અનેક ગુજરાતી નાટકો અને ફિલ્મો તથા હિન્દી સિરિયલોમાં આપણે જેમને જોઈ ચૂક્યા છીએ એવા આ કલાકારને લોકોએ ‘અનુપમા’ સિરિયલના ભુલક્કડ મામાજીના કિરદારમાં ઘણા પસંદ કર્યા હતા
પત્ની આશા અને પુત્ર કૃષ્ણ સાથે શેખર શુક્લ.
‘આ ઇન્ડસ્ટ્રીમાં તમે જે પ્રકારનો રોલ કર્યો હોય એ હિટ જાય પછી તમને એ જ પ્રકારનાં કામ મળ્યા કરે છે. પછી લોકો કહે છે કે ટાઇપકાસ્ટ થઈ ગયા. ઘણા લોકો માને છે કે જે કૉમેડી કરી જાણે છે તે ફક્ત કૉમેડીમાં જ સારા છે. જોકે જે લોકો કલાકારનું ખરું પોટેન્શિયલ જાણે છે તે સમજે છે કે એક વસ્તુ જે સારી કરી શકે છે તે બીજામાં પણ સારું કરવાની ક્ષમતા ધરાવતા હોઈ શકે. જરૂર છે ફક્ત એક ચાન્સની. ઊલટું હું તો કહું છું કે એક કૉમેડિયન ગંભીર કે નકારાત્મક રોલ, જે તેની ઇમેજથી તદ્દન વિપરીત છે, એ પણ એટલા જ સારી રીતે નિભાવી જાણે છે.’
આ શબ્દો છે પોતાની વાતને સિદ્ધ કરી બતાવનાર, પોતાની કૉમેડી માટે વિખ્યાત ઍક્ટર શેખર શુક્લના, જેમને હાલમાં તેમની ગુજરાતી ફિલ્મ ‘બિલ્ડર બૉય્ઝ’ માટે ગુજરાતી આઇકૉનિક ફિલ્મ અવૉર્ડ્સ (GIFA) તરફથી બેસ્ટ નેગેટિવ ઍક્ટરનો અવૉર્ડ મળ્યો હતો. બોરીવલીમાં રહેતા ૫૯ વર્ષના શેખર શુક્લ ગુજરાતી રંગભૂભિનું જાણીતું નામ તો છે જ, પણ ગુજરાતી અને હિન્દી ટેલિવિઝન દ્વારા તેમને ખાસ્સી પ્રસિદ્ધિ મળી. છેલ્લે અનુપમા સિરિયલમાં ‘મને રિમેમ્બર છે’ કહીને વાત કરતા ભુલક્કડ મામાજીના રોલમાં લોકોએ તેમને ખાસ્સા પસંદ કર્યા હતા. લગભગ ૧૦૦ કરતાં પણ વધુ સિરિયલોમાં નાના-મોટા રોલ નિભાવનારા શેખર શુક્લએ ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કૅરૅક્ટર રોલ કર્યા છે. ‘બિલ્ડર બૉય્ઝ’ પહેલાં મહેશ ભટ્ટની ફિલ્મ ‘જન્નત’માં તેમણે નકારાત્મક કિરદાર નિભાવ્યું હતું. આ સિવાય ઘણી હિન્દી ફિલ્મો પણ કરી છે. જૂના પ્રકારની ગુજરાતી ફિલ્મો ‘મા મેલડી મારી મા’, ‘પાંખ વિનાનું પારેવડું’ જેવી ફિલ્મોથી શરૂઆત કરીને આજની ગુજરાતી ફિલ્મો જેમ કે ‘સંબંધોમાં ખાલી જગ્યા’, ‘શું તમે કુંવારા છો’, ‘અફરા-તફરી’, ‘ગાંધીની ગોલમાલ’ જેવી ઘણી ફિલ્મો પણ કરી છે.
ADVERTISEMENT
નાનપણ
મુંબઈમાં જ જન્મેલા અને ઊછરેલા શેખર શુક્લના પિતા ડૉક્ટર હતા અને મમ્મી હાઉસવાઇફ. ત્રણ બહેનો પછી જન્મેલા તેઓ ઘરમાં સૌથી નાના હતા. હાલમાં તેમની એક બહેન બરોડા અને બાકીની બન્ને મુંબઈમાં જ સ્થાયી થઈ છે. એ સમયની વાત કરતાં તેઓ કહે છે, ‘મારા પપ્પાને હાથમાં ધ્રુજારીની તકલીફ હતી. એ સમયે ઇન્જેક્શન્સ થકી જ મુખ્ય ઇલાજ થતો કારણ કે દવાઓ આજના સમય જેટલી સારી નહોતી. તેઓ ઇન્જેક્શન મારી શકતા નહીં એટલે પરિવારની હાલત ઠીકઠાક હતી. સામાન્ય રીતે ડૉક્ટરનો દીકરો ડૉક્ટર બને એવી તેમને ઇચ્છા હોય. અમારા ઘરમાં એવું હતું કે જલદી કમાવા લાગે દીકરો. મેં ૧૬ વર્ષની ઉંમરમાં જ નાનાં-મોટાં કામ શરૂ કરી દીધાં હતાં. કૉમર્સમાં ગ્રૅજ્યુએશન કર્યું. નાનપણથી કોઈ ખાસ સપનાં જોયાં નહોતાં. અકાઉન્ટન્ટ બનીશું અને શાંતિથી જીવીશું... બસ, એવાં જ સપનાંઓ હતાં.’
ઍક્ટિંગની શરૂઆત
તો પછી આ ઍક્ટિંગનો કીડો ક્યારે કરડ્યો? આ પ્રશ્નનો જવાબ આપતાં શેખર શુક્લ કહે છે, ‘મીઠીબાઈ કૉલેજમાં જ્યારે હું ભણતો હતો ત્યારે મારી સાથે મકરંદ દેશપાંડે, આતિશ કાપડિયા, જે. ડી. મજીઠિયા, દેવેન ભોજાણી, પરેશ ગણાત્રા, આશુતોષ ગોવારીકર, ઉત્તંક વોરા, વિપુલ અમૃતલાલ શાહ, દિલીપ જોશી, બકુલ ઠક્કર જેવા અઢળક લોકો હતા. એ સમયે નાટકોની કૉમ્પિટિશન ખૂબ થતી. ઇન્ડિયન નૅશનલ થિયેટરની એક કૉમ્પિટિશનના નાટક માટે પ્રખ્યાત લેખક અને ડિરેક્ટર નીરજ વોરા જે ત્યારે અમારી સાથે કૉલેજમાં હતા તેઓ મને ખેંચી ગયા. એ નાટકમાં એક નેપાલી ગુરખાનો રોલ તેમણે મને આપ્યો. એ કામ જોઈને મને મારું બીજું નાટક મળ્યું ‘તા થૈયા’ જેના દિગ્દર્શક મહેન્દ્ર જોશી હતા. આ નાટક પછી મને મળ્યું મારું પહેલું કમર્શિયલ નાટક, જેનું નામ હતું ‘મહારથી’. એ સમયે પરેશ રાવલ કૉલેજમાં મારા સિનિયર હતા જે આ નાટકના ડિરેક્ટર હતા. આમ ધીમે-ધીમે નાટકોના વિશ્વમાં મેં પ્રવેશ લીધો. ૧૯૮૧થી ૧૯૯૨ મેં આ કામ શોખ માટે કર્યું અને ૧૯૯૨ પછીથી આ કામને મેં મારી કરીઅર બનાવી, પણ નિયમિત આવક માટે હું લાંબો સમય જુદી-જુદી નોકરીઓ કરતો રહ્યો. મેં કૅશિયર, અકાઉન્ટન્ટ, પ્રોડક્ટ સેલ્સમૅન, મેડિકલ રિપ્રેઝન્ટેટિવ જેવી જુદી-જુદી ઘણી નોકરીઓ કરી અને એની સાથે-સાથે નાટકો કરતો રહ્યો.’
પ્રેમલગ્ન
૨૧ વર્ષની વયે શેખર શુક્લને પોતાના પાડોશમાં રહેતી આશા નામની જૈન કન્યા સાથે પ્રેમ થઇ ગયો. એ રસપ્રદ વાત કરતાં તેઓ કહે છે, ‘હું બ્રાહ્મણ અને તે જૈન. એ સમયે હું જુહુ જિમખાનામાં નોકરી કરતો હતો. મારો મહિનાનો પગાર ૧૨૦૦ રૂપિયા હતા અને તેને દરરોજની પૉકેટમની તરીકે પપ્પા પાસેથી ૨૦૦ રૂપિયા મળતા હતા. મારાં સાસુનો આ લગ્ન માટે ખાસ્સો વિરોધ હતો. એટલે કોઈ ઑપ્શન જ નહોતો અને અમે ભાગીને લગ્ન કર્યાં. એ દિવસે મારા નાટક ‘મહારથી’નું ગ્રૅન્ડ રિહર્સલ હતું. હું એમાં ન જઈ શક્યો. મેં તેમને જાણ કરી કે હું તો ભાગીને લગ્ન કરી રહ્યો છું. એ સમયે એક ડ્રેસ અને ચાંદીનું મંગલસૂત્ર આપીને હું મારી પત્નીને ઘરે લાવ્યો હતો. આશાએ ખરેખર જે પ્રકારનો સાથ મને જીવનભર આપ્યો છે એનો હું ઋણી રહીશ. આજે અમારો સાથ ૩૭ વર્ષનો છે અને એ સાથનું ફળ એટલે અમારો ૩૧ વર્ષનો દીકરો કૃષ્ણ, જે દાદાજીની જેમ ભણવામાં ખૂબ હોશિયાર સાબિત થયો અને આજે ડિજિટલ માર્કેટિંગમાં આગળ વધી રહ્યો છે.’
નામ બદલવું પડ્યું
જેમને તેમના પ્રેક્ષકો શેખર શુક્લના નામે ઓળખે છે તેમનું ઓરિજિનલ નામ એ છે જ નહીં. એ વાતનો ફોડ પાડતાં તેઓ કહે છે, ‘નાનપણથી મારું નામ ચંદ્રશેખર શુક્લ, પરંતુ નાટકની એક નાનકડી જાહેરખબર છાપામાં આપવાની હતી. એ સમયે નાટકના PRO મનહર ગઢિયાએ કહ્યું કે તારું નામ ખૂબ મોટું છે, જો છપાવીશ તો એ બે સેન્ટિમીટરના વધુ પૈસા જઈ રહ્યા છે. નાટકોમાં બજેટ ઓછું હોય ત્યારે કેવી-કેવી વસ્તુઓ કરવી પડે. એ નાટકના શરૂઆતના દિવસો હતા એટલે છાપામાં નામ આવે તો આપણને પણ ગમે. મને થયું કે મોટા નામના ચક્કરમાં મારું નામ સાવ કાઢી જ નાખશે. મેં તેમને કહ્યું કે કંઈક કરોને. તો તેમણે મને સજેશન આપ્યું કે એક કામ કર, ચંદ્રશેખરનું શેખર કરી નાખું છું. મને થયું કે ચાલો, આ રીતે પણ નામ છપાતું હોય તો વાંધો નથી. ત્યારથી મારું નામ ચંદ્રશેખરમાંથી શેખર શુક્લ થઈ ગયું. જોકે હજી પણ મારા બધા ડૉક્યુમેન્ટમાં ચંદ્રશેખર જ નામ છે, શેખર નહીં. પણ મારા દર્શકો મને શેખર શુક્લના નામે ઓળખે છે. જોકે નાટકોમાં મને ‘શેશુભાઈ’ના નામે ઓળખે છે. આ નામ મને ઍક્ટર મહાવીર શાહે આપ્યું હતું. શેખરનું શે અને શુક્લનું શુ લઈને તેમણે ‘શેશુભાઈ’ નામ રાખી દીધું.’
ટીવી સાથેનો સંબંધ
નાટકોમાં તેમને ખેંચી લાવનાર પહેલા ગુરુ નીરજ વોરા, કમર્શિયલ નાટકોમાં બ્રેક દેનાર બીજા ગુરુ એટલે મહેન્દ્ર જોશી અને એ પછીના ત્રીજા ગુરુ એ શફી ઇનામદાર; એમ વાત કરતાં શેખર શુક્લ કહે છે, ‘શફીભાઈએ મારા કામને ખૂબ વખાણ્યું અને મને અધિકારી બ્રધર્સ પાસે લઈ ગયા. તેમની સાથે મેં મારા જીવનની પહેલી સિરિયલ ‘તેરી ભી ચુપ મેરી ભી ચુપ’ કરી જેમાં મેં સુબ્રમણ્યમ સ્વામી નામનું કિરદાર કરેલું હતું. એ પછી તો તેમની જ ‘શ્રીમાન-શ્રીમતી’, ‘ફિલિપ્સ ટૉપ ટેન’ જેવી સિરિયલોમાં પણ કામ કર્યું. અધિકારી બ્રધર્સ માટે તો અમે તેમના જમાઈ ગણાતા. દરેક સિરિયલમાં નાના-મોટા રોલમાં હું હોઉં જ. આમ અઢળક સિરિયલોમાં કામ કર્યું. ધીરજ કુમારની ‘ઘર કી લક્ષ્મી બેટિયાં’માં પણ કામ કરવાની ખૂબ મજા આવી. અને એ પછી ‘અનુપમા’ મળી. શરૂઆતમાં ૩ મહિનાનો નાનો રોલ હતો એમાં, જે પાછળથી ૩ મહિના લંબાવાયો અને પછી એ એટલો પૉપ્યુલર બન્યો કે ૩ વર્ષ સુધી મેં એ સિરિયલ કરી. FIR સિરિયલ મેં સાડાનવ વર્ષ કરી જેમાં જુદા-જુદા ૬૫૦થી પણ વધુ કિરદાર મેં નિભાવ્યા છે. આ બાબતે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પણ મળી શક્યો હોત, પરંતુ પ્રોડ્યુસરે ખાસ સાથ ન આપ્યો એટલે રેકૉર્ડ રજિસ્ટર ન થયો.’
કામ માટેની નિષ્ઠા
તમને જીવનમાં કોઈ બાબતનો અફસોસ રહ્યો છે? આ વાતનો જવાબ આપતાં શેખર શુક્લ કહે છે, ‘ના, બિલકુલ નહીં. જે કામ મારે હસ્તક આવ્યું એ બધું હું કરતો ગયો. એમાં મેં કોઈ જગ્યાએ અપ્રામાણિકતા દાખવી નથી. એટલે નિયતિએ જે માર્ગો ખોલ્યા હતા એ માર્ગો પર હું નિષ્ઠાથી ચાલ્યો. નાનપણના ચંદ્રશેખરને તો અકાઉન્ટન્ટ જ બનવું હતું. એની બદલે તે આજે લોકોને હસાવતો, ખુશ કરતો એક કલાકાર બની ગયો છે એ વાતની ખુશી છે. બાકી કરવાનું ઘણુંબધું છે. અંદર રહેલો આર્ટિસ્ટ તો ઊછળ્યા કરે છે. તેને સતત નવું-નવું કરતા રહેવું છે. ખુદની દિશાઓ વિસ્તારવી છે. એટલે ક્રીએટિવ ભૂખ તો ઘણી છે.’
FIR સિરિયલ મેં સાડાનવ વર્ષ કરી જેમાં જુદા-જુદા ૬૫૦થી પણ વધુ કિરદાર મેં નિભાવ્યા છે. આ બાબતે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પણ મળી શક્યો હોત, પરંતુ પ્રોડ્યુસરે ખાસ સાથ ન આપ્યો એટલે રેકૉર્ડ રજિસ્ટર ન થયો.

