Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > પ્રભુ મહાવીરને માનનારા લોકો પ્રભુની આજ્ઞાને માનવા તૈયાર છે?

પ્રભુ મહાવીરને માનનારા લોકો પ્રભુની આજ્ઞાને માનવા તૈયાર છે?

Published : 13 September, 2026 12:23 PM | Modified : 13 September, 2026 12:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રભુ મહાવીરને માનવાવાળા પ્રભુની આજ્ઞાને માનવાની તૈયારી ખરી?

મહાવીરસ્વામી

પર્વાધિરાજ પર્યુષણનો પૈગામ

મહાવીરસ્વામી


આજથી આશરે ૨૬૦૦ વર્ષ પૂર્વે બિહારના ક્ષત્રિયકુંડ નગરમાં રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાને ત્યાં જન્મ ધારણ કરનાર અને જન્મથી સર્વત્ર વૃદ્ધિ થતાં ‘વર્ધમાન’ નામ અપાયું હતું. જગતને અહિંસાનો સંદેશો આપનાર પ્રભુ મહાવીરના નામથી કોણ અજાણ હોઈ શકે! પર્યુષણ પર્વના પાંચમા દિવસે પ્રભુનું જન્મવાંચન હોય છે. જન્મ તો ચૈત્ર સુદ તેરસના છે.
પ્રભુ મહાવીરના આત્માએ નયસાર સુથારના ભવમાં ભૂલા પડેલા સંતને ભોજન વહોરાવી સમકિત - સાચી સમજણને પ્રાપ્ત કરતાં ભવકટીની શરૂઆત કરતાં ૨૭ ભવમાં પ્રભુના જન્મ-મરણનો અંત આવ્યો. આપણા ભવભ્રમણનો અંત ક્યારે? શાંતચિત્તે વિચારવાનું છે.

પ્રભુ મહાવીરને માનવાવાળા પ્રભુની આજ્ઞાને માનવાની તૈયારી ખરી?



પ્રભુ મહાવીરનો પહેલો સંદેશ છે કે - મા-બાપના દિલને કદી દૂભવશો નહીં. ૩ જ્ઞાનના ધારક પ્રભુએ ગર્ભમાં પણ માતાને દુઃખ ન પહોંચે એ માટે હલનચલન શરૂ કરી માતાના મનના ભાવની પૂર્તિ કરી હતી. આજની પેઢીનો સૂર સંભળાય છે કે મા-બાપનો સ્વભાવ સારો નથી! એટલું તો વિચારો કે મા-બાપે જન્મ આપ્યો છે તો સંતાનોનું અસ્તિત્વ છે!! શા માટે વૃદ્ધાશ્રમો વધતા જાય છે! નામ પછી દીકરાનું ઘર! વડીલોનો વિસામો! સિનિયર સિટિઝન હોમ! ગમે એ અપાતું હોય છે.


પ્રભુનો બીજો સંદેશ છે કે - તમારા સુખમાં બીજાને ભાગીદાર બનાવો, સુખનો ભોગવટો તમે એકલા ન કરો. તમારા પરિવારજનોને, સાધર્મિકોને હાથ લાંબો ન કરવો પડે એવા ઉદાર બનો. પ્રભુ મહાવીરે દીક્ષાપૂર્વે એક વર્ષમાં ૩ અબજ ૮૮ કરોડ ૮૦ લાખ સોનામહોરનું વર્ષીદાન કર્યું હતું. લોભવૃત્તિ અને પરિગ્રહની આસક્તિને છોડવા માટે દાન અતિ જરૂરી છે.
તંદુરસ્તીમાં દાન સોના જેવું, માંદગીમાં દાન ચાંદી જેવું અને મૃત્યુ પછી દાન સીસા જેવું છે. માટે હાથે તે સાથે.

પ્રભુ વીરનો ત્રીજો સંદેશ છે કે - ક્યારેય શક્તિનું પ્રદર્શન કરશો નહીં. જીવનમાં પુણ્યના ઉદયે પૈસો પ્રાપ્ત થાય છે માટે પૈસો કે પાવર બતાવવો નહીં. શક્તિનું પ્રદર્શન કરનારા રાવણ અને કૌરવો રાખમાં રોળાઈ ગયા. સિકંદર જેવાને પણ ખાલી હાથે જવું પડ્યું!


દૂધ જલતા હૈ પાની જલને કે બાદ

આદમી રોતા હૈ વક્ત નિકલને કે બાદ
પ્રભુનો ચોથો સંદેશ છે કે - નિરાશ કદી બનશો નહીં. ‘શુભે યથાશક્તિ પ્રયત્નીયમ્’ - વિકટ પરિસ્થિતિમાં પણ નિરાશાને ખંખેરીને મનોબળ મજબૂત બનાવવું. સંકલ્પથી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. આવો આપણો સૌ માનવજીવનને સફળ બનાવવા પ્રભુ મહાવીરના ચીંધ્યા રાહે ચાલવા માટે પા પા પગલી ભરીએ.
પ્રભુ મહાવીરનો ધર્મ ગુણપ્રધાન છે, ગુરુપ્રધાન કે વ્યક્તિપ્રધાન નથી. પ્રભુના ૩ મુખ્ય સિદ્ધાંત છે : (૧) આચારે અહિંસા, (૨) વિચારે અનેકાંત અને (૩) વ્યવહારે અપરિગ્રહ. ધર્મની શરૂઆત મંદિર-મસ્જિદ, ઉપાશ્રય-દેરાસરથી નહીં, ઘરથી કરો.
પોલીસ ચોરને કહે છે : તેં કપડાંની એક જ દુકાનમાં ૩ વખત ચોરી કરી? ચોર કહે છે : ના સાહેબ! ચોરી તો એક જ વાર કરી હતી, બાકી બે વાર તો સાડીનો કલર બદલાવવા ગયો હતો! એક ચેહરે પે કઈ ચેહરે લગા લેતે હૈં લોગ! આપણે પ્રભુ મહાવીરને માનીએ પરંતુ તેમની આજ્ઞાને નહીં માનીએ તો ઉદ્ધાર થશે ખરો?

પ્રભુ મહાવીરનાં પાંચ કલ્યાણક
અહિંસાના અવતાર, વર્તમાન અવસર્પિણીકાળના ચરમ તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીરસ્વામીનું ચ્યવન-કલ્યાણક વિ. પૂર્વે ૫૪૩ વર્ષ, ૧૭ જૂન, શુક્રવાર, ઈ. પૂર્વે ૬૦૦ વર્ષ. જન્મ-કલ્યાણક વિ. પૂ. ૫૪૨ વર્ષ, ઈ. પૂ. ૫૯૯ વર્ષ, ૩૦ માર્ચ, સોમવાર. દીક્ષા-કલ્યાણક ઈ. પૂ. ૫૬૯ વર્ષ, ૨૯ ડિસેમ્બર, સોમવાર. કેવલજ્ઞાન-કલ્યાણક ઈ. પૂ. ૫૫૭ વર્ષ, ૨૩ એપ્રિલ, રવિવાર, વૈશાખ સુદ-૧૦. નિર્વાણ-કલ્યાણક ઈ. પૂ. ૫૨૭ વર્ષ, ૧૫ ઑક્ટોબર, મંગળવાર, આસો વદ અમાસ (દિવાળી).

- પૂ. ધીરજમુનિ મ.સા.

Whatsapp-channel Whatsapp-channel

13 September, 2026 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK