Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > મારો એકરાર - મારા વચનને બનાવીશ પુણ્ય વચન

મારો એકરાર - મારા વચનને બનાવીશ પુણ્ય વચન

Published : 09 September, 2026 09:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દુર્લભ એવા મનુષ્યભવમાં મળેલા શ્રેષ્ઠ વચનયોગ દ્વારા તો પ્રભુના ગુણગ્રામ ગાવા જોઈએ અને સામેવાળી વ્યક્તિને શાતા અને સમાધિ પમાડવી જોઈએ.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

પર્યુષણમાં પરમની વાણી

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ


પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં માત્ર પ્રભુનાં વચનોનું શ્રવણ ન કરવાનું હોય પણ આપણાં વચનોને પણ પુણ્ય વચન બનાવવાનાં હોય.

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ ભૂલોનો એકરાર કરીને સ્વયંને change કરવા માટે હોય છે.



માનવમનની માનસિકતા હોય છે કે તેઓ સાંભળે ઓછું અને સંભળાવે વધારે અને જ્યારે સંભળાવે ત્યારે તેનાં વચનો યા તો કોઈને hurt કરે એવાં હોય યા કોઈને heal કરે એવાં હોય.


Check કરો, તમારી selfને...

તમારાં વચનો શણગારે એવાં છે કે સળગાવે એવાં છે? શું તમે ક્યારેય પ્રભુનાં વચનોને, પ્રભુના ભાવોને સમજવાનો પ્રયત્ન કર્યો છે? સ્વયંનાં વચનોને પ્રભુનાં વચનો જેવાં બનાવવાનો પ્રયત્ન કર્યો છે?


આજે પ્રભુ સમક્ષ એકરાર કરો, પ્રભુ! આ મારી ભૂલ છે!

ભૂલનો એકરાર કરવાથી ભૂલ repeat થતી નથી.

મનુષ્ય સૌથી વધારે પાપકર્મ મનથી કરે છે અને મન પછી સૌથી વધારે પાપકર્મ, દ્વેષ, ભૂલ અને દોષોનું સેવન કરે છે વચનથી!

યાદ કરો...

તમારા જ શબ્દો ક્યારેક કોઈને શણગારે એવા હશે અને ક્યારેક કોઈને સળગાવે એવા હશે. આજે એક-એક વચનને યાદ કરીને એકરાર કરી લો, વચનની શુદ્ધિ કરી લો, વચનનું પ્રતિક્રમણ કરી લો. પ્રભુ સાથે એકાકાર થવા માટેનો આ એક શ્રેષ્ઠ ઉપાય છે. મારા પ્રભુનાં વચન કોઈના heartને hurt કરે એવાં ન હોય તો મારાં વચન કેમ કોઈને hurt કરે એવાં હોય?

સામે બોલાયેલા શબ્દો માટે તો તમે સહજતાથી sorry કે મિચ્છા મિ દુક્કડમ્ કરી લો છો; અપમાન, આક્રોશ, આવેગ અને ક્રોધમાં બોલાયેલા શબ્દોની તો માફી માગી લો છો; પણ વ્યક્તિ સામે ન હોય ત્યારે તેના માટે બોલાયેલા શબ્દોની, તેની કરેલી ટીકાની, તેની કરેલી નિંદાની ક્યારેય માફી માગી છે? એ ટીકા, નિંદા કે gossipનો ક્યારેય એકરાર કર્યો છે? ના!

આજે પ્રભુ સમક્ષ એકરાર કરી લો, ‘પ્રભુ! મારી ભૂલ છે!’

સામે બોલાયેલા શબ્દોની ક્ષમાપના શ્રેષ્ઠ છે, પણ પાછળથી કરેલી ટીકા અને નિંદાના એકરારને પ્રભુએ સરળતા કહી છે.

જ્યાં સરળતા હોય, ત્યાં સત્વર મોક્ષ હોય.

જ્યાં સરળતા હોય, ત્યાં સિદ્ધિ સહજ હોય.

ધર્મ પણ ત્યાં સ્થિર થાય છે, જેમનું હૃદય સરળ હોય!

જે વ્યક્તિની ટીકા કરી છે તે જ વ્યક્તિ પાસે જઈને તેના માટે કરેલી ટીકાનો એકરાર કરવાથી એક વાર કદાચ તે વ્યક્તિ નારાજ થઈ જશે, પણ પછી તેને તમારી સરળતા realise થઈ જશે.

એક વાર દિલ open કરી લેવાથી દિલથી દિલનું connection થઈ જાય છે અને દરેક પ્રશ્નોનું સમાધાન થઈ જાય છે.

‘મારે કોઈની પીઠ પાછળ કોઈની નિંદા કરવી નથી, મારે સરળ બનવું છે.’

જેનું હૃદય સરળ હોય તેને સર્વત્ર સન્માન મળે છે, તેની વાતનો સ્વીકાર થાય છે, તેના suggestions સ્વીકાર્ય થાય છે.

જ્યારે નિંદા અને ટીકા કરવાવાળાને સર્વત્ર જાકારો મળે છે, તેની વાત વચ્ચેથી કાપી નાખવામાં આવે છે, તેની સલાહ કોઈ માનતું નથી.

ખોટું અને અસત્ય બોલાઈ ગયું હોય એની તો આલોચના થઈ જાય; પણ ક્યારેક સત્ય અને સારું બોલ્યા હોઈએ એની પણ આલોચના કરવી જોઈએ, એનો પણ એકરાર કરવો જોઈએ.

ઘણા કહેતા હોય કે હું તો જેવું હોય એવું સાચું મોઢામોઢ કહી દઉં! જે સત્ય કડવું હોય, કઠોર હોય, દુ:ખદાયી હોય, વેદના આપનારું હોય એનો પણ વિવેક રાખવો જોઈએ.

આવા પીડાકારી સત્ય વચનનો પણ એકરાર કરીને વચનની શુદ્ધિ કરવી જોઈએ.

આજે આ જગતમાં વચનને વ્યક્ત કરી શકે એવા જીવો વધારે છે કે વચનને વ્યક્ત ન કરી શકે એવા જીવો વધારે છે?

શા માટે?

કેમ કે જ્યારે વચન વ્યક્ત કરી શકે એવો ભવ, એવો જન્મ મળ્યો હતો ત્યારે વચન દ્વારા અનેકને વેદના આપી હતી; શણગારે એવાં નહીં પણ સળગાવે એવાં વચનો વ્યક્ત કર્યાં હતાં.

Check કરો...

તમારાં વચનોથી ભવિષ્યમાં તમને બોલવા મળે એવાં વચન-પુણ્ય બંધાય છે કે બોલવા ન મળે એવાં વચન-પાપ બંધાય છે?

Next ભવમાં તમે મત્થએણં વંદામિ, જય જિનેન્દ્ર અને શુભ થાઓ સકલ વિશ્વનું બોલી શકશો?

તમારો એક શબ્દ તમારા ભવને સુધારી પણ શકે છે અને બગાડી પણ શકે છે.

સત્ય પણ કહેવું હોય તો bitter wayથી નહીં પણ better wayથી કહેવું જોઈએ.

જેમને સ્વયંનાં વચનો પર સંયમ નથી હોતો તેમનાં કર્મબંધનો વધારે હોય છે.

કોઈને હાથમાં goldની gift આપવી હોય તો એક spoon ગરમ liquid gold ન અપાય પણ એનો coin બનાવીને અપાય એમ કોઈને કંઈ કહેવું હોય તો તેના કાનમાં કડવાં અને કર્કશ વચનો ન રેડાય; એને શણગારીને, ભાષાને સજાવીને અપાય.

Next ભવમાં મૌન ન રહેવું પડે એ માટે આજે આજ સુધી બોલાયેલાં અહિતકારી વચનોનો એકરાર કરી લો અને તમારાં વચનોને પુણ્ય વચન બનાવવાનો સંકલ્પ કરી લો.

તમને ખબર છે કે તમે એક વાર સાચા ભાવથી, હૃદયના અહોભાવથી ‘જય જિનેન્દ્ર’ બોલ્યા એટલે અનંત જિનેન્દ્ર પરમાત્માનો જયજયકાર થઈ ગયો. તમે જ્યારે ‘જય જિનેન્દ્ર’ કહીને કોઈનું અભિવાદન કરો છો અને તે વ્યક્તિ પણ સામે ‘જય જિનેન્દ્ર’ કહે છે ત્યારે તમારાં વચન તો પુણ્ય વચન બની જાય છે પણ સામેવાળાને પણ તમે પુણ્યનો બંધ કરાવો છો.

તમારાં વચન જ્યારે પુણ્ય વચન બને છે ત્યારે ઉચ્ચ ગોત્ર કર્મનો બંધ થાય છે, શ્રેષ્ઠની અને મંગલની પ્રાપ્તિ થાય છે.

એક દિવસ એક young ભાઈ આવ્યા અને કહે, ગુરુદેવ! હું જ્યાં જાઉં છું ત્યાં fail થાઉં છું, ત્યાં problems આવે છે.

મેં તેને પૂછયું, તમે જ્યાં જાઓ છો, જેને મળો છો, પ્રથમ શું કહો છો?

તેણે કહ્યું, હું ‘Hi’ કહું છું.

અમે પ્રેરણા આપી આજથી જ્યાં જાઓ, જેમને મળો ‘જય જિનેન્દ્ર’ કહેજો. પુણ્ય શબ્દોથી શરૂઆત કરશો તો તમારી aura white થઈ જશે, શુભ થઈ જશે અને જેમને મળશો તેમની સાથે બધું positive અને સારું થઈ જશે.

ભગવાને ૯ પ્રકારનાં પુણ્ય બતાવ્યાં છે એમાં એક ‘વચન પુણ્ય’ બતાવ્યું છે.

માટે જ આપણું દરેક વચન પુણ્યનો બંધ કરાવનારું હોવું જોઈએ અને સામેવાળાને પણ પુણ્ય બંધાવનારું હોવું જોઈએ, કેમ કે આપણું વચન આપણા ભવિષ્યનું સર્જન કરનારું હોય છે.

દુર્લભ એવા મનુષ્યભવમાં મળેલા શ્રેષ્ઠ વચનયોગ દ્વારા તો પ્રભુના ગુણગ્રામ ગાવા જોઈએ અને સામેવાળી વ્યક્તિને શાતા અને સમાધિ પમાડવી જોઈએ.

શબ્દોથી થયેલી ભૂલનું પ્રાયશ્ચિત્ત પણ શબ્દથી જ થાય.

પ્રભુ પાસે એકરાર કરીને પ્રભુને વિનંતી કરવી જોઈએ કે પ્રભુ! આ ભવ અને ભવોભવની વચનો દ્વારા થયેલી ભૂલોની માફી માગું છું. પ્રભુ! આપની સાક્ષીએ હ્રદયના ભાવથી तस्स भंते, पडिक्कमामि, निंदामि, गरिहामि, अप्पाणं वोसिरामि !

પ્રભુ! જ્યાં સુધી મારો મોક્ષ ન થાય ત્યાં સુધી વચનયોગ ન ગુમાવું એવી કૃપા કરજો! જો હું ‘મિચ્છા મિ દુક્કડમ્’ બોલી નહીં શકું તો હું મારાં પાપોને ધોઈશ કેવી રીતે? હું મારી ભૂલોને સુધારીશ કેવી રીતે? હું મારું પ્રાયશ્ચિત્ત કરીશ કેવી રીતે? અને તારી સાથે એકાકાર થઈશ કેવી રીતે?

જ્યારે તમારાં વચનોમાં નમ્રતા, મૃદુતા, ઋજુતા, વિનય અને વિવેક ભળે છે ત્યારે તમારાં વચન પુણ્ય વચન બની જાય છે.

 

Whatsapp-channel Whatsapp-channel

09 September, 2026 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK