ફિલ્મોના શૂટિંગ શરૂ થતા કલાકારો થયા ખુશ
રેમો ડિસોઝા કામ શરૂ કરીને ખુશ છે. તેમણે ગોવામાં એક મ્યુઝિક વિડિયો શૂટ કર્યો છે. તેમણે ‘લોગ ક્યા કહેંગે’નું શૂટિંગ તાજેતરમાં કર્યું છે. આ વિડિયોમાં રેમોની સાથે પુનિત પાઠક, ધર્મેશ યેલાન્ડે, રાહુલ શેટ્ટી, અભિનવ શેખર, સલમાન યુસુફ ખાન અને સુશાંત જોવા મળશે. કામ વિશે રેમોએ કહ્યું હતું કે ‘ઘણા સમય બાદ સેટ પર પાછો ફરીને ખુશ છું. અનુભવ થોડો અલગ હતો, પરંતુ કામ બંધ હોવાથી જે એનર્જી અને ઉત્સાહ કૅમેરાની સામે આવવાનો છે એ ખરેખર અદ્ભુત હતો. આશા રાખીએ છીએ કે જેટલો આનંદ અમને આ ગીત બનાવવામાં મળ્યો છે એટલી ખુશી લોકોને એને જોઈને મળશે.’
‘હંગામા 2’ના શૂટિંગ માટે પરેશ રાવલ, શિલ્પા શેટ્ટી કુન્દ્રા, મીઝાન અને પ્રણીતા સુભાષ મનાલીમાં પહોંચી ગયાં છે. આ ફિલ્મ 2003માં આવેલી ‘હંગામા’ની સીક્વલ છે. ફિલ્મની ટીમે પ્લેનની બહાર રહીને ફોટો પણ ક્લિક કર્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શિલ્પાએ કૅપ્શન આપી હતી કે ‘કોવિડ-19 ટેસ્ટ અને માસ્ક બધું કર્યું છે. હવે અમે નીકળી પડ્યાં છીએ. હવે મનાલીમાં હંગામા કરવાનો સમય છે.’
ADVERTISEMENT
સલમાન ખાને ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’નું શૂટિંગ શરૂ કરતાં ખુશી વ્યક્ત કરી છે. આ ફિલ્મને પ્રભુ દેવા ડિરેક્ટ કરી રહ્યો છે. ફિલ્મમાં દિશા પટણી, જૅકી શ્રોફ અને રણદીપ હુડા પણ જોવા મળશે. કોરોનાને કારણે લાગેલા લૉકડાઉનને જોતાં ફિલ્મનું શૂટિંગ અટવાઈ પડ્યું હતું. હવે સાવચેતીની સાથે ધીરે-ધીરે ફિલ્મો અને સિરિયલ્સનું શૂટિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. સેટ પરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સલમાને કૅપ્શન આપી હતી કે ‘સાડાછ મહિના બાદ શૂટિંગ શરૂ કરી રહ્યો છું. એ વાતથી ખુશ છું.’

