Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > દિવાળીના દિવસે વિશ્વ પણ ઊજવે છે પ્રકાશપર્વ: તમસો મા જ્યોતિર્ગમય

દિવાળીના દિવસે વિશ્વ પણ ઊજવે છે પ્રકાશપર્વ: તમસો મા જ્યોતિર્ગમય

Published : 08 November, 2026 10:03 AM | IST | Singapore
Rashmin Shah | rashmin.shah@mid-day.com

કયા દેશોમાં કેવી રીતે દિવાળીનો આ અજવાસ પથરાય છે અને કેવી રીતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવે છે એ જાણવા જેવું છે

સિંગાપોરનો દિવાળી કાર્નિવલ

સિંગાપોરનો દિવાળી કાર્નિવલ


દિવાળી ઊજવવામાં આપણે તો મોખરે છીએ જ, પણ દુનિયાના અન્ય દેશો પણ દિવાળી ઊજવવાની બાબતમાં અગ્રિમ સ્થાન પર છે. કયા દેશોમાં કેવી રીતે દિવાળીનો આ અજવાસ પથરાય છે અને કેવી રીતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવે છે એ જાણવા જેવું છે

ક્રિસમસની જેમ જ દિવાળી પણ હવે વૈશ્વિક બનતી જાય છે અને દુનિયાના અલગ-અલગ દેશોમાં એનું સેલિબ્રેશન થાય છે. ભારતીય હવે દુનિયાના દરેક ખૂણે છે એ તો આ સેલિબ્રેશન પાછળનું કારણ છે જ, પણ સાથોસાથ દિવાળી સાથે જોડાયેલું વૈવિધ્ય પણ એક કારણ છે. આજે વિશ્વભરમાં ભારતીયો પ્રસરી ગયા હોવાથી ભારતીયોની આસ્થાસમાન દિવાળી પણ વિશ્વભરમાં પ્રસરી અને પ્રસાર જોઈને જ યુનેસ્કોએ દિવાળીને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સત્તાવાર સ્થાન આપ્યું, જેણે નેપાલની પહાડી ખીણોથી લઈને લંડનની ઠંડી સડકો સુધી અને સિંગાપોરના ઝગમગતા મૉલ્સથી લઈને ટ્રિનિદાદના દરિયાકિનારા સુધી દિવાળીને પહોંચાડી. ચાલો જાણીએ, દિવાળી દુનિયાભરમાં કઈ રીતે ઊજવાય છે અને ત્યાં એની ખાસિયત શું છે?



મલેશિયામાં ઊજવાય છે હરિ દીપાવલી


મલેશિયામાં ભારતીય તામિલ સમુદાય સદીઓથી વસેલો છે. અહીં દિવાળીને હરિ દીપાવલી કહેવામાં આવે છે અને આજના આ દિવસે જાહેર રજા આપવા આવે છે. મલેશિયામાં દિવાળીની ઉજવણીમાં સાઉથ ઇન્ડિયન પરંપરાઓની છાંટ વધુ છે. દિવાળીના દિવસે સૂર્યોદય પહેલાં તલના તેલમાં આયુર્વેદિક ઔષધિઓ મિક્સ કરી માથા અને શરીર પર માલિશ કરીને સ્નાન કરવામાં આવે છે, જેને ગંગાસ્નાનમ્ કહે છે, આ સ્નાન ગંગાસ્નાન જેટલું જ પવિત્ર માનવામાં આવે છે, એ પાપો અને આળસના નિવારણનું પ્રતીક છે. એ પછી ઘરની બહાર ચોખા અને કઠોળમાંથી રંગોળી બનાવવામાં આવે છે, જેને કોલમ કહે છે. અહીંયાં રંગ વાપરવાની મનાઈ છે. કોલમમાં વપરાતા ચોખા અને કઠોળ મંદિરમાં દાન કરવામાં આવે છે, જેનો ત્યાર પછી સમૂહભોજનમાં ઉપયોગ થાય છે.

પેનાંગના લિટલ ઇન્ડિયા તરીકે જાણીતા જ્યૉર્જ ટાઉનમાં ભારત જેવી જ દિવાળીની કલરફુલ માર્કેટ ભરાય છે. ડેકોરેશન, દીવડા, લાઇટ્સ, જ્વેલરી, મીઠાઈ અને ફૂલોના તોરણોથી આ શહેર જાણે ખીલી ઊઠે છે. અહીંના મોટા ભાગના મૉલ્સ અને મંદિરોમાં પરંપરાગત પૂજા-આરતી અને દર્શનાર્થીઓની ભીડ જોઈને ઇન્ડિયા જેવું જ લાગે છે. ક્વાલા લમ્પુર નજીક આવેલી ભગવાન મુરુગનની વિશાળ સુવર્ણ પ્રતિમા ધરાવતી ગુફાઓ ખાતે હજારો ભક્તો એકઠા થાય છે અને સાંજે ઓપન હાઉસ હોય છે. આ ઓપન હાઉસમાં હિન્દુ પરિવારો પોતાના મુસ્લિમ, ચીની અને ખ્રિસ્તી મિત્રો-પાડોશીઓને ઘરે ઇન્વાઇટ કરે છે, જ્યારે મલેશિયન સરકાર ઓપન હાઉસમાં વિરોધ પક્ષના નેતાઓને ઘરે ઇન્વાઇટ કરે છે. તમે દિવાળીની મહત્તા જુઓ, વિદેશના લોકો આજના આ દિવસે એકબીજાને પ્રેમ અને ભાઈચારો આપે છે. 


સિંગાપોરનો દિવાળી કાર્નિવલ એક મહિનાનો 

સિંગાપોરમાં દિવાળી સત્તાવાર જાહેર રજા છે. સિંગાપોરની કૉસ્મોપોલિટિન ઓળખમાં દિવાળીનો રંગ ખાસ્સો ઘટ્ટ છે એવું કહીએ તો ખોટું નહીં કહેવાય. સિંગાપોરના લિટલ ઇન્ડિયા એરિયામાં આ દિવસોમાં મુંબઈની દિવાળી જેવું જ વાતાવરણ ઊભું થઈ જાય છે. સેરાંગૂન રોડ અને બિર્ચ રોડ પર કિલોમીટરો સુધી ભવ્ય રોશની કરવામાં આવે છે, જે સાંજે ૭ વાગ્યાથી મોડી રાત સુધી ચાલુ રહે છે. મજાની વાત એ છે કે આ લાઇટિંગ ખુદ સિંગાપોર સરકાર દ્વારા કરવામાં આવે છે.
કૅમ્પબેલ લેન અને હેસ્ટિંગ્સ રોડ પર દિવાળી માર્કેટ ભરાય છે, જેનું આયોજન પણ ગવર્નમેન્ટ દ્વારા કરવામાં આવે છે. આ માર્કેટમાં ભારતીય પરંપરાની ચીજવસ્તુઓથી લઈને સાડીઓ, પંજાબી સૂટ્સ, ઇન્ડિયન ટ્રેડિશનલ ઑર્નામેન્ટ્સ, લક્ષ્મીપૂજનની સામગ્રીથી લઈને આપણી ટ્રેડિશનલ સ્વીટ્સના સ્ટૉલ્સ હોય છે તો લિટલ ઇન્ડિયાના ઇન્ડિયન હેરિટેજ સેન્ટરમાં દિવાળી કાર્નિવલ ઓપન હાઉસ યોજાય છે.
આ કાર્નિવલમાં બાળકો માટે ટેરાકોટાના દીવા રંગવાની વર્કશૉપ, પિત્તળના પરંપરાગત કુથુવિલક્કુ દીવા પર કોતરણી કરવાના ક્લાસિસ અને ઇન્ડિયન ફરસાણથી લઈને ગરમ મસાલા તથા સાંભાર પાઉડર બનાવવાના સ્પાઇસ બ્લેન્ડિંગ માસ્ટરક્લાસનું આયોજન કરવામાં આવે છે. દિવાળી દરમ્યાન સિંગાપોરવાસીઓ ઓપન-ટૉપ બસમાં બેસીને રોશનીથી ઝળહળતા લિટલ ઇન્ડિયાની નાઇટ-ટૂર કરે છે. આ નાઇટ-ટૂર લોકલ ઇન્ડિયન માટે ફ્રી રહે છે, જ્યારે ટૂરિસ્ટ માટે નોમિનલ ચાર્જિસ હોય છે.
૧૮૮૧માં સ્થપાયેલા સિંગાપોરના સૌથી જૂના શ્રી વીરમાકાળીઅમ્મન મંદિર અને શ્રી શ્રીનિવાસ પેરુમલ મંદિરમાં પૂજાના કાર્યક્રમો ઉપરાંત રાષ્ટ્રપતિ ભવન ધ ઇસ્તાના ખાતે પણ ઓપન હાઉસ યોજીને નાગરિકો માટે ઇન્ડિયન કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે.

નેપાલમાં તિહાર મહોત્સવ

દિવાળીને નેપાલમાં તિહાર મહોત્સવ તરીકે ઊજવવામાં આવે છે. પશુ, પ્રકૃતિ અને આત્માને વંદન કરતા આ મહોત્સવને યમપંચક પણ કહે છે તો નેપાલની નેવાર બોલીમાં સ્વાંતિ પણ કહેવામાં આવે છે. નેપાલમાં બે જ તહેવાર સૌથી મોટા છે. એક દશૈં (એટલે કે દશેરા) અને બીજો છે આ તિહાર મહોત્સવ. સામાન્ય રીતે અન્ય દેશોમાં દિવાળી એક કે બે મુખ્ય દિવસોમાં પૂરી કરી લેવામાં આવે છે, પણ નેપાલમાં આ પાંચ દિવસનું સેલિબ્રેશન છે, જેમાં પ્રકૃતિ, જીવસૃષ્ટિ અને પારિવારિક સંબંધો પ્રત્યે ગ્રૅટિટ્યુડ દર્શાવવામાં આવે છે.
પહેલા દિવસને કાગ તિહાર કહે છે, જેમાં કાગડાઓની પૂજા થાય છે. કાગડાને યમરાજના દૂત માનવામાં આવે છે. વહેલી સવારે ધાબા પર કે આંગણામાં કાગડાઓ માટે અનાજ, મીઠાઈ અને ભોજન મૂકવામાં આવે છે, જેથી પરિવાર પરથી દુઃખ, શોક અને આકસ્મિક મૃત્યુનો ભય ટળે. 
બીજા દિવસને નેપાલમાં કુકુર તિહાર કહે છે, જેમાં શ્વાનપૂજન થાય છે. કૂતરાને ભૈરવના વાહન અને વફાદારીના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે. શેરીના શ્વાનોથી લઈ પેટ ડૉગીના ગળામાં ગલગોટાના હાર પહેરાવવામાં આવે, કપાળે કંકુ-ચોખાનું લાલ તિલક લગાવાય અને તેમને જમાડવામાં આવે છે. 
ત્રીજો દિવસે નેપાલમાં ગાય તિહાર છે. સનાતનમાં માનું સ્થાન ધરાવતી ગાયનું પૂજન થાય. એને હાર પહેરાવી, તિલક કરવામાં આવે. આ ઉપરાંત સાંજે ઘરનું સુશોભન કરી રંગબેરંગી રોશની અને ચોખાના લોટ-રંગોથી કલાત્મક રંગોળી બનાવી દેવી મહાલક્ષ્મીનું આહ્વાન કરવામાં આવે છે. 
ચોથા દિવસને ગોરુ તિહાર કહે છે. કૃષિપ્રધાન સંસ્કૃતિ હોવાથી આ દિવસે ખેતરો ખેડતા ગોરુ (એટલે કે બળદ)ની પૂજા થાય અને છાણમાંથી ગોવર્ધન પર્વત બનાવી એનું પૂજન કરવામાં આવે છે. આ જ દિવસે નેપાલનો નેવાર સમુદાય ‘મ્હ પૂજા’ કરે છે. ‘મ્હ’ એટલે નિજ શરીર કે આત્મા. આવનારા નવા વર્ષમાં તન અને મન પવિત્ર રહે એ માટે વ્યક્તિ સ્વયંનું પૂજન કરે છે. 
પાંચમા અને છેલ્લા દિવસને ભાઈ તિહાર કહે છે. આ દિવસે બહેનો ભાઈના કપાળ પર લાલ, પીળો, વાદળી, લીલો અને કુલ સાત રંગોનું મિશ્રણ ધરાવતા ખાસ સપ્તરંગી ટીકા કરે છે અને ગળામાં ક્યારેય ન કરમાતાં સુપારી ફૂલનો હાર પહેરાવી ભાઈના દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરે છે. 
તિહારની રાત્રિઓમાં નેપાલ આખું સંગીતમય બની જાય છે. મહિલાઓ ઘરે-ઘરે જઈને ભૈલો ગીતો ગાય, જ્યારે પુરુષો દેઉસી લોકગીતો ગાય છે. આ પાંચ દિવસના અંતે દરેક યથાશક્તિ એકબીજાને ભેટ આપે છે.

