સારી વાત એ છે કે તમારે આ મ્યુઝિયમ જોવા માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી, કારણ કે એ મુંબઈમાં જ આવેલું છે. પારસી અગિયારીમાં બિનપારસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી, પણ આ મ્યુઝિયમમાં તમે અગિયારીમાં ફાયર-ટેમ્પલ કેવું હોય એ જોઈ શકશો.
યાઝ્દનાં માટીનાં ઘરો અને અનોખો પહેરવેશ, અગિયારીની પ્રતિકૃતિ
સારી વાત એ છે કે તમારે આ મ્યુઝિયમ જોવા માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી, કારણ કે એ મુંબઈમાં જ આવેલું છે. પારસી અગિયારીમાં બિનપારસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી, પણ આ મ્યુઝિયમમાં તમે અગિયારીમાં ફાયર-ટેમ્પલ કેવું હોય એ જોઈ શકશો. એ સિવાય પારસીઓ ભારતમાં આવ્યા એ પહેલાંના ઈરાનમાં મળેલા આર્કિયોલૉજિકલ અવશેષો પણ અહીં રાખવામાં આવ્યા છે...
અહીં જે દુનિયાના એકમાત્ર પારસી મ્યુઝિયમની વાત થઈ રહી છે એ છે ફરામજી દાદાભાઈ અલ્પાઈવાલા મ્યુઝિયમ. એ મલબાર હિલ વિસ્તારમાં આવેલું છે. આ મ્યુઝિયમની શરૂઆત ૧૯૫૪માં કરવામાં આવી હતી. રિનોવેશનને પગલે ૨૦૧૮થી એ બંધ હતું, પણ ગયા વર્ષથી એને ફરી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેમના નામ પરથી આ મ્યુઝિયમનું નામ પડ્યું છે એ ફરામજી દાદાભાઈ અલ્પાઈવાલા બુલિયન ટ્રેડર (સોના-ચાંદીના વેપારી) હતા. તેઓ જૂની અને કીમતી વસ્તુઓ ભેગી કરવાના શોખીન હતા. તેમનો સંગ્રહ એટલો મોટો હતો કે તેમના ૧૧ રૂમના ઘરની જગ્યા પણ ઓછી પડતી હતી. તેમણે આખો સંગ્રહ પારસી પંચાયતને દાનમાં આપ્યો હતો. આ મ્યુઝિયમ માટે જમશેદજી માણેકજી ઊનવાલાનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો છે. તેઓ વિદ્વાન ધર્મગુરુ અને આર્કિયોલૉજિસ્ટ હતા. તેમણે ઈરાનમાં ખોદકામ દરમ્યાન ઘણી મહત્ત્વની વસ્તુઓ શોધી હતી અને એ મ્યુઝિયમને ભેટ આપી હતી. સમય જતાં અનેક પારસી પરિવારોએ પોતાના પૂર્વજોની યાદગીરીઓ અને અમૂલ્ય કલાકૃતિઓ આ મ્યુઝિયમને દાનમાં આપી છે.
મ્યુઝિયમમાં ઈરાનના યાઝ્દ પ્રાંતમાં રહેતા પારસીઓનાં પરંપરાગત ઘરો અને સ્ત્રીઓના પોશાક વિશે ખૂબ જ સુંદર માહિતી આપવામાં આવી છે. આ માટીનાં ઘરો સ્થાપત્યનો અદ્ભુત નમૂનો છે. આ ઘરો તડકામાં સૂકવેલી ઈંટો, માટી અને ભૂસામાંથી બનાવવામાં આવે છે. આ મિશ્રણને કારણે ઈરાનની કાળઝાળ ગરમીમાં પણ ઘરની અંદરનું વાતાવરણ એકદમ ઠંડું રહે છે. ઘરની તમામ રૂમ સેન્ટ્રલ કોર્ટયાર્ડમાં ખૂલે છે જ્યાં નાનો ફુવારો અથવા પાણીનો કુંડ હોય છે. શિયાળામાં સૂર્યપ્રકાશ મળે એવી રૂમનો ઉપયોગ થાય છે અને ઉનાળામાં સૂર્યથી દૂર હોય એવી ઠંડી રૂમનો. એક ખૂબ જ રસપ્રદ વાત એ છે કે મુખ્ય દરવાજા પર ખખડાવવા માટે બે અલગ નૉકર્સ હોય છે. એક પાતળું અને હલકું સ્ત્રીઓ માટે જેનો અવાજ સાંભળીને ઘરની સ્ત્રી દરવાજો ખોલે છે. બીજું ભારે અને મોટું પુરુષો માટે જેનો અવાજ સૂચવે છે કે કોઈ પુરુષ આગંતુક આવ્યો છે.
યાઝ્દની પારસી મહિલાઓનો પોશાક રંગોના વૈવિધ્યથી ભરેલો હોય છે. તેઓ બહુરંગી સલવાર અને એના પર કમીઝ પહેરે છે. આ પોશાક એની ખાસ સીવણશૈલી માટે જાણીતો છે, જેમાં કાપડની ઊભી પટ્ટીઓને જોડીને કમીઝ બનાવવામાં આવે છે. એક કમીઝ બનાવવામાં આશરે પચીસથી ૩૦ કાપડના ટુકડાઓનો ઉપયોગ થાય છે. સ્ત્રીઓ માથાને ઢાંકવા માટે એક મોટો દુપટ્ટો પહેરે છે જેને મકનૂન કહેવાય છે અને એની અંદર એક નાની ટોપી હોય છે જેને લાચક કહેવામાં આવે છે. ઇતિહાસના એક તબક્કે ઈરાનમાં પારસીઓ પર ઘણા પ્રતિબંધો હતા. તેમને નવું કે આખું કાપડ ખરીદવાની મનાઈ હતી. આ સંજોગોમાં પારસી સ્ત્રીઓ ઘરમાં બચેલા જૂના કાપડના ટુકડાઓ અથવા ફેંકી દીધેલી કાપડની પટ્ટીઓ ભેગી કરતી. આ નાની-નાની પટ્ટીઓને જોડીને તેઓ આખું વસ્ત્ર તૈયાર કરતી.
રસ્તા પરથી પસાર થતી વખતે આપણે ઘણી વાર અગિયારીની એ શાંત અને ભવ્ય ઇમારત જોઈએ છીએ. મનમાં હંમેશાં એક કુતૂહલ રહેતું કે આ પવિત્ર સ્થાનની અંદર શું થતું હશે? કારણ કે મર્યાદિત પ્રવેશને લીધે આપણે ક્યારેય એની અંદરની દુનિયા જોઈ શકતા નથી. પારસી મ્યુઝિયમમાં આવીને તમારી આ ઇચ્છા પૂરી થઈ શકે છે, કારણ કે અહીં અગિયારીની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે. એના પ્રવેશદ્વારના બન્ને છેડે લામાસુની વિશાળ મૂર્તિઓ છે. મુંબઈ કે ગુજરાતની ઘણી મોટી અને જૂની અગિયારીઓના પ્રવેશદ્વાર પર આ લામાસુ જોવા મળે છે. લામાસુ એ પ્રાચીન મેસોપોટૅમિયા (આધુનિક ઇરાક)ની સંસ્કૃતિમાં એક પ્રચલિત રક્ષણાત્મક દેવતા છે જે માનવનું માથું, બળદ (અથવા સિંહ)નું શરીર અને પક્ષીની પાંખો ધરાવે છે. એ ખાસ કરીને પર્શિયન (ઈરાની) વારસાને દર્શાવવા માટે મૂકવામાં આવે છે.
સામાન્ય રીતે અગિયારીમાં અગ્નિને ગર્ભગૃહમાં એક મોટા ધાતુના પાત્રમાં રાખવામાં આવે છે જે પથ્થરના સિંહાસન પર બિરાજમાન હોય છે. આ પવિત્ર અગ્નિ ક્યારેય ઓલવાવો જોઈએ નહીં. દિવસમાં પાંચ અલગ-અલગ સમયે પૂજારી સુખડનાં લાકડાં અર્પણ કરીને એની સેવા કરે છે. અગિયારીમાં આ આખું સેટઅપ કયા પ્રકારનું હોય છે એ મ્યુઝિયમમાં દર્શાવાયું છે. તમે ફોટોમાં દીવાલ પર તલવાર જોઈ શકો છો. આ શસ્ત્રો ગર્ભગૃહની દીવાલો પર રક્ષણના પ્રતીક તરીકે રાખવામાં આવે છે.
ગર્ભગૃહમાં માત્ર ખાસ દીક્ષા પામેલા પૂજારી જ પ્રવેશ કરી શકે છે. ફોટોમાં દેખાય છે એમ પૂજારીએ સફેદ પોશાક પહેર્યો છે અને મોઢા પર પાદાન એટલે કે માસ્ક બાંધ્યો છે. આ માસ્ક એટલા માટે છે કે તેમનો શ્વાસ કે લાળ પવિત્ર અગ્નિને અશુદ્ધ ન કરે. મ્યુઝિયમમાં આ અગિયારીનું બહારનું પ્રવેશદ્વાર બજારગેટ સ્ટ્રીટ પર આવેલી મુંબઈની બીજી સૌથી જૂની માણેકજી સેઠ અગિયારી પરથી પ્રેરિત છે, જ્યારે અંદરનું ગર્ભગૃહ પ્રિન્સેસ સ્ટ્રીટ પર આવેલા ભવ્ય અંજુમન આતશ બહેરામની નકલ છે.
મ્યુઝિયમનો આ સૌથી આકર્ષક ભાગ છે જે ઓગણીસમી સદીના ધનાઢ્ય પારસી પરિવારોના ઘરની ભવ્યતા અને તેમની રહેણીકહેણીની ઝલક આપે છે. આ રૂમમાં પ્રવેશતાં જ પશ્ચિમી સંસ્કૃતિનો ગાઢ પ્રભાવ વર્તાય છે. ઓગણીસમી સદીમાં પારસી વેપારીઓ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ભારતીય બજારો વચ્ચે મહત્ત્વની કડી સમાન હતા. ખાસ કરીને ચીન સાથેના અફીણ અને કપાસના ધમધોકાર વેપારે આ સમુદાયને અઢળક સમૃદ્ધિ અપાવી હતી. આ રૂમમાં સચવાયેલી દરેક વસ્તુ એ સમયની સફળતાની સાક્ષી પૂરે છે. અહીં છત પર લટકતું ભવ્ય ક્રિસ્ટલ ઝુમ્મર, વિક્ટોરિયન શૈલીનું જટિલ નકશીકામ ધરાવતું લાકડાંનું ફર્નિ ચર, ચીનથી આયાત કરેલાં એગશેલ પોર્સલિનનાં નાજુક વાસણો, વાદળી-સફેદ રંગની મોટી કલાત્મક ફૂલદાનીઓ અને ચાંદીના હાથાવાળી વૉકિંગ સ્ટિક જેવી ચીજો પારસીઓના ઉચ્ચ જીવનધોરણને દર્શાવે છે. અંગ્રેજી શિક્ષણ અને બ્રિટિશરો સાથેના ગાઢ વ્યાવસાયિક સંબંધોને કારણે તેમણે પશ્ચિમી શિષ્ટાચાર અને ફૅશનને ખૂબ જ સહજતાથી અપનાવી લીધાં હતાં.
ઝોરોસ્ટ્રિયન ધર્મમાં પૃથ્વી, જળ અને અગ્નિને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ તત્ત્વોની પવિત્રતા જાળવવા માટે મૃતદેહને જમીનમાં દફનાવવાની (જેથી પૃથ્વી પ્રદૂષિત ન થાય) કે બાળવાની (જેથી અગ્નિ પ્રદૂષિત ન થાય) મનાઈ છે. મ્યુઝિયમમાં તમને માટીનું એક મોટું બાથટબ જેવું પાત્ર દેખાશે જે હકીકતમાં મેસોપોટૅમિયાનું પ્રાચીન તાબૂત છે. હજારો વર્ષો પહેલાં ઝોરોસ્ટ્રિયન પરંપરા મુજબ મૃતદેહને ગીધો માટે ખુલ્લો મૂકવામાં આવતો અને ત્યાર બાદ બચી રહેલાં પવિત્ર અસ્થિઓને સાચવવા માટે આવાં પાત્રોનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ પ્રથા લગભગ ૩૦૦૦ વર્ષ જૂની છે.
બાથટબ જેવા આ પાત્રની બાજુમાં જ એક સફેદ ગોળાકાર મૉડલ છે જે દાખમા (ટાવર ઑફ સાયલન્સ)ની આંતરિક રચના સમજાવે છે. આ મૉડલ દ્વારા જાણી શકાય છે કે દાખમાની અંદર ૩ વર્તુળાકાર રિંગ હોય છે. સૌથી બહારની રિંગ પુરુષો માટે, વચ્ચેની સ્ત્રીઓ માટે અને સૌથી અંદરની બાળકો માટે. આ ત્રણેય રિંગની મધ્યમાં એક ઊંડો ખાડો હોય છે, જ્યાં પ્રક્રિયાના અંતે અવશેષો એકઠા થાય છે. સામાન્ય રીતે દુર્લભ ગણાતા આ પવિત્ર સ્થાનની આટલી વિગતવાર માહિતી મ્યુઝિયમમાં ખૂબ જ ગરિમાપૂર્ણ રીતે રજૂ કરવામાં આવી છે.
બીજું શું છે?
મ્યુઝિયમમાં હજારો વર્ષ જૂના ચાંદીના સિક્કાઓ પણ જોવા મળે છે. ખાસ કરીને ઈરાની રાજા દરાયસ મહાન દ્વારા શરૂ કરાયેલા દારિક નામના સિક્કાઓ એ સમયે વિશ્વભરમાં વેપાર માટે જાણીતા હતા. આ સિક્કાઓ સાથે અહીં પ્રાચીન મહોરો પણ રાખવામાં આવી છે. જેવી રીતે આજે આપણે ઑફિસમાં સ્ટૅમ્પ મારીએ છીએ એમ એ સમયે સરકારી કાગળો કે માલસામાનની અધિકૃતતા સાબિત કરવા માટે પથ્થર કે માટીની આવી મહોરોનો ઉપયોગ થતો હતો. આ અવશેષો ઈરાની રાજાઓની મજબૂત વેપારી અને વહીવટી વ્યવસ્થાની સાક્ષી પૂરે છે.
મ્યુઝિયમમાં સદીઓ જૂની હાથે લખાયેલી ચોપડીઓ એટલે કે હસ્તપ્રતો સાચવવામાં આવી છે. આમાં ધાર્મિક ગ્રંથો, સાહિત્યની સુંદર કૃતિઓ અને જ્યોતિષશાસ્ત્રને લગતાં જૂનાં પુસ્તકો સામેલ છે. આ વિભાગ આપણને જણાવે છે કે પારસી સંસ્કૃતિમાં જ્ઞાન અને શિક્ષણનું હંમેશાં ખૂબ જ ઊંચું સ્થાન રહ્યું છે.
મ્યુઝિયમમાં ભવ્ય નકશીદાર લાકડાનો દરવાજો પણ છે જે હકીકતમાં આપણા ગુજરાતના નવસારી શહેરનો છે. ૧૬મી સદીનો આ દરવાજો પોલિયા-દેસાઈ વાડના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતો હતો. નવસારીના જે વિસ્તારોમાં પારસીઓની વસ્તી વધુ હતી ત્યાં સુરક્ષાના હેતુથી આવા મજબૂત અને વિશાળ દરવાજા લગાવવામાં આવતા હતા.
મ્યુઝિયમમાં કાચની પેટીમાં રાખેલું નળાકાર જેવું માટીનું પાત્ર હકીકતમાં સાયરસ સિલિન્ડરની આબેહૂબ પ્રતિકૃતિ છે. અસલ સિલિન્ડર ભલે બ્રિટિશ મ્યુઝિયમમાં હોય, અહીં રાખેલી આ પ્રતિકૃતિ આપણને એ ગૌરવશાળી ઇતિહાસની યાદ અપાવે છે કે હજારો વર્ષો પહેલાં મહાન ઈરાની રાજા સાયરસ ધ ગ્રેટએ જ્યારે બેબીલોન જીત્યું ત્યારે તેમણે દુનિયાને માનવતાનો પાઠ ભણાવ્યો હતો. આ સિલિન્ડર પર લખાયેલા આદેશો મુજબ દરેક વ્યક્તિને પોતાનો ધર્મ પાળવાની અને ગુલામીમાંથી મુક્ત થઈને ડર વગર જીવવાની આઝાદી આપવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર પણ આ સાયરસ સિલિન્ડરને વિશ્વના સૌથી પહેલા માનવઅધિકાર પત્ર તરીકે સ્વીકારે છે.
