Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ગેરમાન્યતાઓને દૂર કરીને લિવરને હેલ્ધી રાખવા માટે શું કરવું એ જાણી લો

ગેરમાન્યતાઓને દૂર કરીને લિવરને હેલ્ધી રાખવા માટે શું કરવું એ જાણી લો

Published : 18 April, 2025 04:52 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિનજરૂરી દવાઓથી લિવરને થયેલા નુકસાનને કોઈ પણ પ્રકારનું ડીટૉક્સ ડ્રિન્ક બચાવી નહીં શકે, કારણ કે લિવર પોતે જ શરીરનું ડીટૉક્સ મશીન છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોવિડ સમયે વૉટ્સઍપ પર એક જોક વાઇરલ થયો હતો કે ૨૦૨૧-’૨૨માં લોકોના ફેવરિટ નાસ્તાની યાદીમાં ડોલો એટલે કે પૅરાસિટામોલ પહેલા સ્થાને હતી. વાતમાં ભલે રમૂજ હતી, પરંતુ તથ્ય પણ હતું. એ સમયે લગભગ દરેક વ્યક્તિના ખિસ્સામાં કે બૅગમાં ડોલોનું પત્તું મળી આવે એવી પરિસ્થિતિ હતી. દવા બનાવતી કંપનીઓએ પણ આ દવાને પ્રમોટ કરવા માટે લોકોને બેફામ ડિસ્કાઉન્ટમાં કે મફતમાં વહેંચી હતી. આપણે ફરી આ ચર્ચા શા માટે કરી રહ્યા છીએ? હાલમાં અમેરિકન ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ એટલે પાચન સાથે સંકળાયેલા પેટના તમામ અવયવોને લગતા રોગોના ડૉક્ટર પલનીઅપ્પન મણિકમ ઉર્ફે ડૉ. પાલે ટ્વીટ કર્યું કે ભારતીયો ડોલો ૬૫૦ કૅડબરી જેમ્સની જેમ ખાય છે. આ ટ્વીટ વાઇરલ થઈ ગયું અને ઘણા લોકોએ પોતે કયાં-કયાં કારણોસર આ દવાનો ઉપયોગ કરે છે એ પણ જણાવ્યું. આ કારણોમાં થાક, તનાવ, માથાનો દુખાવો તો સામેલ હતાં જ; પરંતુ લોકો બીમાર થવાના છે એવું જરા પણ ફીલ થાય તો ડોલો લઈ લે છે. લોકોની માન્યતા છે કે લિવરને તંદુરસ્ત રાખવા દારૂનું સેવન ન કરો, પરંતુ એના કરતાં પણ ખતરનાક વસ્તુ છે બિનજરૂરી કે વધુપડતી દવાઓનું સેવન જેનાથી લિવરને ટૂંક સમયમાં ગંભીર નુકસાન થાય છે. આવતી કાલે વર્લ્ડ લિવર ડે છે ત્યારે નિષ્ણાત પાસેથી જાણીએ કે શા માટે ચૉકલેટની જેમ પૅરાસિટામોલ ન ખાવી જોઈએ અને લિવરને તંદુરસ્ત રાખવા શું કરવું.

લિવર-ફેલ્યરનું મોટું કારણ 
ગ્લોબલી પૅરાસિટામોલના ઓવરડોઝને લીધે થતા રોગોમાં લિવર-ડૅમેજ મોખરે છે. અમેરિકાની જર્નલમાં પ્રકાશિત નિષ્ણાતોના મત મુજબ પૅરાસિટામોલ દરદીઓમાં ૬ ટકા પૉઇઝનિંગ માટે, ૫૭ ટકા લિવરને ઈજાગ્રસ્ત કરવા માટે કાં તો લિવર-ફેલ્યર માટે અને ૭ ટકા દવાને કારણે લિવરને નુકસાન કરવા માટે જવાબદાર છે. આ પરિણામ અમેરિકન દરદીઓની માહિતી લઈને પ્રકાશિત કરવામાં આવ્યું હતું કારણ કે એશિયા, સાઉથ અમેરિકા અને અન્ય દેશોના દરદીઓના આંકડા કે માહિતીના કોઈ પેપર હજી પણ ઉપલબ્ધ નથી. ડૉક્ટરો પણ ચિંતામાં છે કે જે દવા આટલી સરળતાથી બધા જ દેશોમાં ઉપલબ્ધ છે એનાથી લિવર-ફેલ્યરનું કેટલું મોટું જોખમ છે એના વિશે લોકોને ખ્યાલ જ નથી.

કોઈ પણ દવાનો ઓવરડોઝ
બોરીવલી અને કાંદિવલીમાં પ્રૅક્ટિસ કરતા ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. રોનક અજમેરા કહે છે, ‘એ સાચી વાત છે કે પૅરાસિટામોલ લિવરને ખરાબ કરી શકે છે. સામાન્ય રીતે તાવ આવે ત્યારે ડૉક્ટરની સલાહ મુજબ દરદીને દિવસમાં ત્રણથી ૪ ડોઝની સલાહ આપવામાં આવતી હોય છે. એનાથી તાવ ઊતરી જતો હોય છે. દિવસના ૩-૪ ડોઝથી લિવરને કોઈ નુકસાન થતું નથી, પરંતુ વ્યક્તિ પોતાની મરજી મુજબ છથી ૧૦ ડોઝ લઈ લે તો સમસ્યા ગંભીર થઈ શકે છે. શરીરની ઍનૅટૉમી વિશે એક વાત સમજી લો કે લિવર શરીરનું ડીટૉક્સ મશીન છે એટલે શરીરનું કેમિકલ પાવરહાઉસ કહી શકાય જે ચોવીસે કલાક સતત કામ કરતું રહે છે. દવા, દારૂ, આહાર જેવા કોઈ પણ પદાર્થ મારફત શરીરમાં પ્રવેશેલા ટૉક્સિનને એ લોહીમાંથી દૂર કરે છે. એટલે શરીરના આ પાવરફુલ મશીનને સ્વસ્થ રાખવા માટે ડૉક્ટરની સલાહ વગર ડોલો, આયુર્વેદિક કે અન્ય ઍલોપૅથિક દવાનો ઉપયોગ ન કરવો. જિમ જતા લોકો સ્ટેરૉઇડ કે પ્રોટીનની દવાઓ લેતા હોય છે તો આ દવાઓમાં હેવી મેટલનું પ્રમાણ ભારે હોય છે તેમ જ અમુક દવાઓની આડઅસર પર સંશોધનો પણ પ્રકાશિત નથી થયાં હોતાં. જ્યારે લોકો જાતે ડૉક્ટર બનીને નિર્ણયો લેતા થઈ જાય છે ત્યારે સમસ્યા સર્જાય છે. અમુક લોકો એવું માનતા હોય છે કે આયુર્વેદિક કે ઑલ્ટરનેટિવ મેડિસિનથી શરીરને નુકસાન નથી થતું, પરંતુ એવું નથી હોતું. કોઈ પણ દવાનો કેટલો ડોઝ લેવો એ માત્ર ડૉક્ટર જ કહી શકે છે.’

દવા-દારૂની લિવર પર અસર
વિશ્વભરમાં આ એક એવી દવા છે જે ઓવર ધ કાઉન્ટર મળી રહે છે. ડૉ. રોનક અજમેરા કહે છે, ‘અમેરિકા કે લંડનમાં પૅરાસિટામોલ ઓવર ધ કાઉન્ટર ઉપલબ્ધ છે. ત્યાં લોકો સુસાઇડ કરવા માટે એકસાથે ઘણીબધી ગોળીઓ ખાઈ લેતા હોય છે. લોકો સુસાઇડ કરવા માટે કોઈ પણ દવાનો ઓવરડોઝ કરી લેતા હોય છે. તો લિવર જે ડીટૉક્સનું કામ કરે છે એ જ ટૉક્સિનથી છલકાઈ જાય એટલે આખા શરીરનું તંત્ર ખોરવાઈ જાય અને અંતે અટકી જાય. એટલે દવાને કારણે લિવર ગણતરીના સમયમાં ઈજાગ્રસ્ત થઈ જતું હોય છે. એનો અર્થ એ નથી કે દારૂ પીવાથી લિવરને ઓછું નુકસાન થાય છે. દારૂથી પણ લિવરને ધીરે-ધીરે નુકસાન થાય જ છે અને ગંભીર નુકસાન થાય છે. ટૂંકમાં, દવા કે દારૂનું વધુપડતું સેવન હાનિકારક છે. ’ 
મહિલાઓનું લિવર સંવેદનશીલ લિવરની વાત કરીએ તો વિષય મુખ્યત્વે પુરુષોનો ધ્યાનમાં રાખીને ચર્ચાતો હોય છે. એક નવી જ ગેરમાન્યતા પર પ્રકાશ પાડતાં ડૉ. રોનક અજમેરા કહે છે, ‘આ બાબતનો લગભગ લોકોને ખ્યાલ નથી હોતો, પરંતુ પુરુષોની સરખામણીએ મહિલાઓનું લિવર વધારે નાજુક હોય છે. મહિલાઓનું વજન ઓછું હોય છે એટલે લૉજિકલી પુરુષોની સરખામણીમાં તેમના શરીરમાં પાણીનું પ્રમાણ પણ ઓછું હોય છે. એટલે કે જો શરીરમાં પાણીનું પ્રમાણ વધારે હોય તો તીવ્ર ખાદ્ય પદાર્થોને ડાયલ્યુટ થવામાં સરળતા રહે છે. મહિલાઓના શરીરની ઍનૅટૉમી મુજબ બિનજરૂરી દવાઓ કે આલ્કોહૉલની અસર લિવર પર તરત જ થતી હોય છે. ઉદાહરણ આપીને સમજાવું તો ધારો કે મહિલા અને પુરુષ એક જ પ્રમાણમાં આલ્કોહૉલનું સેવન કરે તો મહિલાનું લિવર પહેલાં ડૅમેજ થાય છે. એવી જ રીતે તેમને પુરુષો કરતાં દવાનો ઓછો ડોઝ આપવામાં આવે તો પણ લિવરને તકલીફ પહેલાં પહોંચી શકે છે.’

યાદ રહે કે લિવરને ડીટૉક્સ કરવા માટે કોઈ પીણાં નથી હોતાં
સોશિયલ મિડિયાના હેલ્થ-એક્સપર્ટ લીંબુપાણીને લિવરનું ડીટૉક્સ કહેતા હોય છે. તથ્ય એ છે કે લીંબુનું પાણી હાઇડ્રેશન બચાવી રાખે છે, પરંતુ લિવરના ટૉક્સિન દૂર નથી કરતું. આ વાતને સાયન્ટિફિકલી સમજાવતાં ડૉ. રોનક અજમેરા કહે છે, ‘બજારમાં ડીટૉક્સ માટેનાં ડ્રિન્ક્સ મળે છે, કાં તો લોકો શરીરના ડીટૉક્સિફિકેશન માટે અમુક પદાર્થો ખાતા હોય છે. તો એ વાત જાણી લો કે માર્કેટમાં મળતી ડીટૉક્સિફિકેશનને લગતી કોઈ પણ પ્રોડક્ટના વૈજ્ઞાનિક પુરાવાઓ નથી. જે તથ્ય સાબિત જ નથી થયું એના પર વિશ્વાસ કરવો જ કેવી રીતે? કોઈ ડૉક્ટર તમને ડીટૉક્સ ડ્રિન્ક કે ફૂડની સલાહ નહીં આપે. તમને લિવરની સમસ્યા ન હોય તો કોઈ પણ પ્રકારની દવા ખાવી નહીં. લિવર પોતે જ બહુ શક્તિશાળી ઑર્ગન છે. લિવરને હેલ્ધી રાખવા માટે ભારતીય જીવનશૈલીને અને ભોજનને અનુસરો. જેમ કે સાદા વેજિટેરિયન ભોજન અને વ્યાયામ પર આધાર રાખો. વધુપડતા વજનના કે ડાયાબિટીઝના દરદીઓએ ડૉક્ટરની સલાહ વગર દવા લેવી જ નહીં.’


Whatsapp-channel Whatsapp-channel

18 April, 2025 04:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK