આજે ફિફા વર્લ્ડ કપની પહેલી સેમી ફાઇનલ : રાતે ૧૨.૩૦ વાગ્યાથી લાઇવ
FIFA World Cup
ક્રોએશિયાનો લુકા મૉડ્રિચ (ડાબે) અને આર્જેન્ટિનાનો લિયોનેલ મેસી. તસવીર એ.એફ.પી.
યુરોપના ક્રોએશિયા દેશની ટીમ ૨૦૧૮ના ગયા ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં ફ્રાન્સ સામે હારી જતાં રનર-અપ રહી હતી, પરંતુ આ વખતે કતારના વર્લ્ડ કપમાં એને ચૅમ્પિયન બનવાનો ફરી મોકો મળી રહ્યો છે. ફાઇનલમાં ફરી ફ્રાન્સ આવશે કે નહીં એ તો આવતી કાલની બીજી સેમી ફાઇનલના અંતે ખબર પડશે, પરંતુ એ પહેલાં આજે (રાતે ૧૨.૩૦ વાગ્યાથી) ક્રોએશિયાએ આર્જેન્ટિના નામનું તેમ જ લિયોનેલ મેસી નામનું મોટું વિઘ્ન પાર કરવું પડશે.
કતારમાં ૨૦૨૨નો બાવીસમો ફિફા વર્લ્ડ કપ અપસેટોનો વર્લ્ડ કપ બન્યો છે. સાઉદી અરેબિયાએ આર્જેન્ટિનાને શરૂઆતમાં જ આંચકો આપ્યો તેમ જ પછી બીજા અપસેટો બાદ જર્મની, બેલ્જિયમ, સ્પેન જેવા મોટા દેશો સ્પર્ધાની બહાર થઈ ગયા એ બાદ હવે આજે ક્રોએશિયાનો બે વખત ચૅમ્પિયન બની ચૂકેલા આર્જેન્ટિના સાથે આજે મુકાબલો છે. બ્રાઝિલનો નેમાર, પોલૅન્ડનો રોબર્ટ લેવાન્ડૉવ્સ્કી અને પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ટુર્નામેન્ટની બહાર થઈ ગયા ત્યાર બાદ શું આજે મેસીનો વારો છે?
ADVERTISEMENT
બે શૂટઆઉટની જીતથી સેમીમાં
લુકા મૉડ્રિચની ક્રોએશિયાની ટીમ સાઇલન્ટ કિલર અને ડાર્ક હૉર્સ તરીકે જાણીતી છે. ગ્રુપ-સ્ટેજમાં જર્મની અને સ્પેન જેવી બળૂકી ટીમને હરાવનાર જપાનને ક્રોએશિયાએ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં હરાવ્યું અને પછી ક્વૉર્ટરમાં ક્રોએશિયાએ જપાનનો શિકાર કર્યો. જપાનને ક્રોએશિયાએ પેનલ્ટી-શૂટઆઉટમાં ૩-૧થી અને બ્રાઝિલને પેનલ્ટી-શૂટઆઉટમાં ૪-૨થી હરાવીને ખેલાડીઓ અને ખાસ કરીને એના સુપરસ્ટાર નેમારનું વર્લ્ડ કપની ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર કરી નાખ્યું હતું.
આર્જેન્ટિનાને ૮ વર્ષે ફરી મોકો
ક્રોએશિયાએ હવે મેસીને લક્ષ્યાંક બનાવ્યો છે. આર્જેન્ટિના ૧૯૮૬માં મૅરડોનાના નેતૃત્વમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું ત્યાર પછી ક્યારેય ટ્રોફી નથી જીત્યું અને મેસી અગાઉ ચાર વર્લ્ડ કપમાં રમ્યો હોવા છતાં આર્જેન્ટિનાને ટ્રોફી નથી અપાવી શક્યો એટલે આ વખતે દક્ષિણ અમેરિકાની આ ટીમ મોટી આશા સાથે કતાર આવી છે. જોકે ક્રોએશિયાને નેમાર પછી હવે મેસીનું સપનું પણ છિન્નભિન્ન કરી નાખવું છે. ૯ ડિસેમ્બરે બ્રાઝિલ હારી જતાં નેમાર ખૂબ રડ્યો હતો અને આજે મેસીનો રડવાનો વારો ન આવે એવું તેના કરોડો ચાહકો જરૂર ઇચ્છતા હશે. આર્જેન્ટિના છેલ્લે ૨૦૧૪માં ફાઇનલમાં પહોંચ્યું હતું. એમાં જર્મની સામે એનો ૦-૧થી પરાજય થયો હતો. ક્રોએશિયા સૌપ્રથમ ચૅમ્પિયનપદથી ફક્ત બે ડગલાં દૂર છે.
મેસીને બે અવૉર્ડ મળી શકે
મેસીએ આ વખતના વર્લ્ડ કપમાં ચાર ગોલ કર્યા છે. ટુર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરનાર ફ્રાન્સના કીલિયાન ઍમ્બપ્પે (પાંચ ગોલ)થી તે એક ડગલું પાછળ છે. જોકે મેસી આજે ગોલ કરશે અને આર્જેન્ટિના જીતી જતાં ફાઇનલમાં પણ ગોલ સ્કોર કરશે તો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી તરીકેનો ‘ગોલ્ડન બૂટ’ અવૉર્ડ જીતી શકશે. સ્પર્ધાના બેસ્ટ ખેલાડીને ‘ગોલ્ડન બૉલ’નો અવૉર્ડ અપાય છે અને એના પર મેસી દાવો કરી શકે એમ છે.
અમને મેસીનો કે આર્જેન્ટિનાની ટીમનો જરાય ડર નથી. એક પરિવાર જેવી એકતા જ અમને જિતાડી રહી છે. કૅપ્ટન મૉડ્રિચ તેમ જ કોવાસિચ અને બ્રોઝોવિચ એવા ખેલાડીઓ છે જેમની પાસે બૉલ પાસ કરી દઈએ એટલે જાણે બૅન્કમાંના પૈસાની સલામતી કરતાં પણ વધુ સેફ હોઈએ એવો અનુભવ થાય. તેમની સાથે રમવાથી અમારા બાકીના પ્લેયર્સ ખૂબ આસાનીથી પર્ફોર્મ કરી શકતા હોય છે. : યૉસિપ યુરાનોવિચ, (ક્રોએશિયાનો ફુટબોલર)
આ પણ વાંચો: અજબ-ગજબનાં મેસી-ફૅન, જુઓ તસવીર
5
બન્ને દેશ વચ્ચે આટલી મૅચ રમાઈ છે જેમાંથી બે આર્જેન્ટિના અને બે ક્રોએશિયા જીત્યું છે. એક મુકાબલો ડ્રૉ રહ્યો છે. મેઇન વર્લ્ડ કપમાં બન્ને દેશ પહેલી વાર સામસામે આવ્યા છે.