અને તળેલી વાનગીઓ ઘરના ભોજનને પણ પોષણની દૃષ્ટિએ નબળું બનાવી શકે છે.
૩. આપણા કાર્બોહાઈડ્રેટથી ભરપૂર આહારમાં સંતુલન રાખવું જરૂરી
પૌઆ અને પરોઠાથી લઈને ભાત અને રોટલી સુધી, મોટાભાગના ભારતીય ભોજનમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધુ હોય છે અને પ્રોટીન ખૂબ જ ઓછું હોય છે. આ અસંતુલન સ્નાયુઓની નબળાઈ અને બ્લડ સુગરમાં અસ્થિરતા લાવવાનું મુખ્ય કારણ બને છે.
૪. પ્રોટીનની ઉણપ આપણે ધારીએ છીએ તેના કરતા વધુ સામાન્ય
આપણો દેશ મુખ્યત્વે શાકાહારી હોવા છતાં, આપણે ઘણીવાર પૂરતા પ્રમાણમાં પ્રોટીન લેવાનું ટાળીએ છીએ. માત્ર દાળ ખાવાથી પ્રોટીનની જરૂરિયાત પૂરી થતી નથી. સાથે આપણા આહારમાં કઠોળ, ડેરી ઉત્પાદનો, ડ્રાયફ્રૂટ્સ અને અન્ય સ્ત્રોતો દ્વારા વિવિધતાની જરૂર છે.
૫. અનહેલ્ધી ખાવાની આદતો ખરાબ ખાવાની આદતોની ભરપાઈ ફિટનેસ નહીં કરે
૩૦ મિનિટની ચાલવું એ આખા દિવસ દરમિયાન કરેલા વધુ પડતા ભોજન (ઓવરઇટિંગ) કે બિનઆરોગ્યપ્રદ (અનહેલ્ધી) ખોરાકની પસંદગીની અસરોની ભરપાઈ નહીં કરે. પોષણ અને વ્યાયામ એકબીજાના પૂરક તરીકે કામ કરવા જોઈએ, નહીં કે આપણી સુવિધા મુજબ એકબીજાના વિકલ્પ તરીકે.
૬. માનસિક તણાવ ચુપચાપ આપણા શરીરને નુકસાન પહોંચાડે
કામ, પરિવાર કે આર્થિક બાબતોને કારણે થતો લાંબાગાળાનો તણાવ આપણા હોર્મોન્સ, ઊંઘ, પાચન અને વજન પર સીધી અસર કરે છે. તેમ છતાં, દૈનિક જીવનમાં માનસિક સ્વાસ્થ્યને હજુ પણ પૂરતી પ્રાથમિકતા આપવામાં આવતી નથી.
૭. ઊંઘ વૈકલ્પિક નથી
મોડી રાત સુધી ફોનનો વપરાશ, વેબ સિરીઝ જોવી અને અનિયમિત જીવનશૈલી આપણી જૈવિક ઘડિયાળને ખોરવી રહી છે. અપૂરતી ઊંઘ સીધી રીતે વજનમાં વધારો, હોર્મોનલ અસંતુલન અને રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો લાવે છે.
૮. નિવારક હેલ્થ ચેકઅપને ઘણીવાર નજરઅંદાજ કરવામાં આવે છે
જ્યાં સુધી લક્ષણો ગંભીર ન બને ત્યાં સુધી ઘણા ભારતીયો નિયમિત તપાસ (હેલ્થ ચેકઅપ) કરાવવાનું ટાળે છે. થાઈરોઈડ અસંતુલન, ડાયાબિટીસ અથવા વિટામિનની ઉણપ જેવી સ્થિતિઓની વહેલી જાણ થવાથી લાંબાગાળાની બીમારીઓને રોકી શકાય છે.
૯. ઝડપી સુધારાઓ-ઉપાયો પર ખૂબ આધાર રાખીએ છીએ
વજન ઘટાડવાના અખતરાઓ (ફૅડ ડાયેટ)થી લઈને ડિટોક્સ ટી સુધી, ઝડપી પરિણામો મેળવવાની ઘેલછા ઘણીવાર ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. લાંબાગાળાના અને ટકાઉ જીવનશૈલીના ફેરફારો હંમેશા કામચલાઉ ઉકેલો કરતા ચડિયાતા સાબિત થાય છે.
૧૦. સ્વાસ્થ્ય એ દૈનિક રોકાણ છે, એક વખતનું લક્ષ્ય નથી
સ્વાસ્થ્ય જાળવવા માટે કોઈ શોર્ટકટ કે જાદુઈ ગોળી નથી. તે સતત જાળવવામાં આવતી આદતો દ્વારા બને છે. આપણે શું ખાઈએ છીએ, કેટલું હલનચલન કરીએ છીએ, કેવી રીતે ઊંઘીએ છીએ અને તણાવનું સંચાલન કેવી રીતે કરીએ છીએ, તેના પર જ આપણું સ્વાસ્થ્ય નિર્ભર છે.
સત્ય એ છે કે ભારત અત્યારે એક કપરા વળાંક પર ઊભું છે. જીવનશૈલીને લગતી બીમારીઓના વધતા જતા કિસ્સાઓ વચ્ચે હવે આપણે હકીકતથી મોઢું ફેરવી શકીએ તેમ નથી. આ વાસ્તવિકતાઓનો સ્વીકાર કરવો કદાચ અકળાવનારો કે મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ સાર્થક પરિવર્તન તરફનું આ પ્રથમ પગલું છે.
કારણ કે અંતે, સારું સ્વાસ્થ્ય એ કોઈ સંપૂર્ણતા હાંસલ કરવા વિશે નથી, પરંતુ તે જાગૃતિ, સંતુલન અને આપણે દરરોજ જે પસંદગીઓ કરીએ છીએ તેના વિશે છે.
(શબ્દાંકનઃ રચના જોષી)
