છેલ્લા થોડા સમયથી પૉપ્યુલર થયેલા સપર ક્લબના કન્સેપ્ટમાં તમારે કોઈકના ઘરે જમવા જવાનું હોય છે, થોડા સમયથી ‘સપર ક્લબ’નો કન્સેપ્ટ પૉપ્યુલર થયો છે. ફૂડ-ઇન્ડસ્ટ્રીમાં ત્રણ પ્રકારનાં કિચન હોય.
સપર ક્લબ
થોડા સમયથી ‘સપર ક્લબ’નો કન્સેપ્ટ પૉપ્યુલર થયો છે. ફૂડ-ઇન્ડસ્ટ્રીમાં ત્રણ પ્રકારનાં કિચન હોય. એક હોય હોટેલ કિચન, બીજું હોય ક્લાઉડ કિચન અને ત્રીજું હોય હોમ કિચન. આપણે વાત કરવાની છે આ હોમ કિચનની. ધારો કે ઘરમાં બે જ જણ રહેતા હોય અને વાઇફ બહુ સરસ રસોઈ બનાવતી હોય તો તે હોમ કિચન શરૂ કરે. એમાં ફિક્સ સંખ્યામાં જ લોકો ચોક્કસ લંચ કે ડિનર માટે ઘરે જમવા આવે.
આજકાલ બહાર રેસ્ટોરાંમાં જમવા જેવું હોતું નથી. હાઇજીનની ખબર ન હોય અને એમાંથી જ આ હોમ કિચન અને સપરક્લબની શરૂઆત થઈ. નાનું કિચન અને બહુ લિમિટેડ લોકો એટલે કે ચારથી ૬ જ લોકો લેવાના. એનાથી વધારે થાય તો બુકિંગ નહીં લેવાનું. જો તમને આના વિશે ન ખબર હોય તો સોશ્યલ મીડિયા પર ચેક કરજો. તમને એવાં હોમ કિચન મળી જશે જે ખાસ કરીને પરંપરાગત ખાણીપીણીના અનુભવ માટે આવી સપર ક્લબ ચલાવે છે. તમારે બુકિંગ કરાવી લેવાનું કે અમે પરમ દિવસે આવીશું એટલે એ લોકો તમારા જમવાની વ્યવસ્થા કરી રાખે.
બે વીક પહેલાં મને આ જ પ્રકારના એક હોમ કિચનમાંથી હેતલ ગઢિયાનું આમંત્રણ મળ્યું. આ હેતલ મારા મિત્ર બહુ જ જાણીતા પબ્લિસિસ્ટ મનહર ગઢિયાની દીકરી એટલે તે મારી પણ દીકરી સમાન, પણ એક ચોખવટ કરી દઉં કે તે મારી દીકરી જેવી છે એટલે હું આ ફૂડ-ડ્રાઇવ નથી કરતો પણ મને કન્સેપ્ટ બહુ ગમ્યો એટલે થયું કે તમારા સુધી આ વાત પહોંચાડું.
ADVERTISEMENT
હેતલને ત્યાં હું જ નહીં; અમારી નાટકલાઇનનાં બીજાં કલાકારો સનત વ્યાસ, પ્રતાપ સચદેવ, ફિરોઝ ભગત, અપરા મહેતા, શરદ વ્યાસ પણ હતાં અને સૌથી સરસ એ કે આપણા મુંબઈના બહુ જાણીતા પૉપ્યુલર કેટરર્સવાળા હરીશભાઈ પણ હતા. બધા મનહર ગઢિયાના મિત્રો.
અમે બધા જમવા બેઠા એટલે પ્યૉર પિત્તળની એકદમ ચકચકતી થાળી આવી અને હેતલે અમને કહ્યું કે તમારે અમારું કિચન જોવું હોય તો તમને છૂટ છે.
એ પછી સૌથી પહેલાં આવ્યું વેલકમ ડ્રિન્ક જે ખૂબ સરસ હતું. એ પછી ઍપિટાઇઝરમાં આવ્યાં ભજિયાં. એમાં બટાટાનાં અને પરવળનાં ભજિયાં હતાં. એની સાથે કેળાનું રાયતું હતું અને સાથે આપણું ટ્રેડિશનલ ચૂરમું હતું અને રોસ્ટેડ ભરેલાં મરચાં પણ હતાં. અરે હા, આ બધું ખાવાનું અનલિમિટેડ, તમે માગો તો ફરી આપે. ટેબલ પર પહેલેથી મેનુ મૂકેલું હોય એટલે તમને ખબર પડે કે આજે જમવામાં શું-શું છે.
એ પછી એક નાનકડી ડિશમાં કચોરીવાળી દાળઢોકળી આવી. બહુ સરસ હતી એ કચોરીવાળી દાળઢોકળી. દાળમાં તો મસાલા હોય જ એટલે કચોરીમાં જે પૂરણ હતું એ બહુ મસાલાવાળું નહોતું.
એ પછી મેઇન કોર્સ શરૂ થયો.
જમવામાં શ્રીખંડ-પૂરી હતાં. શ્રીખંડ એકદમ ક્રીમી અને બદામ-પિસ્તા નાખેલો હતો. જેમને પૂરી ન ખાવી હોય તેમના માટે રોટલી પણ હતી. શાકની વાત કરું તો શાકમાં બટાટાની ચિપ્સનું શાક, કાજુ કારેલાં અને તૂરિયાં-પાતરાંનું એમ ૩ શાક હતાં. આ બધામાં તૂરિયાં-પાતરાં સુપરશાક હતું. શાકમાં કાજુ કારેલાં અને પટેટો ચિપ્સના શાકમાં બહુ ગ્રેવી નહોતી અને તેલ પણ ઓછું. તૂરિયાં-પાતરાં રસાવાળું શાક હતું. આ શાકનો જે રસો હતો એમાં તેલ દેખાય જ નહીં. તમે ખાલી રસો પીઓ તો થોડો ગળચટ્ટો પણ અદ્ભુત સ્વાદ.
આ બધાની સાથે મરચાં અને સૌથી છેલ્લે કઢી અને ભાત. શેકેલા ખીચિયા પાપડ, મસાલા છાશ અને ડિઝર્ટમાં મહુવા ફ્લાવર્સ સાથેનો ફાડાનો શીરો. મજા-મજા પડી ગઈ.
આ બધું ખાઈને હું તો તૃપ્ત થઈ ગયો. હેતલની સપર ક્લબમાં લંચની જ વ્યવસ્થા હોય છે. તે ૧૨ જણ માટે બુકિંગ પણ લે છે અને બધાને પ્રેમથી જમાડે છે. તમે ઑર્ડર કરો એટલે તમારી સાથે મેનુ પણ ડિસ્કસ કરે.
તમે ઇન્સ્ટાગ્રામ પર જશો તો અનબૉક્સ જલસો નામનું પેજ તમને મળશે. ક્યારેક કોઈક તમારે સ્પેશ્યલ ડે હોય તો તમે ઘરના દસથી ૧૨ લોકો સાથે ત્યાં જઈ શકો છો અને જો એકલા હો તો પણ ઍડવાન્સમાં બુકિંગ કરીને જઈ શકાય.
હું કહીશ કે આ સપર ક્લબનો જે કન્સેપ્ટ શરૂ થયો છે એ ખરેખર ખૂબ જ સરસ છે અને ખૂબ જ આવકારદાયક છે.
