ફુટબૉલ-લેજન્ડે જાહેર કર્યું કે ત્રણ દિવસ પછી તે વિશ્વકપને ગુડબાય કરશે
FIFA World Cup
લિયોનેલ મેસી
ફિફા ફુટબૉલ વર્લ્ડ કપમાં લિયોનેલ મેસીના મૅજિકનો હવે ગણતરીના દિવસોમાં અંત આવી જશે. આરબ દેશ કતારના બીજા નંબરના મોટા શહેર લુસૈલમાં મંગળવારે ક્રોએશિયા સામેની રોમાંચક સેમી ફાઇનલમાં આર્જેન્ટિનાને વિજય અપાવ્યા પછી મેસીએ જાહેર કર્યું હતું કે ‘સન્ડેની ફાઇનલ તેની કરીઅરની અંતિમ વર્લ્ડ કપ મૅચ બનશે. વર્લ્ડ કપની મારી સફર રવિવારે ફાઇનલના મુકાબલા સાથે પૂરી થશે એ બદલ હું ઘણો ખુશ છું. આ વખતના વર્લ્ડ કપમાં હું શરૂઆતથી ભાવુક બનીને રમ્યો છું. આર્જેન્ટિનામાં પણ જબરદસ્ત ઉત્સાહ છે એ જાણીને પણ હું ખૂબ આનંદિત છું. આ વર્લ્ડ કપની પળોને હું ક્યારેય નહીં ભૂલી શકું.’
કતારનો નહીં, મેસીનો વર્લ્ડ કપ
ADVERTISEMENT
૩૫ વર્ષના મેસીનો આ પાંચમો અને છેલ્લો વર્લ્ડ કપ છે. તે પ્રોફેશનલ ફુટબૉલમાં પોતાની ક્લબ ટીમોને ઘણાં ટાઇટલ્સ અપાવી ચૂક્યો છે, પરંતુ એક પણ વાર આર્જેન્ટિનાને વર્લ્ડ કપમાં ચૅમ્પિયન નથી બનાવી શક્યો, પરંતુ આ છેલ્લા વર્લ્ડ કપમાં દેશને ટ્રોફી અપાવવા અગાઉ કરતાં તે વધુ મક્કમ છે. ૨૦૧૪માં બ્રાઝિલમાં વર્લ્ડ કપની ફાઇનલમાં આર્જેન્ટિનાનો જર્મની સામે પરાજય થયો હતો. કતાર વર્લ્ડ કપ ભવિષ્યમાં કદાચ મેસીના વર્લ્ડ કપ તરીકે ઓળખાશે તો નવાઈ નહીં લાગે.
૨૦૧૬માં ઇન્ટરનૅશનલ ફુટબૉલ છોડેલી
સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીએ જૂન ૨૦૧૬માં ઇન્ટરનૅશનલ ફુટબૉલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.
જોકે બે મહિના પછી તેણે નિર્ણય પાછો ખેંચ્યો હતો અને આર્જેન્ટિના વતી રમવા લાગ્યો હતો. તે પાંચ વર્લ્ડ કપમાં રમનાર છઠ્ઠો ખેલાડી છે.
બીજા પાંચ પ્લેયર્સમાં લૉથાર મૅથ્યુઝ (જર્મની), ઍન્ટોન્યો કાર્બાશલ (મેક્સિકો), ઑન્ડ્રેસ ગાડાડૉ (મેક્સિકો), રાફેલ માર્ક્વેઝ (મેક્સિકો) અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (પોર્ટુગલ).
મેસી વર્તમાન વર્લ્ડ કપમાં ફ્રાન્સના કીલિયાન ઍમ્બપ્પે સાથે ‘ગોલ્ડન બૂટ’ અવૉર્ડ જીતવા માટેની રેસમાં છે. ચાર વર્લ્ડ કપમાં ગોલ કરનાર તે આર્જેન્ટિનાનો પ્રથમ ખેલાડી છે અને વર્લ્ડ કપ ટુર્નામેન્ટ્સમાં કુલ ૧૧ ગોલ કરનારો દેશનો પ્રથમ પ્લેયર પણ બન્યો છે. મેસીએ ૨૦૦૫માં ૧૮ વર્ષની ઉંમરે આર્જેન્ટિના વતી રમવાની શરૂઆત કરી હતી અને તેણે ૧૭૨ મૅચમાં તેણે ૯૭ ગોલ કર્યા છે.
આર્જેન્ટિનામાં જીતનો જલસો
આર્જેન્ટિનાના પાટનગર બ્યુનસ આયરસમાં મંગળવારે રાતે ક્રોએશિયા સામેની સેમી ફાઇનલની દિલધડક જીતના સેલિબ્રેશન માટે હજારો લોકો રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા. તેઓ પ્રાચીન સ્મારકોની આસપાસ ભેગા થયા હતા અને કલાકો સુધી વિજયની ઉજવણી કરી હતી, જેની હેલિકૉપ્ટરમાંથી લેવામાં આવેલી તસવીરો વિશ્વભરમાં વાઇરલ થઈ છે. તસવીર એ.પી./પી.ટી.આઇ.
આર્જેન્ટિનાએ ક્રોએશિયાનો કચરો કરી નાખ્યો : ૩-૦થી હરાવ્યું
દક્ષિણ અમેરિકાના દેશ આર્જેન્ટિનાની ટીમે મંગળવારે કતાર વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ગયા વખતના રનર-અપ ક્રોએશિયાને ૩-૦થી હરાવીને ફાઇનલમાં આસાનીથી પ્રવેશ કર્યો હતો. કૅપ્ટન લિયોનેલ મેસી તથા જુલિયન અલ્વારેઝ સહિતના ખેલાડીઓના પર્ફોર્મન્સિસ અદ્ભુત હતા, પરંતુ ક્રોએશિયાએ ધારણા જેટલી લડત નહોતી આપી.
આર્જેન્ટિનાએ પ્રથમ ગોલ ૩૪મી મિનિટમાં મેસીની પેનલ્ટી કિક દ્વારા નોંધાવ્યો હતો. ક્રોએશિયાના ગોલકીપર ડૉમિનિક લિવાકોવિચના આર્જેન્ટિનાના ખેલાડી અલ્વારેઝ સાથેના ફાઉલને પગલે આર્જેન્ટિનાને આ પેનલ્ટી કિક મળી હતી. મેસીના એ ગોલ બાદ પાંચ જ મિનિટ પછી (૩૯મી મિનિટમાં) મેસીના હેડર બાદ અલ્વારેઝે લાંબા અંતરેથી દોડીને અને ક્રોએશિયાના તમામ ડિફેન્ડરોની જાળને ભેદીને બીજા સાથીઓની મદદથી અદ્ભુત ગોલ કર્યો હતો. ૬૯મી મિનિટમાં અલ્વારેઝ ફરી ત્રાટક્યો હતો અને ગોલપોસ્ટની નજીકમાં જ મેસીના પાસ બાદ તેણે ગોલકીપરને થાપ આપીને બૉલ નેટમાં મોકલી દીધો હતો. ક્રોએશિયાએ ખાસ કરીને સેકન્ડ-હાફમાં ગોલ કરવા મળેલી કેટલીક તકો ગુમાવી દીધી હતી.
આર્જેન્ટિનાના અલ્વારેઝનો અદ્ભુત વન્ડર સોલો ગોલ
આર્જેન્ટિનાના જુલિયન અલ્વારેઝે મંગળવારે ખૂબ લાંબા અંતરેથી દોડી આવીને અને ક્રોએશિયાના તમામ ડિફેન્ડરોની જાળને ભેદીને તેમ જ ગોલકીપર ડૉમિનિકના પડકારને પણ નાકામિયાબ બનાવીને ૩૯મી મિનિટમાં અદ્ભુત ગોલ કર્યો હતો.
ગોલ-સ્કોરર ઑફ ધ ડે
આર્જેન્ટિનાના જુલિયન અલ્વારેઝે એક ગોલ કર્યો ત્યાર બાદ કૅપ્ટન મેસીએ તેને ખૂબ પ્રેમથી શાબાશી આપી હતી.