Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > હજી જીવંત છે મેર મેરાયુંની પરંપરા

હજી જીવંત છે મેર મેરાયુંની પરંપરા

Published : 08 November, 2026 08:17 AM | IST | sabarkantha
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

બદલાતા સમયની વચ્ચે આધુનિક યુગમાં પણ આપણી સંસ્કૃતિને આગળ વધારી રહેલા લોકો પાસેથી જાણીએ મેર મેરાયુંની વાત

મેરાયું સાથે ઈડરના સથવારા પરિવારના સભ્યો.

મેરાયું સાથે ઈડરના સથવારા પરિવારના સભ્યો.


કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણના સમયથી આ પ્રથા શરૂ થઈ છે. દિવાળીની રાતે શેરડીના સાંઠામાંથી બનેલું કે પછી ખીજડાની ડાળીઓમાંથી બનેલું મેર મેરાયું પ્રજ્વલિત કરીને ઘરમાં ફેરવવાથી અનિષ્ટતા તેમ જ નકારાત્મકતા દૂર થઈ ઘરમાં અને જીવનમાં ઉજાસ ફેલાય છે. બદલાતા સમયની વચ્ચે આધુનિક યુગમાં પણ આપણી સંસ્કૃતિને આગળ વધારી રહેલા લોકો પાસેથી જાણીએ મેર મેરાયુંની વાત

દિવાળીનું પર્વ શરૂ થઈ ગયું છે. સૌ માટે આ દિવાળી અને નવું વર્ષ શુભ બની રહે એવી શુભકામનાઓ રૂબરૂ કે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પરથી લોકો એકબીજાને આપી રહ્યા છે, ત્યારે બદલાતા સમય વચ્ચે દિવાળીની કેટલીક પરંપરાઓ આજે પણ યથાવત્ રહેવા પામી છે.



દિવાળી એટલે માત્ર રોશની અને ફટાકડાનું પર્વ નથી, પરંતુ અંધકારને ચીરીને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રકાશ ફેલાવવાનો પાવન અવસર. ભલે જમાનો બદલાયો હોય અને આધુનિકતાનો અંચળો ઓઢીને સમાજ હરણફાળ ભરી રહ્યો હોય, પરંતુ લોકવાયકા મુજબ આજે પણ દિવાળીના દિવસે રાત્રે ભગવાન શ્રીકૃષ્ણના સમયથી ચાલી આવતી ‘મેર મેરાયું’ની પરંપરા જળવાઈ રહી છે. ખાસ કરીને પાટણ, મહેસાણા, ઈડર જેવા ઉત્તર ગુજરાના અનેક વિસ્તારોમાં આ પરંપરા હજીયે જળવાયેલી છે. આજના આધુનિક યુગમાં પણ આપણી સંસ્કૃતિને આગળ ધપાવી રહેલ પરંપરાપ્રેમીઓ પાસેથી આજે મેર મેરાયુંની વાત જાણીએ.


શેરડીના લાંબા ટુકડા પર પ્રજ્વલિત કરાય છે દીવો

આજે દિવાળીનો દિવસ છે. સંધ્યાટાણેથી લઈને રાત પડવા સુધીમાં ગુજરાતના કોઈ ગામ કે શહેરમાં જાણે કે મશાલ સરઘસ નીકળ્યું હોય એવો માહોલ નજરે પડે, તો એવું ન માની લેતા કે કોઈ આંદોલન ચાલી રહ્યું છે. વાસ્તવમાં આ ‘મેર મેરાયું’ છે, જેમાં શેરડીના સાંઠામાંથી આશરે બેથી અઢી ફુટ જેટલા લાંબા ટુકડાના ઉપરના ભાગે અડધાથી એક ઇંચ જેટલા ચાર ચીરા કરીને એમાં કાં તો કાપડ ભરાવીને અથવા રૂની મોટી દીવેટ મૂકીને એમાં તેલ કે ઘી પૂરીને પ્રજ્વલિત કરાય છે. કેટલાક લોકો શેરડીના આ ટુકડા પર સૂકા ટોપરાની કાચલી મૂકીને એમાં દીવો પ્રગટાવે છે. એને લઈને બાળકો, માતા-પિતા કે વડીલો આસપાસનાં ઘરોમાં જઈને એમાં તેલ પુરાવે છે. કોઈ પાંચ ઘેર ફરે છે તો કોઈ એનાથી વધુ ઘરોમાં ફરીને મેરાયામાં તેલ પુરાવે છે. આ મેરાયું ઘરની અંદર ચારેબાજુ ફેરવવામાં આવે છે; જેથી ઘરમાં રહેલી નકારાત્મકતા તેમ જ અનિષ્ટ દૂર થાય અને ઘર તથા જીવનમાંથી અંધકાર દૂર થઈને અજવાળું પથરાય એવી લોકમાન્યતા રહેલી છે. મેરાયું ફેરવીને એને ગામની પોળના નાકે કે ગામ બહાર મૂકી આવવામાં આવે છે; જ્યારે શહેરોમાં પોળ, સોસાયટી કે અપાર્ટમેન્ટની બહાર મૂકવામાં આવે છે. મેર મેરાયુંની આ પ્રથા પેઢીઓથી ચાલી આવે છે. બદલાયેલા સમય સાથે ગુજરાતમાં આ પરંપરા હવે ઓછી જોવા મળે છે, પરંતુ ભુલાઈ નથી. ગુજરાતમાં આવેલી ઐતિહાસિક નગરી ઈડર હોય, લુણાવાડા જેવાં નાનાં-મોટાં નગરો હોય કે પછી પુંસરી જેવાં ગામો હોય - આજે પણ દિવાળીની રાત્રે લોકો મેર મેરાયું લઈને નીકળે છે અને એમાં તેલ પુરાવીને આ પરંપરાને જીવંત રાખી છે.


ઈડરમાં વર્ષોથી નિભાવાય છે પરંપરા

જે નગરના ગઢનું લોકગીત ‘અમે ઇડરિયો ગઢ જીત્યા રે... ’ આજે પણ ગવાય છે, એવા ઈડરમાં વર્ષોથી મેર મેરાયુંની પરંપરા ઘણા પરિવારો નિભાવી રહ્યા છે. ઈડરના યોગેશ સથવારા ‘મિડ-ડે’ને કહે છે : ‘અમે દર વર્ષે દિવાળીના દિવસે મેર મેરાયું કરીએ છીએ. ઈડર અને એની આસપાસનાં ગામોમાં પણ ઘણા લોકોએ આ પરંપરા ચાલુ રાખી છે. આપણે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ અને એનાથી જ આપણી ઓળખ છે. આપણાં બાળકો પણ આ પરંપરા અને સંસ્કૃતિને યાદ રાખે તથા આગળ ધપાવે એ જરૂરી છે. હું દર વર્ષે મારી દીકરી અને દીકરાને લઈને મેરાયામાં તેલ પુરાવવા નીકળું છું; મારા ભાઈની બે દીકરીઓ પણ સાથે આવે છે. ‘તેલ પુરાવો’ એવું બોલીને આજુબાજુના પાડોશીઓના ઘરે જઈને મેરાયામાં તેલ પુરાવીએ છીએ. હું નાનો હતો ત્યારે દિવાળીના દિવસે આસપાસ રહેતા મિત્રો સાથે ઘરે-ઘરે મેરાયું લઈને તેલ પુરાવવા જતા હતા. એ સમયે રાત્રે આખા ગામમાં જાણે મશાલ રૅલી નીકળી હોય એવો માહોલ સર્જાતો. આજુબાજુનાં ઘરોમાં જઈને મેરાયામાં તેલ પુરાવી પીપળાના ઝાડ નીચે મેરાયું મૂકી આવતા હતા. ઘરે પાછા ફરીને ભેટમાં મળેલા પૈસાની ગણતરી કરતા. એ દિવસો ખૂબ મજાના હતા! સંસ્કૃતિ સાથે જોડાયેલી આ પરંપરા અત્યારે અમારાં બાળકો થકી જીવંત રહી છે. ગામડાંઓમાં આ પ્રથા નવજાત શિશુઓ, નવદંપતીઓ તેમ જ પશુધનની સુખાકારી માટે કરવામાં આવે છે.’

લુણાવાડામાં આપે છે ચૉકલેટ અને પૈસા

મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લામાં આવેલા લુણાવાડા નગરની મેર મેરાયુંની પરંપરા કંઈક અલગ જ છે. અહીંના કેટલાક વિસ્તારોમાં આ પરંપરા આજે પણ અકબંધ છે. અહીં રહેતા કૃણાલ કડિયા ‘મિડ-ડે’ને જણાવે છે : ‘આજે પણ હું મેર મેરાયુંની પ્રથા સાથે સંકળાયેલો છું. અમારા નગરમાં કડિયા સમાજ, વૈષ્ણવ સમાજ, ભોઈ સમાજ સહિતના વિવિધ વર્ગોના લોકો મેર મેરાયુંની પરંપરા અનુસરી રહ્યા છે અને લુણાવાડામાં વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. દિવાળીની રાત્રે મેરાયું લઈને એમાં તેલ પુરાવવા માટે લોકો આડોશ-પડોશનાં ઘરોમાં જાય છે. અમારા લુણાવાડામાં રાત્રે લોકો ઘરે-ઘરે તેલ લઈને જ બેઠા હોય છે; તેઓ મેરાયામાં તેલ પૂરી આપવા ઉપરાંત બાળકોને ચૉકલેટ આપે છે. કોઈને ત્યાં બાળકના જન્મ બાદ પહેલી દિવાળી હોય અને મેરાયું લઈને તેલ પુરાવવા જાય, તો શુકનના પૈસા આપવાનો પણ રિવાજ છે. ઘરમાં નવું બાળક આવ્યું હોય અને પહેલી દિવાળી વખતે સ્વજનોને ત્યાં જઈએ, ત્યારે તેઓ શુકનરૂપે  ૧૦ રૂપિયા, ૨૦ રૂપિયા, ૫૦ રૂપિયા કે ૧૦૦ રૂપિયા આપે છે. હું પણ મારી દીકરી સાથે મેરાયું લઈને નીકળું છું. કોઈ શુકનનાં પાંચ ઘર ફરે તો કોઈ ૧૦ કે ૨૦ ઘર ફરીને મેરાયામાં તેલ પુરાવે છે.’

શામળાજી મંદિરમાં બારસાખ પાસે કરાયેલા દીવા અને ભગવાન શામળિયાજી સમક્ષ મુકાયેલું ચાંદીનું મેરાયું

આજે પણ પુંસરી ગામમાં
લોકો નીકળે છે મેરાયું લઈને

ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, પંચમહાલ, મહીસાગર, જૂનાગઢ, ભાલ પંથકમાં પણ આ પરંપરા છે. પુંસરી ગામે મેર મેરાયુંની પરંપરા જીવંત રાખી છે. પુંસરી ગામના પૂર્વ સરપંચ હિમાંશુ પટેલ ‘મિડ-ડે’ને કહે છે : ‘આજે પણ દિવાળીની રાત્રે આખા ગામમાં લોકો મેરાયું લઈને તેલ પુરાવવા નીકળે છે. ગામમાં તમામ સમાજના લોકો એકસાથે નીકળે છે અને ગામમાં નક્કી કરેલાં ચાર-પાંચ સ્થળોએ મેરાયું મૂકી આવે છે. બાળકની પહેલી દિવાળી હોય તો માતા-પિતા તેને લઈને તેલ પુરાવવા નીકળે છે. વિશેષ કરીને ગામનાં બાળકો મેરાયું લઈને ઉત્સાહભેર ફરે છે. મેરાયું લઈને આવનારા સૌકોઈના દીવામાં લોકો હોંશે હોંશે તેલ પૂરી આપે છે. આ પરંપરા પાછળ ગામમાં એકતાની ભાવના સુદૃઢ થાય અને સૌ સંગઠિત બને એવો ઉમદા હેતુ આપણા વડીલોનો રહ્યો હશે. દિવાળી જેવા પર્વે જો વર્ષ દરમ્યાન ગામમાં કોઈને પરસ્પર અબોલા થયા હોય કે મનદુઃખ થયું હોય, તો દિવાળીના દિવસે મેરાયામાં તેલ પુરાવવાના બહાને એકબીજાના ઘેર જવાથી મેળાપ થાય છે અને વેરઝેર કે અબોલા દૂર થઈ જાય છે.’

પુંસરી ગામનું પ્રવેશદ્વાર. મેર મેરાયુ પ્રગટાવીને ગામની બહાર મૂકી આવવાનું રહે છે.

પાટણમાં વરખડીની ડાળીનાં મેરાયાં
ઉત્તર ભારતમાં આ મેરાયાંનાં અનેક સ્વરૂપો છે. પાટણ જિલ્લાનાં ગામોમાં મેરાયાં ખીજડા, વરખડી કે અધેડાના વૃક્ષની ડાળીઓમાંથી બને છે. આ ડાળીઓના છેડે ત્રિકોણાકાર રચાયો હોય છે. એના બે છેડે સુતરાઉ કાપડની વાટ લગાવીને એને આખી રાત તેલમાં બોળી રાખવામાં આવે અને દિવાળીની રાતે એ મેરાયું પ્રગટાવીને ઘરમાં ખૂણે-ખૂણે ફેરવવાથી ઘરમાંથી તમામ નકારાત્મક ઊર્જા બહાર નીકળી જાય એવી માન્યતા છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના જાણીતા જ્યોતિષાચાર્ય ડૉ. સર્વદમન જોશી કહે છે,  ‘મેર મેરાયું પ્રગટાવીને ફેરવવાનો મુખ્ય ધ્યેય ઘરમાંથી અને ગામમાંથી અંધકાર અને નકારાત્મક ઊર્જા દૂર કરીને સકારાત્મક ઊર્જાનો સંચાર કરવાનો છે. આ માત્ર રૂઢિગત ધાર્મિક વિધિ નથી, પરંતુ ગામની સુખાકારી, ભાઈચારો અને સામૂહિક એકતાની અદ્ભુત ભાવના સાથે જોડાયેલી પરંપરા છે.’

મેરાયું પાંચ કે તેથી વધુ ઘરોમાં ફેરવીને એમાં તેલ પુરાવીને ગલી કે સોસાયટીના નાકે અથવા તો આ માટે નગરમાં બનાવવામાં આવેલી ચોક્કસ જગ્યાએ મૂકવામાં આવે છે. 

શામળાજી અને ડાકોર 
મંદિરમાં થાય છે મેર મેરાયું
ગુજરાતના જગવિખ્યાત યાત્રાધામ શામળાજી મંદિરમાં તેમ જ ડાકોરના રણછોડરાયજી મંદિરમાં પણ મેર મેરાયું પ્રગટાવવાની પરંપરા છે. શામળાજી મંદિરના પૂજારી પરેશ રાણા ‘મિડ-ડે’ને જણાવે છે : ‘શામળાજી મંદિરમાં કારતક સુદ પૂર્ણિમા એટલે કે દેવદિવાળીએ ભગવાન સમક્ષ મેર મેરાયું કરવામાં આવે છે. આ દિવસે ચાંદીના મેરાયામાં દીવો પ્રગટાવી ઠાકોરજી સમક્ષ મુકાય છે. સંધ્યા આરતી પહેલાં આ દીવો પ્રગટાવવામાં આવે છે. આ સમયે મંદિરની બારસાખ પર દીપમાળા પ્રગટાવી સમગ્ર પરિસરને રોશન કરવામાં આવે છે.’
ડાકોર રણછોડરાયજી મંદિરના મૅનેજર રાકેશ દવે અને પૂજારી હરેન્દ્ર સેવક ‘મિડ-ડે’ને કહે છે : ‘કારતક સુદ અગિયારસ એટલે કે દેવઊઠી એકાદશી (તુલસીવિવાહ)ના દિવસે મંદિરમાં મેર મેરાયું કરવામાં આવે છે અને એને પરિસરમાં ફેરવાય છે. ઠાકોરજીને શેરડીના સાંઠા ધરાવવામાં આવે છે. શેરડીના ટુકડા પર સૂકા ટોપરાની કાચલી મૂકી એમાં ઘી પૂરીને દીવો પ્રગટાવવામાં આવે છે, જે ભગવાન સમક્ષ ધરીને સમગ્ર મંદિરમાં ફેરવવામાં આવે છે.’

મેર મેરાયુંની પરંપરાનાં મૂળિયાં છેક ૫૦૦૦ વર્ષ જૂનાં 
ગુજરાતનાં ગામોમાં દિવાળીના દિવસે જાતજાતના સ્લોગન્સ મેર મેરાયું પરંપરા સાથે પ્રચલિત છે. ક્યાંક ગવાય છે ‘આજ દિવાળી, કાલ દિવાળી, હનુમાનજીએ લંકા બાળી...’ તો ક્યાંક વળી ‘ઘેટી છોડી તેલ પુરાવે તેને તેર-તેર છૈયાં...’ હવે આ પ્રથા પાછળનાં કારણો અને લોકવાયકાઓ અનેક છે, પરંતુ સૌપ્રથમ આ શ્રીકૃષ્ણ ભગવાને બનાવ્યું હોવાની માન્યતા છે. 
ગોકુળમાં ઇન્દ્ર દેવ પ્રસન્ન રહે એ માટે દર વર્ષે હવન અને પૂજા થતી હતી, પરંતુ બાળકનૈયાએ આ પરંપરાનો વિરોધ કરીને ગોવર્ધન પર્વતની પૂજા કરવાની પરંપરા શરૂ કરાવી હતી. જોકે એને કારણે ઇન્દ્ર દેવ કોપાયમાન થયા અને ગોકુળ પર અતિવૃષ્ટિ કરી. આખું ગોકુળ ડૂબી જાય એવી સ્થિતિ સરજાતાં લોકો કૃષ્ણના આશરે આવ્યા અને બાળકૃષ્ણએ ટચલી આંગળીથી ગોવર્ધન પર્વત ઊંચકીને ગોકુળવાસીઓને એની નિશ્રામાં લઈ લીધા. જ્યારે ઇન્દ્ર દેવને ખબર પડી કે પ્રભુએ આ લીલા કરી છે ત્યારે તેમણે માફી માગીને વરસાદ પાછો ખેંચી લીધો. અતિવૃષ્ટિ પૂરી થયા પછી ગામલોકો અને ગાયો પોતપોતાનાં ઘરે ગયાં અને એ વખતે કનૈયાએ ગોવાળોની સાથે જઈને ઘેર-ઘેર ફરીને પૂછ્યું હતું, ગાવડી, માવડી મેળે મેળૈયા? મતલબ કે તમારી ગાયો સલામત પાછી આવી ગઈ ને? એ ખબર પૂછતી વખતે જેમના ઘરે દીવામાં તેલ ખૂટતું હતું તેમને ત્યાં તેલ પણ પુરાવતા ગયા. ત્યારથી દિવાળીના અવસરે એકબીજાને સાથ અને સધિયારો આપવા માટે મેરાયું એટલે કે એક પ્રકારની મશાલ લઈને ઘેર-ઘેર ફરવાની પ્રથા શરૂ થઈ હોવાનું મનાય છે.

મેરાયુંમાં તેલ પૂરતા પાડોશીઓ.

અંબાજીમાં પણ પરંપરા યથાવત્
અંબાજી મંદિરના પૂજારી તન્મય ઠાકર ‘મિડ-ડે’ને કહે છે : ‘દિવાળીના દિવસે ઘરોમાં જેમ પરંપરાગત રીતે મેરાયું થાય છે, એમ મંદિરમાં સાંજે આરતી પૂર્વે મશાલ આવે એ સમયે મેરાયું ફેરવવામાં આવે છે. આ મશાલ અંબાજી માતાજી સમક્ષ, ગાદી પર, ભૈરવ મંદિરમાં તેમ જ મહાદેવજીના મંદિરમાં ફેરવાય છે. દિવાળીના દિવસે વર્ષોથી આ વિધિ થાય છે. શેરડીના સાંઠા પર ટોપરું ગોઠવી, એમાં દિવેટ મૂકીને ઘી પૂરી એને પ્રજ્વલિત કરીએ છીએ અને ગાદી પર પણ ઘી પૂરવામાં આવે છે.’

મિર્ઝાપુરનો કજરી ત્રીજનો
મહોત્સવ પણ વર્લ્ડ ફેમસ છે
શ્રાવણ અને ભાદરવા મહિનામાં યોજાતા કજરીમેળા દરમ્યાન આખીય મિર્ઝાપુરનગરી રંગબેરંગી અને ચળકતી થઈ જાય છે. અહીંની પરિણીત મહિલાઓ કજરી ત્રીજે પતિના દીર્ઘાયુ માટે ઉપવાસ કરવા સાથે ઘરને રંગોળીથી સજાવે છે. માતાનાં દર્શન કરવા જાય છે અને મેળામાં મહાલે પણ છે. એમાંય આ મહોત્સવની ખાસ લાક્ષણિકતા છે અહીંના ચુનાર ફોર્ટમાં થતો કજરી સંગીતનો કાર્યક્રમ. ભોજપુરી અને દેહાતી ભાષામાં ગવાતાં પારંપરિક ગીતો પ્રિયજનનો વિરહ અને જુદાઈનો ભાવ દર્શાવે છે. ઉદાસ સંગીત હોવા છતાં કજરી ગીતો ગાતા અનેક કલાકારો મિર્ઝાપુરમાં સ્ટાર જેવું સ્ટેટસ ભોગવે છે, કારણ કે આ મ્યુઝિક અહીં અત્યંત લોકપ્રિય છે.   

Whatsapp-channel Whatsapp-channel

08 November, 2026 08:17 AM IST | sabarkantha | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK