સોની ટીવી પર કૉમન મૅનની તકલીફોને વાચા આપતો શો ‘વાગલે કી દુનિયા - નયી પીઢી નએ કિસ્સે’ની લીડ ઍક્ટ્રેસ પરિવા પ્રણતિએ પોતાના જ શોના કેટલાક એપિસોડ લખ્યા છે
પરિવા પ્રણતિ
એવા લેખકો તમને મળી રહે જે ઍક્ટિંગ કરતા હોય પણ એવા ઍક્ટર્સ ભાગ્યે જ જોવા મળે જે લેખન પણ કરતા હોય. સોની ટીવી પર કૉમન મૅનની તકલીફોને વાચા આપતો શો ‘વાગલે કી દુનિયા - નયી પીઢી નએ કિસ્સે’ની લીડ ઍક્ટ્રેસ પરિવા પ્રણતિએ પોતાના જ શોના કેટલાક એપિસોડ લખ્યા છે. મૂળ કલાકાર જીવ એવી પરિવા ઍક્ટિંગની સાથે-સાથે ભવિષ્યમાં સારી લેખિકા તરીકે પણ કામ કરવા માગે છે.
‘હું જ્યારે પ્રેગ્નન્ટ હતી ત્યારે ઍક્ટિંગ બંધ હતી. એ સમયે મારી અંદરનો કલાકાર બેઠો થયો અને તેણે કલમ ઉપાડી. એ સમય સુધી મેં કશું જ લખ્યું નહોતું પરંતુ જ્યારે પહેલી વાર લખ્યું ત્યારે લાગ્યું કે આમાં તો ખૂબ મજા પડે છે. પછી એક વાત તો સમજાઈ ગઈ કે લખવાનું ચાલુ રાખીશ. એ પછી મારી જ સિરિયલમાં મને લખવાનો મોકો મળ્યો અને હવે તો ઘણા એપિસોડ અને વાર્તાઓ મેં લખી કાઢ્યાં છે. મજા એ છે કે મેકઅપ રૂમમાં રાહ જોતી હોઉં ત્યારે લખતી હોઉં છું. આમ કામ સતત ચાલ્યે રાખે છે. કેટલાક કન્સેપ્ટ પણ ડેવલપ કર્યા છે જે ભવિષ્યમાં અલગ-અલગ જગ્યાએ પિચ કરીશ.’
ADVERTISEMENT
આ શબ્દો છે સોની ટીવી પર આવતી ‘વાગલે કી દુનિયા - નયી પીઢી નએ કિસ્સે’માં વંદુ કે વંદના વાગલેનું મુખ્ય કિરદાર નિભાવનારી અભિનેત્રી પરિવા પ્રણતિના જે થોડા સમયથી આ સિરિયલની અભિનેત્રી જ નહીં, લેખિકા પણ છે. આ સિરિયલમાં જુદી-જુદી નાની-નાની વાર્તાઓને લઈને એપિસોડ બનતા હોય છે જેમાં અમુક વાર્તાઓ પરિવા પ્રણતિ લખે છે. વૅલૅન્ટાઇન્સ ડેની વાર્તા જેમાં વંદનાની દીકરી સખી વિવાનને પસંદ કરે કે કરણને એવા મુદ્દા સાથે યુવાન પ્રેમની કશ્મકશ વિશેની વાત રજૂ કરવામાં આવી હતી એ પરિવા પ્રણતિએ લખેલી વાર્તા હતી. ‘વાગલે કી દુનિયા’ સિવાય તે ખુદ માટે પણ લખે છે અને જુદા-જુદા કન્સેપ્ટ તેણે તૈયાર કર્યા છે.

હું અને ઍક્ટિંગ
પોતાની વાત કરતાં પરિવા પ્રણતિ કહે છે, ‘નાનપણમાં મને બધું જ બનવું હતું. ક્યારેક ટીચર, તો ક્યારેક ડૉક્ટર તો ક્યારેક ઇતિહાસકાર. એટલે જ હું કદાચ ઍક્ટર બની. એક ઍક્ટર
જુદા-જુદા દરેક કિરદાર નિભાવીને જીવે છે. એક જ જીવનમાં તેને ઘણુંબધું એકસાથે બનવાનો લાભ મળે છે. મારા કામની આ વસ્તુ મને સૌથી વધુ ગમે છે. મને ડ્રૉઇંગ અને ક્રાફ્ટમાં પણ ખૂબ રસ હતો. કંઈ ને કંઈ બનાવતી રહેતી હું. આજે એ કળાનો સદુપયોગ મારા દીકરાના પ્રોજેક્ટ બનાવીને કરું છું.’
‘વાગલે કી દુનિયા’ પહેલાં પરિવા પ્રણતિની ‘એક દૂસરે સે કરતે હૈં પ્યાર હમ’, ‘હમારી સિસ્ટર દીદી’, ‘ઇશ્ક કિલ્સ’, ‘ભાભી’ જેવી સિરિયલો પણ ખાસ્સી લોકપ્રિય થઈ હતી. શું તમને હંમેશાંથી ઍક્ટર જ બનવું હતું? એ વાતનો જવાબ નકારમાં આપતાં પરિવા પ્રણતિ કહે છે, ‘હું ગ્રાફિક ડિઝાઇનિંગ કરતી હતી ત્યારે મૉડલિંગ શરૂ કર્યું. મેં નહોતું વિચાર્યું કે ઍક્ટર બનીશ ક્યારેય. પરંતુ ૨૦૦૫માં ‘હોટેલ કિંગ્સ્ટન’ નામના શોમાં મને કામ મળ્યું. યે કામ માનો મેરી ઝોલી મેં આકે ગિર ગયા. કેટલાક લોકો હોય જે શીખીને કામ કરે. મેં કામ કરતાં-કરતાં શીખ્યું. એક પછી એક પ્રોજેક્ટ મળતા ગયા. હવે ૨૦ વર્ષ થશે મને આ ઇન્ડસ્ટ્રીમાં. ઘણું મળ્યું છે અને ઘણું હજી મેળવવાનું બાકી છે.’
નામ છે ખાસ
તમારું નામ ઘણું અનોખું છે, એનો અર્થ શું? એ પ્રશ્નનો જવાબ આપતાં પરિવા પ્રણતિ કહે છે, ‘પરિવાનો અર્થ થાય એકમનો ચંદ્ર અને પ્રણતિનો અર્થ થાય પ્રાર્થના કે નમન. એકમના ચંદ્રને નમન એવો અર્થ થાય આખા નામનો. મારાં ફૈબાએ પડેલું આ નામ. આમ તો મારી સરનેમ સિંહા હતી પરંતુ મારું નામ જ એવું હતું કે મેં હંમેશાં ફક્ત નામ જ વાપર્યું. હું બિહારી છું પણ પપ્પા ઍરફોર્સમાં હતા એટલે ભારતમાં જુદી-જુદી જગ્યાએ ટ્રાન્સફર થતી રહી અને એ રીતે મોટી થતી ગઈ. વધુ સમય તો લખનઉમાં ઊછરી. એ દિવસો હંમેશાં યાદ રહી જાય એવા હતા. ઘરમાં અને જીવનમાં પહેલેથી ખૂબ શિસ્તબદ્ધ માહોલ જ જોયો છે એટલે આજે પણ જીવન ઘણી હદે શિસ્તબદ્ધ જ જીવું છુ.’
ગંદકીથી તકલીફ
તમને કોઈ વસ્તુનો ફોબિયા ખરો? આ પ્રશ્નનો જવાબ આપતાં પરિવા પ્રણતિ કહે છે, ‘ભૂત-બૂતમાં હું માનતી નથી. ઊલટું ભૂતની વાર્તા લખવાનું મને ખૂબ ગમે. મને જેનો સૌથી વધારે ડર લાગે છે એ છે ગંદકી. મારાથી ગંદકી સહન જ નથી થતી. ઘરમાં જ નહીં, બહાર પણ બધી જ જગ્યાએ સફાઈની અતિ દુરાગ્રહી છું હું. કોઈ ગમે ત્યાં થૂંકે કે કચરો ફેંકે તો એ મારાથી જોવાય નહીં. તેમને એક નાનું લેક્ચર તો મેં સફાઈ પર આપી જ દીધું હોય. કોઈ જગ્યાએ ગંદકી હોય તો મારો જીવ ત્યાં જ ચોંટેલો હોય, એ સાફ ન થાય ત્યાં સુધી મને સતત એ ખટક્યા કરતું હોય.’
કોઈ વસવસો નહીં
કંઈ છે જે જીવનમાં રહી ગયું હોય અને એનો વસવસો હોય? આ પ્રશ્નનો ઝિંદાદિલીથી જવાબ આપતાં પરિવા પ્રણતિ કહે છે, ‘જીવનમાં કંઈ પણ કરવા માટે મોડું થતું નથી. મારો સ્વભાવ જ એવો છે કે હું સતત શીખવામાં માનું છું. કોઈ વસ્તુને છોડી નથી દેતી કે અફસોસ નથી કરતી કે આ તો નહીં થઈ શકે. સતત પ્રયાસ કરવામાં માનું છું. પ્રયાસ કરવાથી ફળ મળે છે. ટ્રાવેલ કરવું મને ખૂબ ગમે છે અને બકેટ-લિસ્ટમાં એની પ્રાથમિકતા મેં રાખી છે. આ સિવાય પૉટરી શીખવી છે. એના માટે સમય કાઢવો છે. એ હું ચોક્કસ શીખીશ.’
જીવનની શ્રેષ્ઠ પળ
પરિવા પ્રણતિનાં લગ્ન પુનીત સચદેવ, જે એક ઍક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે અને હાલમાં વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે તેમની સાથે ૨૦૧૪માં થયાં હતાં. જિંદગીની સૌથી યાદગાર પળ કઈ? આ પ્રશ્નનો જવાબ આપતાં પરિવા પ્રણતિ કહે છે, ‘આમ તો આપણે ઇચ્છીએ કે જીવનની દરેક પળ યાદગાર હોય પણ હકીકતે થાય છે એવું કે અમુક પળો તમારા જીવનમાં બાજી મારી જાય છે. દરેક સ્ત્રી માટે મને લાગે છે કે એ પળ જ્યારે તે મા બને છે એ પળ ખૂબ ખાસ હોય છે. આજથી સાત વર્ષ પહેલાં મારા જીવનમાં આ પળ આવેલી. કહેવાય છે કે એક સ્ત્રીનો નવો જન્મ હોય છે મા બનવું. મેં એ સાંભળેલું ઘણું, પણ અનુભવ્યું એ જ સમયે. મારો દીકરો રુશાંક મારા જીવનની સૌથી મોટી ખુશી છે. તેની સાથે-સાથે હું ઘણું શીખી છું. જ્યારે હું મા બની ત્યારે મેં મારી મમ્મીને કહ્યું હતું કે આજે મને સમજાય છે કે ભૂલો કરી-કરીને યોગ્ય મા બનવાનું શીખવાનું હોય છે. કોઈ સ્ત્રી જન્મથી સારી મા નથી હોતી, તેણે બનવું પડે છે.’
પ્રાણીપ્રેમી જીવ
પરિવા પ્રણતિ પ્રાણીપ્રેમી જીવ છે. પોતાના કામમાંથી સમય કાઢીને શેરીનાં કૂતરા-બિલાડાને ખવડાવવા તે નીકળી પડે છે. તેની પોતાની પાસે ૩ કૂતરાઓ અને ૪ બિલાડીઓ મળીને કુલ ૭ પ્રાણીઓ છે જેમને તેણે રેસ્ક્યુ કરેલાં છે. પોતાના આ પ્રેમ વિશે તે કહે છે, ‘અમે સેટ પર પણ ઘણાં પ્રાણીઓને પાળીએ છીએ. એ બધાને દરરોજ ખાવાનું આપીએ છીએ. આ પ્રાણીઓમાં મને ઈશ્વર દેખાય છે. એમને જેટલો પ્રેમ આપીએ એનાથી કેટલાય ગણો વધુ પ્રેમ એ લોકો આપણને આપે છે. મને એ વાતનો ખૂબ આનંદ છે કે આ પ્રાણીઓ મારા જીવનમાં છે. મને એમના વગર બિલકુલ ન ચાલે.’


