પોતાની પહેલી જ ફિલ્મ લાપતા લેડીઝ માટે IIFAનો બેસ્ટ સ્ક્રીનપ્લે રાઇટરનો અવૉર્ડ મેળવનારી સ્નેહા દેસાઈ અત્યારે આમિર ખાન પ્રોડક્શન્સ અને ફૅન્ટમ પ્રોડક્શન્સની નવી ફિલ્મો લખવામાં વ્યસ્ત છે
સ્નેહા દેસાઈ કિરણ રાવ સાથે.
પોતાની પહેલી જ ફિલ્મ લાપતા લેડીઝ માટે IIFAનો બેસ્ટ સ્ક્રીનપ્લે રાઇટરનો અવૉર્ડ મેળવનારી સ્નેહા દેસાઈ અત્યારે આમિર ખાન પ્રોડક્શન્સ અને ફૅન્ટમ પ્રોડક્શન્સની નવી ફિલ્મો લખવામાં વ્યસ્ત છે. સ્નેહા કહે છે, ‘માગ્યા વિના જો ભગવાન મને આટલું આપતો હોય તો માગીને હું શું કામ મારી જાતને નાની કરું, કારણ કે એ આપે છે એટલું માગવાની તો મેં કલ્પના પણ નહોતી કરી’
‘હું રાઇટર છું જ નહીં!’
ADVERTISEMENT
આમિર ખાન પ્રોડક્શન્સની બેતહાસા વખણાયેલી ફિલ્મ ‘લાપતા લેડીઝ’ની સ્ક્રીનપ્લે રાઇટર સ્નેહા દેસાઈના મોઢે તમે આવું સાંભળો તો તમને નૅચરલી ઝાટકો લાગે, પણ સ્નેહાની લાઇફ-જર્ની સાંભળ્યા પછી તમે તેની વાત સાથે એ રીતે સહમત થાઓ ખરા કે તે જે દૃષ્ટિકોણથી વાત કરે છે એમાં સહેજ પણ ખોટી નથી. ‘લાપતા લેડીઝ’ને ભારત તરફથી ઑસ્કરમાં મોકલવામાં આવી હતી. આ જ ફિલ્મ માટે સ્નેહાને IIFAમાં બેસ્ટ સ્ક્રીનપ્લે રાઇટર માટે અવૉર્ડ પણ મળ્યો. સ્નેહા અત્યારે જબરદસ્ત બિઝી છે. તે જે. ડી. મજીઠિયાની ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ લખે છે તો સાથોસાથ તે જે.ડી.ની જ ‘વાગલે કી દુનિયા’માં પણ સ્પેશ્યલ રાઇટર તરીકે જોડાયેલી છે. સ્નેહા કહે છે, ‘હું ક્યારેક લખીશ એવું મેં વિચાર્યું સુધ્ધાં નહોતું. અરે, મેં સપનામાં પણ એવું નહોતું વિચાર્યું કે હું રાઇટર તરીકે કરીઅર ડેવલપ કરીશ અને એટલે જ હું કહું છું કે જો મેં મારી કરીઅરનો સ્ક્રીનપ્લે લખ્યો હોત તો એટલો સારો ન લખાયો હોત જેટલો સરસ સ્ક્રીનપ્લે ભગવાને મારી કરીઅરનો લખ્યો છે.’
આમિર ખાન પ્રોડક્શન્સ અને ફૅન્ટમ પ્રોડક્શન્સ જેવાં એ-લિસ્ટ પ્રોડક્શન હાઉસિસની ફિલ્મો લખવામાં વ્યસ્ત સ્નેહા દેસાઈની જિંદગી નજીકથી જોવા જેવી છે.
ક્રેડિટ સ્ટાર્ટ્સ...
એન. એમ. કૉલેજમાંથી BCom કરનારી સ્નેહાએ ટેન્થ સુધીનું એજ્યુકેશન એચ.એમ.એન. હાઈ સ્કૂલમાંથી લીધું. સ્નેહાની ફૅમિલીમાં કોઈ ક્રીએટિવ ફીલ્ડમાં આવ્યું હોય એવું દૂર-દૂર સુધી બન્યું નહોતું. સ્નેહા કહે છે, રાઇટિંગ, ઍક્ટિંગ કે પોએટ્રી કરવી એ બધી વાતો અમારી ચર્ચામાં પણ ક્યારેય ન આવે.
સ્નેહાના પપ્પા તુષાર પારેખ બિઝનેસમૅન. પ્લાસ્ટિક સપ્લાયનો તેમનો બિઝનેસ. મમ્મી ભાવના પારેખ ઘર સંભાળે. બે નાનાં ભાઈ-બહેન. સ્નેહાની નાની બહેન નમિતા અત્યારે UKમાં છે અને LinkedIn નામની પૉપ્યુલર કૉર્પોરેટ વેબસાઇટની કંપનીમાં સિનિયર પોઝિશન પર છે તો ભાઈ પપ્પાનો બિઝનેસ સંભાળે છે. સ્નેહા કહે છે, ‘મારે બે વાત ખાસ કહેવી છે. ઘરમાં કોઈ ક્રીએટિવ ઍટ્મૉસ્ફિયર નહીં, પણ એની સાથોસાથ કોઈ જાતનું બંધન પણ નહીં. બધાને નાનપણથી વાંચવાનો શોખ એટલે ખૂબબધાં પુસ્તકો અને ન્યુઝપેપર નિયમિત ઘરે આવે, પણ મનમાં તો મને એમ જ કે આપણે કૉર્પોરેટ જૉબ કરવી છે અને તૈયારી પણ એની જ ચાલે.’
વાંચનની એક ખાસિયત છે. એ તમારી અભિવ્યક્તિ વધારે. સ્નેહા સાથે પણ એવું જ થયું. વાંચનનો જબરદસ્ત શોખ હોવાને કારણે તેને કવિતાઓ લખવાની આદત પડી, પણ એ માત્ર અંગત શોખ પૂરતી સીમિત રહી. સ્નેહા કહે છે, ‘પર્ફોર્મિંગ આર્ટ્સ સાથે દૂર-દૂર સુધી એ પછી પણ નિસબત નહીં. હા, એક્સ્ટ્રા કરિક્યુલર ઍક્ટિવિટીરૂપે સ્કૂલ-કૉલેજમાં વક્તૃત્વસ્પર્ધા, નિબંધસ્પર્ધા કે નાટકોમાં ભાગ લીધો હોય; પણ એની ગણતરી તો એક્સ્ટ્રા ઍક્ટિવિટીમાં જ થતી અને હું પણ એને એ જ રીતે જોતી.’
BCom પૂરું કર્યા પછી સ્નેહાએ NMIMS યુનિવર્સિટીમાંથી સેલ્સ ઍન્ડ માર્કેટિંગ મૅનેજમેન્ટમાં માસ્ટર્સ શરૂ કર્યું. સ્નેહા કહે છે, ‘એ સમયે ક્લિયર હતું કે આપણે કૉર્પોરેટ સેક્ટરમાં આગળ વધીશું. જોકે અહીં એક નાનકડો ટ્વિસ્ટ આવ્યો. કૉલેજમાં હતી ત્યારે મારા આલાપ દેસાઈ સાથે એન્ગેજમેન્ટ થયા.’
આલાપ દેસાઈ મ્યુઝિકલ ફૅમિલી સાથે જોડાયેલા છે. આલાપ અને સ્નેહાનાં લવ-અરેન્જ્ડ મૅરેજ છે. આલાપનાં પપ્પા-મમ્મી આશિત દેસાઈ અને હેમા દેસાઈ ગુજરાતી સુગમ સંગીતનાં બહુ રિસ્પેક્ટેડ નામ તો આલાપ પણ આજે સિરિયલો-ફિલ્મોના મ્યુઝિક કમ્પોઝિશનમાં જબરદસ્ત વ્યસ્ત છે. સ્નેહા કહે છે, ‘હું જ્યારે કૉર્પોરેટ કરીઅરની વાત કરતી ત્યારે આલાપ અને મારા ઇન-લૉઝ પાસેથી મને એવું સાંભળવા મળતું કે અમે બધા સ્ટેજ સાથે જોડાયેલા છીએ તો તારે શું કામ કૉર્પોરેટની નાઇન-ટુ-સિક્સની જૉબમાં ફિક્સ બંધાવું છે. હું પણ કંઈક ક્રીએટિવ કરું એવી તેમની સ્પષ્ટ ઇચ્છા મને દેખાતી, પણ ક્રીએટિવિટી જન્મજાત હોય એટલે મને થતું કે એવું તે હું શું કરું. હા, એક તબક્કે મને થયું કે મારે આ દિશામાં વિચારવું જોઈએ. જો મજા ન આવે તો ક્યાં હું મારી દુનિયામાં પાછી ન ફરી શકું. અહીં મને મારા સ્કૂલના દિવસોનો એક્સ્પીરિયન્સ કામ આવ્યો.’
‘લાપતા લેડીઝ’ ના શૂટિંગ વખતે
કટ ટુ, ફ્લૅશબૅક...
આગળ કહ્યું એમ સ્કૂલ અને કૉલેજના દિવસોમાં સ્નેહા દેસાઈ એક્સ્ટ્રા ઍક્ટિવિટીના ભાગરૂપે કવિતાઓ લખતી તો સાથોસાથ ઇન્ટરકૉલેજિયેટ નાટ્યસ્પર્ધામાં ભાગ લેતી. આ જ દિવસોમાં ઍક્ટ્રેસ અમી ત્રિવેદીએ પોતાનું પ્રોડક્શન હાઉસ અવનિ શરૂ કર્યું, જેનું પહેલું નાટક ‘લજ્જા તને મારા સમ’. આ નાટકમાં અમીબહેનની દીકરીનો એક નાનો રોલ હતો જેના માટે અમીબહેનને ૧૭-૧૮ વર્ષની છોકરી જોઈતી હતી. અમીબહેને સ્નેહાને ઑફર કરી અને સ્નેહાએ પપ્પા-મમ્મીને પૂછ્યું. સ્નેહા કહે છે, ‘અમીબહેન મારાં ટીચર હતાં એ એક જ કારણ જેને લીધે મને મારાં મમ્મી-પપ્પાએ નાટક માટે હા પાડી. રિહર્સલ્સમાં પણ અમીબહેન મને ઘરે લેવા આવે અને રિહર્સલ્સ પછી ઘરે મૂકી જાય. આ બધું જોયા પછી મમ્મી-પપ્પા ટેન્શન-ફ્રી થયાં અને આમ મેં પહેલું કમર્શિયલ નાટક કર્યું જેના ૩૬પ શો થયા. એ બધેબધા શો મેં કર્યા અને દુનિયાભરમાં ફરવા પણ મળ્યું. અમીબહેનને કારણે મારી લાઇફમાં આવેલો લાઇવ પર્ફોર્મન્સનો એ પહેલો અનુભવ. અફકોર્સ મારો રોલ ખાસ મોટો નહોતો, પણ અનુભવ
મળ્યો હતો એટલે સ્ટેજ સાથે હું કમ્ફર્ટેબલ હતી.’
દેસાઈ ફૅમિલીના થોડા આગ્રહને કારણે સ્નેહાએ નાટકોમાં ઍક્ટિંગ શરૂ કરી અને ‘ખેલૈયા’, ‘તમે આવ્યા, અમે ફાવ્યા’, ‘પપ્પુ પાસ થઈ ગયો’, ‘૭ x ૩ =૨૧’ જેવાં નાટકો કર્યાં અને આ જ દિવસોમાં તેનામાં રહેલા ગીતકારને પણ બહાર આવવા મળ્યું. સ્નેહા હસતાં-હસતાં કહે છે, ‘મને ખાતરી છે કે જ્યારે લોકો વાંચશે ત્યારે તેમને એમ જ લાગશે કે મારી લાઇફમાં બધું ફ્લુકલી થયું છે જે સાચું છે, પણ હું એમાં એટલો ઉમેરો કરીશ કે એ ફ્લુકને મેં ક્યારેય લાઇટ્લી લીધું નહીં. મેં મહેનત પૂરેપૂરી કરી.’
આ એ દિવસોની વાત છે જે દિવસોમાં મ્યુઝિક-ડિરેક્ટર સચિન-જિગર નાટકોનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક કરતા. સચિન-જિગર સાથે દોસ્તી થઈ. તેમણે એમ જ સ્નેહાને નાટકનું ટાઇટલ-સૉન્ગ લખવા કહ્યું અને સ્નેહાએ ટ્રાય કરવાનું નક્કી કર્યું. શબ્દો સાથેની એ જગલરી સ્નેહાને પર્ફેક્ટ ફાવી ગઈ અને ગીતકાર સ્નેહા દેસાઈ સામે આવ્યાં. અનેક નાટકોનાં ટાઇટલ-સૉન્ગ તેણે લખ્યાં. સ્નેહા કહે છે, ‘જો તમે સાથે હો, સફળ હો, લોકો તમારા કામનાં વખાણ કરતા હોય તો કમ્ફર્ટ ઝોન છોડવો ન જોઈએ. સચિન-જિગરે પણ એ જ કર્યું. તેમને ગુજરાતી ફિલ્મોમાં મ્યુઝિક માટે ઑફર આવવાની શરૂ થઈ અને તેમણે મને અપ્રોચ કર્યો. હું પણ સચિન-જિગર સાથે કમ્ફર્ટ હતી એટલે મેં પણ ગીતો લખવાની હા પાડી.’
‘કૅરી ઑન કેસર’, ‘મિડનાઇટ વિથ મેનકા’, ‘આઇ ઍમ ગુજ્જુ’, ‘ગોળકેરી’, ‘કચ્છ એક્સપ્રેસ’ જેવી ફિલ્મોમાં ગીતો લખનારી સ્નેહા પોલાઇટ્લી કહે છે, ‘હું આજે પણ કહું છું કે હું ગીતકાર છું, કવયિત્રી નહીં; કારણ કે કવિતાનું માધ્યમ જુદું છે, એનું વ્યાકરણ જુદું છે અને ફિલ્મી ગીતોનું વ્યાકરણ જુદું છે. કવિતાનું વ્યાકરણ હું ક્યારેય શીખી જ નથી, પણ ત્રણ-ત્રણ સંગીતકાર હોય એવી ફૅમિલીમાં રહું છું એટલે સંગીતની સમજ છે, ભાષા પ્રત્યે પ્રેમ છે એટલે શબ્દોનું વૈવિધ્ય છે અને એને ધ્યાનમાં રાખીને ગીત લખું છું. બાકી હું કવયિત્રી કે સાહિત્યકાર નથી જ નથી એ બધાએ યાદ રાખવું જોઈએ.’
‘લાપતા લેડીઝ’ ની ટીમ સાથે સ્નેહા દેસાઈ.
ટ્વિસ્ટ પે ટ્વિસ્ટ...
સ્નેહા કહે છે, ‘કોઈ મને પૂછે કે કેટલાં વર્ષથી રાઇટર છો તો હું કહું કે મારા દીકરા કવિત જેવડો છે એવડી મારી રાઇટિંગ-કરીઅર છે. કવિત અત્યારે ૧૩ વર્ષનો છે.’
વાત સાચી છે. કવિતના કારણે જ સ્નેહા દેસાઈની લાઇફમાં રાઇટિંગ આવ્યું. બન્યું એવું કે મૅરેજ પછી સ્નેહાના પ્રેગ્નસીના દિવસો ચાલતા હતા એટલે ઍક્ટિંગ સાઇડ પર રહી ગઈ. હવે ઘરમાં બેસીને કરવું શું એ પ્રશ્ન આવ્યો અને એમાં અગાઉ લખેલા નાટક ‘મીરા’નો અનુભવ કામ પર લાગી ગયો. સ્નેહા કહે છે, ‘એનસીપીએની ડ્રામા કૉમ્પિટિશન માટે ધર્મેન્દ્ર ગોહિલ સાથે ચર્ચા ચાલતી હતી અને મેં તેને ‘મીરા’નો સબ્જેક્ટ સંભળાવ્યો. ધર્મેન્દ્રએ જ મને પ્રેશર કર્યું કે અહીં વાત ફીમેલ-ફીલિંગ્સની છે તો તું જ એ નાટક લખ. મેં નાટક લખ્યું અને એમાં ઍક્ટિંગ પણ કરી. નાટકનાં ખૂબ વખાણ થયાં. એને અવૉર્ડ્સ પણ મળ્યા. એ પછી બીજા વર્ષે પણ કૉમ્પિટિશન આવી અને મેં ‘બ્લૅકઆઉટ’ લખ્યું. એ નાટક પણ ખૂબ વખણાયું. આટલો મારો અનુભવ, પણ એ અનુભવ મેઇન સ્ટ્રીમનો નહીં. પ્રેગ્નન્સી દરમ્યાન મને નાટકોની ઑફર આવે, પણ હું ના પાડું. એમાં મને પ્રોડ્યુસર-ફ્રેન્ડ ભરત નારાયણદાસ ઠક્કરે નાટક લખવા માટે કહ્ય્ું. ઘરમાં બેસીને મેં ‘ક કાનજીનો ક’ નાટક લખ્યું જેમાં ટીકુ તલસાણિયા હતા. મારું એ પહેલું કમર્શિયલ નાટક અને નાટક સુપરહિટ થઈ ગયું.’
એ પછી તો સ્નેહાએ ‘થોડું
લૉજિક, થોડું મૅજિક’, ‘કોડમંત્ર’, ‘સફરજન’, ‘શાતિર’, ‘વારસ’, ‘લગોરી’ જેવાં અનેક માઇલસ્ટોન નાટકો લખ્યાં. એમાંથી અમુક નાટકો તો મરાઠી અને હિન્દીમાં અડૉપ્ટ પણ થયાં. સ્નેહા કહે છે, ‘અહીંથી મારી લાઇફમાં એક નવો ટ્વિસ્ટ આવ્યો અને ટીવીસિરિયલ ઉમેરાઈ...’
ઇસ સ્ટેજ કે પ્રાયોજક હૈં...
જે. ડી. મજીઠિયા. હા, સ્નેહા દેસાઈની લાઇફમાં ટીવીસિરિયલનું રાઇટિંગ ઉમેરવાનું કામ ગુજરાતી પ્રોડ્યુસર જે.ડી.એ કર્યું છે. સ્નેહા કહે છે, ‘આ એ તબક્કાની વાત છે જ્યારે બધી જ ચૅનલો પોતાનાં રીજનલ કાઉન્ટર ખોલવાની દિશામાં કામ કરવા માંડી. બધાને મરાઠી, હિન્દી, તેલુગુ, તમિલ ચૅનલ શરૂ કરવી હતી એટલે સારા પ્રોડક્શન હાઉસે રીજનલ રાઇટર સાઇડ પર કરવાના શરૂ કર્યા. જે. ડી. અને આતિશ કાપડિયાએ મારો અપ્રોચ કર્યો અને મેં તેમના માટે ગુજરાતી શો લખવાનું શરૂ કર્યું, પણ જેટલા ઉત્સાહથી ચૅનલોએ રીજનલ ચૅનલનું કામ શરૂ કર્યું હતું એટલી જ નીરસતા સાથે એ કામ અટકી ગયું અને વાત પડી ભાંગી. જોકે ત્યાં સુધીમાં જે.ડી.-આતિશની સાથે ટ્યુનિંગ સારુંએવું થઈ ગયું હતું એટલે તેમણે મને એ લોકોનો શો ‘મિસિસ તેન્ડુલકર’ લખવા માટે અપ્રોચ કર્યો. તમને કહ્યું એમ દીકરો કવિત નાનો હતો એટલે ઍક્ટિંગ તો પૉસિબલ નહોતી. મેં શો લખવાની હા પાડી દીધી અને એ ટીવીસિરિયલથી મારી સિરિયલ-રાઇટિંગની જર્ની શરૂ થઈ.’
‘મિસિસ તેન્ડુલકર’થી શરૂ થયેલી સિરિયલ-રાઇટિંગની જર્ની દરમ્યાન સ્નેહાએ ‘આર. કે. લક્ષ્મણ કી દુનિયા’, ‘બ્યાહ હમારી બહૂ કા’, ‘એક દૂસરે સે કરતે હૈં પ્યાર હમ’, ‘યે તેરી ગલિયાં’, ‘પવિત્ર ભાગ્ય’, ‘દબંગી’ જેવા અનેક સુપરહિટ શો લખ્યા. આજે પણ એ જર્ની ચાલુ છે અને સ્નેહા સબ ટીવીની સિરિયલ ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ લખે છે. સ્નેહા કહે છે, ‘હવે દીકરાનું બહુ ધ્યાન નથી રાખવું પડતું એટલે વચ્ચે-વચ્ચે ઍક્ટિંગ કરી લઉં, પણ રાઇટિંગ હવે મેઇન સીટ પર આવી ગયું છે એવું કહેવું ખોટું નહીં કહેવાય. તમે તમારી નજર સામે એક નવી જ દુનિયા ખોલતા હો ત્યારે તમારો એ અનુભવ અવર્ણનીય હોય છે. તમે એ દુનિયામાં રહીને કંઈક એવું ક્રીએટ કરો છો જે ખરા અર્થમાં કાલ્પનિક હોય અને એ પછી પણ વાસ્તવિકતાની ખાસ્સું નજીક હોય.’
આ એ તબક્કાની વાત જે તબક્કામાં સ્નેહા નાટક અને સિરિયલ-રાઇટિંગ કરતી હતી અને આ જ સમયગાળામાં સ્નેહાને ઑફર આવી ફિલ્મની અને એ પણ સીધી યશરાજ ફિલ્મ્સ જેવા માતબર પ્રોડક્શન હાઉસમાંથી. સ્નેહા કહે છે, ‘એ ફિલ્મ ફ્લોર પર જાય એ પહેલાં જ તમને બીજી ફિલ્મ મળી જાય એ ભગવાનની જ ઇચ્છા કહેવાય.’
ઢેનટેણેન...
બન્યું એવું કે યશરાજ ફિલ્મ્સે આમિર ખાનના દીકરા જુનૈદ ખાનને લૉન્ચ કરવાનું નક્કી કર્યું અને એના માટે ‘મહારાજ’ નવલકથા અને એ જ ટાઇટલ સાથે બનેલા નાટકના રાઇટ્સ લઈને ફિલ્મનું ડિરેક્શન સિદ્ધાર્થ મલ્હોત્રાને સોંપ્યું. ફિલ્મનો સ્ક્રીનપ્લે ગુજરાતી રંગભૂમિના જાણીતા ડિરેક્ટર-રાઇટર વિપુલ મહેતાએ લખ્યો. હવે વાત આવી ડાયલૉગ-રાઇટરની અને સિદ્ધાર્થ મલ્હોત્રા-વિપુલ મહેતાએ કૉન્ટૅક્ટ કર્યો સ્નેહા દેસાઈનો. સ્નેહા કહે છે, ‘હું સ્ક્રીનપ્લેમાં ક્યાંય નહોતી, પણ ડાયલૉગ્સ લખતાં-લખતાં મને થયું કે આપણે નાનાં-મોટાં કરેક્શન કરવાં જોઈએ અને આ રીતે હું અસોસિએટ સ્ક્રીનપ્લે રાઇટર તરીકે પણ પ્રોજેક્ટમાં આવી.’
યશરાજ જેવું બૅનર હોય, આમિર ખાનના દીકરાનું લૉન્ચિંગ હોય અને એ પ્રોજેક્ટ પર કામ કરવાનું આવે તો તે ગાંડો જ હોય જે એ કરવાની ના પાડે! સ્નેહા દેસાઈએ આખો ડાયલૉગ ડ્રાફ્ટ તૈયાર કર્યો અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તે જુનૈદને નરેશન માટે ગઈ. સ્નેહા કહે છે, ‘મને ખાતરી હતી કે જુનૈદની સાથે આમિર ખાન અને કિરણ રાવ બેઠાં જ હોય અને એવું જ થયું હતું. મેં આખો ડ્રાફ્ટ સંભળાવી દીધો અને પછી અમે પ્રોજેક્ટની આડીઅવળી વાત કરીને છૂટાં પડ્યાં. તેમને મારું કામ ગમ્યું હતું, પણ કુદરત જુઓ કે કોવિડ આવી ગયો અને ‘મહારાજ’નું શૂટ જ શરૂ ન થયું. લૉકડાઉનમાં બધા ઘરમાં બેસી ગયા.’
એક દિવસ આમ જ ઘરમાં સ્નેહા દેસાઈ બેઠી હતી અને તેને આમિર ખાન પ્રોડક્શન્સમાંથી ફોન આવ્યો કે આમિરસર તમારી સાથે વાત કરવા માગે છે. સ્નેહાને એ આખો કૉલ યાદ છે. સ્નેહા કહે છે, ‘મને એમ કે ‘મહારાજ’ વિશે વાત કરવી હશે; પણ આમિરસરે લાઇન પર આવીને મને કહ્યું કે અમે એક સ્ટોરી ડેવલપ કરવા માગીએ છીએ, તમે એના પર કામ કરશો? મેં કહ્યું કે મને મોકલો, હું જોઈ લઉં અને એક જ મિનિટમાં મને ઈ-મેઇલ આવી ગઈ.’
એ સ્ટોરી એટલે ‘લાપતા લેડીઝ’. એ સમયે એનું ટાઇટલ હતું ‘ટૂ બ્રાઇડ્સ’. સ્નેહા કહે છે, ‘સ્ટોરી ડેવલપ થતાં-થતાં અમને લાગ્યું કે આપણે આનું ટાઇટલ ચેન્જ કરીને ‘લાપતા લેડીઝ’ કરવું જોઈએ અને અમે એ ચેન્જ કર્યું.’
આ છે ક્લાઇમૅક્સ
‘મહારાજ’ પછી મળેલી ફિલ્મ પહેલાં રિલીઝ થઈ અને ‘મહારાજ’ ત્યાર પછી OTT પ્લૅટફૉર્મ પર રિલીઝ થઈ. સ્નેહા કહે છે, ‘શૂટિંગ દરમ્યાન જે જાણવા અને શીખવા મળ્યું એ એક્સ્પીરિયન્સ દુનિયાની કોઈ ફિલ્મમેકિંગ સ્કૂલમાં શીખવા ન મળી શકે. પેપર પર સામાન્ય લાગતા સીનને કિરણમૅમ જ્યારે શૂટ કરતાં ત્યારે એને એ લેવલ પર મૂકી દે કે થઈ આવે કે તમે દુનિયાની બેસ્ટ ટૅલન્ટ સાથે જોડાયેલા છો. અમારો એક સીન હતો જેમાં ઘણા ડાયલૉગ્સ હતા; પણ શૂટ કરતી વખતે કિરણમૅમે સીન વાંચ્યો, રિહર્સલ્સ કરાવ્યાં અને એ પછી તેમણે નક્કી કર્યું કે આમાં આપણે એક પણ ડાયલૉગ નથી રાખવો. તેમણે બધા ડાયલૉગ કાઢીને એ સીનને એમ જ શૂટ કર્યો. એ સીન શૂટ થયા પછી અમે જોયો ત્યારે આખી ટીમ સ્પીચલેસ થઈ ગઈ હતી. આ ક્રીએટિવિટીની મજા છે. કોઈના કામને તમે વન-અપ કરો અને કોઈ તમારા કામને વન-અપ કરે તો જ બેસ્ટ રિઝલ્ટ બહાર આવે.’
મોટા ભાગના નૉન-ફિલ્મી લોકો માને છે કે આમિર ખાન પોતાના ડિરેક્ટર-રાઇટરના કામમાં બહુ ચંચુપાત કરે; જ્યારે અહીં તો આમિર પોતે પ્રોડ્યુસર હતો તો નૅચરલી બધાને એમ જ થાય કે આમિરનું જબરદસ્ત ઇન્ટરફિયરન્સ હશે, પણ આ ભ્રમ માત્ર છે. સ્નેહા કહે છે, ‘આમિરસર તમારી સામે પોતાનો પૉઇન્ટ-ઑફ-વ્યુ મૂકે ત્યારે પણ એટલા પોલાઇટ હોય કે તમે માની ન શકો કે તમે આમિર ખાન સાથે વાત કરો છો. સેકન્ડ્લી, તે હેલ્ધી આર્ગ્યુમેન્ટ કરે અને પછી તેમની પાસે આર્ગ્યુમેન્ટ ન હોય તો પ્રેમથી વાતને પડતી મૂકીને તમારા વિચાર પર આગળ વધી જાય. હું કહીશ કે આમિરસર સાચા અર્થમાં લીડર છે, નહીં કે બૉસ.’
એન્ડ ક્રેડિટ...
‘લગાન’ ઑસ્કરમાં ગઈ, ‘લાપતા લેડીઝ’ પણ ઑસ્કર માટે પસંદ થઈ. બન્ને પ્રોજેક્ટ આમિર ખાનના અને બન્નેમાં કિરણ રાવ પણ જોડાયેલાં હતાં. શું આ લકની વાત છે? સવાલ સાંભળતાં જ સ્નેહા કહે છે, ‘લક તેનું જ કામ કરે છે જે ખૂબબધું કામ કરે છે. આમિર ખાન એક્સ્ટ્રીમલી હાર્ડ વર્કર છે અને આમિર ખાન પ્રોડક્શન્સની એકેએક વ્યક્તિ એટલું કામ કરે છે કે તમે વિચારી પણ ન શકો. એક પ્રોજેક્ટ હાથમાં લે પછી બધાના મનમાં ૨૪ કલાક એ પ્રોજેક્ટ જ ચાલતો હોય છે, બીજી કોઈ વાત નહીં. આ લેવલનું ડેડિકેશન જોયા પછી તમારે કહેવું જ પડે કે તેમને સફળતા મળવી જોઈએ. ‘લાપતા લેડીઝ’ને જે કોઈ સક્સેસ મળી છે એ બધા માટે માત્ર ને માત્ર હાર્ડ વર્ક જ જવાબદાર છે. તમે જુઓને, આ પ્રોડક્શન હાઉસની ફેલ્યર પણ નોબલ ફેલ્યર છે...’
સ્નેહા અત્યારે બે હિન્દી ફિલ્મો પર કામ કરે છે, ટીવીસિરિયલ લખે છે. હજી ગયા મહિને જ સ્નેહાનું ગુજરાતી નાટક ઓપન થયું તો સાથોસાથ સ્નેહા અત્યારે એક ગુજરાતી ફિલ્મ પણ લખે છે. સ્નેહા કહે છે, ‘માગ્યા વિના જ્યારે આટલું મળ્યું હોય તો હવે ભગવાન પાસે માગવાનો કોઈ અર્થ નથી બનતો. મને ખાતરી છે કે હું માગીશ તો પણ બહુ ઓછું માગીશ તો પછી હું શું કામ માગું... હું ભલે સ્ક્રીનપ્લે લખતી, પણ મારી લાઇફનો સ્ક્રીનપ્લે ભગવાન લખે છે. જો મેં લખ્યો હોત તો બહુ નબળો લખ્યો હોત એ હું પોલાઇટ્લી કહીશ. આ એ ઇન્ડસ્ટ્રી છે જેમાં એક ફિલ્મ માટે લોકો આખી જિંદગી ઘસી નાખે છે અને મારી પહેલી જ ફિલ્મ આ લેવલ પર પહોંચે, લોકો વખાણે, તમારો પ્રોગ્રેસ લોકોને દેખાય, તમે ઑસ્કર માટે પસંદ થાઓ એ કંઈ નાની વાત નથી. હું કહીશ કે આટલું તો મેં પણ ભગવાન પાસે નહોતું માગ્યું ને મારા મેનિફેસ્ટેશનનો પાવર પણ આટલો નથી તો પછી જે ચાલે છે એને હાર્ડ વર્ક સાથે કરતા રહીએ અને આગળ વધતા જઈએ જ બેસ્ટ રીત કહેવાય અને મારે એ જ કરવું છે.’
ડિરેક્ટર બનીશ તો પહેલાં નાટકની ...
સ્નેહા કહે છે, ‘મારે વન-ટાઇમ વન્ડર બનીને નથી રહેવું અને એટલે જ હું દરેક કામને પહેલાં શીખતી હોઉં છું. ઍક્ટિંગ કરી તો એકધારી ઍક્ટિંગ કરી. રાઇટર બની તો મારું ફોકસ રાઇટિંગ જ રહ્યું અને હવે ફિલ્મો આવી છે તો પણ પહેલાં ફિલ્મ-રાઇટિંગ પર જ ફોકસ રાખીશ. ડિરેક્શન બહુ ટેક્નિકલ ઍસ્પેક્ટ છે. એમાં તમને ઘણાં પાસાંઓની ખબર હોવી જોઈએ એટલે મારું ફોકસ અત્યારે તો એ નથી જ; પણ હા, હું ડિરેક્શન કરીશ એવું મેં મનમાં વિચાર્યું છે.’
સ્નેહા સૌથી પહેલાં ગુજરાતી નાટક ડિરેક્ટ કરવા પર ધ્યાન આપશે. સ્નેહા કહે છે, ‘મારા મિત્ર અને પ્રોડ્યુસર ભરત નારાયણદાસ ઠક્કરની મને ઑફર છે જ કે તારે જ્યારે નાટક ડિરેક્ટ કરવું હોય ત્યારે કહેજે, એ નાટક હું પ્રોડ્યુસ કરીશ. નાટક ડિરેક્ટ કરવા પાછળ પણ ઘણાં કારણો છે જેમાંનું એક અને મહત્ત્વનું કારણ એ છે કે નાટકોએ મને પુષ્કળ આપ્યું છે. મારી તાલીમ ત્યાં થઈ છે અને એ મારું ફેવરિટ મીડિયમ છે.’
આમિરસર તમારી સામે પોતાનો પોઇન્ટ-ઓફ-વ્યુ મૂકે ત્યારે પણ એટલા પોલાઇટ હોય કે તમે માની ન શકો કે તમે આમિર ખાન સાથે વાત કરો છો. સેકન્ડલી, તે હેલ્ધી આર્ગ્યુમેન્ટ કરે અને પછી તેમની પાસે આર્ગ્યુમેન્ટ ન હોય તો તે પ્રેમથી વાતને પડતી મૂકીને તમારા વિચાર પર આગળ વધી જાય.
- સ્નેહા દેસાઈ
ઑનેસ્ટ્લી બહુ અઘરું કામ છે
સ્નેહા ખેલદિલી સાથે સ્વીકારે છે અને કહે છે કે ક્રીએટિવ રાઇટિંગ કરવાની મજા આવે, આનંદ આવે; પણ એ કામ છે સ્ટ્રેસફુલ. સ્નેહા કહે છે, ‘ક્રીએટિવ સ્ટ્રેસની પણ મજા છે એટલે કમ્પ્લેઇન નથી કરતી; પણ હા, ફૅમિલીને સાચવવી, વર્કલાઇફ બૅલૅન્સ કરવી એ બધું અઘરું લાગે. ઘણી વાર બધું હલી જાય ત્યારે અપસેટ પણ થઈ જવાય; પણ ઘરમાં બધા પ્રોફેશનલ્સ છીએ, બધા પર્ફોર્મિંગ આર્ટ્સ સાથે જોડાયેલા છીએ એટલે ઓછો વાંધો આવે.’
‘કોડમંત્ર’ નાટકમાં સ્નેહા ઍક્ટિંગ પણ કરતી હતી. સ્નેહાના નાટકનો શો શરૂ થવાને પંદર મિનિટની વાર હતી અને સ્નેહાને ફોન આવ્યો કે પપ્પા ગુજરી ગયા. સ્નેહા કહે છે, ‘નૅચરલી, તમે અપસેટ થઈ જાઓ. તમારી આંખ સામે બાળપણની એ બધી વાતો પણ આવી જાય, પણ એ પછીયે મને એવું નથી થયું કે આ બધું હું છોડી દઉં; કારણ કે હું માનું છું કે મારાં પર્સનલ ઇમોશન્સ સાથે મારા નાટકના, સિરિયલના કે ફિલ્મના પ્રોડ્યુસરને કંઈ લાગેવળગે નહીં. એ બધા સાથે ઊભા રહેશે, કંઈ બોલશે નહીં., અરે કો-ઑપરેટ પણ કરશે; પણ એનો અર્થ એવો નથી કે હું મારાં ઇમોશન્સને મારા પર હાવી થવા દઉં. ઘણી વાર એવું બન્યું છે કે બધી જ ડેડલાઇન એકસાથે આવી જાય અને એ જ વખતે દીકરાની એક્ઝામ હોય, ગેસ્ટ અચાનક ઘરે આવી જાય, સ્ટાફ રજા પર ઊતરી જાય અને તમે ટોટલી બ્લૅન્ક થઈ જાઓ. હવે ક્યાં દોડવું એ ખબર ન પડે. જોકે એમાંથી બહાર આવીએ ત્યારે થાય પણ ખરું કે તમે સરસ કામ કરી લીધું.’
નવા રાઇટર્સને સ્નેહા સલાહ આપે છે, ‘આ દુનિયાનું પિક્ચર રોઝી લાગતું હોય છે, પણ એવું નથી. આ સ્ટ્રેસફુલ દુનિયા છે. લખવું સહેલું હોઈ શકે; પણ લોકોને ગમે એવું લખવું, સમયસર લખવું અને નિયમિત લખતા રહેવું અઘરું છે.’

