હેક્ટિક લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ અને પ્રદૂષણને લીધે હેરકૅર એક બાજુએ રહી જાય છે; પરિણામે વાળ અને સ્કૅલ્પ ડૅમેજ થાય છે ત્યારે વાળની સંભાળ રાખવાની જૅપનીઝ પદ્ધતિ ટ્રાય કરવા જેવી છે
પ્રતીકાત્મક તસવીર
પ્રદૂષણ, તનાવ અને રાસાયણિક શૅમ્પૂના કારણે વાળ ખરવા અને ડૅમેજ થવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. જ્યારે આપણે વાળ ધોવાની વાત કરીએ છીએ ત્યારે આપણે માત્ર શૅમ્પૂ લગાવીને પાણીથી ધોઈ નાખતા હોઈએ છીએ. જોકે જપાનમાં વાળ ધોવા એ માત્ર સફાઈ નહીં પણ એક થેરપી છે. ચાલો જાણીએ જૅપનીઝ હેરવૉશ ટેક્નિક વિશે, જે તમારા વાળને સિલ્કી અને મજબૂત બનાવી શકે છે.
શું છે જૅપનીઝ હેરવૉશ પદ્ધતિ?
ADVERTISEMENT
જૅપનીઝ હેરવૉશ ટેક્નિકનું મુખ્ય ધ્યાન માત્ર વાળ પર નહીં પણ સ્કૅલ્પ પર હોય છે. તેમનું માનવું છે કે જેમ સારા પાક માટે જમીન ફળદ્રુપ હોવી જોઈએ એમ સુંદર વાળ માટે સ્કૅલ્પનું સ્વસ્થ હોવું અનિવાર્ય છે. આ પદ્ધતિમાં વિજ્ઞાન અને આરામનો અનોખો સમન્વય જોવા મળે છે. જૅપનીઝ પદ્ધતિની શરૂઆત સૂકા વાળમાં મસાજથી થાય છે. આનાથી રક્તપરિભ્રમણ વધે છે અને છિદ્રો ખૂલે છે જેના કારણે વાળનાં મૂળ મજબૂત થાય છે અને હેરફૉલની સમસ્યા ઘટે છે. આ મસાજ માત્ર શારીરિક નહીં પરંતુ માનસિક શાંતિ પણ આપે છે. એને એક પ્રકારની રિલૅક્સેશન થેરપી પણ કહેવામાં આવે છે. રાસાયણિક કન્ડિશનરને બદલે જૅપનીઝ સ્ત્રીઓ કુદરતી તેલનો ઉપયોગ કરે છે. એ વાળમાં ઊંડે સુધી ઊતરીને પોષણ આપે છે. ડબલ ક્લેન્ઝિંગ ટેક્નિકની મદદથી વાળને બે વાર ધોવાય છે. પહેલી વારની સફાઈ ધૂળ અને પ્રદૂષણ દૂર કરે છે, જ્યારે બીજી વારની સફાઈ સ્કૅલ્પની અંદરનાં છિદ્રોને સાફ કરે છે. પછી શૅમ્પૂ કરતી વખતે હથેળીના બદલે આંગળીનાં ટેરવાંનો ઉપયોગ કરીને ગોળાકાર મસાજ કરવામાં આવે છે. આનાથી માથાના ઍક્યુપ્રેશર પૉઇન્ટ્સ દબાય છે, જે તનાવ ઘટાડવામાં અને વાળના ગ્રોથમાં મદદરૂપ થાય છે. જૅપનીઝ ટેક્નિકમાં ક્યારેય અતિશય ગરમ પાણીનો ઉપયોગ થતો નથી. હૂંફાળું પાણી ગંદકી કાઢવા માટે અને છેલ્લે ઠંડું પાણી વાળના ક્યુટિકલ્સને સીલ કરવા માટે વપરાય છે. જૅપનીઝ હેરવૉશ ટેક્નિક આપણને શીખવે છે કે ઉતાવળમાં વાળ ધોવાને બદલે આરામથી સર્ક્યુલર મોશનમાં મસાજ કરતાં-કરતાં ધોવા જોઈએ જેથી સ્કૅલ્પની હેલ્થ સારી રહે અને વાળનો ગ્રોથ પણ સારો થાય.
આ ટેક્નિકના ફાયદા
સ્કૅલ્પમાં જામી ગયેલું વધારાનું તેલ અને ડેડ સ્કિન દૂર થઈને ડીપ ડીટૉક્સ થાય છે.
મસાજને લીધે માઇન્ડ શાંત થાય છે અને શરીર રિલૅક્સ થાય છે.
વાળની ગુણવત્તા સુધરે છે. એ કુદરતી રીતે ચમકદાર બને છે અને એનું ટેક્સ્ચર સુધરે છે.
બ્લડ-સર્ક્યુલેશન સુધરે છે, જેને લીધે નવા વાળ ઊગવામાં મદદ કરે છે.