કૅનેડા પણ દિવાળીનું ચાહક

કૅનેડાના ટૉરૉન્ટો, બ્રામ્પ્ટન, વેનકુવર, મિસિસાગા અને કૅલગરી જેવાં શહેરોમાં ભારતીયોની વસ્તી મોટા પ્રમાણમાં છે અને આ જ કારણે કૅનેડામાં દિવાળીનું મહત્ત્વ અદકેરું છે. દિવાળીમાં કૅનેડાના ઓટાવા ખાતે આવેલા સંસદભવન પાર્લમેન્ટ હિલમાં કૅનેડાના પ્રાઇમ મિનિસ્ટર સમગ્ર સંસદની હાજરીમાં દીપપ્રાગટ્ય કરે છે. કૅનેડામાં દિવાળીના દિવસે આંશિક રજા જાહેર કરવામાં આવી છે. મતલબ કે જે કોઈને એ દિવસે રજા રાખવી હોય કે શૉપ બંધ રાખવી હોય એ રાખી શકે છે, એના માટે તેનો પગાર કાપવામાં નથી આવતો. કૅનેડામાં નવેમ્બર મહિનાને હિન્દુ હેરિટેજ મન્થ જાહેર કરવામાં આવ્યો છે એટલે આ મહિને કૅનેડાના વિવિધ શહેરોમાં ભારતીય હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા સેંકડો કાર્યક્રમો ઠેર-ઠેર થતા 
જોવા મળે છે. 
કૅનેડાના પ્રાઇમ મિનિસ્ટર પણ દિવાળીના દિવસે કૅનેડામાં રહેતા ભારતીયોનું તેમના અદકેરા કાર્ય માટે સન્માન કરે છે. ખુશ થવા જેવી વાત એ છે કે આ સન્માનને રાષ્ટ્રીય સન્માન ગણવામાં આવે છે અને સન્માન પ્રાપ્ત કરનારી વ્યક્તિને અનેક સરકારી નિયમોમાંથી બાકાત રાખવામાં આવે છે. 

સિડનીની ફૅન્ટમ સ્ટ્રીટમાં જીવંત થશે રામાયણ 

ભારતીય પૌરાણિક વારસાને આધુનિક ટેક્નૉલૉજી સાથે જોડીને કેવી રીતે અદ્ભુત રીતે રજૂ કરી શકાય, એનો ઉત્તમ નમૂનો એટલે ઑસ્ટ્રેલિયામાં સિડનીના પશ્ચિમ સબબના નિરિમ્બા ફીલ્ડ્સની ફૅન્ટમ સ્ટ્રીટ. મજાની વાત એ છે કે આ કોઈ બિઝનેસ એક્ઝિબિશન કે ગવર્નમેન્ટ પ્રોજેક્ટ નથી, પણ એક શેરીમાં રહેતા ૩૦ પરિવારોનો સહિયારો કલ્ચરલ કન્સેપ્ટ છે.
૩૦ ઘરો એટલે કે ૩૦ ફૅમિલીએ પોતાના ખર્ચે અને જાતે કલાકૃતિઓ બનાવીને આખી રામાયણને ૩૦ ક્રમબદ્ધ દૃશ્યોમાં રોશનીથી જીવંત કરે છે. શેરીના પહેલા ઘરથી શરૂઆત થાય અને ૩૦મા ઘરમાં રામાયણ પૂરી થાય છે. રાજા દશરથના પુત્રકામેષ્ટિ યજ્ઞથી આ યાત્રા શરૂ થાય છે અને જેમ-જેમ મુલાકાતીઓ આગળ વધે, તેમ-તેમ રામ-સીતાવિવાહ, પંચવટી, સુવર્ણમૃગ, જટાયુમોક્ષ, હનુમાનજીની છલાંગ, લંકાદહન, રામસેતુનિર્માણથી લઈને રાવણવધ અને છેલ્લે ૩૦મા ઘરે રામ રાજ્યના પ્રારંભ સુધીની સંપૂર્ણ કથા નિયોન લાઇટ્સ અને અલ્ટ્રા-મૉડર્ન ઇન્સ્ટૉલેશન્સ દ્વારા જીવંત થાય છે.
દરેક ઘર બહાર મૂકેલા QR કોડ હોય છે, જે સ્કેન કરવાથી વિઝિટર્સને ચોક્કસ પ્રસંગની આખી વાર્તા જાણવા મળે છે. બ્લૅકટાઉન સિટી કાઉન્સિલ દ્વારા સતત ચાર વર્ષથી બેસ્ટ સ્ટ્રીટનું ઇનામ જીતનારી આ શેરી સોશ્યલ મીડિયા પર લાખો વ્યુઝ મેળવી ચૂકી છે. ઑસ્ટ્રેલિયાવાસીઓને પોતાના આંગણે આવકારીને દીવો પ્રગટાવવાની તક આપતી આ શેરી વૈશ્વિક ફલક પર ભારતની સંસ્કૃતિનો અજવાસ પાથરે છે.

બ્રિટનનો દિવાળીનો રંગ

બ્રિટિશ સલ્તનત અને હિન્દુસ્તાનને સદીઓનો સંબંધ રહ્યો છે અને એ જ કારણે બ્રિટિશ સંસ્કૃતિમાં હવે દિવાળી પણ ઑલમોસ્ટ મર્જ થઈ ગઈ છે. દિવાળીના દિવસે મૂળ ભારતીયને રજા આપવાનો બ્રિટિશ કાઉન્સિલે ઑર્ડર પસાર કર્યો છે તો ભારતીય બહુમતી ધરાવતા વિસ્તારોને ભપકાદાર બનાવવાનું કામ કૉર્પોરેશન દ્વારા કરવામાં આવે છે.
બ્રિટનનું લેસ્ટર તો દિવાળીના દિવસોમાં મિની-ઇન્ડિયા બની જાય છે. યુકેમાં ગોલ્ડન માઇલ તરીકે પ્રખ્યાત એવા બેલગ્રેવ રોડ પર હજારો મીટર લાંબી રંગબેરંગી એલઈડી લાઇટો અને કલાત્મક કમાનો ઊભી કરવામાં આવે છે. લાઇટ-અપ સમારોહના દિવસે ચાલીસથી પચાસ હજાર લોકો એકઠા થાય છે, જેમાં માત્ર ભારતીયો જ નહીં, પણ બ્રિટિશરો, આફ્રિકન અને અન્ય દેશોના લોકો પણ જોડાય છે. લેસ્ટર કાઉન્સિલ દ્વારા દિવાળીની રાતે સત્તાવાર રીતે આતશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવે છે તો લેસ્ટર કૉર્પોરેશન દિવાળીના દિવસે રજા પણ પાળે છે.
લંડનમાં ભારતીય શાસ્ત્રીય સંગીત, ભરતનાટ્યમ્, કથકની સાથે બૉલીવુડ મ્યુઝિકના કાર્યક્રમો યોજાય છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ લંડનની ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે બ્રિટિશ વડા પ્રધાન ઍન્ડી બર્નહૅમના બંગલા પર ટ્રેડિશનલ દીવા પ્રગટાવીને અને રંગોળી કરીને ઉજવણી થાય છે. આ દિવસે બ્રિટનમાં રહીને શ્રેષ્ઠ સેવાનું કામ કરનારા કે અન્ય સિદ્ધિ હાંસિલ કરનારા હિન્દુ, શીખ અને જૈન સિટિઝનનું સન્માન કરવામાં આવે છે.

અમેરિકામાં પાંચ રાજ્યોના ૨૧ શહેરોમાં દિવાળીનું સત્તાવાર સેલિબ્રેશન 

ન્યુ યૉર્ક, ન્યુ જર્સી, કૅલિફૉર્નિયા, ટેક્સસ અને શિકાગો જેવાં અમેરિકન સ્ટેટ્સમાં દિવાળીને ખાસ તહેવાર તરીકે જોવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ દિવાળીનો ક્રેઝ જોઈને ૨૦૨૩થી ન્યુ યૉર્ક સિટી પબ્લિક સ્કૂલ્સે દિવાળીના દિવસે સત્તાવાર રજા જાહેર કરી છે, જેને અમેરિકામાં ભારતીય કલ્ચરની મોટી જીત માનવામાં આવે છે. આ વર્ષે તો અમેરિકાના પાંચ રાજ્યોના ૨૧ શહેરોમાં દિવાળીને પહેલી વાર સત્તાવાર રીતે સેલિબ્રેટ કરવામાં આવશે. 
અમેરિકાના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન એવા વાઇટ હાઉસમાં દિવાળીની ભવ્ય ઉજવણી થાય છે, જ્યાં પ્રેસિડન્ટ પોતે જાતે દીવો પ્રગટાવી ભારતીય સાયન્ટિસ્ટ, ઇન્ડસ્ટ્રિયલિસ્ટ અને અન્ય ઇન્ડિયન બિગ શૉટ્સનું સન્માન કરે છે. ન્યુ યૉર્કના વર્લ્ડ ફેમસ ટાઇમ્સ સ્ક્વેરના ડિજિટલ બિલબોર્ડ્સ પર પણ દિવાળીની શુભેચ્છાઓ ઝળકતી હોય છે અને એ શુભેચ્છા આપવામાં મલ્ટિનેશનલ કંપનીઓ અને વર્લ્ડ ફેમસ બ્રૅન્ડ્સ હોય છે. આ જ ટાઇમ્સ સ્કેવર પર દિવાળીની રાતે હજારો લોકો જાહેર રસ્તા પર ગરબા અને ભાંગડા રમે છે અને એ રમવા માટે એ રાતે ઑફિશ્યલ પરમિશન 
હોય છે.

રામાયણના પ્રસંગો પર નાટકોથી જીવંત બને છે કૅરિબિયન દેશો

ઓગણીસમી સદીમાં અંગ્રેજો દ્વારા બિહાર, ઉત્તર પ્રદેશ અને તામિલનાડુથી ગિરમીટિયા એટલે કે કૉન્ટ્રૅક્ટથી બંધાયેલા મજૂરો કૅરિબિયન ટાપુઓ પર લઈ ગયા હતા, જે આઝાદી પછી ત્યાં જ રહી ગયા અને એને લીધે એ વિસ્તારોમાં દિવાળીનો રંગ અકબંધ રહ્યો. કૅરિબિયન આઇલૅન્ડની વાત કરવાની આવે ત્યારે ટ્રિનિડૅડ અને ટબૅગોની વાત કરવી પડે. અહીં દિવાળીના દિવસે રાષ્ટ્રીય રજા હોય છે.
આ દેશની સૌથી મોટી વિશેષતા એટલે ચગવાનાસ ખાતે યોજાતો નવ દિવસનો દીવાલી નગર મહોત્સવ. આ માત્ર મેળો નથી, પણ ભારતીય વારસાનું જીવંત સંગ્રહાલય બને છે. વિશાળ મેદાનમાં હંગામી હિન્દુ સ્થાપત્ય ધરાવતાં મંદિરો ઊભાં કરાય છે, જેમાં રોજ રાત્રે શાસ્ત્રીય સંગીત, ભજનસ્પર્ધાઓથી માંડીને રામાયણના પ્રસંગોનાં નાટકો અને પરંપરાગત કૅરિબિયન ડાન્સના કાર્યક્રમો થાય છે. ભારતીય હૅન્ડિક્રાફ્ટ્સ, પૂજાસામગ્રી અને ભારતીય મીઠાઈઓના સેંકડો સ્ટૉલ લાગે છે.
દક્ષિણ અમેરિકાના ડચ-ભાષી સુરિનામમાં હવે હિન્દુ વસ્તી રહી નથી, પણ પહેલાં હિન્દુઓની બોલબાલા હતી અને એ જ સમયથી અમુક પરંપરા બની, જેનો અમલ આજે પણ કરવામાં આવે છે. સુરિનામની રાજધાની પેરામરિબોના મેઇન એરિયા એવા ઇન્ડિપેન્ડન્સ સ્ક્વેર પર રાષ્ટ્રપતિ અને રાજકીય અગ્રણીઓની હાજરીમાં દિવાળીની સાંજે એક વિશાળ લોખંડ-પિત્તળનો મહાદીપ પ્રગટાવવામાં આવે છે, જે ચોવીસ કલાક સુધી ઓલવાય નહીં એનું ધ્યાન પણ રાખવામાં આવે છે. આ ઉપરાંત લોકલ રેડિયો અને ટેલિવિઝન પર રામાયણની કથાઓ અને ભજનો પ્રસારિત થાય છે. સુરિનામની વિશેષતા એ છે કે આ બધું જ ૧૫૦ વર્ષ જૂની ભોજપુરી અને અવધી સંસ્કૃતિમાં જ પ્રસારિત કરવામાં આવે છે.

ગયાનાની દીવાલી મોટરકેડ

દક્ષિણ અમેરિકા ખંડના ચિંટુકડા દેશ ગયાનામાં દિવાળીની ઉજવણીનો અંદાજ દુનિયાભરમાં સૌથી નોખો અને અદ્ભુત છે. દિવાળીની પૂર્વસંધ્યાએ ગયાનામાં યોજાતી દીવાલી મોટરકેડ માત્ર ધાર્મિક દેખાડો નહીં, પણ રોશની, સંગીત અને શ્રદ્ધાનો  તરતો મહાકુંભ છે. આ પરંપરા ૧૯૭૪માં ગયાના ધાર્મિક પ્રભા સંગઠન દ્વારા શરૂ કરવામાં આવી 
હતી, જે આજે ગયાનાની રાષ્ટ્રીય ઓળખ બની ગઈ છે.
રાતના સમયે સેંકડો ખુલ્લા ટ્રક, ટ્રેલર્સ અને વાહનોને હજારો રંગબેરંગી એલઈડી લાઇટ્સ અને માટીનાં કોડિયાંથી કલાત્મક રીતે શણગારવામાં આવે છે. આ વાહનો પર નાનાં બાળકો અને કલાકારો મહાલક્ષ્મી, ભગવાન રામ-સીતા, સરસ્વતી અને રાધા-કૃષ્ણનાં જીવંત પાત્રોના રૂપમાં બેસે છે. વાહનોમાંથી વહેતાં ભક્તિસંગીત, ભજનો અને મંત્રોચ્ચાર વચ્ચે આ કાફલો જ્યારે જ્યૉર્જટાઉન શહેરની સડકો પરથી પસાર થાય છે, ત્યારે રસ્તાની બંને બાજુ હજારો હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ અને આફ્રો-ગયાનીઝ ધાર્મિક ભેદભાવ ભૂલીને દર્શન કરવા ઊમટી પડે છે.
આ આખો કાફલો છેલ્લે લુસિગ્નન કે ચૌપાલ મેદાનમાં એકત્ર થાય, જ્યાં શ્રેષ્ઠ સજાવેલા વાહનને પુરસ્કૃત કરવામાં આવે છે અને એ માટે ગયાનાના પ્રેસિડન્ટ પોતે ત્યાં હાજર રહે છે.

Whatsapp-channel Whatsapp-channel

08 November, 2026 10:03 AM IST | Singapore | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK