Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > દાયકાઓ સુધી આપણે ત્યાં રહેલું ધોલધપાટ પેરન્ટિંગ ઉચિત હતું?

દાયકાઓ સુધી આપણે ત્યાં રહેલું ધોલધપાટ પેરન્ટિંગ ઉચિત હતું?

Published : 15 May, 2026 11:49 AM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

આખરી ઉપાય તરીકે તોફાની બાળકોને હાથમાં સોટી મારવાની છૂટ સિંગાપોરની સરકારે આપી છે ત્યારે...

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થોડા સમય પહેલાં સલમાન ખાને પણ ‘એકાદ થપ્પડ ખા લેતે થે’ કહીને બાળપણમાં પડતા મારને સામાન્ય ગણાવ્યો છે. જોકે આજના પેરન્ટ્સ હાથ ઉપાડવાનું તો દૂર રહ્યું, ઊંચા અવાજે બોલવાનું પણ સંતાનો સામે ટાળે છે ત્યારે બાળપણમાં ખૂબ માર ખાનારા ગુજરાતીઓ પોતાના અનુભવ અને ઘડતરમાં પેરન્ટસ પાસેથી મળેલા મારરૂપી મેથીપાક વિશે શું કહે છે એ જાણીએ...

તાજેતરમાં સિંગાપોરની સરકારે સ્કૂલોમાં તોફાની બાળકો દ્વારા અન્ય બાળકો પર થતું બુલિંગ એટલે કે દાદાગીરી અટકાવવા માટે એક નવો નિયમ લાગુ કરવાની જાહેરાત કરી છે. ગયા અઠવાડિયે સિંગાપોરના શિક્ષણપ્રધાને તેમની સંસદમાં ૯ વર્ષ કે એનાથી મોટી વયના છોકરાઓ જો અન્ય છોકરાઓને હેરાન કરતા હોય, તેમને શારીરિક અને ડિજિટલી પજવતા હોય ત્યારે એક્સ્ટ્રીમ કેસમાં સરકાર શિક્ષકોને જે-તે સ્કૂલના પ્રિન્સિપાલની અનુમતિ પછી કૅનિંગની સજા એટલે કે છડી ફટકારવાની સજા આપી શકે છે. બાળક ખૂબ મસ્તી કરે અને જરાય ન સમજે ત્યારે એકથી ૩ છડી મારવી એ આખરી ઉપાય તરીકે અપનાવી શકાય એવી રજૂઆત કરતા આ કાયદાથી વિદ્યાર્થીઓને તેમની ભૂલની ગંભીરતાનો અહેસાસ થશે એવું ડિસિપ્લિન માટે જાણીતી સિંગાપોરની સરકાર માને છે. જોકે દુનિયાભરના શિક્ષણવિદોમાં આ વાતે હાહાકાર મચાવ્યો છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન અને UNICEF જેવી સંસ્થાઓનું કહેવું છે કે શારીરિક સજા બાળકના માનસિક સ્વાસ્થ્ય પર લાંબા ગાળે નકારાત્મક અસર કરી શકે છે. જોકે ભારતમાં તો વિદ્યાર્થી અવસ્થામાં બાળકોને મારવાં એ દાયકાઓ સુધી સામાન્ય બાબત ગણાતી આવી છે. આપણે ત્યાં તો કહેવાતું પણ ખરું કે ‘સોટી વાગે ચમ ચમ અને વિદ્યા આવે ધમ ધમ’. ઇન ફૅક્ટ, વચ્ચે સલમાન ખાને પણ એક ઇન્ટરવ્યુમાં કહેલું કે ‘બે-ચાર થપ્પડ ખાઈ લેતા પિતાજીની, એમાં શું છે.’



બાળકોને મારવાં એ પેરન્ટ્સ માટે અને પેરન્ટ્સનો માર ખાવો એ બાળકો માટે સામાન્ય ગણાતું આવ્યું છે ત્યારે જાણીએ કે ખરેખર આજે બાળકોને ઊંચા અવાજે બોલીએ તો તેમની મેન્ટલ હેલ્થ ખરાબ થશે એવી ચર્ચાઓ સામે પહેલાંનું ધોલધપાટવાળું પેરન્ટિંગ બહેતર હતું? બાળપણમાં ભરપૂર મેથીપાક ખાનારા કેટલાક ગુજરાતીઓને જ આ વિશે પૂછીએ.


એ માર શીખવી ગઈ

બોરીવલીમાં રહેતા ૩૧ વર્ષના ધવલ દોશી નવમા ધોરણમાં આવ્યા ત્યાં સુધી તેમણે પોતાની મમ્મીના હાથનો માર ખાધો છે. ધવલભાઈ કહે છે, ‘માત્ર હાથથી નહીં પણ ચીપિયો, ઝાડુ, વેલણ એમ જે હાથમાં આવ્યું હોય એનાથી મમ્મી મારતી. ક્યારેક તો એવો માર્યો હોય કે તેમનો હાથ સૂજી ગયો હોય. મેં મસ્તી પણ એવી કરી છે કે મમ્મી પાસે જાણે બીજો પર્યાય પણ નહોતો. એ સમયે ક્યારેક ઘરનું સ્ટ્રેસ કે ઘરની ખીજ પણ બાળક પર નીકળતી. જોકે સાથે એ પણ જોયું છે કે માર્યા પછી લાડ પણ મમ્મી જ વધારે કરે.’


દસેક વર્ષથી પોતાની ઇવેન્ટ કંપનીને સફળતાપૂર્વક ચલાવી રહેલા ધવલભાઈને પણ પોતાનો અઢી વર્ષનો દીકરો છે. હું મારા બાળક પર હાથ ઉપાડવાનું વિચારી પણ ન શકું એમ જણાવીને સ્પષ્ટતા કરતાં ધવલ દોશી કહે છે, ‘અમારા જેવું તોફાન પણ આજનાં બાળકો નથી કરતાં. બીજું, હવે જમાનો બદલાયો છે. હવેનાં બાળકોનું એક્સપોઝર-લેવલ જુદું છે. જેવું અમારી સાથે અમારા પેરન્ટ્સ રહ્યા એમ અમે અમારાં બાળકો સાથે રહી શકીએ એમ જ નથી. આજે એ બાળપણના માર વિશે વિચારું તો મને અફસોસ નથી. એ મેમરીઝ છે. સામે છેડે પપ્પાએ ક્યારેય હાથ નથી ઉપાડ્યો. મને એમ પણ લાગે છે કે એ માર મને ઘડવામાં પણ કામ લાગ્યો. હું ૨૭ વર્ષનો હતો જ્યારે મેં પોતાના પૈસે મુંબઈમાં બે બેડરૂમ હૉલ કિચનનો ફ્લૅટ ખરીદ્યો. ૨૦૧૫માં અમારા ઘરે ચોરી થઈ એ પછી બધું જ સાફ થઈ ગયું હતું. ફરી એક વાર મહેનત કરીને બધું ઊભું કરવાનું એ ટૉલરન્સ કદાચ મમ્મીના એ સમયે એ રીતે મળેલા આશીર્વાદનું જ પરિણામ હશે. કદાચ એ સમયે મમ્મીનો જ ડર હશે કે કોઈ ખોટી સંગતમાં કે ખરાબ આદતોમાં હું ન ફસાયો. અફકોર્સ, એનો અર્થ એવો જરાય નથી કે હું બાળકોને મારવાની ફેવરમાં છું. આજે આગળ કહ્યું એમ જમાનો બદલાયો છે. મેં મારા બાળક સામે હાથ ઉપાડવાની ઍક્શન સુધ્ધાં નથી કરી. અમે તો ઇન ફૅક્ટ અફર્મેશન દ્વારા અમારા અને બાળકના જીવનને પૉઝિટિવિટીથી ભરી રહ્યા છીએ.’

ટીચરે ૧૩ લાફા મારેલા

ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ સપ્લાય મટીરિયલનો બિઝનેસ કરતા ૪૩ વર્ષના અંકિત શાહને બાળપણનાં વર્ષોમાં જે દિવસે માર ન પડ્યો હોય એવો દિવસ યાદ કરવો મુશ્કેલ છે. સ્કૂલ અને ઘર બન્ને જગ્યાએ અંકિતભાઈએ દરેક પ્રકારના મેથીપાકનો સ્વાદ ચાખ્યો છે. એક સમય એવો આવ્યો કે મારનો ડર પણ તેમના મનમાંથી નીકળી ગયો હતો. બોરીવલીની એમ. કે. હાઈ સ્કૂલમાં ભણેલા આ યુવાન પોતાના બાળપણનો એક કિસ્સો યાદ કરતાં કહે છે, ‘એક વાર મેં કંઈક મસ્તી કરેલી અને ટીચરે મને સટ-સટ કરીને એક-બે લાફા માર્યા અને તેઓ ગણી રહ્યા હતા એટલે મેં કહ્યું કે તમે ગણો નહીં, તમતમારે મારો બસ. એમ કરતાં-કરતાં મેં તેમને એવો ગુસ્સો અપાવ્યો કે કુલ ૧૩ લાફા તેમણે માર્યા. એ પછીયે હું લાફા ખાઈને નહોતો થાક્યો પણ તેઓ મારીને થાકી ગયા હતા. સ્કૂલમાં બધા જ શિક્ષકો માટે હું સૌથી નોટોરિયસ બાળક. રજિસ્ટરમાં મારા નામ પાસે રેડ રિમાર્ક વિના કંઈ ન મળે. મરાઠીનાં મિસ તો ક્લાસમાં આવતાંની સાથે શરત મૂકતાં કે અંકિત ક્લાસની બહાર જાય તો જ હું ભણાવું. મેં કોઈ કલ્પના ન કરી શકે એટલી મસ્તી કરી છે અને એટલો માર પણ ખાધો છે. એક સમય તો એવો આવી ગયેલો કે મારી ભૂલ હોય કે ન હોય માર મને જ પડે. બીજા લોકો ઝઘડ્યા હોય તો મને એ વાતનો માર પડે કે તું ત્યાં ગયો જ કેમ જ્યાં લોકો ઝઘડતા હતા. એ સમયે કંઈ સોશ્યલ મીડિયા નહોતું. પોતાના હક કે અધિકાર જેવી કોઈ વાતો નહોતી. નવરાત્રિમાં દાંડિયે-દાંડિયે મને મારવામાં આવતો. હોળીમાં લોકોના માથે ફુગ્ગા ફોડવાના. એરિયામાં સૌથી મસ્તીખોર છોકરામાં હું પહેલા નંબરે, બાકી ભણવામાં છેલ્લે. એ સમય એવો હતો કે જે ના કહેવામાં આવે એ પહેલાં કરવાનું. જોકે એ પછીયે મમ્મીના મારને કારણે જ ઘણાં ખોટાં કામ કરતાં અટકી ગયો. બહુ નાની ઉંમરમાં માથે જવાબદારી આવી ગઈ અને એ પછી તો મસ્તી-તોફાન પાછળ રહી ગયાં અને હું મહેનતમાં આગળ વધતો ગયો. આજે વિચારું છું તો એટલું લાગે છે કે એ સમયના મારે મને કંઈક શીખવ્યું હોય તો એ છે ડિસિપ્લિન. આજે પોતાની કંપનીનો માલિક છું. મારી પાસે મોટો સ્ટાફ છે. એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ બનાવું છું.’

અંકિતભાઈને બે દીકરીઓ છે. જોકે તેમણે પોતાની દીકરીઓ પર હાથ નથી ઉપાડ્યો. તેઓ કહે છે, ‘આજનાં બાળકોને મારીને સમજાવી શકાય એમ જ નથી. હવે રીત બદલાઈ છે. અમે નિયમ રાખ્યો છે કે જે કામ નથી કરવાનું એ કોઈ કરે ત્યારે એમાંથી પાછા હટવા માટે અમે હસબન્ડ-વાઇફ નંબર બોલીએ. ત્યાં સુધીમાં છોકરાઓ જાતે જ એ કામ પડતું મૂકે. મને બાળપણના મારથી મેન્ટલ ટ્રૉમા થયો કે મેન્ટલ હેલ્થ-ઇશ્યુઝ આવ્યા હોય એવું ક્યારેય નથી લાગ્યું.’

કોણે કહ્યું મારવાથી શિસ્ત આવે?

અગ્રણી એજ્યુકેશનિસ્ટ અને અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેટર સ્વાતિ પોપટ-વત્સ બાળકો પર હાથ ઉપાડીને તેમની બિહેવિયરમાં સુધારો કરવાની બાબત સાથે જરાય સહમત નથી. તેઓ કહે છે, ‘હું તમને એવા સેંકડો રિસર્ચ આપી શકું છું જેમાં સાબિત થયું છે કે બાળકોને તમે મારો છો ત્યારે એ સાઇકલ તેઓ મોટા થયા પછી પણ કન્ટિન્યુ રહે છે. તેમના મનમાં એક વાત ઘર કરી જાય છે કે કોઈ પણ સમસ્યાનું સમાધાન વાયલન્સમાં સમાયેલું છે. તેઓ મોટા થઈને પોતાનાં બાળકોને મારશે એવી સંભાવનાઓ વધી જાય છે. નાનાં બાળકોને જ્યારે બહુ જ ખરાબ રીતે મારવામાં આવે ત્યારે એ તેમની સેલ્ફ-એસ્ટીમને તહસનહસ કરી નાખે છે. ન્યુરો-સાયન્ટિસ્ટ દ્વારા થયેલાં સર્વેક્ષણો કહે છે કે બાળકોને પડતો માર તેમના ઇમોશનલ બ્રેઇનને ખરાબ રીતે ડૅમેજ કરે છે. બાળક ડર સાથે જીવતું થાય છે જેને કારણે આગળ જતાં મેન્ટલ હેલ્થ-ઇશ્યુઝ આવી શકે છે. એટલું જ નહીં, એક રિસર્ચ તો એમ પણ કહે છે કે જે બાળકોએ નાનપણમાં માર ખાધો હોય તે પુરુષ હોય તો તે પોતાની વાઇફને મારે એવી સંભાવના વધારે છે અને તે જો સ્ત્રી હોય તો હસબન્ડ દ્વારા પડતા મારને સહજ સ્વીકારી લે છે. અમારી દૃષ્ટિએ બાળકોને સમજાવવા માટે હાથ ઉપાડવો એ કોઈ સૉલ્યુશન છે જ નહીં.’

Whatsapp-channel Whatsapp-channel

15 May, 2026 11:49 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK