૪૦૦૦ વરસ જૂના એ શિલાલેખમાં જે મોંઘવારીની વાત કરી છે એ મોંઘવારી વિશે આપણે કલ્પના કરી શકતા નથી. કઈ ચીજવસ્તુઓ આ મોંઘવારીની ઝપટમાં આવી હશે
પ્રતીકાત્મક તસવીર
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણએ પોતાના એક પુસ્તકમાં પ્રાચીનકાળના અર્થતંત્રનો ઉલ્લેખ કર્યો છે. આ ઉલ્લેખમાં એવા જ એક ૪૦૦૦ વરસ જૂના શિલાલેખમાં જે લખાયું છે એની વાત કરી છે. એમાં લખ્યું છે, ‘જમાનો બહુ બારીક છે, મોંઘવારી ખૂબ વધી ગઈ છે... ઇત્યાદિ.’
અહીં તેમણે મોંઘવારીનો ઉલ્લેખ કર્યો છે. ૪૦૦૦ વરસ જૂના એ શિલાલેખમાં જે મોંઘવારીની વાત કરી છે એ મોંઘવારી વિશે આપણે કલ્પના કરી શકતા નથી. કઈ ચીજવસ્તુઓ આ મોંઘવારીની ઝપટમાં આવી હશે એ વિશે કંઈ કહી શકાય નહીં, પણ ૪૦૦૦ વરસ પહેલાં પણ લોકજીવનને મોંઘવારી નડે છે એ લાગણી ભારે આશ્ચર્યપ્રેરક છે.
ADVERTISEMENT
આ ૪૦૦૦ વરસથી સીધો કૂદકો આપણે વીસમી સદીના આરંભમાં મારીએ. મારા માતામહ એટલે કે નાનાજી વ્યવસાય અર્થે રંગૂનમાં રહેતા હતા. માતામહી અને ઘરકુટુંબ સૌરાષ્ટ્રના ગામડાના ઘરે જ રહેતું. માતામહ રંગૂનથી દર મહિને પત્ની તથા બાળકના પોષણ અર્થે ખરચીના કહેવાતા દસ કે પંદર રૂપિયા મોકલતા. માતામહી સાવ નિરક્ષર હતાં. આ ખરચીના રૂપિયાની પહોંચ તેઓ કોઈક પાસે લખાવતાં. આવો એક લખાવેલો પત્ર અચાનક મારા હાથમાં આવી ચડ્યો હતો. આ પત્રમાં માતામહીએ લખાવ્યું છે...
‘ખરચીના રૂપિયા દસ મળ્યા છે. એક મણ ઘઉં અને એક મણ બાજરો ઘરમાં ભરી લીધો છે. મોંઘવારી કાળઝાળ છે. ઘઉંનો ભાવ દોઢ રૂપિયો થયો છે...’
૪૦૦૦ વરસ પહેલાં જે મોંઘવારીનો ઉલ્લેખ પેલા શિલાલેખમાં છે એવો જ ઉલ્લેખ આ ૧૦૦ વરસ પુરાણા પત્રમાં પણ મળે છે. આ મોંઘવારી શું છે? આજે ૨૦૨૫માં મોંઘવારી વિશેની વાત થઈ રહી હતી ત્યારે એક પરિવારમાં મધ્યમ વર્ગની એક ભદ્ર મહિલા તેના પતિને કહી રહી હતી કે મારી સાડી સાથે મૅચ થાય એવાં બે જોડી ચંપલ હજી મારે લેવાનાં છે. આ મહિલા પાસે દસેક જોડી ચંપલ તો હતાં જ, પણ આમ છતાં બધી સાડીઓના રંગ સાથે એ મૅચ થતાં નહોતાં એનો તેને અસંતોષ હતો. કૉલેજમાં ભણતા તેમના પુત્ર પાસે જુદા-જુદા રંગ અને ડિઝાઇનનાં સાત જોડી પગરખાં હતાં અને છતાં તેને એ ઓછાં લાગતાં હતાં, કેમ કે નવી-નવી ડિઝાઇનમાં પાર વિનાનાં પગરખાં બજારમાં દેખાઈ રહ્યાં હતાં અને આ કૉલેજિયન પુત્રને એ ડિઝાઇન પોતાની પાસે ન હોવાની ઓછપ સાલતી હતી.
૧૯૫૭ની દેશવ્યાપી ચૂંટણી ટાંકણે મોરારજી દેસાઈ કાંદિવલી આવ્યા હતા. કાંદિવલીની સભામાં વાર્તાલાપ પણ થયો હતો. એક જુવાન શ્રોતાએ મોરારજીભાઈને પૂછ્યું કે મોંઘવારીનો આંક બહુ વધતો જાય છે, તમારી સરકાર શું કરવા ધારે છે? મોરારજીભાઈએ ત્યારે હસતાં-હસતાં વળતો પ્રશ્ન કર્યો હતો, ‘તમારા પિતા પાસે થોડાં વર્ષો પહેલાં કેટલા ઝભ્ભા હતા એનો વિચાર કરો અને આજે તમારી પાસે કેટલાં ખમીસ છે એ તપાસો એટલે તમને મોંઘવારી ક્યાં અને કેટલી છે એ ખ્યાલ આવી જશે.’
મોંઘવારી શું છે?
આપણી ખરીદશક્તિ અને જરૂરિયાતની ચીજવસ્તુ આ બે સાથેના સંબંધમાં જે ભાવતાલ ગોઠવાય છે એને આપણે મોંઘવારી કહી શકીએ. સોંઘવારી આપણને બધાને ગમે છે, પણ સોંઘવારી એટલે શું? એની આપણને કોઈને ખબર નથી. આ તો ખિસ્સામાં જે નાણું છે એ નાણું ઓછામાં ઓછું બહાર જાય અને એના બહાર જવાથી જે ચીજવસ્તુ આપણે મેળવીએ છીએ એનો જથ્થો જરૂરિયાત જેટલો અથવા જરૂરિયાતથી વધારે હોય એનો આપણને સંતોષ થાય છે. આ પરિસ્થિતિને આપણે સોંઘવારી કહીએ છીએ. સોનાનો ભાવ આજે લગભગ એક લાખ રૂપિયામાં એક તોલાના હિસાબે પ્રવર્તી રહ્યો છે. જે દીકરીના બાપને આવા સમયે દીકરી માટે કરિયાવર કરવો છે તેના માટે આ અસહ્ય મોંઘવારી છે. આ સોનું અડધોઅડધ ભાવે ઊતરી જાય તો પેલો દીકરીનો બાપ રાજી થઈને એમ કહેશે કે સોંઘવારી થઈ ગઈ, પણ એ જ વખતે સોના-ચાંદીબજારમાં સોપો પડી ગયો હશે. ભાવ અચાનક ઘટવાથી માર્કેટ તૂટી ગઈ એમ કહેવાય. વેપારીઓ હાહાકાર કરવા માંડે. આ સોંઘવારી તેમને ગમતી હોતી નથી. એટલે કે સોંઘવારી અને મોંઘવારી આ બન્ને એવા ચકરાવા છે કે એ જ્યારે હરતા-ફરતા રહે છે ત્યારે કોઈકને ગમે છે અને કોઈકને નથી ગમતા. સૂર્ય જ્યારે પૂર્વમાં પ્રકાશતો હશે ત્યારે પશ્ચિમમાં અંધકાર છવાયેલો હશે. આથી ઊલટું એ જ્યારે પશ્ચિમમાં પ્રકાશતો હશે ત્યારે પૂર્વની પૃથ્વી અંધારી થઈ જશે.
માણસની જરૂરિયાતો વખતોવખત બદલાય છે. આવી જરૂરિયાતોની એ વધઘટ પણ કર્યા કરે છે. ક્યારેક જરૂરિયાત ન હોય છતાં પણ અમુકતમુક ચીજો પોતાની પાસે હોય એવી લાગણી એટલે કે અહંકાર તેને આવી ચીજવસ્તુઓ ખરીદવા માટે પ્રેરે છે. આવી પ્રેરણા વધતી જાય એટલે મોંઘવારી અને આ બધી પ્રેરણાનો સંતોષ પ્રાપ્ત ન થાય એટલે તેને મન જમાનો બારીક થઈ જાય છે.
ખેડૂતો માટે સરકાર વખતોવખત ટેકાના ભાવ જાહેર કરે છે. ખેડૂતોએ અમુકતમુક પાક મોટા પ્રમાણમાં ઉતાર્યા હોય એના ફળસ્વરૂપ બજારમાં ગ્રાહકોને એ સોંઘા ભાવે મળે એ સ્વાભાવિક છે. આ સોંઘા ભાવથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં તેમણે ધાર્યું હોય એટલું વળતર મળે નહીં. સરકાર આ ખેડૂતોનો ઉત્સાહ ટકાવી રાખવા માટે તેમના પાકને બજારમાંથી ઊંચા ભાવે ખરીદી લે છે. આને ટેકાના ભાવ કહે છે. આ ટેકાથી ખેડૂતો રાજી-રાજી થઈ જાય છે, પણ જે ગ્રાહકો સસ્તામાં મેળવવાની આશા રાખતા હતા તેઓ નિરાશ થઈ જાય છે. આમ સોંઘવારી-મોંઘવારીની અદલાબદલી થઈ જાય છે.
આ સોંઘવારી અને આ મોંઘવારી
સોંઘવારી અને મોંઘવારી વિશે વાત કરવાની એક ફૅશન લોકોમાં થઈ ગઈ છે. બન્ને એક પછી એક ચાલ્યા જ કરે છે. એ આપણે જ ચલાવીએ છીએ અને એને રોકી શકતા નથી. આપણે આપણી જરૂરિયાતો પર મર્યાદા મૂકીને અથવા તો જ્યારે જે પદાર્થો સસ્તામાં હાથવગા થાય છે એને વધુ ઉપયોગમાં લઈને આ સોંઘવારી અને મોંઘવારીનું ચક્ર હળવું કરી શકીએ છીએ ખરા. જો આટલું સમજી લઈએ તો ૪૦૦૦ વરસ પહેલાં અને આજે ૨૦૨૫માં જે અસંતોષ રહે છે એ કદાચ ઓછો થઈ જાય.
વાસ્તવમાં મોંઘવારી ગઈ કાલે હતી, આજે છે અને આવતી કાલે પણ આવી ને આવી જ રહેશે; પણ આપણે સોંઘવારી સાચવવી છે. ગઈ કાલે આપણને ગમતી હતી, આજે પણ ગમે છે અને આવતી કાલે પણ ગમશે. શરત માત્ર એટલી જ છે કે આપણે એને હળવે હાથે રમાડતા રહેવું પડશે.


