Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > તમે નહીં પણ દિવસ તમારા કહ્યામાં હોય એવું કરવું છે?

તમે નહીં પણ દિવસ તમારા કહ્યામાં હોય એવું કરવું છે?

Published : 13 September, 2026 07:26 PM | IST | Mumbai
Acharya Devvrat Jani | feedbackgmd@mid-day.com

અહીં એ માટેના કેટલાક સરળ શાસ્ત્રોક્ત રસ્તા દર્શાવ્યા છે. જો એનું પાલન કરવામાં આવે તો દિવસ ચોક્કસ તમારી ઇચ્છા મુજબ ધાર્યું ફળ આપે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જો તમે ઇચ્છતા હો કે તમારો દિવસ સરસ જાય, તમારો દિવસ તમારા કહ્યા મુજબનો અને ઇચ્છા મુજબનો પસાર થાય તો એ માટે શાસ્ત્રોમાં બહુ સરસ અને સરળ રસ્તાઓ સૂચવ્યા છે. પહેલાંના સમયમાં એ વાતોનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું અને અચૂક એ નિયમોનું પાલન કરવામાં આવતું હતું. જો આજે પણ એ નિયમોનું પાલન કરવામાં આવે તો દિવસ તમારા કહ્યામાં રહે અને તમારા મુજબ ચાલે.
દિવસની શરૂઆત જે માનસિકતા અને ઊર્જા સાથે થાય છે એ જ સમગ્ર દિવસનું પરિણામ નક્કી કરે છે. શાસ્ત્રોમાં સવારના પ્રથમ પ્રહરથી માંડીને દૈનિક વ્યવહાર માટે એવા સહજ નિયમો દર્શાવ્યા છે જે દિવસભર કાર્યક્ષમતા, માનસિક સ્થિરતા અને સકારાત્મકતા જાળવી રાખે છે. એ માટે શું કરવું એ નોંધી લો.

કરદર્શનમ્



શાસ્ત્રોમાં કહેવાયું છે કે સવારે આંખો ખોલતાંની સાથે જ એટલે કે પથારીમાંથી બેઠાં થતાંની સાથે જ બન્ને હથેળીઓ ખુલ્લી કરી એનાં દર્શન કરવાં. આ ભાગ્યદેવીનાં દર્શન સમાન છે. એ પછી નમસ્કાર મુદ્રામાં આવીને નવેસરથી એક દિવસ આપવા માટે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. શાસ્ત્રોમાં કહેવાયું છે, કરાગ્રે વસતે લક્ષ્મીઃ કરમધ્યે સરસ્વતી.
હાથ એ પુરુષાર્થ અને કર્મના પ્રતીક છે. દિવસની પહેલી ક્ષણે કર્મ પ્રત્યે કૃતજ્ઞતા અને જાગૃતિ કેળવવાથી આત્મવિશ્વાસ વધે છે.


ભૂમિવંદન

શાસ્ત્રોમાં કહેવાયું છે કે પથારીમાંથી જમીન પર પગ નીચે મૂકતાં પહેલાં ધરતી માને હાથ અડકાડીને પ્રણામ કરવા. ધરતી મા ફરીથી તમારું વજન ઉપાડવાના છે એ માટેનો આ કૃતજ્ઞતા ભાવ છે તો સાથોસાથ જમીન સાથે જોડાયેલા રહેવાની આ એક પ્રામાણિક ચેષ્ટા છે. આ પ્રક્રિયા વ્યક્તિમાં નમ્રતા અને ધૈર્ય લાવે છે તેમ જ દિવસભર ઉતાવળિયા કે અહંકારી નિર્ણયોથી બચાવે છે.


સૂર્યાભિષેક

આ જે પ્રક્રિયા છે એ સ્નાન-ઇત્યાદિ પૂર્ણ કર્યા પછી કરવાની છે. તાંબાના પાત્રમાંથી પૂર્વ દિશા તરફ સૂર્યનારાયણને જળ અર્ઘ્ય આપવું જોઈએ. સૂર્ય શિસ્ત, તેજ અને આત્મબળનો કારક છે. સવારનાં કિરણો શરીરને ઊર્જાવાન બનાવે છે અને દિવસનું આયોજન સ્પષ્ટ રાખવામાં મદદ કરે છે તો સાથોસાથ ચહેરા પર ચમક આપે છે.
સૂર્યને આપવામાં આવેલા અર્ઘ્ય દ્વારા સૂર્યદેવની તરસ છિપાવવાનું કામ થાય છે, જે દિવસ દરમ્યાન તમારી ઇચ્છાઓની તરસને તૃપ્ત કરવાનું કામ કરે છે.

આશીર્વાદ

ઘરની બહાર નીકળીને કામ પર જતાં પહેલાં ઘરના વડીલોનું અભિવાદન કરવું જોઈએ કે તેમને પ્રણામ કરવા જોઈએ. શાસ્ત્રોક્ત માન્યતા છે કે વડીલોના મુખમાંથી નીકળેલા શુભ ભાવ જીવનનાં અણધાર્યાં વિઘ્નો અને માનસિક તનાવને રોકવા માટે કવચનું કામ કરે છે તો સાથોસાથ એ તમારા કાર્યને સિદ્ધ કરવાની ક્ષમતા પણ ધરાવે છે.
ઘરેથી નીકળતી વખતે ‘જઉં છું’ એવા શબ્દો બોલવાને બદલે ‘આવું છું’ એવું કહીને જવું જોઈએ. શાસ્ત્રો કહે છે કે આ શબ્દોમાં એ તાકાત છે કે એ તમારા કામ સમયસર અને પર્ફેક્શન સાથે પૂરાં કરે છે.

જીવદયા

દિવસ દરમ્યાન અને અન્નનો દાણો મોઢામાં નાખતાં પહેલાં થોડો અંશ પક્ષીઓને ચણ તરીકે, ગાયને રોટલીરૂપે કે કીડીને લોટરૂપે અર્પણ કરવો જોઈએ. આપણી કમાણી અને દિવસનો અમુક અંશ નિઃસ્વાર્થ ભાવે વહેંચવાથી મનમાં સંતોષ રહે છે અને દિવસ દરમ્યાન કામમાં આવતા અવરોધો હળવા બને છે.
ઘરે દેવદર્શન કર્યાં હોય તો પણ ઘરની બહાર નીકળ્યા પછી શક્ય હોય તો મંદિર કે પછી જેમાં માનતા હો એ દેવસ્થાને દર્શન માટે અચૂક જવું જોઈએ. ઈશ્વરની પુરાવેલી હાજરી પુરવાર કરે છે કે ઈશ્વર દિવસ દરમ્યાન તમારી સાથે પરોક્ષ રીતે હાજર રહેશે.

મૌન

જાગ્યા પછીની પ્રથમ ૩૦થી ૪૫ મિનિટ સુધી વાદ-વિવાદ, બિનજરૂરી ચર્ચા કે નકારાત્મક વાતો કે સમાચારોથી દૂર રહેવું ખૂબ જરૂરી છે, કારણ કે એ પ્રકારની વાતો મનમાં ચાલતા કાર્યના વિચાર પર બોજ બને છે. આ ઉપરાંત મૌનનું મહત્ત્વ શાસ્ત્રોમાં બહુ અદકેરું દેખાડ્યું છે.
સવારના સમયે જ નહીં, દિવસ દરમ્યાન પણ વ્યક્તિએ ચોક્કસ સમયનું મૌન પાળવું જોઈએ અને એ મૌન દરમ્યાન પોતાનાં કામો વિશે જ ચિંતન કરવું જોઈએ. એ સમયે કામ કરવાનું નથી. એકદમ શાંતચિત્તે મનન કરતાં-કરતાં કામ વિશે વિચારવાનું છે. મૌનની આ પ્રક્રિયા મનમાં લખાતી ડાયરી જેવું કામ કરે છે. 
આજના સમયમાં લોકોને આ અસંભવ લાગી શકે, પણ જો એ કરવા ધારો તો ચોક્કસપણે એ મૌન તમારા કામને અને કામ કરવાની ગતિને એક લાઇનમાં ગોઠવવાનું અને એને સુનિયોજિત કરવાનું કામ કરે છે અને તમારો દિવસ ધાર્યા મુજબનું પરિણામ લાવવા માટે સક્ષમ બને છે.

-આચાર્ય દેવવ્રત

Whatsapp-channel Whatsapp-channel

13 September, 2026 07:26 PM IST | Mumbai | Acharya Devvrat Jani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK