કર્મનો સીધો હિસાબ છે, તમે તમારું કામ કરો અને એ કામમાં સફળતા મળે એ દિશામાં મચ્યા રહો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કર્મની વાત આવે ત્યારે મને હંમેશાં કહેવાનું મન થાય કે આ એક એવો તર્ક છે જેનો સૌકોઈએ પોતપોતાની રીતે લાભ લીધો છે. ક્યાંય પહોંચી ન શકાય એટલે તરત કર્મની વાત કરનારાઓ એટલા જ છે, જેટલા મોક્ષની વાતો માંડતા રહ્યા છે. મોક્ષ મળે એ માર્ગ શોધવા માટે મેં વર્ષો પસાર કર્યાં અને પછી સમજાયું કે એ તો માણસની સામે લટકાવેલું એક એવું ગાજર છે જેના નામે માણસ ભાગતો રહે છે. જો મોક્ષના નામે માણસ સારાં કામો કરતો હોય તો એ ગાજરમાં કશું ખોટું નથી. જો કર્મની થિયરીને સમજીને માણસ કોઈનું અહિત કરવાનું કે પછી ગેરરીતિ કરવાનું ટાળી દે તો એમાં કશું ખોટું નથી પણ ખોટું ત્યારે છે જ્યારે દરેક વાતમાં, દરેક નીતિરીતિમાં કર્મના સિદ્ધાંતોને જોડી દઈને બેસી રહેવામાં આવે.
કર્મનો સીધો હિસાબ છે, તમે તમારું કામ કરો અને એ કામમાં સફળતા મળે એ દિશામાં મચ્યા રહો. નિષ્ફળતા મળે એટલે એવું ધારી લેવું કે કર્મનું ફળ મળ્યું તો એ ગેરવાજબી છે. જો મહેનતની દિશા સાચી હોય અને પુરુષાર્થમાં કોઈ પ્રકારની ખોટ ન હોય તો ક્યારેય નિષ્ફળતા મળે જ નહીં. કર્મની થિયરીને અહીં વાપરવાની જરૂર નથી પણ હા, હું કહીશ કે કર્મનાં લેખાંજોખાં ગણાવવાથી જો માણસ ખોટું કરતાં અટકતો હોય તો આ થિયરી કામ કરતી રહે એમાં કશું ગુમાવવાનું નથી પણ એવું દરેક વખતે થતું નથી.
ADVERTISEMENT
કર્મની વાતો કરનારાઓ અને તમામ પ્રકારના વિમર્શના અંતે કર્મને વચ્ચે લાવીને મૂકી દેનારાઓએ એક વાત સમજવી રહી કે કર્મના નામે પરાધીનતા મળતી હોય છે. પાછળ જન્મનાં કર્મોને કારણે સુખી અને સાધન-સંપન્ન ઘરમાં જન્મ મળે અને આ જન્મનાં કર્મોને કારણે આવતો ભવ સુખી થાય એવું બનતું નથી. ધીરુભાઈ અંબાણીનો જન્મ બહુ સામાન્ય ઘરમાં થયો હતો એનો અર્થ એવો નથી થતો કે તેમના પાછલા જન્મનાં કર્મો સામાન્ય સ્તરના હતાં. જોવું એ જોઈએ કે તેમણે આ જન્મે એ પ્રકારનાં કર્મો કર્યાં, એ સ્તરનો પુરુષાર્થ કર્યો કે જીવતાજીવ સ્વર્ગનું સુખ અને પ્રસિદ્ધિ પામ્યા.
કર્મ કરો અને એટલું ધ્યાન રાખો કે તમારા કર્મ દ્વારા કોઈને તન, મન કે ધનથી હાનિ ન પહોંચે. કારણ કે અહિત હંમેશાં દુઃખ આપવાનું કામ કરે. આ દુઃખ એટલે કર્મોનું દુઃખ નહીં પણ લાગણીનું દુઃખ અને માનવ મન લાગણી પર આધારિત છે. જો માણસ સુખી તો તેની લાગણીઓમાં પણ એ સુખ પ્રવર્તતું રહે. કહેવાનો ભાવાર્થ એટલો કે કર્મના કહેવાતા સિદ્ધાંતો અને વાતોને નહીં પણ વાજબી મૂલ્યને ઓળખીને જીવનને આકાર આપો.

